સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અવનીન્દ્રકુમાર વિદ્યાલંકર/કોની છાતી નહીં ફૂલે?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આજથી વીસ-પચીસ વરસ પછી આ દેશના રંગમંચ પર જે લોકો આવશે, જે લો...")
 
(No difference)

Latest revision as of 07:00, 25 May 2021

          આજથી વીસ-પચીસ વરસ પછી આ દેશના રંગમંચ પર જે લોકો આવશે, જે લોકો સંસદને માટે સંઘર્ષ કરશે, કળ-કારખાનાં ચલાવશે, રેલ-તાર-ટપાલ અને વિમાનોનું સંચાલન કરશે, દેશના રક્ષણની જવાબદારી લેશે, એ કેવા હશે? શું એ આજના કરતાં જુદા હશે? સ્વાભિમાની, આત્મવિશ્વાસી, ઈમાનદાર અને પોતાના પરિશ્રમના બળ વડે દુનિયાને જીતવાની મહત્ત્વાકાંક્ષા રાખવાવાળા હશે? ..... જવાબ મળે છે — હા, હશે! રસ્તાઓ પર અને ગલીઓમાં નાના નાના છોકરાઓ પોતાની શક્તિની ઉપરવટ બોજો ઉઠાવી, ખભે લટકાવીને ઘૂમતા ફરે છે અને સાદ પાડે છે : “બૂટ પૉલિશ! બૂટ પૉલિશ!” આ એ છોકરાઓ છે કે જેમને કોઈ વરંડા કે ખૂણામાં પણ બેસવાની જગા નથી મળતી. ગરમી, ટાઢ કે વરસાદની પરવા ન કરતાં એ બાળકો પોતાના ગ્રાહક શોધે છે ને ઘેર ઘેર જઈ પાલીસ કરે છે. ફાટી-તૂટી કામળીનો કટકો લપેટીને એ સાદ પાડતા ફરે છે : “બાબુજી, બૂટપાલીસ વાલા!” હજી તો પરોઢનાં કિરણો પણ ફૂટયાં નથી હોતાં. બાબુજી રજાઈમાં પડ્યા હોય છે, બેફિકર સૂતેલા હોય છે કે પછી પથારીમાં જ ‘બેડ-ટી’ની પ્રતીક્ષા કરી રહ્યા હોય છે. આ અવાજ સાંભળીને અનેકને ખીજ ચડે છે.... હત્તારીની, છોકરાએ અત્યારમાં ઊંઘ ખરાબ કરી નાખી! કોણ જાણે ક્યાંથી આવીને મરે છે!... જરાક ચેતન આવતાં એ વિચારે છે : ઠીક થયું, મહેનત બચી, નહીંતર સવારના પહોરમાં ઊઠતાંવેંત જોડાને પાલીસ કરવું પડત... એક સમજદાર સજ્જને છોકરાને બોલાવી લીધો. છોકરો ખટાખટ દાદરા ચઢતો દરવાજા પર આવીને ઊભો. પલંગ નીચેથી બૂટ કાઢવાનો ઇશારો કરતાં એ બાળકને પૂછ્યું : “તુમ પાલીસ કર સકોગે?” પાંચ-છ વરસનો છોકરો નઃશંક બોલ્યો : “હાં સાહબ! ઐસા ચમકા દૂંગા — યદિ પસંદ ન આયે તો આપ પૈસે ન દેના.” હવે તો કોઈ બહાનું પણ કઢાય તેમ નહોતું! સજ્જને કાળજું કઠણ કરીને જોડા પાલીસ કરવા માટે આપી દીધા. છોકરો બેસી ગયો અને પોતાનું કામ ધ્યાન દઈને કરવા માંડયો. જોડા ચમકવા લાગ્યા.... છોકરો રોજ આવવા લાગ્યો, પાલીસ કરવા લાગ્યો. સજ્જન હવે બારણું ઉઘાડું જ રાખતા. છોકરો સવારોસવાર આવતો, જોડાને પાલીસ કરતો, પલંગના ખૂણામાં રાખેલા મજૂરીના પૈસા લઈને, જેમ ચુપચાપ દબાતે પગલે આવતો તે જ રીતે, દબાતે પગલે ચુપચાપ ચાલ્યો જતો. છોકરો કર્તવ્યપરાયણ છે, મહેનતુ છે, સમયપાલન કરનારો છે, એ જોઈને સજ્જન બહુ પ્રસન્ન થયા. પરંતુ હજી એક કસોટી બાકી હતી : છોકરો ઈમાનદાર પણ છે કે નહિ, તે જોવાનું હતું. આ કસોટીને માટે એક વાર સજ્જને પાલીસની ઠરાવેલી મજૂરીના કરતાં વધારે પૈસા રોજની જગાએ મૂકી રાખ્યા. રોજની જેમ તે દિવસે પણ છોકરો આવ્યો. જોડાને પાલીસ કર્યા, અને પોતાની મજૂરી જેટલા પૈસા લઈને ચુપચાપ ચાલ્યો ગયો. સજ્જન ઊઠ્યા ત્યારે એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે એ બાળકે પોતાની રોજની બાંધેલી મજૂરીના કરતાં વધુ એક પૈસો પણ નહોતો લીધો. એ રાજી રાજી થઈ ગયા. દેશમાં ઈમાનદાર, મહેનતુ અને સમયપાલન કરનારાં બાળકો પેદા થઈ રહ્યાં છે, તેની એમને પાકી ખાતરી થઈ ગઈ. હકીકતમાં તો, એ વાત આશ્ચર્યની હતી કે જ્યારે “વનસ્પતિ” પણ નકલી “વનસ્પતિ” મળે છે, કાળાં મરીની જગાએ પોપૈયાનાં બિયાં મળે છે, ચાની ભૂકીની જગાએ લાકડાનો રંગીન છોલ અને ભૂકો મળે છે, ખાંડની જગાએ રાસાયણિક ખાતર અને હળદરની જગાએ પીળી માટી મળે છે, ત્યારે એક છોકરો — જેની પાસે ટાઢથી બચવા માટે ગરમ કપડું નથી, વરસાદનાં ઝાપટાં સામે રક્ષણ કરવા માટે છત્રી નથી, એવો છોકરો — પોતાની મજૂરી કરતાં એક પણ વધારાનો પૈસો લેવો તે પાપ માને છે. સજ્જને દિવાળીને દિવસે એને બોણી આપવાનું વિચાર્યું. એ અંદર ગયા, પાકીટ લાવ્યા અને રૂપિયાની નવી નોટ કાઢીને એમણે છોકરાની તરફ લંબાવી. બાળકની આંખો ચમકી ઊઠી; તે બોલ્યો : “બાબુજી, આજ યહ ક્યા?” “યહ તુમ્હારા ઇનામ હૈ.” છોકરો તરત બોલી ઊઠયો : “બાબુજી, યહ મૈં નહિ લે સકતા.” પછી પોતાનાં નાજુક બાવડાં લંબાવતાં બોલ્યો : “બાબુજી, મુઝે અપની મેહનત પર ભરોસા હૈ. જો ઈનસે પ્રાપ્ત નહીં હો સકતા, વહ કભી નહિ લે સકતા.” એટલું કહીને બાળક ચાલ્યો ગયો.... એક દિવસ એ પોતાના નાના ભાઈને પણ સાથે લાવ્યો. પૂછ્યું : “ક્યા ઈસકો અભી સે અપના કામ સિખા કર તૈયાર કર રહે હો?” છોકરાએ જવાબ દીધો : “નહિ, બાબુજી, ઈસકો તો પઢાઉંગા! યહ સ્કૂલ જાયા કરેગા.” ....... છ વરસ વીતી ગયાં. છોકરો અગિયાર વરસનો થઈ ગયો. હવે એ સાઇકલની મરામત કરતાં શીખે છે. જોડાને પાલીસ કરવાનું કામ પૂરું કરીને બરાબર પોણા નવ વાગ્યે એ સાઇકલવાળાની દુકાને પહોંચી જાય છે. મન પરોવીને કામ કરે છે, અને નવું જ્ઞાન મેળવવા માટે પૂરી મહેનત કરે છે. એ છોકરાના કામકાજથી દુકાનના બધા લોકોને રાજીપો છે. આ છે — સ્વાધીન ભારતનો મહેનતુ, કર્તવ્યપરાયણ અને ઈમાનદાર બાળક. એને જોઈને કોની છાતી નહિ ફૂલે?