ચિન્તયામિ મનસા/कस्मै देवाय हविषा विधेम?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''कस्मै देवाय हविषा विधेम?'''}} ---- {{Poem2Open}} પ્લેટોના સમયથી જ કવિના શબ્દ...")
(No difference)

Revision as of 07:36, 25 June 2021

कस्मै देवाय हविषा विधेम?


પ્લેટોના સમયથી જ કવિના શબ્દનો પ્રભાવ સ્વીકારાતો આવ્યો છે. કવિની આ શક્તિનો લાભ ઊઠાવવાના પ્રયત્ન સમાજમાં જુદાં જુદાં બળો કરતાં રહે છે. કવિને ક્રાન્તિનો અગ્રદૂત કહીને બિરદાવવામાં આવ્યો છે. કલ્પનોત્થ સાહિત્યના સર્જકને એના એકદંડિયા મહેલમાંથી બહાર કાઢીને લોકો વચ્ચે લાવવાના પ્રયત્નો જમાને-જમાને થતા રહ્યા છે. આને પરિણામે કવિ કોઈ વાર સમાજ પર વર્ચસ્ ધરાવનારા અમુક એક વર્ગર્નો ભાટચારણ બની રહે છે. તો કોઈ વાર યતો ધર્મ: તતો જય:ને બદલે યતો જય: તતો ધર્મ: ગાતો પણ દેખાય છે. એ યુદ્ધનો સિન્ધુડો ગાય છે ને પ્રચારનું રણશિંગુ ફૂંકતો દેખાય છે. હવે વાતાવરણમાં ‘પ્રતિબદ્ધતા’ની વાતો ચાલે છે. કવિ સમાજનો ઋણી છે, આથી એ સમાજના હિતઅહિતથી અસ્પષ્ટ રહીને કાવ્યરચનામાં શી રીતે પ્રવૃત્ત થઈ શકે? હમણાં આ પ્રશ્નની અંગ્રેજ કવિ જોહ્ન વેઇને એમના લેખ ‘પોએટ્રી એન્ડ સોશિયલ ક્રિટિસિઝમ’માં નવેસરથી માંડણી કરી છે.

મેથ્યૂ આર્નલ્ડે કવિતા જીવનની મીમાંસા કરે એવો આગ્રહ રાખેલો, પણ પાછળથી એમણે ઉમેરેલું કે આ કાર્ય કવિતા એની આગવી રીતે કરતી હોય છે. કવિતાની આ આગવી રીત શી હોય છે? કવિતા અસન્દિગ્ધપણે અમુક એક દૃષ્ટિબિન્દુના સ્વીકારનો આગ્રહ રાખતી નથી. એ એક જ તથ્ય પરત્વેના અનેકવિધ અભિગમો અને સમ્ભવિત દૃષ્ટિકોણોને સ્વીકારે છે. આને પરિણામે કંઈક સમગ્રતાથી, વધુ વ્યાપક પરિપ્રેક્ષ્યમાં, આપણે જીવનને જોઈ શકીએ છીએ. વ્યવહારમાં તો આપણી સામે રજૂ થતા વિકલ્પોમાંથી પસંદગી કરવાના તાત્કાલિક નિર્ણયો લઈ લેવા પડતા હોય છે. ત્યારે આપણે જીવનના પ્રવાહમાં વહેતા હોઈએ છીએ. કાવ્ય આપણને તટસ્થતા સંપડાવી આપે છે. પણ આ તટસ્થતા જીવન પ્રત્યેની કશી ઉદાસીનતા કે નિલિર્પ્તતામાં પરિણમતી નથી. એથી ઊલટું, એ જીવનને વધારે વ્યાપક રીતે સ્પર્શવાની અનુકૂળતા ઊભી કરે છે.

કવિનું એક સામાજિક તરીકે અમુક એક દૃષ્ટિબિન્દુ તો હોવાનું જ. એના અભિગ્રહો અને પ્રતિગ્રહો પણ હોવાના જ. એ બધું જ તર્કપુર:સર જ વિચારે એવું પણ નહીં બને. આપણાં ઘણાં વલણો આપણે ઊમિર્વશ થઈને ક્યાં નથી પ્રકટ કરતા? તો કવિતામાં કવિની દેખાતી વિશિષ્ટતા આ બધાંને આધારે જ નથી ઘડાતી? એની કવિતામાં એના સમાજનાં સ્વાસ્થ્ય-અસ્વાસ્થ્ય વિશેના અભિપ્રાયો નથી પ્રકટ થતા? એલિયટે તો કહ્યું હતું કે આ સામાજિક વ્યક્તિ અને સર્જક કવિ જુદા પડવા જોઈએ. કાવ્યમાંનો ‘હું’ તે પાત્ર છે, કવિમાં રહેલો સામાજિક નથી. આ વાત સ્વીકારી લઈએ તોય એ એક આદર્શની જ કલ્પના જ છે, એ પૂરેપૂરો સિદ્ધ થાય છે એમ નહીં કહી શકાય.

આપણે આપણા સમયની ઉત્કૃષ્ટ કોટિની કવિતા જોઈશું તો કવિની સમાજ વિશેની મીમાંસા એક પ્રધાન વિષય છે એવું લાગશે ખરું? એ અનેક વિષયો પૈકીનો એક વિષય નથી? જે કવિતા સ્પષ્ટ રીતે સમાજ વિશેના અભિપ્રાયો અભિનિવેશપૂર્વક પ્રગટ કરતી હોય છે તેનાં મૂલ્યાંકન માટે આપણે શુદ્ધ કવિતાનાં ધોરણો લાગુ પાડી શકીએ? એને મૂલવવા માટે આપણે જુદી ભૂમિકા સ્વીકારવાની ન રહે? ‘સોશિયાલિસ્ટ વર્સ’ અને ‘કમિટેડ વર્સ’ જેવાં સંકલનો બહાર પડ્યાં છે. એ જોતાં પ્રશ્ન થાય કે કવિતા કદી સીધા પ્રચારનું વાહન બનીને કાવ્યત્વને અણીશુદ્ધ જાળવી રાખી શકે ખરી? પ્રચારનું કાવ્યમાં રૂપાન્તર શક્ય છે ખરું?

આપણે ત્યાં થતી સાહિત્ય પરિષદમાં ‘અતિથિવિશેષ’ તરીકે આવી ચઢતી કોઈ રાજકીય વ્યક્તિ, કોઈ સામાજિક અગ્રણી, આપણને ગમ્ભીરપણે જીવનને ઉપકારક થઈ પડે, જીવનને ઉન્નત બનાવવામાં મદદ કરે, એવી રચના કરવાની સલાહ આપે છે. ‘તમને આ દુનિયાને વધુ ઉત્તમ બનાવવાની મહત્ત્વાકાંક્ષા નથી?’ એવું કવિને પૂછવામાં આવે છે. એના જવાબમાં કોઈ ‘ના’ તો શી રીતે જ કહી શકે? પણ એ વિશે આપણે એમને સમજાય એવી ભાષામાં સાદોસીધો જવાબ નહીં આપીએ તો એઓ માનશે કે કવિઓ હૃદયહીન છે, માત્ર મોજીલા છે, વક્રદર્શી છે. એક માનવની માનવ પ્રત્યેની ફરજનું એમને ભાન નથી. કવિ લોકોનું ધ્યાન આકર્ષી શકે છે, એમની લાગણીઓ પર પોતાનો દોર ચલાવી શકે છે. આવી શક્તિ ધરાવનારા કવિએ જ સમાજમાં પ્રવર્તતા અનિષ્ટ સામે આક્રમણ કરવું જોઈએ. આ ‘અનિષ્ટ’ શું હોય છે? રાજકારણમાં પડેલાને માટે સામો પક્ષ તે આવું અનિષ્ટ હોય છે. મારાથી વિભિન્ન દૃષ્ટિબિન્દુ ધરાવનારી વ્યક્તિ મારે મન અનિષ્ટ રૂપ છે. હું આસ્તિક હોઉં તો નાસ્તિક મારે મન અનિષ્ટ છે. હું સામ્યવાદી હોઉં તો ધનિક મારે મન અનિષ્ટ છે. આમ, આ અનિષ્ટનો રાક્ષસ તો દશાનન છે. હું કોને હણું? આપણા જમાનામાં જે નવી ગાળો ઉમેરાઈ છે તેમાંની મૂડીવાદ, શાહીવાદી, નીતિવાદી, ફાસિસ્ટ, પ્રતિક્રિયાવાદી વગેરે ઘણી રોજ આપણા કાન સાથે અથડાતી હોય છે. ‘ગાંધીવાદ’ શબ્દ પણ ગાળ અને ઉપહાસ સૂચવતો નથી થઈ ગયો? જતે દિવસે કશા વિશેષણ વિનાના નર્યા માણસ હોવું એ પણ કદાચ એક ગાળ જ બની રહેશે.

તો કવિતા માટે મૂંઝવતો પ્રશ્ન બની રહે છે: कस्मै देवाय हविषा विषेम? – કયા દેવને હવિ અર્પીએ? એ પ્રશ્નનો તૈયાર ઉત્તર કવિને આપવામાં આવે છે. ત્યાં કવિની પ્રજ્ઞા કે પ્રતિભા પર વિશ્વાસ રાખવામાં આવતો નથી. સમાજનું કાવતરું કવિને હંમેશાં પરવશ રાખવાનું જ રહ્યું હોય એમ લાગે છે. પહેલાં એ દૈવી પ્રેરણાને વશ હતો, હવે એ સમાજમાં વર્ચસ્ ધરાવનાર બળને વશ વર્તીને રહે એવી આશા રાખવામાં આવે છે.

સમાજની વર્તમાન સ્થિતિ વિશે સન્તુષ્ટતા કેળવે એવા અબુધ જન કોઈ ભાગ્યે જ હશે. પણ ‘સમાજ કો બદલ ડાલો’ના નારા ગજાવવા એ જુદી વાત છે ને આખી સમસ્યાનું સમગ્ર સંવિત્તિથી વિભાવન કરીને એને રૂપ આપવું એ જુદી વાત છે. વાસ્તવમાં સમાજ કવિતાની અમરતાથી ડરે છે, પછીથી આવનારી પેઢીને કવિની કવિતા પોતાને વિશે જે કહેશે તેથી પોતાની ઊભી કરેલી કીતિર્ની શી વલે થશે તેની કવિની સમકાલીન પેઢીને ભારે ચિન્તા હોય છે. કવિ પોતાની વિરુદ્ધ સાહેદી આપવા ન રહે એવી જ વ્યવસ્થા આથી આ સમાજ કરવા મથતો હોય છે.

મનેય આ સમાજમાંનું ઘણું રુચતું નથી. હું ચારે બાજુ કેવી ક્રૂરતા ને બર્બરતા જોઉં છું! લોકોમાં કેટલો બધો લોભ અને ચડસાચડસી છે! કહેવાતો શિષ્ટ ઉચ્ચભ્રૂ સમાજ કેટલી બધી કદર્યતાથી ટેવાઈ ગયો છે! કેટલાય કહેવાતા ચિન્તકો નર્યા વક્રદૃષ્ટિ બની ગયા છે! ચન્દ્રમાંથી દેખાતી આપણી પૃથ્વીની મનોહારી છબી આપણામાંના કોણે નથી જોઈ? અહીંથી સુન્દર લાગતો ચન્દ્ર કેવો ભૂંડોભખ અને નિષ્પ્રાણ છે! મંગળની છબી પણ એવી મનોહર લાગી નથી. તો અત્યન્ત સુન્દર એવા એક ગ્રહ પર જીવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત કરનારી માનવજાતિએ એના દુર્વર્તનથી, અમાનુષીપણાથી, યુદ્ધની સામૂહિક સંહારલીલાથી આ સુન્દર ગ્રહને કેટલો બધો લાંછિત કરી દીધો છે! આપણે સૌ વંઠી ગયેલાં બાળકોની જેમ વર્તીએ છીએ. એઓ ઘરમાંની સારામાં સારી વસ્તુઓને તોડીફોડીને બધું ખેદાનમેદાન કરી નાંખે છે. હા, આ દુનિયા તો બદલવી જ જોઈએ. પણ કલ્પનોત્થ સર્જનો જ એને બદલવાને માટેનાં ઉત્તમ શક્તિશાળી સાધનો છે? તમે અસ્ત્રાથી લાકડું ફાડવા જાઓ તો લાકડું ફાડી શકાય નહીં અને અસ્ત્રો નકામો થઈ જાય તે નફામાં!

જો કળા દુનિયાને સુધારવાનું શક્તિશાળી સાધન ન બની શકે તો સમાજનો એક વર્ગ તો પ્લેટોની અદાથી એને ધૂત્કારી કાઢવા સદા તત્પર રહેતો જ હોય છે. વ્યક્તિગત માનવીય સમ્બન્ધો, નિરુદ્દેશ કળા, પ્રકૃતિનું સૌન્દર્ય કે બૌદ્ધિક ઊહાપોહનો અહેતુક ઉત્સાહ – આ બધું એ વર્ગને અનીતિમય લાગે છે. આવી ‘ઉદાત્ત’ જીવનપરાયણતા રાખનાર આગળ કળાકાર બિચારો વામણો લાગે છે! પણ બીજી રીતે જોઈએ તો આવું એકમાર્ગી વલણ પણ ગમ્ભીર પ્રકારની મર્યાદાનું દ્યોતક નથી? એમાં વિશદતા કે અસન્દિગ્ધતા હશે પણ તે ઘણાં મહત્ત્વનાં અંગોની બાદબાકીને કારણે જ શક્ય બની હશે! બીજાં પાસાંઓને જાણીકરીને ઉવેખવાની વૃત્તિ આખરે તો માનવજાતિને માટે ખતરનાક જ નીવડે. આમ, સામસામા બે છેડા આપણને દેખાય છે: એક છેડે જાણીકરીને પરિમિત કરેલ દૃષ્ટિવાળો સક્રિય ક્રાન્તિકારી અને સામે છેડે સમગ્રતાનો, કાલાતીતતાનો આગ્રહ રાખનારો સર્જક. પણ માનવીય અનુભવની સંકુલતા જોતાં આ બે ધ્રુવ હોય તે સ્વાભાવિક જ નથી?

અમેરિકી કવિ લુઇસ મેકનિસે કવિતા અને પ્રચાર વિશે થોડી મહત્ત્વની ચર્ચા કરી છે. એઓ કહે છે: પ્રચારવાદી કવિઓનો દાવો હોય છે કે એઓ વાસ્તવવાદી છે. પણ જો વાસ્તવિકતા એટલે વ્યવહારદક્ષતા એવું સ્વીકારીએ તો જ આ દાવો સાચો ઠરે. સત્ય, પછી તે કાવ્યનું હોય કે વિજ્ઞાનનું હોય, હંમેશાં સરળ અને સુબોધ હોતું નથી. પણ પ્રચારવાદીએ તો એના શ્રોતાઓ અને વાચકોને તરત ગળે ઊતરી જાય એવી જ હકીકત રજૂ કરવાની રહે છે. સાચા અર્થમાં વાસ્તવવાદ હકીકતોને, એના પ્રચાર લેખેના મહત્ત્વથી નિરપેક્ષ રહીને સ્વીકારે છે. અમુક વર્ગને અનુકૂળ થઈ પડે એવી જ હકીકતોની નોંધ એ લેતો નથી. એની સામેના વર્ગને પણ અનુકૂળ થઈ પડે અથવા કોઈને પણ અનુકૂળ ન થઈ પડે એવી હકીકતોને પણ એ સ્વીકારે છે. પ્રચારવાદીઓ પાસે એમનું ‘સત્ય’ હોય છે, પણ એ સત્ય વિજ્ઞાનીનું કે વાસ્તવવાદીનું સત્ય નથી હોતું. એ કાવ્યના સત્યથી તો વળી ખૂબ જ દૂર નીકળી જતું હોય છે. એને તો દુનિયાને બદલવામાં જ રસ હોય છે. આ હેતુ સિદ્ધ કરવા માટે જે સાધનો વાપરવાં પડે તે એ વાપરે છે. એમાં જુઠ્ઠાણું, વિકૃતિ અને સંકુલ વસ્તુને વધુ પડતી સરળ બનાવીને મૂકવાની તદબીર – આ બધાંનો જ સમાવેશ થાય છે. એની રીતે કદાચ આ વાજબી ઠરાવી શકાય, પણ પ્રચારવાદીના સત્યને સ્વીકારવાથી કોઈ કવિ સારી કવિતા લખી જ શકશે એવું કહી શકાય નહીં. કવિએ પ્રચારવાદી થવું જરૂરી પણ નથી. પ્રચારવાદીના ધ્યેય સાથે કવિ સંમત થતો હોય તોય એ ધ્યેય કવિતાના પર બળાત્કાર કરવાથી સિદ્ધ થશે કે કેમ એ વિશે એ સકારણ સંદેહશીલ બની શકે. ગણિતની જેમ કવિતા એક સ્વયંપર્યાપ્ત પ્રવૃત્તિ છે. નબળું ગણિત કે નબળી કવિતા જો સારા હેતુ માટે ખપમાં આવતાં હોય તો આ કળાનો દુરુપયોગ જે લોકો ગાણીતિક કે કવિ નથી તેઓ ભલે કરતા.

ઘણા સર્જકો, એમની કારકિર્દીના અમુક તબક્કે, કશાક આન્દોલનમાં સંડોવાતા હોય છે. ‘અમુક સમૂહજોગા અમુક સમાન આદર્શની સિદ્ધિ માટે મથવું, અમુક જવાબદારી કોઈની સાથે રહીને ઉપાડવી, એને અંગેની જરૂરી શિસ્ત કેળવવી, બધા સાથે રહીને ભયનો સામનો કરવો – આ બધું અમુક તબક્કે ગમતું હોય છે.

આપણા સમાજમાં સર્જકને એકાકીપણાનો અનુભવ કરવો પડતો હોય છે. બીજા લોકોની દખલગીરી વિના એ પોતાનું કામ વધારે સન્તોષકારક રીતે કરી શકે છે એ સાચું, પણ બીજાના સહવાસથી એને જે હૂંફ અને આધાર મળે તે પણ એણે ગુમાવવાં પડે છે. ઘણાં વર્ષોની સર્જનપ્રવૃત્તિ પછી આ એકાકીપણું કેટલાકને કોઠે પડી જાય છે, પણ જુવાન લેખકોને માટે આ એકલતા વેઠવી કપરી થઈ પડે છે. આથી એ લોકો જૂથ બનાવે છે, ખરીતાઓ બહાર પાડે છે ને ઉત્તેજિત થઈને સમૂહમાં મળતા રહે છે. એમનો અવાજ જરૂરી દૂરતા કરતાં બુલંદ હોય છે. એમના પુરુષાર્થને ઉદ્ધતાઈનો પાસ બેઠેલો હોય છે. ઘણી વાર આ વૃત્તિ એમને રાજકારણના અખાડામાં દોરી લઈ જાય છે. ત્યાં પોતે કંઈક છે એવું એને લાગવા માંડે છે. ‘અમને તમારા જેવાની જ જરૂર હતી. તમારામાં ઈશ્વરદત્ત શક્તિ છે. તમે અમારા દૃષ્ટિબિન્દુને સમર્થ રીતે અભિવ્યક્ત કરી શકશો.’

આમ તો ઉત્તમોત્તમ સર્જન કરવા છતાં સમાજનું ધ્યાન સર્જક તરફ જતું નથી. આવું કશુંક મર્યાદિત સિદ્ધ કરી આપવાનું હોય છે ત્યારે જ સમાજનું એની તરફ ધ્યાન જાય છે. જુવાન સર્જકોને તો ખ્યાતિની ને સ્વીકૃતિની ખેવના હોય છે. એ પામવા માટે એ કેવા ધમપછાડા કરે છે તે આપણે ક્યાં નથી જોયું? આ વાસનાની પૂર્તિ ખાતર જ એ જૂથમાં ભળી જાય છે ને જૂથને વફાદાર રહેવામાં પોતાના આગવાપણાનો ભોગ આપવા તત્પર બની જાય છે.

ગમ્ભીરતાનો છદ્મવેશ ધારણ કરનારી આવી બાઘાઈ વહોરી લેવી એ કેટલાકને મન એકાકીપણા કરતાં વધુ યોગ્ય લાગે છે. માનવીય અનુભૂતિ જ કાવ્યનો વિષય છે. પણ એ વિષય એટલો સર્વસામાન્ય છે કે કોઈને એ પોતાનો વિશિષ્ટ લાગતો નથી. વળી એ સનાતન છે. આથી જો કશુંક તરત ધ્યાન ખેંચે એવું પ્રાસંગિક હોય, સમકાલીન કશીક સામાજિક કે રાજકીય સમસ્યા જોડે સમ્બન્ધ ધરાવતું હોય, તો એના તરફ લોકોનું તરત ધ્યાન જાય છે. આમાં પક્ષકાર બનીને, સમાજના વગ ધરાવનારા વર્ગની સાથે રહીને, જો એ તારસ્વરે બોલે તો તરત સમાજ એને ખભે બેસાડી દે છે: ‘આપણા જમાનાને આવા જ સર્જકની જરૂર હતી.’ પણ આ ભ્રાન્તિ જ હોય છે તે તો પાછળથી સમજાય છે. એ મોજું શમી જાય છે, પછી પાછું ઉપેક્ષાપર્વ શરૂ થાય છે. આખરે જો ભ્રાન્તિ દૂર થાય છે તો એ પાછો પોતાને માર્ગે વળી જાય છે, નહીં તો હતાશ થઈને પોતાની શક્તિને કુણ્ઠિત કરી મૂકે છે.

સમાજમાં સર્જકનો પ્રભાવ કેટલો એવો ઘણાને પ્રશ્ન થાય છે. અદાલતમાં મુકદ્દમો ચલાવનાર ન્યાયાધીશ મુકદ્દમાને અન્તે ચુકાદો આપીને સજા ફરમાવે છે તેનું તરત પાલન થાય છે. પણ વર્ષાેની સાધના પછી સર્જક પોતાની કૃતિ સમાજ આગળ રજૂ છે તો એની શી દશા થાય છે? ઘણા સર્જકો એમના જીવનકાળમાં સાવ ઉપેક્ષિત જ નહોતા રહ્યા? પણ પ્રભાવ વિશેનો આવો ખ્યાલ સર્વથા ઉચિત નથી. સાહિત્યકૃતિનો પ્રભાવ ઘણો પડતો હોય છે, પણ એ સૂક્ષ્મ પ્રકારનો અને વધુ સ્થાયી હોય છે. લોકમાનસ પર એની ઊંડી અસર પડે છે. આમ પ્રભાવની આ પ્રકારની તુલના વાજબી નહીં લેખાય. યેટ્સને અંજલિ આપતા કાવ્યમાં ઓડેને કહ્યું હતું: ‘કાવ્યથી કશું નીપજી આવતું નથી.’

આપણા સમાજમાં સાહિત્યસર્જન પરત્વેની પ્રચ્છન્ન અણગમાની લાગણી પ્રવર્તતી દેખાય છે. ઘણા એને વાણીવિલાસ અને કલ્પનાતરંગ ગણે છે. વળી કશાક ઠોસ કાર્યમાં પ્રવૃત્ત થવું એનું મૂલ્ય સમાજમાં ઘણું હોય છે. સર્જકની સક્રિયતા પ્રકટ સ્વરૂપની હોતી નથી. આથી જુવાનીમાં સર્જકો પણ કશીક ચળવળમાં સક્રિય બનવાના પ્રલોભનને વશ થતા દેખાય છે. આજના આપણા કેટલાય કાલજ્યેષ્ઠ લેખકો એમની જુવાનીમાં ‘પ્રગતિવાદી’ લેખકો હતા. એઓ પણ ફતવાઓ બહાર પાડતા હતા ને નારા ગજાવતા હતા. પશ્ચિમમાં પણ આવું બનતું રહ્યું છે. બોદલેર એમ માનતો કે માનવીય પરિસ્થિતિમાં રહેલાં અનિષ્ટો સમૂળગાં કદી નાબૂદ થઈ શકવાનાં નથી; માનવપશુને ક્રૂરતા અને હિંસકતાના અરણ્યમાં જ મત્ત બનીને વિહરવાનું ગમે છે; જીવનનું સૌન્દર્ય નારકી કુસુમોમાં જ પ્રકટ થાય છે. આમ માનનાર વ્યક્તિ સમાજમાં ક્રાન્તિકારી ફેરફાર લાવવાના નારા ગજાવનારાઓ સાથે જોડાય એવું આપણે કલ્પી શકીએ ખરા? પણ 1848માં જે ચળવળિયાઓએ બંદૂક વેચનારાની દુકાન લૂંટી તેમાં બોદલેર સામેલ હતો ને બંદૂક ઊંચી કરીને એ પણ નારા ગજાવતો હતો! સ્પૅનની પ્રજાએ ફડિર્નાન્ડ સાતમાની સામે માથું ઊંચક્યું ત્યારે એની પ્રત્યે સહાનુભૂતિ પ્રદશિર્ત કરીને એમની મદદ માટે ફાળો એકઠો કરીને સ્પૅનના ક્રાન્તિકારીઓને હાથોહાથ પહોંચાડનારમાં ઇંગ્લેંડના કવિ આલ્ફ્રેડ ટેનિસન પણ હતા!

આ કે તે આન્દોલનમાં ભળવું, અમુક મર્યાદિત અને નક્કર હેતુ માટે સમપિર્ત થવું, એમાં જે વફાદારી અને હૂંફ અનુભવાય છે, એને કારણે લોકાદરની જે પ્રાપ્તિ થાય છે તે સર્જકોને એકાકીપણાની વેદનામાંથી છુટકારો અપાવે છે. વળી એથી એની વ્યક્તિગત સમસ્યાઓ પણ તત્પૂરતી ઉકેલાઈ ગઈ હોય એવી ભ્રાન્તિ ઉદ્ભવે છે. પણ આવી સમસ્યાઓનો જો એ સામનો કરી ન શકતો હોય તો એનામાં સર્જક થવાની મગદૂરી નથી એમ જ કહેવું જોઈએ. સર્જક થવાનું સ્વીકાર્યા પછી તો એણે સમકાલીન સામાજિક કે રાજકીય પરિસ્થિતિ પોતાનામાં તેમ જ બીજા અનેકમાં જે પ્રતિભાવ કે પ્રતિક્રિયા જગાડે તેને સાહિત્ય માટેની સામગ્રી લેખે ઉપયોગમાં લેવાનું શીખવું જ જોઈએ. એને માટે જરૂરી તાટસ્થ્યપૂર્વકનું તાદાત્મ્ય એણે કેળવી લેવું જોઈએ. પણ સર્જક તરીકે એણે જે આગવું વ્યક્તિત્વ કેળવ્યું હોય છે તે જે અનુભવે છે તે સૌથી મહત્ત્વનું છે. અમુક ઘટના આમ કેવળ રાજકીય સ્વરૂપની લેખાતી હોય, પણ એની સમગ્ર ચેતનાથી એને અનુભવતાં એનાં બીજાં અપ્રકટ પરિણામો એને લાધે એવું બને. એથી ઊલટું, આ કે તે આન્દોલનમાં સંડોવાયેલા સર્જકો એને કારણે જે મર્યાદા ઊભી થાય છે તેને પરિણામે કોઈ મહત્ત્વની ઘટના પરત્વે સામાન્ય માનવી જે સહાનુભૂતિપૂર્વકનો પ્રતિભાવ પાડે તેવો પ્રતિભાવ પણ પાડી નહીં શકવા જેટલા જડ થઈ જાય છે. રશિયાના મોટા ભાગના સર્જકો સ્તાલિને પોતે જ ડાબેરીઓને જે છેહ દીધો તે પરત્વે શો પ્રતિભાવ પાડી શક્યા? સ્તાલિન એટલે રશિયા અને રશિયા એટલે ક્રાન્તિ એવા સમીકરણના ચોકઠામાં ઘણા જંદિગીભર પુરાઈ રહ્યા! 1939માં રશિયાએ નાઝીઓ સાથે સમજૂતી કરી ત્યારે એઓ કેવી રીતે વર્ત્યા? યુદ્ધ પછી તરત જર્મનીના સોવિયેત નિયન્ત્રણ હેઠળના વિસ્તારમાં મુક્ત ચૂંટણી થવા ન દીધી ત્યારે એમની પ્રતિક્રિયા શી હતી? રશિયાએ પૂર્વ યુરોપનું સામ્રાજ્ય ઊભું કર્યું ત્યારે એમણે શું કર્યું? 1956માં હંગેરીમાં જે થયું તે વિશે સર્જક તરીકે એમણે શો પ્રતિભાવ પાડ્યો? ઝેકોસ્લોવાકિયાની ઘટના તો હજી આપણી સ્મૃતિમાં તાજી જ છે. આ ગાળામાં સ્તાલિનમાં આરોપિત કરેલી શ્રદ્ધાને પાછી ખેંચી લેવાની વેદના કે એને અંગે થયેલી મથામણ સોવિયેત સાહિત્યમાં કેટલે અંશે પ્રકટ થઈ છે?

કોઈ રાજકીય ઘટના કાવ્યનો વિષય બને તો કાવ્યનાં ઘટકોમાં એનું આમૂલ રૂપાન્તર થયું હોવું ઘટે. આ દૃષ્ટિએ આવાં કાવ્યોની આલોચના થવી જોઈએ. રાજકીય વિષય હોવાને કારણે જ એ પ્રકારનાં કાવ્યો પરત્વે આપણે પૂર્વગ્રહ બાંધી લેવો ન જોઈએ. જો આવો પૂર્વગ્રહ કેળવીશું તો જીવનના એક મહત્ત્વના ખણ્ડને કાવ્યના ક્ષેત્રમાંથી બાદ કરી નાંખવા જેવું થશે. આપણે તો કાવ્યત્વ કેવી રીતે સિદ્ધ થયું છે તે જોવાનું છે ને માણવાનું છે. કાવ્યની એ જ તો શક્તિ છે કે એ આપણને આપણા વ્યક્તિગત પૂર્વગ્રહો કે અભિગ્રહોથી ઉપર લઈ જાય છે.

‘લોક’ શબ્દ આપણા જમાનામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. લોકોથી દૂર સરી જવું એ આપણામાં અપરાધી થયાની લાગણી જગાડે છે. કળાકૃતિ લોકભોગ્ય બને, એમાં વધુ પડતી સૂક્ષ્મતા ન આવી જાય, એથી ઊલટું એમાં થોડું બરછટપણું હોય, થોડી ગ્રામ્યતા હોય તો લોકોની નજીક રહ્યાનો સન્તોષ થાય છે. આથી રૂપનિમિર્તિ પરત્વે સજાગ ન રહેવું, રચનાપદ્ધતિ પરત્વે ઝાઝી આંટીઘૂંટી ન ઊભી કરવી, વિદગ્ધતા પ્રકટ થતી ટાળવી – આવાં વલણો પણ જુદાં જુદાં નામ ધારણ કરીને પ્રકટ થતાં આવે છે. રચના લોકસાહિત્યની અડોઅડ બેસે એવી હોય એવી અપેક્ષા રાખવામાં આવે છે. આજે ફરી લોકસાહિત્યની બોલબાલા છે. પ્રચારના એક સમર્થ સાધન તરીકે એને ઝડપી લેવા અમુક વર્ગ ટાંપીને જ બેઠો છે.

સાચી વાત તો એ છે કે અભિવ્યક્તિની સિદ્ધ થઈ ચૂકેલી બધી જ પરમ્પરાઓનો વારસો સર્જક ભોગવતો હોય છે. એ અંગેની બધી જ સાધનસંપત્તિને એ ખપમાં લઈ શકે છે. સર્જનનો ઉત્કર્ષ કદી પ્રજાજીવનના સાચા ઉત્કર્ષનો વિરોધી હોઈ શકતો નથી.