ગુજરાતી નિબંધ-સંપદા/વિનેશ અંતાણી/સત્તાવીસ ઘર અને હું: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''સત્તાવીસ ઘર અને હું'''}} ---- {{Poem2Open}} નાનપણથી અત્યાર સુધી હું જુદાં જુ...") |
(No difference)
|
Revision as of 09:43, 24 June 2021
સત્તાવીસ ઘર અને હું
નાનપણથી અત્યાર સુધી હું જુદાં જુદાં સત્તાવીસ ઘરમાં રહ્યો છું. જુદાં જુદાં સ્થળે અને જુદી જુદી પરિસ્થિતિમાં. કુમળો અવાજ પુરુષના અવાજ જેવો કઠોર બનતો ગયો છે, વાળ હોળવાની રીત બદલાઈ છે. હું જેમની સાથે રહેતો તે વ્યક્તિઓ પણ બદલાતી રહી છે. જૂની વ્યક્તિઓએ વિદાય લીધી છે અને નવી આવી ગઈ છે. સંવેદનો બદલાયાં છે. દરેક ઘરમાં મળેલા આનંદ જુદા છે અને પીડા જુદી છે. દરેક ઘરની સવાર, ત્યાં ઢળેલી રાતો, ગંધ, અજવાળું, અંધારું, પડછાયા અને અવાજો જુદાં છે. એ બધાં જ ઘરોમાં મેં અનુભવેલી એકલતાનાં સ્વરૂપ પણ અલગ છે. હું મને મારા દરેક ઘરમાં છોડતો આવ્યો છું. છતાં તે વખતનો હું હજી મારાં એ બધાં ઘરમાં વસું છું.
એ ઘર હતું, જેમાં હું પહેલી વાર ચાલતો અને બોલતો થયો હતો. એક ઘરમાં પાટીમાં પહેલો અક્ષર પાડ્યો હતો. એક ઘરમાં મેં પહેલી વાર દાઢી કરી હતી. એક ઘર હતું, જેમાં મને છોકરીઓની ગંધ આવવાની શરૂઆત થઈ હતી. એક ઘરમાં મને મળેલો પ્રથમ પ્રેમપત્ર ક્યાં સંતાડવો તેની મૂંઝવણ થઈ હતી. મારા સૂવાના રૂમમાં પ્રથમ વાર કોઈ સ્ત્રીનાં વસ્ત્રોનો સળવળાટ સંભળાયો હતો. એ જ ઘરમાં મારું પ્રથમ સંતાન જન્મ્યું હતું અને એ જ ઘરમાંથી મારા પિતાજીએ વિદાય લીધી હતી. ફાનસની જગ્યાએ વીજળીના દીવા થયા હતા. એક પતરાના ધાબાવાળું ઘર હતું અને હું એમાં ઉનાળાના સખત તાપમાં ધખતો રહ્યો હતો. અમે પહેલી વાર ઘરનું ઘર ખરીદ્યું ત્યારે અમારા ગજવામાં ફૂટી કોડીય નહોતી. એક ઘરની બહાર મારી સુરક્ષા માટે તહેનાત સંત્રીઓ ખડેપગે ઊભા રહેતા હતા. એક ઘરમાં લાકડાનાં પાર્ટિશન નાખીને ખંડ પાડ્યા હતા, એક ઘરમાં ઉપરનીચે નવ પાકા કમરા છે.
બધાં જ ઘરના સરનામે મારી ટપાલ આવી છે, મિત્રો અને પરિવારજનો મળવા આવ્યાં છે. મને વહેમ છે કે એમાંનાં ઘણાં સરનામે હજી પણ મારી ટપાલ આવતી હશે, માત્ર હવે ત્યાં રહેનાર મારી ટપાલ ખોલ્યા વિના ફાડી નાખતાં હશે. એટલું બધું બદલાતું રહ્યું છે કે કશુંય ‘રિ-ડાઇરેક્ટ’ કરાવવાની શક્યતા રહી નથી. કેટલાય ટપાલી, ધોબી, છાપાંવાળા, કામવાળી, પડોશી, પાનવાળા, કરિયાણાવાળા, ભીંત પર ચીપકેલી ગરોળીઓ અને ઘરના ખૂણામાંથી સંભળાતા કંસારીના કણસાટ, કેટલી બધી ગલીઓ, કેટલાય વળાંક, કેટલીય ભરપૂર રાતો અને કેટલીય સૂની-ભેંકાર ઘડીઓ, દરેક ઘરનો ભેજ.
અમે દરેક ઘર છોડતી વખતે નકામી થઈ ગયેલી ચીજોને ત્યાં જ છોડી દીધી છે. નવા ઘરમાં પ્રવેશતાંની સાથે બીજા લોકોએ છોડી દીધેલી ચીજો ઉસરડી છે. ત્યાં પડી રહેલા ઘસાયેલા ઝાડુથી ઘરને નવેસરથી સાફ કર્યું છે. નવા ઘરમાં આવ્યા પછી થોડા દિવસ એમાં અગાઉ રહી ગયેલી વ્યક્તિઓના શ્વાસોચ્છ્વાસના ભણકારા વાગતા. પછી એમના જીવવાની ઉપર અમારું જીવવું ગોઠવાતું જતું. એ ઘર અમને પણ ઓળખવા માંડતું અને છતાં, જાણે એ સતત થડકા સાથે જીવતું હોય એવું લાગતું – અમે પણ એને કોઈક ઘડીએ એકલું છોડીને ચાલ્યા જઈશું. હવે સમજાય છે, દરેક ઘરને પોતાના ડર હોય છે. પોતાની આશંકાઓ હોય છે અને પોતાનો પ્રેમ હોય છે. ઘર તમને કશું કહેશે નહીં, એ તો બોલે પણ નહીં, છતાં આપણે એને સાંભળવાનું હોય છે – એના નિસાસા, એનાં સ્મિત, એના ઉચ્છ્વાસો અને એની ખામોશીમાં છુપાયેલાં કેટલાંય રહસ્યો. એનું ભરેલું હોવું અને એનું ખાલી હોવું. આપણે કોઈ ઘરના સાક્ષી બની શકતા નથી, માત્ર ઘર જ આપણા હોવાપણાના એક ટુકડાનું સાક્ષી બનીને મૂંગું ઊભું રહે છે.
મેં કેટલાં બધાં ઘરોનાં બારણાં ઉઘાડ્યાં છે અને વાસ્યાં છે. થોડા સમય માટે બહાર ગયો હોઉં તો જાણે ઘરને ખબર રહેતી કે હું પાછો આવીશ. બંધ કરેલું ઘર મને યાદ કરતું રહે અને હું મારા ઘરને યાદ કરતો રહું. બંધ ઘરની નીરવતા, પરદા પાછળથી આવતા આછા અજવાળામાં દેખાતી ધૂંધળી છાયાઓ, ફર્નિચર પર ઢાંકેલા કપડાંના સળ, બારીના છજા પર બેઠેલાં કબૂતરોની પાંખોનો ફફડાટ… જરા ખુલ્લા રહી ગયેલા નળમાંથી ટપકતાં પાણીનાં ટીપાં, ઊંધું વાળી દીધેલું માટલું, ચુપચાપ તાક્યા કરતા દીવાલો પરના ફોટા, નિરર્થક ખસ્યા કરતા ઘડિયાળના કાંટા અને ઘરને રેઢું જાણીને મોજથી ફર્યા કરતા વંદા… પાછો આવું ત્યારે મારું ઘર પાળેલી બિલાડીની જેમ મારા પગ સાથે ઘસાયા કરે. તે ક્ષણે મને ઘેર પાછા આવી જવું એટલે શું એ વાત સમજાવા લાગે.
મારા નાનપણના ઘરના બારી વિનાના એક ઓરડામાં નળિયાંવાળી છતમાંથી ચાંદરણાં પડતાં. હું અંધારા ઓરડામાં ચાંદરણાંના લાંબા લિસોટા નીચે મારી આંખ ગોઠતો – અને મને લાગતું, મેં એક આખેઆખો સૂરજ ઝીલી લીધો છે. બા-બાપુજીએ લીંપેલા આંગણામાં બેસી ફાનસના અજવાળામાં અમે રાતનું ભોજન લેતાં. એક આંગણામાં લીમડો હતો. હું એની નીચે ખાટલો નાખીને સૂતો રહેતો. ઉનાળાની લહેરખી સાથે લીમડાના મોરની સુગંધ પ્રસરી જતી. ઊંઘમાં જ મારા ઉપર પાકી લીંબોળી ટપાક દઈને પડતી અને હું ઝબકીને જાગી જતો. મધરાતનો સૂનકાર મારા કાનમાં તમરાંના અવાજની જેમ ત્રમત્રમ કરતો. ભુજમાં નાગરની વંડીના ચોગાનમાં સૂતો હોઉં ત્યારે બાજુમાં જ આવેલી ટોકીઝમાંથી રાતના છેલ્લા શોનાં અંતિમ દૃશ્યોના અવાજ સંભળાતા. એના વિશાળ પ્રાંગણમાં ઊગેલાં આંબલીનાં બે ઘટાદાર ઝાડ રાતના અંધારામાં પ્રેત જેવાં ભાસતાં.
વડોદરાનું ઘર હાઈ-વેની બાજુમાં હતું. આખી રાત સડક પર પસાર થતાં ભારે વાહનોનો અવાજ સંભળાતો. બારી પાસે જ મહોરેલી રાતરાણીની સુગંધ, પારિજાતનાં ફૂલોનું પાછલી રાતે ચુપચાપ ખરતા રહેવું એ ઘર સાથે જોડાયેલું હતું. મુંબઈમાં નેપિયન-સી રોડ પર બારમા માળે આવેલા ફ્લૅટની બારી ઉઘાડું અને સમુદ્રની ખારી હવાની ગંધ મારા ઘરમાં આવી જતી. ઘાટકોપરના અવાવરું ઘરના બાથરૂમમાં કાનખજૂરા ગટરમાંથી બહાર આવી જતા. ચંડીગઢના ઘરની બાલ્કનીમાં ઊભો રહેતો અને દૂર હિમાચલના પહાડનો આભાસ અથડાતો. નીચે સંત્રીઓના તંબૂ પવનની થપાટમાં ફફડતા રહેતા. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં નવમા માળના ફ્લૅટની નીચે રાતે દૂધનાં કેન ઊતરતાં હોય તેના અવાજ સાંભળ્યા છે. હૈદરાબાદના ઘરની પાછળ એક લાંબું ખેતર હતું. એનો માલિક એ ખેતર ન વેચવાની હઠ લઈને બેઠો હતો. ઇંગ્લૅન્ડના એક ગામ બ્રેકનેલના વિદેશી ઘરમાં પાથરેલી જૂની કાર્પેટમાંથી ઊઠતી ગંધ, અસહ્ય ઠંડી, ઉષ્ણતા વિનાનો તડકો – અને પોતાના દેશમાં ન હોવાની મનને ખોતરતી પીડા.
કેટલાંય ઘરની છત પર વરસાદની ધાર ટકરાતી સાંભળી છે. નળિયાં ચૂવતાં ત્યારે તેની નીચે વાસણો ગોઠવ્યાં છે, ધધૂડા નીચે નાગોધડંગ ઊભો રહ્યો છું. કેટલાંય ઘરમાંથી આપ્તજનોને વિદાય આપી છે અને પછી ઉદાસ થઈને ડામચિયા પર ઊંધમૂંધ સૂઈ ગયો છું.
અમે કોઈ ઘરનું ઓછામાં ઓછું માસિક ભાડું કચ્છના નખત્રાણા ગામમાં પાંચેક રૂપિયા ભર્યું હતું. વધારેમાં વધારે ભાડું બ્રેકનેલમાં, હૂંડિયામણના દર પ્રમાણે, ઓગણપચાસ હજાર રૂપિયા ભર્યું છે. હું મારાં ભૂતકાળનાં ઘરો વિશે વિચારું છું ત્યારે મને લાગે છે કે ઘરની બાબતમાં અમે નસીબદાર રહ્યાં છીએ. ગમે તેવી વિકટ સ્થિતિમાં પણ અમને રહેવા માટે ઘર સામેથી મળ્યાં છે. ભુજ કાયમ માટે છોડીને અમદાવાદ આવ્યાં તો એક સહકાર્યકર્તાએ એના વિદેશમાં વસતા સગાનો બંગલો સચવાય તે હેતુથી અમને વાપરવા આપી દીધો. મુંબઈ જવાનું થયું ત્યારે સૌથી મોટો પડકાર ઘર મળવાનો હતો, વાર્તાકાર નેમ મોતાએ એમના મુલુંડના એક ફ્લૅટની ચાવી આપી દીધી. ભાડાનું પૂછ્યું તો ગુસ્સે થઈ ગયા. મુંબઈમાં મારે બે ઘર ટૂંકી મુદતમાં ખાલી કરવાં પડ્યાં હતાં અને દરેક વખતે નવું ઘર રહેવા મળી ગયું હતું.
નખત્રાણાના એક ઘરની સામે માતાજીનું મંદિર હતું. એ ઘરના ઓરડા બાજુ બાજુમાં નહોતા, સામસામે હતા. ત્યાં બે આંગણાં હતાં. હું લગભગ ચાલીસ વરસ પછી તે ઘર જોવા ગયો ત્યારે એની ડેલી બંધ હતી. હું ડેલી સામે ઊભો રહ્યો. ડેલી ખોલીને અંદર જવાની ઇચ્છા માંડ માંડ રોકી હતી. હવે તે ઘર મારું નહોતું. બીજા લોકો તેમાં રહેતા હતા તે સત્ય સુધી મારાથી પહોંચી શકાયું નહોતું, વડોદરા ગયો હોઉં ત્યારે ત્યાંના મારા ઘરના રસ્તે પહોંચ્યા પછી વચ્ચેથી પાછો વળી આવ્યો છું. જૂના ઘર પાસે જતાં ડર લાગે છે. કદાચ તે હવે મને ઓળખશે નહીં. હું જે ઘરને મારી ભીતર સાચવતો આવ્યો છું તે જ ઘર મને પારકો ગણે તો મારાથી સહન નહીં થાય. મારે સમજી જવું જોઈએ કે જે ઘર હવે મારું નથી તે મારું નથી જ.
ભુજનું મારું નાગરની વંડીનું ઘર ધરતીકંપ પછી તોડી નાખવામાં આવ્યું છે. હવે હું એને કદી જોઈ શકવાનો નથી. એક વાર ગૂગલ સર્ચ કરીને અમે બ્રેકનેલમાં રહેતાં તે ઘર કમ્પ્યૂટર પર જોયું હતું. એ જ ઘર – ૩૦, ડ્રાયડેન, બ્રેકનેલ, બર્કશાયર. ઘરનું બારણું બંધ હતું. બહારનું બધું અગાઉ જેવું જ દેખાયું હતું. લાંબી બારી પાસે ઊગેલું બદામી રંગનાં પાંદડાંવાળું ઊંચું વૃક્ષ પણ ત્યાં જ હતું. અમે કમ્પ્યૂટરમાં દેખાયેલા ઘરનો ડોરબેલ મારી શકીએ તેમ નહોતાં, નહીંતર ડોરબેલ વગાડ્યો હોત. વધારેમાં વધારે શું થયું હોત, કોઈ વિદેશીએ દરવાજો ખોલ્યો હોત અને અમે અમારું નામ બોલીને પૂછી લીધું હોત – અહીં રહે છે? એણે ના પાડી હોત, અમે સૉરી કહીને ત્યાંથી પાછલા પગે ખસી ગયાં હોત.
બ્રેકનેલના ઘરનો માલિક ક્રિસ્ટોફર જર્મન હતો. એ થોડાં વર્ષ ઇંગ્લૅન્ડમાં રહ્યો ત્યારે એણે એ મકાન ખરીદ્યું હતું. પાછો જર્મની ચાલ્યો ગયો, પણ ઘર રાખ્યું. ઘર ભાડે આપતી એજન્સી દ્વારા મારા પુત્રોએ તે ઘર ભાડે લીધું હતું. ક્રિસ્ટોફર એની ઘરવખરીની બધી જ ચીજો ત્યાં મૂકી ગયો હતો. અમે માત્ર સૂટકેસમાં અમારાં કપડાં લઈને ગયાં હતાં અને તે ઘર છોડ્યું ત્યારે સૂટકેસ ઉપાડીને બહાર આવી ગયાં હતાં. તમે કોઈના મકાનમાં એવી બધી ઘરવખરીની સાથે રહેતા હો ત્યારે પરાયાપણાનો ઉજ્જડ ભાવ જાગે છે.
મારું પહેલું ઘર મારા દાદાનું હતું. પછી મારા પિતાજીના ઘરમાં રહ્યો, અમારાં પોતે વસાવેલાં ઘરમાં રહ્યાં – અને પછી ઇંગ્લૅન્ડ જઈએ ત્યારે દીકરાઓના નામે ભાડે લીધેલા ઘરમાં રહ્યાં. હવે બધું જ સંકેલાઈને બે ઘરમાં સમેટાઈ ગયું છે. એક વસ્ત્રાપુર, અમદાવાદમાં અને બીજું હૈદરાબાદના સન સીટી વિસ્તારમાં. બંને ઘર વચ્ચે ટ્રેન માર્ગે પચીસેક કલાકનું અંતર છે. છતાં હું એકીસાથે બંને ઘરમાં સમાંતરે રહું છું. અમદાવાદના ઘરમાં હોઉં ત્યારે હૈદરાબાદનું ઘર મારી ભીતર હોય અને હૈદરાબાદના ઘરમાં હોઉં ત્યારે અમદાવાદના ઘરમાં પણ રહેતો હોઉં છું.
લાગે છે કે હવે બધું પૂરું થઈ ગયું છે અને બીજી જ ક્ષણે થાય, કશું જ પૂરું થયું નથી. ક્યારેક હું જેમાં રહ્યો તે બધાં જ ઘર મારી સ્મૃતિમાં એકસામટાં ઝીંકાય છે અને મને ભય લાગે છે – હું એ બધાંનો ભાર સહન કરી શકીશ નહીં. પછી સમજાય કે મારો ભય પાયા વિનાનો છે. ભાર ઘરનો હોતો નથી, વીતેલા સમયનો હોય છે. ઘર તો આપણને પોતાની અંદર સ્નેહથી સમાવી લે છે. ઘર આપણાથી છૂટું પડતું નથી. આપણે જ ઘરને છોડીને ચાલ્યા જઈએ છીએ. મને ઘણી વાર વિચાર આવે છે કે જો મને મારું જીવવું જીવવા જેવું લાગ્યું હોય તો મારાં બધાં જ ઘરોને લીધે. એ ઘરોને લીધે મારે ક્યાંય બહાર રહેવું પડ્યું નથી. હું સદા મારી ભીતર રહી શક્યો છું.