અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/પારાવાર: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> હું પોતે મારામાં છલકું {{space}}પંચામૃતનો મુખરિત પારાવાર. હું છું મા...") |
(No difference)
|
Revision as of 11:58, 24 June 2021
હું પોતે મારામાં છલકું
પંચામૃતનો મુખરિત પારાવાર.
હું છું મારો ફેનિલ આરો,
ને હું મુજ ઊર્મિલ મઝધાર :
પંચામૃતનો સુખરિત પારાવાર.
ફેનફેનના કુન્દધવલ કંઈ
ઘૂઘરના ઘમકાર,
હું છું મારું સ્મિત સ્વરમંડલ,
ને હું મારો અભિહત હાહાકાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.
હું મારો વિરહાકુલ પ્રેમી,
હું મારો અભિસાર —
સ્વયં વિવર્તિત, સ્વયં વિસર્જિત,
નશ્વર ને તોફાની તબડક
તરંગના તોખાર :
હું પોતે નિજ રેન સમાલું,
હું મારો અસવાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.
ઋતુમય તેજઋચા હું પોતે
હું ઉદ્ગાતા ને હું શ્રોતા,
હું મુજ મંત્રોચ્ચાર :
અનંતમાં લીલામય રમતા
છંદલલિત ઉદ્ગાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.
ચેતનમય છલછલ જલઅંબર
ફરફર ફરકે —
દૂર જઈ આત્મવિલોપનમાં
સહુ મરકે —
મોજમોજનાં ગેબ ગતકડાં,
ક્ષણભંગુરનો ક્ષણ ક્ષણ નવઅવતાર :
મોજાંનો છે રવ,
રવનાં છે મોજાં અપરંપાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.
હું મારામાં અસીમ સીમિત,
અવિરત, ચંચલ,
અકલિત, એકાકાર :
नित्यजीवोऽहम् नित्यजीवोऽहम्,
હું પોતે મારામાં મલકું,
પંચતત્ત્વનો પુલકિત પારાવાર.