અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/અવકાશને માનવતાથી મઢીશ હું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> અરધી સદી પૂર્વે ગૌરીશિખરે ચઢ્યો, ત્યારે મેં તને હિમાદ્રિને માર...")
(No difference)

Revision as of 06:33, 26 June 2021

અરધી સદી પૂર્વે ગૌરીશિખરે ચઢ્યો,
ત્યારે મેં તને હિમાદ્રિને મારા પદચિહ્નથી મઢ્યો;
ઉન્નત જે ઊર્ધ્વ મસ્તકે ઊભો યુગોથી દૃઝ, તું ન ખસ્યો,
છતાં મને તારા મસ્તક પરનુ માનવછોગું કહીને તું મને હસ્યો;
પદક્રાન્તા એવો તું જાણે કે મારું દ્યૌ ખૂંદનારનું પદચિહ્ન લૂછી રહ્યો,
અને મસ્ત થૈને મને ભલા માનવને તું પૂછી રહ્યો:
‘કહે હવે, માનવ, ક્યાં ચઢીશ તું?’
આ તારી ગૌરવગાથા ક્યાં લગી પઢીશ તું?
કાલીદાસે તને દેવતાત્મા નગાધિરાજ કહી લડાવ્યો,
પછી કૈંક કવિઓએ તને મોઢે ચઢાવ્યો;
ભારતવાસીઓ માટે તું પરમ ચરમ પવિત્ર ધામ હશે,
એ સૌના જીવનની ચરિતાર્થતા જેવું,
સૌના કવનની કૃતાર્થતા જેવું,
તું એ સૌને માટે પૃથ્વી પરનું પૂર્ણવિરામ હશે.

પણ મારા વિસ્મય અને આશ્ચર્યને કોઈ આરો નથી
મારા કૌતુક અને કુતૂહલને કોઈ ઓવારો નથી;
મારા સ્વપ્ન અને સાહસને કોઈ વિશ્રામ નથી,
મારા પરાક્રમ અને પુરુષાર્થને કોઈ પૂર્ણવિરામ નથી.

હું અકલ્પ્ય અતીતમાં જલની સીમાને ભેદી
ભૂમિ પર વસ્યો ને સત્ય-સુન્દરની સહાયથી વિકસ્યો,
આજે હવે હું પૃથ્વીની ભ્રમણરેખાને છેદી
અકલ્પ્ય કો અનાગતમાં અવકાશમાં ખસ્યો.

તુંથી તો શું, સ્વયં આ પૃથ્વીથી પણ પર અને પાર
એવી આ છે મારી અવિરત, અવિશ્રામ જીવનયાત્રા દુર્દમ્ય, દુર્નિવાર;
તેં મને પૂછ્યું હતુંને: ‘કહે હવે, માનવ, ક્યાં ચઢીશ તું?’
હું માનવ, આજે તને કહું હવે અવકાશને માનવતાથી મઢીશ હું.

ઑક્ટોબર, ૨૦૦૩

  • સંદર્ભ માટે જુઓ ‘વસંતવર્ષા’માં ઉમાશંકરનું આ જ શીર્ષકનું કાવ્ય

(‘પરબ’, મે)