ગુજરાતી નિબંધ-સંપદા/કિશનસિંહ ચાવડા/‘હિમાલયની પત્રયાત્રા’નો અંશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''‘હિમાલયની પત્રયાત્રા’નો અંશ'''}} ---- {{Poem2Open}} દસેક દિવસ પહેલાં નીલુ ભ...")
(No difference)

Revision as of 12:03, 23 June 2021

‘હિમાલયની પત્રયાત્રા’નો અંશ


દસેક દિવસ પહેલાં નીલુ ભૂરું સ્વચ્છ અકલંક આકાશ જોઈને એક પહાડીએ જંગલમાં કહ્યું કે, આકાશનું આ રૂપ બરફ પડવાની આગાહી આપે છે. કોણ માને? સોળે કળાએ સૂરજ પ્રકાશે, વાદળાંનું નામનિશાન નહિ; અને સ્વચ્છતા તો કહે હું સ્વચ્છતા જ. સૂર્યાસ્ત વખતે ચોમાસા જેવી રંગોની ઉજાણી નહિ. ચોમાસાના સૂર્યાસ્તનું ઐશ્વર્ય તો ગજબનું. એક વાદળું એક રંગને પકડે, એ જ રંગ બીજામાં, ત્રીજામાં, પાંચમામાં અને પચ્ચીસમામાં નવા રંગ પૂરતું અને વિવિધ રંગોનો ગુણાકાર કરતું ચાલ્યું જાય. સાંભળ્યું હતું કે હિમાલયમાં આંખ મીંચો ત્યાં દૃશ્યરંગ ખોવાઈ જાય અને નવો જન્મે, એને વાસ્તવિકતા ભાળી. સૂર્ય અસ્તાચળે જતો હોય ત્યારે રંગાનો તો એક દૃબદબાભર્યો દરબાર ભરાય. તેજસ્વી ને ઘેરા રંગોની બેઠક સૂર્યની આસપાસ, ભીના આછા અને મધુર રંગો બહાર બેઠા હોય; પણ વ્યક્તિત્વ એમનું નમૂનેદાર. દરેકની આકૃતિ, દરેકની પ્રકૃતિ, રંગોનું આ અદ્ભુત મિલન આખરે એક સુવર્ણ રંગમાં સમાઈ જાય. સર્યનું છેલ્લું કિરણ ખાઈમાં જંપી જાય તે પહેલાં આ સુવર્ણરંગમાંથી વાદળાંઓએ એક અપૂર્વ આકૃતિ રચી. આકૃતિ આબેહૂબ માનવપુરુષની, પણ કદ અતિમાનવનું સુવર્ણથી રસાયેલી કાંતિ. વેદના જાણે હિરણ્યગર્ભ! આ તો એક દિવસનું દૃશ્ય, દરરોજનાં લીલાવિસ્તાર અને રૂપછટા નવીન! તમે હો તો એનું સૉનેટ રચાય!

પરંતુ આ ઋતુનો સૂર્યાસ્ત પ્રમાણમાં સાદો, સુવર્ણની પ્રથમ પીળી અને પછી ધીરે ધીરે અગ્નિરંગી લાલ થતી રેખા એવી તો ઝબકે અને બીજા રંગોને એવી રસે કે આખરે સર્વરંગો માત્ર એક ઝળકતા લાલ રંગમાં સમાઈ જાય. અને આકાશને વાળીઝૂડીને પાછું સ્વચ્છ કરી દે. આવું નિર્મળ આકાશ શી રીતે બરફની આગાહી આપી શકે?

છેલ્લા અઠવાડિયાથી ઠંડીએ રૂપ બદલવા માંડ્યું હતું. એનું પાત ધીરે ધીરે પણ મક્કમતાથી પ્રગટ થતું હતું. દિવસ અને રાતની ઠંડી વચ્ચેનું અંતર સારી પેઠે ઘટી ગયું હતું. આકરી તો હતી, હવે વધુ કારમી થવા માંડી હતી. દિવસે સૂર્યનો તાપ એની શેખીને કંઈક વારતો હતો; પરંતુ રાતે તો એનો પરચો બરાબર એ બતાવતી હતી. ઘણાં ગરમ કપડાં પહેર્યાં હોય, ઘણાં ઓઢ્યાં, ઓરડામાં સઘડીનો અગ્નિ હોય, પણ તોય ઠંડી છે એવું સતત લાગ્યા જ કરે. એમ થાય કે ક્યારે સવાર થાય, સૂરજ નીકળે ને તાપમાં જઈને બેસીએ.

ત્રણેક દિવસ પછી જેરથી પૂર્વનો પવન નીકળ્યો. ચીડના વનમાંથી સુસવાટા કરતો આવે ને ખીણમાં ઊતરી જાય. વૃક્ષો ધ્રુજે, છોડ ભયથી કંપે. એની જાત એવી કાતિલ ઠંડી કે શરીરના ભાગને સ્પર્શે ત્યાંથી સોંસરો નીકળી જાય. સૂર્યના તાપને ખરે મધ્યાહ્ને પણ ગાંઠે નહિ. તાપમાં ગરમ કપડાંથી લપેટાઈને બેઠા હો તોય થથરાવે. રાતે ભયાનકતા વધારી મૂકે. સનસનાટીને એવી સરકાવ્યા કરે કે મૂંગી પડેલી પણ અકળાઈ ઊઠે. સમુદ્રગર્જના જેવી ગર્જના કરી કરીને ભયની દાંડી પીટ્યા કરે. આમાં ઊંઘ પણ ડરીને ના આવે.

બેત્રણ દિવસ એની આ કારવાઈ ચાલી. પછી ભાઈસાહેબ કંઈક હળવા થયા. પછી થંભીને જંપ્યા. એ રાતે ટાઢ અતિ આકરી થઈ ગઈ. ઊંઘમાં ધ્રૂજી જવાયું. ઊઠીને વધારે ગરમ કપડાં પહેર્યાં અને ઓઢ્યાં. નિદ્રાની સાથે ગોઠડી માંડી ત્યાં છાપરા પર વરસાદના છાંટાએ રણકાર કર્યો. પણ આ તે પાણીના છાંટા નહિ, કરા પડતા હતા. કઠોર અવાજ કરાનો હતો. સવારે તો વર્ષા બરાબર જામીને પડવા માંડી. ટાઢ તે તો કહે તમને ખાઉં કે પીઉં, થોડી થોડી વારે પાછી કરાની રમઝટ થાય અને માર્ગમાં હીરાની જેમ વીખરાઈને પાણીમાં ભળી જાય.

બપોરના ચારેક વાગ્યા હશે. વરસાદ થંભી ગયા. પવન તદ્દન પડી ગયો. વાતાવરણ સ્તબ્ધ બની ગયું. હવામાન એકદમ ઠરી જવા આવ્યું. વર્ષાને કારણે ઝાંખો થયેલો ઉજાસ કંઈ ઉજ્જ્વળ થયા. આસપાસની ગિરિમાળાઓ પણ નિઃસ્તબ્ધ બનીને જાણે થીજી ગઈ, અને આ શું? કહ્યા વિના, જરાય અણસાર વિના, અવાજ કર્યા વિના જાણે મૌન વરસતું હોય એમ બરફનાં રજકણોએ જુદાં જુદાં રૂપ અને વિવિધ આકાર ધારણ કરીને આવવા માંડ્યું. ઉજાસ ધીરે ધીરે આડો થતો ગયે. અંધકાર એટલી જ ધીરજથી ગાઢ થતો ગયો. અડધા ઉજાસમાં ને અડધા અંધકારમાં બરફની વર્ષાએ એવું કાવ્યમય રૂપ ધારણ કર્યું કે જાણે કૃષ્ણને પહેરવાનાં શ્વેત રેશમનાં પવિત્રાં ધરતી ઉપર ઊતરે છે. રાત્રિએ આવીને આ કવિતાને પોતાના પાલવમાં ઢાંકી દીધી, છતાં શ્વેત બરફથી ઢંકાયેલી ધરતી વાસ્તવિકતાની જેમ પોતાના હાસ્યના ઝબકારા કરતી રહી.

સૂતાં સૂતાં પણ એમ થાય કે ક્યારે સવાર પડે ને પાછી એ કવિતા પ્રગટ થાય. અને સવાર પડ્યું. બારી ઉઘાડીને જોયું તો કવિતાની રંગરમત ચાલુ થઈ ગઈ હતી. પણ દૃશ્ય બદલાયું હતું. ધરતી આખી શ્વેતવર્ણી બની ગઈ હતી. સામેના પહાડો શ્વેત ચાદર ઓઢીને બેઠા હતા. પૂર્વ તરફનું ચીડનું વન, જ્યાં તડકો ગળાઈને વિવિધ આકારનાં ચિત્રો ઉપસાવતો ત્યાં રૂપેરી જાજમ પથરાઈ ગઈ હતી. હેમવતીની બંને બાજુએ ચઢતા-ઊતરતા માર્ગોએ સફેદ દૂધની નદીઓનું રૂપ ધારણ કર્યું હતું. પણ નદી તો વહેતી. આ નદીઓ તો પ્રકૃતિની સાથે અંતરની ગોઠડી કરવા જાણે થંભી છે. આકાશમાંથી રૂપું વરસે છે. બરફની વર્ષા થતી હોય ત્યારે ટાઢ પણ કંઈક શરમિંદી બને છે. એને એમ લાગે છે કે એનાથી વધારે શીતળતા વરસાવનારનું રાજ્ય અત્યારે ચાલે છે. (‘હિમાલયની પત્રયાત્રા’, ૧૯૬૪)