અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/પરકમ્માવાસી: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આવી ચડ્યાં અમે દૂરનાં વાસી, પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી; મનખે મ...") |
(No difference)
|
Revision as of 12:16, 24 June 2021
આવી ચડ્યાં અમે દૂરનાં વાસી,
પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી;
મનખે મનખે ધામ ધણીનું —
એ જ મથુરા ને એ જ રે કાશી :
ભોમકાનાં ભમનાર પ્રવાસી.
સંત મળ્યા તેને સાંઈડું લીધું,
ને શઠ મળ્યા તેને ગઠકી દીધી;
અમે લૂંટાવીને લાભિયાં ઝાઝું!
ખાલી ખભે ખેપ ખેડશું ખાસી :
ભોમકાનાં ભમનાર પ્રવાસી.
વેમાનની અમે વાટ ના જોતાં,
વૈકુંઠને કાજ આંસુ ના ખોતાં;
પેદલ ચાલતાં ચાલતાં મ્હાલતાં
ભમવા નીસર્યાં લખચોરાશી :
ભોમકાનાં ભમનાર પ્રવાસી.
થીર મુકામમાં જંપ વળે ના,
વાટ ને ઘાટના જીવ આ પ્યાસી;
ધરતીના કણ કણમાં તીરથ —
એનાં અમે પરકમ્માવાસી :
ભોમકાનાં ભમનાર પ્રવાસી.
(પરિક્રમા, પૃ. ૧૩)