ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શેધજી-શેઘજી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શેધજી/શેઘજી'''</span>શેધજી/શેઘજી [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આખ્યાનકાર. ખંભાતના વતની. જ્ઞાતિએ બંધારા. પિતાનું નામ કાશી. નાગજી ભટ્ટનો તેઓ પોતાના ગુરુ તરીકે ઉલ્લેખ કરે છે,...") |
(No difference)
|
Revision as of 16:58, 17 September 2022
શેધજી/શેઘજીશેધજી/શેઘજી [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આખ્યાનકાર. ખંભાતના વતની. જ્ઞાતિએ બંધારા. પિતાનું નામ કાશી. નાગજી ભટ્ટનો તેઓ પોતાના ગુરુ તરીકે ઉલ્લેખ કરે છે, એના પરથી લાગે છે કે આ પુરાણી પાસેથી પૌરાણિક કથાઓ સાંભળી એમણે પોતાનાં આખ્યાનો રચ્યાં હશે. વિષ્ણુદાસના સમકાલીન આ કવિએ પૌરાણિક કથાઓ પર આધારિત આખ્યાનો મૂળ પ્રસંગમાં કેટલાક ફેરફાર કરીને વિશેષત: કથાતત્ત્વ જાળવી રચ્યાં છે. અંબરિષ રાજા અને પ્રહ્લાદની કૃષ્ણભક્તિનો મહિમા કરતું ૧૪ કડવાંનું ‘અંબરિષ-આખ્યાન’ (ર.ઈ.૧૫૮૭/સં.૧૬૪૩, ચૈત્ર સુદ ૩, શનિવાર) ને ૧૮ કડવાં સુધી ઉપલબ્ધ થતું અપૂર્ણ ‘પ્રહલાદ-આખ્યાન’ તથા દ્વારિકાવર્ણન ને વિપ્રના પાત્રાલેખનથી ધ્યાન ખેંચતું ૧૨ કડવાંનું ‘રુક્મિણીહરણ’ (ર.ઈ.૧૫૯૧/સં.૧૬૪૭, માગશર સુદ ૫, રવિવાર; મુ.) કવિની ભાગવત આધારિત કૃતિઓ છે. એમનું રામાયણ આધારિત ૧૮ કડવાનું ‘હનુમાન-ચરિત્ર’ (ર.ઈ.૧૫૯૧/સં.૧૬૪૭, માગશર વદ ૨, રવિવાર) હનુમાનનાં પરાક્રમો ને તેની રામભક્તિને આલેખે છે. ૧૩ કડવાંનું ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ (ર.ઈ.૧૫૯૨/સં.૧૬૪૮, માગશર સુદ ૫, ગુરુવાર), ભીમ-કીચકયુદ્ધ અને દ્રૌપદીની ભયભીત મનોદશાને સારી રીતે વર્ણવતું ૨૧ કડવાનું ‘વિરાટપર્વ’ (ર.ઈ.૧૫૯૨/સં.૧૬૪૮, અસાડ સુદ ૫, રવિવાર), મધ્યકાલીન કવિતામાં સ્વતંત્ર કૃતિ રૂપે પહેલી વખત મળતું, પાંડવોને પજવવા માટે આવેલા કૌરવોને ગંધર્વો સાથે થયેલા યુદ્ધની કથાને આલેખતું ‘વનપર્વ’ પર આધારિત ૧૧ કડવાંનું ‘ઘોષયાત્રા/ચિત્રસેનનું આખ્યાન’ (ર.ઈ.૧૫૯૪/સં.૧૬૫૦, જેઠ સુદ ૧૫, સોમવાર; મુ.) તથા વર્ણનોમાં કવિત્વના ચમકારા બતાવતું અને કવિનાં અન્ય આખ્યાનોને મુકાબલે વિશેષ પ્રૌઢિવાળું ૧૩ કડવાંનું ‘સભાપર્વ/રાજસૂયયજ્ઞની કથા’ (ર.ઈ.૧૫૯૫) કવિની મહાભારત આધારિત રચનાઓ છે. કૃતિ : ૧. કાશીસુત શેધજી-એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪ (+સં.); ૨. ઘોષયાત્રા અને ચિત્રસેનનું આખ્યાન, સં. જશભાઈ કા. પટેલ, ઈ.૧૯૫૭. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. પ્રાકકૃતિઓ; ૪. સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૬; ૫. ગૂહાયાદી. [બ.પ.]