ગુજરાતી નિબંધ-સંપદા/મહેન્દ્રસિંહ પરમાર/ભાત ભાત કે લોગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''ભાત ભાત કે લોગ'''}} ---- {{Poem2Open}} પ્રિય… ‘મારા’ ખોડિયાર મંદિરની કેટલી...")
(No difference)

Revision as of 08:42, 24 June 2021

ભાત ભાત કે લોગ


પ્રિય…

‘મારા’ ખોડિયાર મંદિરની કેટલી કથા તમને કહી! હવે તો ‘રખડુ’ને બદલે ‘નિવાસી’ કહેવું પડે તેવી સ્થિતિ છે! આ ચેકડેમ, એની છલકાતી મલકાતી — પાણીથી ઊભરાતી સભરતા, એમાં તરતી બતકો, પેલિકન, સ્ટોર્ક, એની ઉપરના તાર ઉપર બેસી-બેસી ઊડી જતી પંખીસૃષ્ટિ, એ કલકલિયા… એ અબાબીલ-પતરંગા… અહીંની સવાર, બપોર, સાંજ, ચાંદનીમઢી અને અંધારઘેરી રાતો… મંદિર… એની અર્ધવળાંકી-બલખાતી-પાળી… મંદિરની ફરુકતી ધજા… પીળકના ટહુકા, ખેરખટ્ટાના ખખરાટા… ચિબરી-ઘુવડના બિહામણા અવાજો… શક્કરખોરા-દરજીડા-કોશીની ચંચળ ઊડાઊડ, માખી-ભમરાના સંગાથ… સાપ-નોળિયાની પકડમપકડી, ખાલી ખખડતા ચેકડેમમાં આથડતાં નીલગાયોનાં ટોળાં… મોડી-આથમતી સાંજે ક્યારેક ભેટી જતું બિહામણું ઝરખ!… કેટલાંયની વાતો તમને કરી. તોય હજી ઘણું રહી ગયું! કેટલાંય હજી રાહ જોઈને બેઠાં છે : ‘અમારી વાત નહીં કર?’ અહીં મંદિર સુધી લઈ આવનારા રસ્તાની કથાય હજી ક્યાં કરી છે? પણ, એમ તો અહીં આ એકાકી મંદિરે આવતાં લોકોની વાત પણ માંડવા જેવી છે. આજે એની જ થોડી વાતો કરું.

પડખેની વાડીવાળા કરસનભાઈ બહુ બોલકા. હું કાંઈ લખવા-વાંચવાનું લઈને ‘સંકલપ’ સાથે આવ્યો હોઉં ને કરશનભાઈ આવી ચડે તો… જે ખોડિયાર! વાતોનાં ગાડાં હોય એમની પાસે. દેખાય મેલા-ઘેલા, પણ લક્ષ્મીજીની કૃપા ઘણી. ‘માસ્તર, કેમ હાલે છે!’ — એવું પૂછે ખરા, પછી આપણે ‘કેમ હાલે છે’-નો જવાબ દેવાનો જ ન હોય! એમને કેમ હાલે છે એની અપરંપાર ‘કથાયું’ હોય. આ વર્ષે દક્ષિણભારતની ‘જાતરા’ કરી આવ્યા. ઈ, ને એમના ‘ઘરેથી’. કોળિયાકથી યાત્રાપ્રવાસની બસમાં નામ નોંધાવી દીધેલું. માથાદીઠ સોળ હજાર રૂપિયામાં. તિરુપતિ બાલાજી, રામેશ્વર… ચોસઠ તીરથ… પૂજારીબાપુ ઘણીવાર ટોકે: ‘સાબને ઈમનું કામ કરવા દે હાળા નવર્યા!’ દાંત કાઢી જતા રહે. ‘હારુ માસ્તર, તમતમારે વાંસો!’ ફરી આવશે ને ‘મા’રાજ’ નં’ઈ હોય તંયે વળી પાંસઠ તીરથની જાતરા કરાવશે! એમના મોટાભાઈ, ધનુભાઈ. દૂબળો-પાતળો માણસ. કાળો વાન. મોઢા ઉપર, ખાલી ચેકડેમમાં ઊપસી હોય એવી કરચલીઓ. આઘેથી અવાજ આવે: ‘સીત્તા… રામ… ભ…ગ…ત!’–એટલે સમજવાનું, ધનુભાઈ પધાર્યા!

કપાહ-ડુંગળી ને જમીનના વધતા ભાવ, સીમશેઢાના ઝઘડા ને મંદિરના પૂજારીઓના ‘ઇતિહાસ’ એમની જીભના ટેરવે રમતા હોય. પૂજારી સમયસર આવે નહીં તો કોઈ મલ્ટિનૅશનલ કંપનીના માલિકની જેમ કકળાટ કરે! ‘હવે મંદિરે આરતી નથ્ થતી.’ એની પીડા હોય ધનુભાઈને. નાનો ભાઈ જાતરા કરી આવ્યો એની થોડી ઈર્ષ્યા પણ ડોકાય! ‘આપડે તો સાયુબ, અઠે દ્વારકા હોં! ઈ આઘેઆઘેની જાતરા આપણને નોં પોહાય! મા આંઈ હાઝરાહઝૂર સે પસી આઘેઆઘેની ઝાતરાયે હું ઝાવું? ખોટા બથોડા ભરવા?’ આવું આશ્વાસન જાતે રચી લીધેલું હોય.

છનુભા. એમની બે-ત્રણ વાડી આજુબાજુમાં. અક્કલકકડિયો જીવ. આસપાસના બાવળિયા કપાવી રોકડી કરી લે. ‘પલોટ’ ને ખેતરની લે-વેચમાં પાવરધા. ગામમાં પાછા જવાનું હોય તો ‘માસ્તર’નું હોન્ડા નીકળે એની રાહ જોતા હોય. ‘હાલો માસ્તર જાવું છે ને?’ હું બેસાડી દઉં. રસ્તામાં રામાપીરના મંદિર પાસે એક ડોશી ભીખવા બેઠી હોય. હું નીકળું કે કોઈ પણ નીકળે, હાથ લાંબા કરે. છનુભાને પૂછેલું : ‘આ ડોશી રોજ આંઈ કેમ બેઠી રહે છે?’ ‘સાહેબ, મહાપોંચેલી છે આ ડોશી. વ્યાજવટાનો ધંધો છે એનો. દેવીપૂજક છે. બપોર સુધી પૈસા માંગે ને સાંજ પછી ધીરધારનો ધંધો કરે. ભરવાડનાં ઘેટાં-બકરાંમાંથી એકાદું ઉઠાવી લ્યે ને કસાઈવાડે વેચી આવે! ઈ માંયલી છે આ પ્રજા! એને પાંચિયુંય કોઈ દિ’ દેતા નંય!’ — છનુભા હવે નથી. ડોશી રોજ બેઠી હોય છે.

ભાવનગરથી બાબ્ભાઈ સાઇકલ લઈને અઠવાડિયામાં ચાર દિવસ આવે. ટાઢ, તડકો, વરસાદ… કોઈ પણ ઋતુ હોય, એમનો અફર નિયમ. વચ્ચે ઍપેન્ડિક્સનું ઑપરેશન કરાવ્યું ત્યારે ગાળો પડી ગયેલો પણ હવે પાછા નિયમિત ચાર વાગે આવે. સાડાચારે પાછા. આવીને પરસેવો લૂછી દર્શન કરવાનાં. પ્રદક્ષિણા ફરવાના. જારનું તગારું ભરી ફળિયામાં નાખવાના, ચા બનાવવાના. રકાબી-તપેલી ઊટકી, ઊંધા વાળી, એક બીડી સળગાવી પાછા નીકળે! એમના ઘરેથી’ને એમનો મોટો દીકરો દર રવિવારે આવે. માતાજીનાં વસ્ત્રો અને શણગાર બદલવાનું કામ બાબ્ભૈનાં વહુનું. છોકરો અલંગનું કામ કરે છે. મા’રાજે લીમડો કપાવ્યો હોય તો ‘ચિરંજીવી’ ખખડાવી નાખે : ‘કોને પૂછીને કપાવ્યો લીમડો?’ મંદિરના પરિસરનો સુવાંગ ‘કન્ટ્રાટ’ જાણે એનો! એની નાનકડી છોડી એટલી ઘડીમાં મંદિરમાં રમાચક્કડી બોલાવે! દાદીમાનું કામ પૂરું થાય એટલે કિક મારી, થાય ચાલતા!

એક દિવસ, એક અત્યંત વિચિત્ર પ્રાણી, મંદિરના વળાંકવાળા પાળે હું બેઠો’તો ત્યાં આવીને બેઠું! હું ‘સત્યના પ્રયોગો’ વાંચતો’તો. મને એમ કે વાંચવામાં ધ્યાન પરોવી રાખીશ એટલે આફુડો ચાલતો થશે. સાવ સળેકડું શરીર. આંખોમાં નકરા ચીપડા. મોઢામાં લીમડાનું દાતણ. મારી સામે ટગર-ટગર જોયા કરે. સામે ફૂલસરિયા હનુમાનનું મંદિર છે. પોતે ત્યાંથી દર્શન કરી અહીં મને ‘આપવા’ — પ્રગટ થયેલા! થયું, ‘સત્યના પ્રયોગો’ હવે એક કોર મૂકવા પડશે! (‘કેટલા હઠીલા છે, જીવલેણ રોગો પણ; કામમાં ન આવે કંઈ, ‘સત્યના પ્રયોગો’ પણ’!) ચોપડી બંધ કરી ત્યાં તો પોતે વદ્યાઃ ‘મારા જોગી કોઈ બાઈ હોય તો ગોતી દ્યો ને! પણવું છે! ગમ્મે એવી હાલશે! ઘરઘણુંય હાલે! કોઈ દેતું નથ! કાંઈ કરતો નથ પણ બાઈ મળે તો કાંક કરું!’… આ ભિયા!… આના સારુ પરમેશ્વરે કોઈ ઘડી રાખી હશે? ને હું એને ક્યાંથી ‘ગોતી’ દઉં? ઘડીક થાય ને એનાં પીળાપચરક દાંતસોતું ખડખડ હસે. એક વાક્ય બોલે ને પાછો ખિખિયાટા કરે! આ ફટકી ગયેલી ખોપરી પછી ક્યારેય દેખાણી નથી. એને એના જોગું મળી ગયું હશે? કોણ જાણે!

એમ તો અહીં ઊડાઊડ કરતી પંખીટોળીની હરીફાઈમાં ઊતરવું હોય એમ ક્યારેક પ્રેમીપંખીડાં પણ આવી ચડે. ત્યાં દૂર, હવે બચેલા એક જ બાંકડે એક યુગલ રોજ આવીને બેઠું હોય. પૂજારીએ ચેતવેલા : ‘આંઈ માની મરજાદ રાખજ્યો. સખણીના બેહવું હોય તો શાંતિથી બેહજ્યો, બાકી થાજો વેતીના!’ હું ત્રાંસી આંખે ‘ધ્યાન’ રાખું… કાંઈ ‘મરજાદ’ લોપે છે?! છાની-ઝીણી કોણ જાણે શુંય વાતો કરતાં હોય! બાપુ ક્યે: ‘છોડી ભામણની છે. છોકરો પટેલનો! પરીક્ષા ચાલતી હતી તે વેળા સ્ક્વૉડમાં જવાનું થયું. એક ક્લાસમાં આ ‘છોડી’ પરીક્ષા આપે! અમારી નજર મળી ને શરમાઈ ગઈ. નીચું ઘાલીને ઝડપભેર લખવા માંડી! બાંકડે કરેલી વાતો પેપરમાં લખતી હશે કે?

બાકી, વેળાકવેળા એકાંતની શોધમાં અહીં સુધી પહોંચી જતાં યુગલો ભટકાય. બધાં કાંઈ ‘હૃદયના શુદ્ધ પ્રેમી’ ન હોય! ડેમને સામે કાંઠે બાઇક પાર્ક કરી બેઠાં હોય. ક્યારેક કોઈ માલેતુજારની બંધ ગાડીમાં શરીરના રાગ ઊજવાતા હોય! મંદિરના આશરે આવતા ભરવાડ ભાયું તગેડે. ક્યારેક બોલાચાલી પણ થાય. આ ભરવાડ ભાયુંની વાતું તો વળી ક્યારેક થાય તો કરીશ.

પણ એક હરદેવભાઈ આવે બુધેલથી. નક્કી નહીં. મહિને — બે મહિને આવી જાય. ફૂલસરિયા હનુમાન પગે લાગી અહીં આવે. લગભગ ભણ્યા નથી. પણ નથી ભણ્યા એમ કોઈને ન કહી શકે એવું એમનું તળપદું ડહાપણ. દેખાય ઓછાબોલા. પણ ખૂલે તો પછી ખીલે! ગિનાનની વાતું એવી તો માંડે! એમાં ભક્તિરસ અને અદ્ભુતરસનાં ઝરણાં વહે! સ્થાનિક સંતો-મહાત્માઓ, કબીર, મીરાં, ગંગાસતી, જેસલ-તોરલ… અઢળક અને અણથક વાતો ચાલે. હું મોઢું ફાડીને સાંભળતો રહું! એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી… કથા કહેવાની એમની શૈલી અને એમનો અવાજ એટલાં મોહક. લોકકથા કોને કહેવાય એવું ‘ચોપડીમાં’… ભણવાનું આવે. એનો પ્રત્યક્ષ દાખલો વિદ્યાર્થીઓને મળે તો? હરદેવભાઈને સમજાવ્યા. એક શનિવારે એમને ગામ જઈને તેડી આવ્યો. સહેજ પણ સભાન થયા વગર સ્વાભાવિક રીતે, મંદિરે જેમ વાત માંડે એમ જ છોકરાઓ પાસે એમણે લોકકથા કહી. મંદિરની દુનિયા વર્ગખંડમાં પહોંચી!

હમણાં છેલ્લે મંદિરે લગભગ વરસદિવસના ગાળે મળી ગયા. ક્યાંય સુધી મૂંગા બેઠા રહ્યા. પછી અચાનક ઊઘડ્યા. એ કથા! તમને કહું : ‘સીધર (સિદસર) ગામમાં એક ભાઈ ર્‌યે. એને ગિનાનની ને ડહાપણની વાત્યું હાંભળવાનું બઉ ગમે. પણ ગામમાં એવી વાત્યું કે’નારું કોઈ નો મળે! જેને જુઓ ઈ રૂપિયા-પૈસામાં પડેલા હોય. ન્યાં એના હાંભળવામાં આવ્યું કે માલણકા ગામમાં એવો એક વાતડાયો જણ સે ખરો. એટલે આ સીધસરવાળો તો થ્યો હાલતો. માલણકા જવા. હવે… આ બાજુ માલણકા ગામના વાતડાયા જણને તપલીક ઈ, કે એના ગામમાં એની આવી વાત્યું હાંભળવાનો કોઈને ટેમ નહીં! આ બસારો મનમાં ને મનમાં મૂંઝાય કે હાંભળનારું કોઈ નથ! ન્યાં એને હમાચાર મળ્યા કે સીધસરમાં એવો એક આદમીન સે જેને આવું હાંભળવાનો બવ રસ સે. તે ઈય થ્યો હાલતો માલણકે! આ બાજુથી સીધરવાળો… ને… આ કોર્યથી માલણકાવાળો! હવે ઈ બેય થઈ ગ્યા બુધેલની સીમમાં ભેગા! એકબીજાને પૂસપરસ કરી. તો આ તો ભાઈ જામી! જેને ગોતવા નીકળેલા ઈ દ ભેળાં મળી ગ્યાં! તે… ઈ તો એમણે ન્યાં જ ધામા નાખ્યા હો! ઈ તો વાતુંયે લાય્‌ગા! રસ્તે નીકળનારા જોયે રાખે. માળા! કેવા વાતુંએ ચોંટ્યાસ! હાંજે ખેડુ બધા સીમમાંથી પાસા વળ્યા ત્યારેય આ બેયની વાતું હાલતીથી. બીજે દિ’ હવારે ખેડુ જોવે સે તો આ બેય તો રમમાણ સે! બપોર, હાંજ, રાત, પાસી હવાર, પાસી હાંજ, ત્રીજે દિ’ હવારમાંય આમની તો વાતું હાલે! ભૂખ્યા, તરસ્યા બસ વાત્યું વાત્યું ને વાત્યું! કોઈ બોલાવે તો જવાબ નો દયે!

તે… એમ ભૂખ્યા ને તરસ્યા વાતું કરતાં કરતાં બેય ઢળી પડ્યા! મરી ગ્યા બેય! આજુબાજુના ખેડુઓ ભેગા થ્યા ને બેયને એક ચિતા ખડકીને અગ્નિદેન દઈ દીધા! (હું સ્તબ્ધ બનીને સાંભળતો રહું છું. આમાંથી એક વાર્તા લખવાના પ્લોટ શોધું છું ત્યાં હરદેવભાઈની કથાનો ‘પંચ’ આવે છે!) પસી તો સાય્‌બ, આંયા ગામમાં ગોતાગોત હાલી! આમાં સીધરવાળાની વહુ ગોતે, ત્યાં માલણકાવાળાની… ન્યાં કો’કે કીધું કે સીધરવાળો માલણકાના રસ્તે ભાળ્યો’તો, ન્યાં માલણકામાં ખબર પડી કે ઈ તો સીધરના રસ્તે જાતો’તો. બેયની ઘરવાળીયું બુધેલના સીમાડે ભેગી થઈ ગઈ! ન્યાં હમાસાર મળ્યા કે ઈ બેય વાતભૂખ્યા તો વાતું કરતાં કરતાં ઢળી ગ્યા! આ એની ચિતા. બેયની ઘરુણી ક્યે હવે જે થાવાકાળ હતું ઈ થઈ ગ્યું! પણ અમારે એમનાં અસ્થિ વીણવાસ! ઓલ્યા ક્યે : પણ ઈ બેયને ભેગા બાળ્યાસ તે ક્યાં અસ્થિ કોનાં… ઈ કેમ ખબર પડશે? માલણકાવાળી બાઈ કયે ઈ તો અમે ગોતી લેશું! અસ્થિ વીણી લીધાં બેય જણીયુંએ. ઓલ્યા ખેડુને નવાઈ લાગી! હાડકાં ઉપરથી તમારા ધણીને કેવી રીતે ઓળખ્યા? તંયે માલણકાવાળી બોલી : ‘મારા ધણીને એવી વાતું કરતાં આવડતી કે સામલા માણહનાં હાડકાં વીંધી નાખતી. કલેજા વીંધી નાખતી. એટલે જે વીંધાયેલાં હાડકાં હોય ઈ આ સીદસરવાળીનાં. ને વીંધાયા વગરનાં હોય ઈ મારા ધણીનાં!’

હરદેવભાઈએ વાત પૂરી કરી ત્યારે હું સડક થઈ ગયેલો! ‘કલેજા કટારી રે, રુદિયામાં કટારી રે, માડી મારા માવે મને મારી’ — એવું ભજનમાં સાંભળેલું. પેલાં બેય જણાએ ભૂખ્યા-તરસ્યા જે વાતો કરી તે કઈ? એ અવકાશ હરદેવભાઈએ મારા માટે છોડ્યો!

મંદિરે બેઠાં-બેઠાં ઝીલેલી આવી કથાઓનાં છૂટાં છૂટાં તીર તમારા ભણી રવાના કરતો હતો તે આ હરદેવભાઈની કથાથી પૂરાં કરું. કથાનાં બેય વાતરસિયા જેવી સ્થિતિ આપણીય કો’ક દિ’ થાય તો?

લ્યો ત્યારે, જય ખોડિયાર મા!