અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/પરવરદિગાર દે: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> બસ એટલી સમજ મને પરવરદિગાર દે; સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વ...") |
(No difference)
|
Revision as of 13:08, 24 June 2021
બસ એટલી સમજ મને પરવરદિગાર દે;
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.
માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઇન્તિજાર દે.
આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.
પીઠામાં મારું માન સતત હાજરીથી છે,
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે!
નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.
તે બાદ માગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઇખ્તિયાર દે.
આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.
સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.
દુનિયામાં કંઈકનો હું કરજદાર છું `મરીઝ',
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.
(આગમન, પૃ. ૧૫)