અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/માણસ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> કરવતથી વહેરેલાં ઝેરણીથી ઝેરેલાં, કાનસથી છોલેલાં, તોય અમે લાગણી...") |
(No difference)
|
Revision as of 11:59, 24 June 2021
કરવતથી વહેરેલાં
ઝેરણીથી ઝેરેલાં,
કાનસથી છોલેલાં,
તોય અમે લાગણીનાં માણસ.
બોમ બોમ બીડેલાં પંખાળાં સાંબેલાં,
ધણધણ ધુમાડાના
બહેરા ઘોંઘાટ તણી ઘાણીમાં પીલેલાં :
તોય અમે લાવણીનાં માણસ.
ખેતરનાં ડૂંડામાં
લાલ લાલ ગંજેરી,
શ્યામ શ્યામ સોનેરી,
ભડકે ભરખાયલ છે : દાણા દુણાયલ છે :
ઊગવાના ઓરતામાં વણસેલાં કણસેલાં —
તોય અમે વાવણીનાં માણસ.
ભૂખરાં ને જાંબુડિયાં… દૂધિયાં પિરોજાં,
દીઠા ને અણદીઠા દરિયાનાં મોજાં,
માતેલાં મસ્તાનાં ઘૂઘરિયાં સોજાં :
કાંઠેથી મઝધારે
સરગમને સથવારે,
તોય અમે આવણી ને જાવણીનાં માણસ.
ચડતી ને ઊતરતી ભાંજણીનાં માણસ.
કરવતથી…
(આચમન, પૃ. ૩૭)