વસુધા/જગતનું આશ્ચર્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જગતનું આશ્ચર્ય|}} <poem> તું જગતનું આશ્ચર્ય છે. જગતમાં છે તાજ, ને છે તાજ જેવાં કૈંક કૈં, તું તે પરંતુ તાજનો યે તાજ છે. આશ્ચર્ય છે તું જગતનું, આશ્ચર્ય સૌમાં તું પરમ આશ્ચર્ય છે, એ સર્વ...")
(No difference)

Revision as of 11:23, 14 September 2022

જગતનું આશ્ચર્ય

તું જગતનું આશ્ચર્ય છે.
જગતમાં છે તાજ, ને છે તાજ જેવાં કૈંક કૈં,
તું તે પરંતુ તાજનો યે તાજ છે.

આશ્ચર્ય છે તું જગતનું,
આશ્ચર્ય સૌમાં તું પરમ આશ્ચર્ય છે,
એ સર્વ જે ન કરી શક્યાં તે
૨મતમાં તેં તો કર્યુંઃ
આ હૃદયગિરિની ચાક ખાતી ભમરડી કરી મૂકી તેં.

હું ચિંતવું ચિંતાનદીને તીર બેસી:
તીર ક્યાંથી આવિયું? ૧૦
લાખો નયનમાં એ નયન ફાવી ગયું,
મારા મગજની માછલી વીંધી ગયું,
ને અનેરા મુલ્ક કૈં ચીંધી ગયું.

એ નયનને મેં તપાસ્યુંઃ
શું હતું એ કમલ? હા, ના, કોણ જાણે?
શું ગુંજતી ત્યાં સ્નેહસિંધુ ગૂઢ ગાને?
શું મોહિની ત્યાં વિશ્વમોહક નાચતી નખરાંભરી?
કે કામિની શિરમોરની કાતિલ કટારી વિખભરી?

ના કૈં હતું.
એ નયન તે લાખો નયન જેવું હતું. ૨૦
પાંપણઢળ્યું, ભીનું, હસંતું, બાવરું, બેહોશ, ઉન્માદી કદી.

જાણતું એ મેં નહીં,
જીવનતણાં સૌ દ્વાર પૂઠળ તાકતું ન હતું હજી,
એ સહજ નિજ સૌન્દર્ય મૃદુથી
સૃષ્ટિને શણગારનું કેવલ હતું.

રે, એ નયન
જાણે ન બનતું કૈં જ એવું જોતું રે' છે જહીંતહીં,
જાણે ન પણ નિજ દષ્ટિ શા શા દાટ વાળે છે અહીં!
અણજાણ અદ્ભુત એ અલૌકિક આંખની
નિર્વ્યાજ લૌકિકતા અહો,
આ જગતનું આશ્ચર્ય છે.

ચિંતાનદીને તીર ચિંતનચાકડેથી આટલું
મેં ઉતાર્યું કનકમય એ કોડિયું.
કરમાં રમાડત હું ફર્યો ઘર વાટ ગમ,
એ બક્ષવા એને ધરી ખ્વાહિશ દિલે.

ઘર વાટ ગમ,
આસ્તે કદમ જાતો હતો,
આસ્તે કદમ જાતી હતી તે આમતેમ નિહાળતી.
હું ઊચર્યો, ‘લે આ કનકમય કોડિયું,
‘ક્યાં કોડિયું?'
આશ્ચર્યમાં તે નેત્ર વિસ્ફારી વદી.

‘ઓ, ઓ, અજબની આંખડી તુજ
એ મહદ આશ્ચર્ય છે,
એ શોધ મારી છે કનકમય કોડિયું.’

એ ખ્યાલ મનનો
જાઉં જ્યાં સમજાવવા ત્યાં,
હૃદય કેરી ભમરડી મંડી પડી ભમવા, અને
હું ઊચર્યો કેવલ,
‘ભલે, તું જા જતી રમવા જહીં!’

આશ્ચર્ય છે તું જગતનું, ૫૦
છે જગતમાં તાજ, ને છે તાજ જેવાં કૈંક કૈં,
તું તો પરંતુ તાજને કે તાજ છે,
એ તાજની બેતાજ તું મુમતાઝ છે.