ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વસ્તો-૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વસ્તો-૫'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. ખંભાતની પાસે આવેલા સકરપુરના વતની. તેઓ રામાનન્દી સંત અમરદાસજીના શિષ્ય વિશ્વંભરદાસના શિષ્ય તથા જ્ઞાતિએ ટો...")
(No difference)

Revision as of 08:46, 13 September 2022


વસ્તો-૫ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. ખંભાતની પાસે આવેલા સકરપુરના વતની. તેઓ રામાનન્દી સંત અમરદાસજીના શિષ્ય વિશ્વંભરદાસના શિષ્ય તથા જ્ઞાતિએ ટોળકિયા ઔદીચ્ય બ્રાહ્મણ હોવાની સંભાવના છે. સકરપુરમાં રહેતા ખારવા જ્ઞાતિના લોકો હજી તેમના સમાધિસ્થાનની પૂજા કરે છે એવું કહેવાય છે. કવિની ઘણી કૃતિઓમાં રચનાવર્ષનો ઉલ્લેખ મળે છે, પરંતુ ઠીકઠીક લાંબી કહી શકાય એવી કેટલીક કૃતિઓનું એકબે માસના ફેરથી એક જ રચનાવર્ષ મળે છે, એટલે એ વર્ષ લેખનવર્ષ હોવાની સંભાવના વિશેષ દેખાય છે. કવિની એક કૃતિ પરથી મળતા સંદર્ભ પરથી કવિ ઈ.૧૭૮૬માં અવસાન પામ્યા હશે એવો તર્ક કરવામાં આવ્યો છે. કવિને અખાની શિષ્યપરંપરા સાથે કંઈ સંબંધ હતો કે નહીં તે નિશ્ચિતપણે કહી શકાય એવું નથી. જ્ઞાનમાર્ગી કાવ્યપરંપરાનો વિશેષ પ્રભાવ ઝીલતા આ કવિએ અન્ય ઘણા જ્ઞાનમાર્ગી કવિઓની જેમ પ્રેમલક્ષણા ભક્તિની કવિતા પણ રચી છે. સાખીની ૪૨૭ કડીમાં રચાયેલી ૮ અધ્યાયની ‘વસ્તુ-ગીતા’(મુ.) કવિના અદ્વૈતવિચારને સમજવા માટે મહત્ત્વની કૃતિ છે. ગુરુશિષ્યસંવાદ રૂપે રચાયેલી ૨ કૃતિઓ પૈકી ચોપાઈની ૫૦૭ કડી ને ૧૦ કડવાંની ‘વસ્તુવિલાસ’ (લે.ઈ.કે ર.ઈ.૧૭૭૫/સં.૧૮૩૧, અધિક વૈશાખ વદ ૧૧; અંશત: મુ.) તથા પોતાના પ્રગુરુ અમરદાસજીના નામને સાંકળીને રચાયેલી ૭ ગોલાંટ ને ૭૦૬/૭૧૫ સાખીની ‘અમરપુરી-ગીતા’ (લે.ઈ.કે ર.ઈ.૧૭૭૫/સં.૧૮૩૧, જેઠ વદ ૬, ગુરુવાર; અંશત: મુ.)માં જીવને સંસારના બંધનમાંથી કેમ મુક્ત થવું તેનો માર્ગ સમજાવ્યો છે. ‘ગુરુવંદન કો’, ‘મિથ્યાજ્ઞાની કો’, ‘આત્મજ્ઞાન કો’ વગેરે ૮૮ અંગોમાં વહેંચાયેલી ને વ્રજમિશ્રિત ગુજરાતીમાં રચાયેલી ૨૬૪૧ સાખીઓ (લે.ઈ.કે.ર.ઈ.૧૭૭૫/સં.૧૮૩૧, ફાગણ વદ ૨, શનિવાર; અંશત: મુ.)માં પણ કવિ અનેક દૃષ્ટાંતો દ્વારા દેહના અભિમાનથી મુક્ત થઈ બ્રહ્મભાવ અનુભવવાનો બોધ આપે છે. જીવ-ઈશ્વર-બ્રહ્મના અભેદને વ્યક્ત કરતો ‘કક્કો’ (ર.ઈ.૧૭૮૬/સં.૧૮૪૨, આસો સુદ ૬, ગુરુવાર; અંશત: મુ.), મનુષ્યજીવનની ક્ષણભંગુરતા બતાવી ઈશ્વર-સ્મરણ કરવાનો બોધ આપતાં ‘ચેતામણી’નાં ૧૯ પદો (૨ મુ.), બ્રહ્માનુભવની અવસ્થાનું નિરૂપણ કરતા ૯-૯ કડીના (૮ કડી દુહાની અને છેલ્લી કડી સાખીની) ૧૦ ‘મંગલ્લ’(મુ.) તથા વિવિધ રાગના નિર્દેશવાળાં ઘણાં પદો(મુ.) કવિની અન્ય જ્ઞાનમૂલક કૃતિઓ છે. દૃષ્ટાંતો ને લોકોકિતઓનો ઉપયોગ કરતી એમની વાણી ધાર્યું લક્ષ્ય વીંધવામાં વખતોવખત સફળ નીવડે છે. દાણલીલા (અંશત: મુ.) ને તિથિ (મુ.), માસ (એકની ર.ઈ.૧૭૭૧/સં.૧૮૨૭; મુ.), થાળ(મુ.), ગરબી વગેરે સ્વરૂપે મળતાં પદો (કેટલાંક મુ.) એમની પ્રેમલક્ષણા ભક્તિની રચનાઓ છે. ગોપીવિરહ ને કૃષ્ણગોપીની રાસક્રીડાને આલેખતાં એમનાં પદોમાં શૃંગારભાવ પ્રબળ છે અને સંયોગના આલેખનમાં એ ક્યારેક પ્રગલ્ભ પણ બને છે. ધ્રુવપંક્તિઓનો ઉપાડ, પદમાધુર્ય કે અભિવ્યક્તિવૈચિત્ર્યની દૃષ્ટિએ પણ ધ્યાનાર્હ આ પદોની દયારામની ગરબીઓ પર અસર હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. કૃતિ : ૧. વસ્તાનાં પદો, સં. સુરેશ હ. જોશી, ઈ.૧૯૮૩ (+સં.);  ૨. અસંપરંપરા, (+સં.); ૩. ત્રણ ગુજરાતી ગીતાઓ, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૮૭; ૪. પ્રાકાસુધા : ૧. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨;  ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨; ૫. ફૉહનામાવલિ.[ચ.શે.]