અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/હરિનો હંસલો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો? {{space}}કલંકીએ કોણે કીધા ઘા? કોણ રે અ...")
(No difference)

Revision as of 12:45, 24 June 2021

કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો?
         કલંકીએ કોણે કીધા ઘા?

કોણ રે અપરાધી માનવજાતનો
         જેને સૂઝી અવળી મત આ?
         રુધિરે રંગાયો હરિનો હંસલો!

પાંખ રે ઢાળીને હંસો પોઢિયો,
         ધોળો ધોળો ધરણીને અંક;
કરુણા-આંજી રે એની આંખડી,
         રામની રટણા છે એને કંઠ,
         રુધિરે રંગાયો હરિનો હંસલો!

હિમાળે સરવર શીળાં લ્હેરતાં
         ત્યાંનો રે રહેવાસી આ તો હંસ;
આવી રે ચડેલો જગને ખાબડે,
         જાળવી જાણ્યો ના આપણ રંક!
         રુધિરે રંગાયો હરિનો હંસલો!

સાંકડાં ખોદો રે અંતરખાબડાં,
         રચો રે સરવર રૂડાં સાફ;
અમરોનો અતિથિ આવે હંસલો;
         આપણી વચાળે પૂરે વાસ.
         રુધિરે રંગાયો હરિનો હંસલો!

(પરિક્રમા, પૃ. ૧૧૭)