ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/‘પુષ્ટિપથરહસ્ય’: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘પુષ્ટિપથરહસ્ય’'''</span> : દુહા, કવિત અને રસાવલા (રોળા) છંદની ૧૮૨/૧૮૩ કડીની દયારામની આ રચના(મુ.) પુષ્ટિસંપ્રદાયની વિચારણાનુસાર વલ્લભાચાર્ય તથા તેમના કુળસમગ્રની સ...") |
(No difference)
|
Revision as of 12:01, 31 August 2022
‘પુષ્ટિપથરહસ્ય’ : દુહા, કવિત અને રસાવલા (રોળા) છંદની ૧૮૨/૧૮૩ કડીની દયારામની આ રચના(મુ.) પુષ્ટિસંપ્રદાયની વિચારણાનુસાર વલ્લભાચાર્ય તથા તેમના કુળસમગ્રની સેવાપૂજાનું મહિમાગાન કરે છે. શ્રીકૃષ્ણ અને વલ્લભ-વિઠ્ઠલ વસ્તુત: એક જ છે, છતાં ગુરુનો પ્રતાપ શ્રીકૃષ્ણ કરતાં અધિક છે. એનું કારણ આપતાં કવિ કહે છે કે ગોવિંદનું દર્શન તો પુનિત જનને જ થાય, જ્યારે ગુરુનાં દર્શન તો પાપીને પણ થાય છે. વળી, સ્વામિની રાધાના અંશ રૂપ પુરુષદેહધારી વલ્લભની સિફારસથી દીન ભક્તનું પ્રભુને પ્રસન્ન કરવાનું કાર્ય સિદ્ધ થાય છે. મહાપ્રભુ વલ્લભાચાર્યનો મહિમા કવિ ત્યાં સુધી કરે છે એ એક મુખમંડલ છે, જેમાં મુખને સ્થાને શ્રીજી(શ્રીકૃષ્ણ) છે, દૃગને સ્થાને સ્વામિની છે ને નાસિકાને સ્થાને ગોસાંઈ (વિઠ્ઠલનાથ) છે. કૃતિમાં પૌરાણિક ને ઔપમ્યમૂલક દૃષ્ટાંતોનો વિનિયોગ થયેલો છે ને કવચિત્ શબ્દચાતુર્યનો આશ્રય પણ લેવાયો છે. જેમ કે, કવિ કહે છે કે ‘વૈષ્ણવ’ શબ્દમાં ૨ ‘વ’ દ્વારા વલ્લભ અને વિઠ્ઠલનો તો ‘ષ્ણુ’ દ્વારા કૃષ્ણનો સમાવેશ થયો છે. કૃતિમાં વ્રજભાષાનાં ઉધ્ધરણો છે ને કવિએ રચેલાં ૫ સંસ્કૃત શ્લોકો પણ છે.[સુ.દ.]