ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/‘રેવંતગિરિ-રાસ’: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘રેવંતગિરિ-રાસ’'''</span> : નાગેન્દ્રગચ્છના હરિભદ્રસૂરિના શિષ્ય વિજ્યસેનસૂરિકૃત ૪ કડવક ને ૪૦ કડીનો મુખ્યત્વે દુહા-સોરઠાની દેશીઓમાં રચાયેલો આ રાસ(મુ.) રેવંતગિરિ/...") |
(No difference)
|
Revision as of 06:52, 10 September 2022
‘રેવંતગિરિ-રાસ’ : નાગેન્દ્રગચ્છના હરિભદ્રસૂરિના શિષ્ય વિજ્યસેનસૂરિકૃત ૪ કડવક ને ૪૦ કડીનો મુખ્યત્વે દુહા-સોરઠાની દેશીઓમાં રચાયેલો આ રાસ(મુ.) રેવંતગિરિ/ગિરનાર/ઉર્જયંત પર્વતની તળેટી અને પર્વત પર બંધાયેલાં મંદિરો અને ત્યાં ઊભી કરવામાં આવેલી સગવડો વિશેની માહિતી આપે છે, એટલે ઇતિહાસદૃષ્ટિએ મહત્ત્વનો છે. કાવ્યના કવિ વસ્તુપાળ-તેજપાળના ગુરુ હતા અને તેમણે વસ્તુપાળ-તેજપાળ સાથે ગિરનારની યાત્રા ઈ.૧૨૩૨માં કરેલી તેનો લેખ ગિરનાર પર મળે છે. એટલે કાવ્યની રચના પણ એ અરસામાં થઈ હોવાનું અનુમાન થયું છે. કાવ્યની અપભ્રંશની અસરવાળી જૂની ગુજરાતી ભાષા પણ આ અનુમાનને ટેકો આપે છે. કાવ્યના પહેલાં કડવકમાં વસ્તુપાળ-તેજપાળ ગિરનારની તળેટીમાં તેજલપુર વસાવે છે એની માહિતી છે. બીજા કડવકમાં કુમારપાળના દંડક આંબડે ગિરનાર ચડવા માટે બંધાવેલાં પગથિયાં અને વચ્ચે મુકાવેલી પરબો, સિદ્ધરાજના દંડક સાજને ગિરનાર પરના નેમિભુવનનો કરાવેલો ઉદ્ધાર તથા ભાવડશાહે કરાવેલા સોનાના અમલસારની વીગત છે. ત્રીજા કડવકમાં કાશ્મીરથી સંઘ લઈને આવેલા અજિત અને રત્ન નામના બે ભાઈઓએ કરેલી નેમિપ્રતિમાની સ્થાપના, વસ્તુપાળે કરાવેલા ઋષભેશ્વરના મંદિર, તેજપાળે બંધાવેલા કલ્યાણકત્રયના મંદિરની તથા દેપાળ મંત્રીએ કરેલા ઇંદ્રમંડપના ઉદ્ધારની વાત છે. ચોથા કડવકમાં ગિરનાર પરનાં વિવિધ ધર્મસ્થાનોની વીગત આપી છે. ઐતિહાસિક વીગત આપ્યા પછી પણ કવિનું લક્ષ તો ગિરનારનાં તીર્થધામોનો મહિમા કરવાનું છે એ કાવ્યમાં આવતા ઉલ્લેખો પરથી સમજી શકાય છે. કાવ્યત્વની દૃષ્ટિએ જો કે આ કાવ્ય વિશેષ મહત્ત્વનું ન લાગે, તો પણ એમાંના વર્ણપ્રાસ ગેયત્વપોષક છે તથા ગિરનારની વનરાજીનું વર્ણન ધ્યાન ખેંચે એવું છે.[શ્ર.ત્રિ.]