ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સમયસુંદર-૨: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સમયસુંદર-૨'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૬૪૬/સં.૧૭૦૨, ચૈત્ર સુદ ૧૩] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રશિષ્ય સકલચંદ્રના શિષ્ય. મારવાડમાં આવેલા સાચોરના પ્રાગ્વાટ...") |
(No difference)
|
Revision as of 09:14, 21 September 2022
સમયસુંદર-૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૬૪૬/સં.૧૭૦૨, ચૈત્ર સુદ ૧૩] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રશિષ્ય સકલચંદ્રના શિષ્ય. મારવાડમાં આવેલા સાચોરના પ્રાગ્વાટ વણિક. પિતા રૂપસિંહ. માતા લીલાદેવી. ઈ.૧૫૯૩માં વાચકપદ અને સંભવત: ઈ.૧૬૧૫-૧૬માં ઉપાધ્યાયપદ. મહિમરાજ (જિનસિંહસૂરિ) અને સમયરાજ એમના વિદ્યાગુરુઓ હતા. ઈ.૧૫૮૨માં જિનચંદ્રસૂરિ અકબર બાદશાહને મળવા લાહોર ગયા ત્યારે તેમની સાથે ગયેલા અન્ય સાધુઓમાં સમયસુંદર પણ હતા અને તે વખતે તેમણે પોતાની સંસ્કૃત કૃતિ ‘અષ્ટલક્ષી’થી અકબરને પ્રસન્ન કર્યા હતા. સંસ્કૃત, પ્રાકૃત તથા અપભ્રંશના તેઓ સારા અભ્યાસી હતા. તથા વિહાર નિમિત્તે ગુજરાત, મારવાડ અન સિંધના વ્યાપક પ્રવાસો દરમ્યાન ગુજરાતી, મારવાડી, સિંધી, હિંદી ને પંજાબી ભાષાઓ પર પણ પ્રભુત્વ મેળવ્યું હતું. તેઓ સંગીતજ્ઞ પણ હતા. ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃતમાં સમયસુંદરે વિપુલ સર્જન કર્યું છે. તેના પરથી તેમના કવિત્વશક્તિ, પાંડિત્ય અને સંગીતજ્ઞાનનો પરિચય થાય છે. ગુજરાતીમાં તેમણે અનેક રાસકૃતિઓ રચી છે, જેમાં જૈનધર્મની પરંપરામાં પ્રચલિત કથાઓ પર આધારિત રાસાઓનું પ્રમાણ સૌથી મોટું છે. ૨ ખંડ, ૨૧ ઢાળ ને ૫૩૫ કડીનો એમનો પહેલો રચાયેલ ‘સાંબપ્રદ્યુમ્ન-રાસ/પ્રબંધ/ચોપાઈ’(ર.ઈ.૧૬૦૩/સં.૧૬૫૯, આસો સુદ ૧૦) જૈન આગમોમાંની સાંબપ્રદ્યુમ્નની કથાને વિકસાવીને લખાયો છે. કૃષ્ણના ૨ પુત્રો સાંબ અને પ્રદ્યુમ્નનાં સ્નેહ અને સાહસપરાક્રમની કથા આલેખી કવિએ એમાં કર્મપુનર્જન્મનો મહિમા ગયો છે. ‘ઉત્તરાધ્યયન-સૂત્ર’ને આધારે રચાયેલા ૪ ખંડ, ૪૪ ઢાળ ને ૮૪૦ કડીના અવાંતરકથાઓ અને લાંબાં વર્ણનોથી પ્રસ્તારી બનેલા ‘ચારપ્રત્યેક-બુદ્ધ-રાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, જેઠ સુદ ૧૫-; મુ.)માં નમિ, કરકંડુ, દ્વિમુખ અને નિગ્ગઈ એ ચારે ‘પ્રત્યેક બુદ્ધ’ કેવી રીતે બન્યા એની કથા છે. ૬ ખંડ, ૩૯ ઢાળ ને ૯૩૧ કડીનો ‘નલદવદંતી-રાસકથા/ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, વસંતમાસ-; મુ.) કવિનો વિશેષ ધ્યાનાર્હ રાસ છે. ‘પાંડવચરિત્ર’ અને ‘નેમિચરિત્ર’ને અનુસરતી આ કૃતિમાં નલ-દવદંતીના ૩ ભવની કથા છે. નળના ડાબાજમણા હાથ વચ્ચે થયેલા સંવાદ દ્વારા વ્યક્ત થયેલો નળનો દ્વિધાભાવ, નળ અને કુબરના દ્યુતપ્રસંગનું વર્ણન કે શૃંગાર, અદ્ભુત ને શાંતના નિરૂપણમાં કવિની શક્તિ દેખાય છે. વિવિધ પ્રાદેશિક ભાષાઓના શબ્દોના સંસ્કાર તથા પોતાના સમયમાં પ્રચલિત કહેવતો અને લોકોકિતઓને વણી લેવાની કવિની ટેવથી એમની ભાષા અહીં અને અન્ય રાસાઓમાં અસરકારક બને છે. ૩ ખંડ, ૩૮ ઢાળ અને ૭૪૪ કડીની ‘મૃગાવતીચરિત્રચોપાઈ/રાસ/આખ્યાન’ (ર.ઈ.૧૬૧૨; મુ.) કવિની બીજી મહત્ત્વની કૃતિ છે. જૈનોમાં પ્રચલિત મૃગાવતીના ચરિત્ર પર આધારિત આ રાસમાં મૃગાવતીજીવનના મુખ્ય કથાપ્રસંગો વચ્ચે કેટલીક અવાંતરકથાઓ ગૂંથી કવિએ એને કામ પર શીલના વિજ્યની કથા બનાવી છે. મૃગાવતી-સૌંદર્યવર્ણન કે મૃગાવતીના વિરહાલાપમાં કવિની શક્તિ ખીલી ઊઠી છે. પરંતુ કવિની સૌથી મોટી ને ઉત્તમ રચના તો ૯ ખંડ, ૬૩ ઢાળ ને ૩૭૦૦ કડીની ‘સીતારામ-ચોપાઈ’(મુ.) છે. ‘સિયાચરિઉ’ ને ‘પઉમચરિય’ને આધારે રચાયેલા આ રાસમાં કવિ જૈન પરંપરામાં પ્રચલિત રામકથાને અનુસર્યા છે. એટલે સીતાલગ્નનો પ્રસંગ, સીતાનો રામે ત્યાગ કર્યા પછી વજ્રજંઘ રાજાએ સીતાને આપેલો આશ્રય, લક્ષ્મણનું મૃત્યુ વગેરે ઠીકઠીક પ્રસંગોના નિરૂપણમાં તેઓ વાલ્મીકિ રામાયણથી જુદા પડે છે. જૈન ધર્મનો પ્રભાવ બતાવતી હોવા છતાં વિવિધ રસોનું નિરૂપણ, પ્રવાહી કથાકથન ને ભાષાસામર્થ્યથી કૃતિ અસરકારક બની છે. ‘ત્રિષષ્ટિશલાકા-પુરુષચરિત્ર’ના પરિશિષ્ટપર્વ પર આધારિત ૧૦ ઢાળ ને ૨૨૫ કડીનો ‘વલ્કલચીરી-રાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૫; મુ.)માં જંગલમાં મોટો થયેલો ને જીવનથી બિનઅનુભવી એવો વલ્કલચીરી કેવા અનુભવોમાંથી પસાર થઈ પોતાના ભાઈ પાસે પહોંચે છે એની કથા મુખ્ય છે. એમાં આલેખાયેલું વલ્કલચીરીનું મુગ્ધ વ્યક્તિત્વ ગમે એવું છે. ૨ ખંડ, ૨૦ ઢાળ ને ૪૪૮ કડીની ‘થાવચ્ચાસુતરિષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૫/સં.૧૬૯૧, કારતક વદ ૩; મુ.) જૈન આગમોમાંના ‘જ્ઞાતાધર્મકથા’ પરથી લીધી છે. કૃતિના પહેલા ખંડમાં કૃષ્ણની દ્વારિકાનગરીમાં રહેતા થાવચ્ચાનું ચરિત્ર અને બીજા ખંડમાં સુક અને શેલકની કથા છે. થાવચ્ચાસુત અને સુક વચ્ચેનો જ્ઞાનસંવાદ કૃતિનો ધ્યાનાર્હ અંશ છે. ૪ ઢાળ ને ૫૪ કડીના ‘ક્ષુલ્લકઋષિ-રાસ’ (ર.ઈ.૧૬૩૮; મુ.)માં કામની પ્રબળતા, દીક્ષાની કઠોરતા અને ભૌતિક સુખોની ક્ષણિકતા કવિએ બતાવી છે. પ્રાકૃતગ્રંથ ‘ગૌતમપૃચ્છા’ને આધારે રચાયેલી ૭૪ કડીની ‘ગૌતમપૃચ્છા-ચોપાઈ’(ર.ઈ.૧૯૩૯; મુ.)માં પોતાના શિષ્યે ઉઠાવેલા ૪૮ પ્રશ્નોનું ભગવાન મહાવીરે જે રીતે નિરાકરણ કર્યું તેનું આલેખન છે. ૪ ઢાળ ને ૫૭ કડીનો ‘કેશીપ્રદેશી-પ્રબંધ’(મુ.) ‘રાયપસેણીય-સૂત્ર’ને આધારે રચાયો છે. પ્રદેશી રાજાએ ધર્મવિષયક ઉઠાવેલા વિવિધ પ્રશ્નોના જે ઉત્તર કેશીઋષિએ આપ્યા તેનું તેમાં આલેખન છે. દૃષ્ટાંતોથી વિચારને સ્ફુટ કરવાની કવિની રીતિ એમાં ધ્યાન ખેંચે છે. ૩ ખંડ, ૩૪ ઢાળ ને ૬૦૬ કડીનો ‘દ્રૌપદી-રાસ/ચોપાઈ’(ર.ઈ.૧૬૪૪/સં.૧૭૦૦, મહા-; મુ.)માં ‘જ્ઞાતાસૂત્ર’ને આધારે કહેવાયેલી જૈન પરંપરા અનુસારની, મહાભારતથી જુદી રીતે ચાલતી, કથા નિરૂપાઈ છે. અજિતપ્રભસૂરિની સંસ્કૃતકૃતિ ‘શાંતિનાથ-ચરિત્ર’ પર આધારિત ૧૪ ઢાળ ને ૨૭૦ કડીની ‘પુણ્યસાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬/સં.૧૬૭૩, ભાદરવા-;મુ.)માં પુણ્યસારની કથા દ્વારા પુણ્યનો મહિમા કરવામાં આવ્યો છે. ધનેશ્વરસૂરિકૃત સંસ્કૃત કૃતિ ‘શ્રી શત્રુંજયમાહાત્મ્ય’ પર આધારિત ૬ ઢાળ અને ૧૦૮ કડીના ‘શત્રુંજયતીર્થ-રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨, શ્રાવણ સુદ/વદ-; મુ.)માં શત્રુંજ્યતીર્થના વિવિધ નામો ગણાવી શત્રુંજ્યતીર્થનો વખતોવખત જીર્ણોદ્ધાર થયો તેની માહિતી આપી છે. ૧૮ ઢાળ ને ૫૧૯ કડીના ‘સાધુવંદના-રાસ’ (ર.ઈ.૧૬૪૧/સં.૧૬૯૭, ચૈત્ર-)માં જૈન આગમોમાં ઉલ્લેખાયેલા વિવિધ તીર્થોનાં ને અન્ય પ્રદેશનાં વિવિધ ૮૩ સાધુસાધ્વીઓના જીવનની વીગતો આપી છે તે મહત્ત્વની છે. સમયસુંદરના ૩ રાસ લોકકથાઓ પર આધારિત છે. સિંહલકુમારનાં પરાક્રમો અને એના ધનવતી, રત્નવતી, રૂપવતી અને કુસુમવતી કથા ૧૧ ઢાળ ને ૨૩૦ કડીના ‘સિંહલસુતપ્રિયમેલક-રાસ’(ર.ઈ.૧૬૧૬;મુ.)માં આલેખાઈ છે. અનુકંપાદાનનો મહિમા સમજાવવા રચાયેલી ૨ ખંડ, ૨૧ ઢાળ ને ૫૦૬ કડીની ‘ચંપકશ્રેષ્ઠિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૯; મુ.)ના પહેલા ખંડમાં ચંપકશ્રેષ્ઠિના આ ભવની અને બીજા ખંડમાં પૂર્વભવની કથા છે. એમાં આવતું ચંપાનગરીમાં પડેલા દુષ્કાળનું ચિત્ર નોંધપાત્ર છે. ૯ ઢાળ અને ૧૬૧ કડીની ‘ધનદત્તશ્રેષ્ઠિની-કથા/ધનદત્તવ્યવહારશુદ્ધિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૦; મુ.)માં વ્યવહારશુદ્ધિનો મહિમા બતાવ્યો છે. સમયસુંદરે ઐતિહાસિક વિષયવાળા ૨ રાસ પણ રચ્યા છે. દાનનો મહિમા બતાવવા રચાયેલા ૩ ઢાળ ને ૪૦ કડીના ‘વસ્તુપાલતેજપાલ-રાસ’ (ર.ઈ.૧૬૨૬; મુ.)માં વસ્તુપાળ અને તેજપાળે કરેલાં ધર્મકાર્યોથી વાત છે. પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ પુંજરત્ન/પૂંજાઋષિએ લીધેલા કઠોર અભિગ્રહોની વાત કરતા ૪ ઢાળ ને ૩૭ કડીના ‘પુંજરત્નઋષિ-રાસ’ (ર.ઈ.૧૬૪૨/સં.૧૬૯૮, શ્રાવણ સુદ ૫; મુ.)માં તપનો મહિમા કર્યો છે. એ સિવાય મિશ્રભાષાવાળો ‘(રાણી)પદ્માવતીકો-રાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૪, ફાગણ સિદ્ધિયાગ, બુધવાર; મુ.) સમયદૃષ્ટિએ જોતાં સમયસુંદરનો ગણાય છે. કવિએ ૧ સંવાદકૃતિ ૧૦૧ કડીની ‘દાનશીલતપભાવના-સંવાદ’ (ર.ઈ.૧૬૦૬; મુ.) રચી છે. તેમાં દાન, શીલ, તપ અને ભાવના દરેક દૃષ્ટાંતોનો આશ્રય લઈ પોતનું ચડિયાતાપણું સિદ્ધ કરવા કેવી રીતે મથે છે તેની વાત છે. સમયસુંદરે કેટલીક ‘છત્રીસી’ પ્રકારની કૃતિઓ રચી છે. એમાં સં. ૧૬૮૭માં પડેલા કારમા દુષ્કાળનું કરુણ ચિત્ર દોરતી ને ઇતિહાસ દૃષ્ટિએ મહત્ત્વની ‘સત્યાસિયાદુષ્કાળવર્ણન-છત્રીસી’(મુ.) વિશેષ મહત્ત્વની છે. એ સિવાય કેટલીક પૌરાણિક વ્યક્તિઓનાં દૃષ્ટાંત દ્વારા ક્ષમાનો મહિમા સમજાવતી ‘ક્ષમા-છત્રીસી’(મુ.), કર્મના સ્વરૂપને વર્ણવતી ‘કર્મ-છત્રીસી’ (ર.ઈ.૧૬૧૨/સં.૧૬૬૮, મહા સુદ ૬; મુ.), સંતોષ-છત્રીસી’ (ર.ઈ.૧૬૨૮; મુ.), પુણ્યનો મહિમા બતાવતી ‘પુણ્ય-છત્રીસી’ (ર.ઈ.૧૬૧૩; મુ.), જુદાજુદા ધર્મો ને જૈનધર્મના વિવિધ ગચ્છો વચ્ચે પ્રવર્તતા મતમતાંતરમાં ન અટવાતાં સ્વધર્મનું આચરણ કરવાનો બોધ આપતી ‘પ્રસ્તાવસવૈયા-છત્રીસી’ (ર.ઈ.૧૬૩૯; મુ.), ક્ષમાપનાનું મહત્ત્વ સમજાવતી ‘આલોયણા-છત્રીસી’ (ર.ઈ.૧૬૪૨; મુ.) અને રાજુલની વિરહવ્યથાનું આલેખન કરતી ‘નેમિનાથસવૈયા-છત્રીસી’ (ર.ઈ.૧૬૪૨/સં.૧૬૯૮, ભાદરવા-; મુ.) આ પ્રકારની રચનાઓ છે. સમયસુંદરની વિવિધ રાગઢાળવાળી, વિપુલ સંખ્યામાં રચાયેલી આશરે સાડપાંચસો જેટલી ટૂંકી રચનાઓ એમાંના ગેયતત્ત્વથી જૈનસમાજમાં ખૂબ લોકપ્રિય બની છે. એમાંની ઠીકઠીક રચનાઓ રાજસ્થાનીમાં પણ છે. આ રચનાઓમાં જિનચંદ્રસૂરિ, જિનસિંહસૂરિ વગેરે ખરતરગચ્છના સૂરિઓને વિષય બનાવી રચયેલાં તથા ‘ખરતરગુરુપટ્ટાવલી’ ‘ગુર્વાવલી ગીતમ્’ મળી ૯૦ જેટલાં ‘ગુરુગીતો’(મુ.) કવિની ઉત્કટ ગુરુભક્તિથી સભર છે. આશરે ત્રીસેક જેટલાં નેમિનાથ અને રાજિમતી વિષયક પદો(મુ.) છે. જેમાં ૮ અને ૧૦ કડીના ‘નેમિનાથ-ફાગ’ અને ૧૪ કડીના ‘નેમિનાથ-બાર-માસ’નો પણ સમાવેશ થાય છે. આ પદોમાં મુખ્યત્વે રાજિમતીનો વિરહ કે નેમિનાથના વિરકિતભાવને કવિ આલેખે છે. એ સિવાય ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૧૨/સં.૧૭૬૮, આસો સુદ ૧૦; મુ.), ‘વીસી’ (મુ.), ‘વીસ-વિહરમાનજિન-સ્તવન’(મુ.), ૫ ‘સીમંધરજિન-સ્તવન’ (મુ.), ૨ ‘સીમંધર-ગીત’ (મુ.), ૨ ‘તીર્થમાલા-સ્તવન’(મુ.), ‘તીરથ-ભાસ’(મુ.), ‘અષ્ટાપદતીર્થ-ભાસ’(મુ.) તથા શત્રુંજય, આબુ, અષ્ટાપદ, ગિરનાર, જેસલમેર વગેરે તીર્થો પરનાં સ્તવનો અને ભાસ(મુ.), જૈન સાધુસાધ્વીઓ પરનાં સ્તવનો (મુ.), ઉપદેશનાં ગીતો(મુ.) વગેરેનો આ રચનાઓમાં સમાવેશ થાય છે. ‘ષડાવશ્યકસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૨૭) અને ‘યતિઆરાધનાભાષા’ (ર.ઈ.૧૬૨૯) એ કવિની ગદ્યકૃતિઓ છે. ‘ભાવશતક’, ‘રૂપકમાલાઅવચૂરિ’, ‘વિચારશતક’, ‘રઘુવંશટીકા’ વગેરે સમયસુંદરની સંસ્કૃત કૃતિઓ છે. કવિને નામે ‘બારવ્રત-રાસ’ (ર.ઈ.૧૬૨૯) તથા ‘જંબૂ-રાસ’ એ કૃતિઓ નોંધાઈ છે. પરંતુ એમની અધિકૃતના શંકાસ્પદ છે. ‘જંબૂરાસ’ને હાથપ્રતનો ટેકો નથી. કવિને નામે નોંધાયેલી ‘સુસઢ-રાસ’ કવિની શિષ્યપરંપરામાં થયેલા સમયનિધાનની છે. કૃતિ : ૧. કરકંડૂ, દુમુહ, નમિ, નિગ્ગઈ આદિ ચાર રાજાકા ચાર રાસ, પ્ર. નાના દાદાજી ગુંડ, ઈ.૧૮૯૬; ૨. ચારપ્રત્યેકબુદ્ધરાસ, પ્ર. ભીમસિંહ માણેક,-; ૩. થાવચ્ચાસુતરિષિચોપાઈ, સં. અગરચંદ નાહટા અને અન્ય, ઈ.૧૯૮૦; ૪. નલદવદંતીનો રાસ, પ્ર. છગનલાલ ઉમેદચંદ, ઈ.૧૮૭૮; ૫. નલદવદંતીરાસ (સમયસુંદર), સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૫૭; ૬. મૃગાવતીચરિત્રચૌપઈ, સં. અગરચંદ નાહટા, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૮; ૭. સીતારામચૌપાઈ, સં. અગરચંદ નાહટા, ભંવરલાલ નાહટા, ઈ.૧૯૬૩; ૮. સમયસુંદર-કૃતિ-કુસુમાંજલિ, સં. અગરચંદ નાહટા ને ભંવરલાલ નાહટા, ઈ.૧૯૫૭ (+સં.); ૯. સમયસુંદરરાસપંચક, ભંવરલાલ નાહટા, ઈ.૧૯૬૧ (+સં.); ૧૦. અરત્નસાર; ૧૧. અસ્તમંજૂષા; ૨૧. આકમહોદધિ : ૭ (+સં.); ૧૩. આંજણા સતીકો રાસ તથા રાણી પદ્માવતીકો રાસ, નાના દાદાજી ગુંડ, ઈ.૧૮૮૮; ૧૪. ચૈસ્તસંગ્રહ : ૩; ૧૫. ચોવીસ્તસંગ્રહ; ૧૬. જિભપ્રકાશ; ૧૭. જિસ્તમાલા; ૧૮. જૈકાપ્રકાશ : ૧; ૧૯. જૈકાસંગ્રહ; ૨૦. જૈગસારત્નો; ૨૧. જૈરત્નસંગ્રહ; ૨૨. જૈસમાલા(શા) : ૧; ૨૩. જૈસસંગ્રહ(જૈ); ૨૪. જૈસસંગ્રહ(ન); ૨૫. દેસ્તસંગ્રહ; ૨૬. પ્રાસ્તસંગ્રહ; ૨૭. મોસસંગ્રહ; ૨૮. રત્નસાર : ૨; ૨૯. સઝાયમાલા(જા); ૩૦. સસન્મિત્ર. સંદર્ભ : ૧. સમયસુંદર, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. જૈસાઇતિહાસ; ૭. યુજિનચંદ્રસૂરિ; ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. કૅટલૉગગુરા; ૧૦. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૧૧. જૈહાપ્રોસ્ટા; ૧૨. ડિકૅટલૉગબીજે; ૧૩. ડિકૅટલૉગભાઈ : ૧૯; ૧૪. ડિકૅટલૉગભાવિ; ૧૫. મુપુગૂહસૂચી; ૧૬. લીંહસૂચી; ૧૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [જ.ગા.]