ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/‘રાવણમંદોદરી-સંવાદ’-૨: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘રાવણમંદોદરી-સંવાદ’-૨'''</span> [ર.ઈ.૧૫૦૯] : શ્રીધર અડાલજાની મૂળ પ્રસંગને આલેખતી અષ્ટપદી ચોપાઈની ૨૦૪ અને અંતે પૂર્વછાયામાંની ચોપાઈની ૫ કડી મળી કુલ ૨૦૯ કડીની આ કૃતિ(...") |
(No difference)
|
Revision as of 05:27, 10 September 2022
‘રાવણમંદોદરી-સંવાદ’-૨ [ર.ઈ.૧૫૦૯] : શ્રીધર અડાલજાની મૂળ પ્રસંગને આલેખતી અષ્ટપદી ચોપાઈની ૨૦૪ અને અંતે પૂર્વછાયામાંની ચોપાઈની ૫ કડી મળી કુલ ૨૦૯ કડીની આ કૃતિ(મુ.) માંડણની “પ્રબોધ-બત્રીશી” જેવી ઉખાણાગ્રથિત રચના છે. કાવ્યનો પ્રસંગ તો મંદોદરી રાવણને રામ સાથે યુદ્ધ ન કરવા માટે સમજાવે છે એ છે, પરંતુ “કરિસી કવિત ઉખાણી કરી” એમ પ્રારંભમાં અને “મઈં ઉખાણા અતિ ઘણા, કીધા કવિત મઝારિ” એમ કાવ્યના અંતમાં કહી કાવ્યરચનાનો પોતાનો ઉદ્દેશ કવિએ સ્પષ્ટ કરી દીધો છે. એટલે દરેક કડીમાં ઓછામાં ઓછું ૧ ઉખાણું (-રૂઢોક્તિ) અને વધુમાં વધુ ૩-૪ ઉખાણાં વક્તવ્યમાં ગૂંથી લેવાયાં છે. યમકનો આશ્રય લઈ દરેક કડીના પ્રારંભના શબ્દને આગલી કડીના છેલ્લા શબ્દ સાથે સાંકળી રચનાબંધને બીજી રીતે પણ કવિએ વિશિષ્ટ બનાવ્યો છે. મંદોદરીની સમજાવટ અને રાવણનો એ સમજવા માટે ઇનકાર એ રીતે જ લગભગ આખું કાવ્ય ચાલે છે, પરંતુ બંને વચ્ચેનો સંવાદ ધીમે ધીમે ઉગ્ર બનતો જઈ આખરે રાવણ મંદોદરીને મારી નાખવા તત્પર બને છે ને મયદાનવ મંદોદરીને છોડાવે છે અને ત્યારે પણ રાવણ બ્રહ્માની સમજાવટને ગણકારતો નથી. છેલ્લી ૩ ચોપાઈ કવિના કથનમાં ચાલે છે તેમાં રાવણની હત્યા, રામનું અયોધ્યામાં આગમન વગેરેનું સંક્ષેપમાં કથન થયું છે. કૃતિમાં ઉખાણાં ગૂંથવાનો ઉપક્રમ મુખ્ય હોવાને લીધે પાત્રના ગૌરવને ઉચિત ન હોય એવી ઉક્તિઓ સંવાદમાં આવે છે. જેમ કે, રાવણ મંદોદરીને “તું ઘર ઘણાં તણી પરુહણી”, “માંડ રાંડ થવા સાદરી, કરિ કાલુ મુખ પીહરિ જઈ” કે “સુંખિણી, સાપિણી નિ પાપિણી એ ત્રિણી ન હુઈ આપણી” જેવી ઉક્તિઓથી આવેશમાં આવી નવાજે છે અને મંદોદરી પણ ક્યારેક “લંપટ લાજવિહુણો લવઈ” ને “માઈ ન માસી ગાધિ ગોત્ર” એવું રાવણ માટે કહી નાખે છે, પરંતુ મંદોદરીની ઉક્તિઓ વિશેષત: મર્યાદા છોડતી નથી. એની સામે રાવણ પ્રાકૃત કોટિના પતિ જેવો જ વિશેષ લાગે છે. જો કે ઉખાણાં દૃષ્ટાંતરૂપ બની ઘણી જગ્યાએ અસરકારક બની આવે છે. સ્ત્રીની નિર્બળતાને બતાવવા માટે રાવણ કહે છે, “બોહડ માહિ વશી દાદુરી, સોય કિમ જાણિ સાગર તરિ?” તો પોતાને છોડી સીતા પાાછળ ગાંડા થયેલા રાવણને મંદોદરી કહે છે, “ખાજાં લાડુ પગિ ખેસવી, રાવણ રાબ રંધાવિ નવી”. આમ તે સમયની લોકભાષાને જાણવા માટે કૃતિ ધ્યાનપાત્ર છે.[જ.ગા.]