અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/જીવી ગયો હોત-: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> કોઈ નથી-ના આ બંધ ઓરડામાં આંટા મારતી મારી એકલતાના કાનમાં તમે ‘હું...") |
(No difference)
|
Revision as of 16:42, 24 June 2021
કોઈ નથી-ના આ બંધ ઓરડામાં
આંટા મારતી
મારી એકલતાના કાનમાં
તમે ‘હું છું ને’ એટલું જ બોલ્યાં હોત
તો હું જીવી ગયો હોત;
મરણના મારગે આ ચરણ ઊપડ્યા ત્યારે
તમે માત્ર ‘ઊભા રહો’ એટલું જ કહ્યું હોત
તો હું જીવી ગયો હોત;
મુખ પર ઢંકાયેલી
મૃત્યુની ચાદરને સહેજ અાઘી કરીને
તમે માત્ર ‘કેમ છો?’ એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત;
આમ તો કદાચ
મરવા કરતાં જીવવાનું જ સહેલું હતું
પણ... તે મારા હાથમાં નહોતું!