રાણો પ્રતાપ/પાંચમો પ્રવેશ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાંચમો પ્રવેશ|'''અંક પહેલો'''}} સ્થળ : આગ્રામાં અકબરનું મસલત-ઘર. સમય : પ્રભાત. [અકબર અને શક્તસિંહ સામસામા ઊભા છે.] અકબર : આપ રાણા પ્રતાપસિંહના ભાઈ કે? શક્ત : જી હા! અકબર : આંહીં પધાર...") |
(No difference)
|
Revision as of 10:42, 8 October 2022
અંક પહેલો
સ્થળ : આગ્રામાં અકબરનું મસલત-ઘર. સમય : પ્રભાત.
[અકબર અને શક્તસિંહ સામસામા ઊભા છે.]
અકબર : આપ રાણા પ્રતાપસિંહના ભાઈ કે?
શક્ત : જી હા!
અકબર : આંહીં પધારવાનું પ્રયોજન?
શક્ત : મોગલસેના લઈને રાણાની સામે ચડાઈ કરવાની મારી મુરાદ છે. રાણાને હું મોગલોને ચરણે નમાવવા ચાહું છું. રાણાની સેનાના રક્ત વડે મેવાડની ભૂમિ ભીંજાવવા તલસું છું.
અકબર : એથી મોગલોને શો ફાયદો? આજ સુધી મેવાડમાંથી એક દુકાની પણ મોગલ-ખજાનામાં નથી આવી.
શક્ત : પહેલાં રાણાને પકડો. પછી અપરંપાર દોલત આપના ખજાનામાં આવશે. આજ રાણાની આજ્ઞાથી આખી મેવાડ અણખેડેલી પડી છે. નહિ તો મેવાડની જમીનમાં, અહો! સોનું પાકી શકે. જાણો છો ને, જનાબ? તે દિવસ ચિતોડગઢના કિલ્લેદારની આજ્ઞાથી મેવાડની સીમમાં કોઈ ભરવાડે બકરાં ચારેલાં, એને રાણાએ ફાંસીએ લટકાવ્યો.
અકબર : [વિચારપૂર્વક] હં! વારુ! આપ અમને શી સહાય કરશો?
શક્ત : હું રાજપુત્ર છું. યુદ્ધ કરી જાણું છું. રાણાની સામે યુદ્ધ આદરીશ. હું રાજપુત્ર છું. સેનાને દોરતાં શીખ્યો છું. રાણાની સામે પ્રચંડ મોગલ સૈન્યને હું ચલાવી શકીશ.
અકબર : એથી આપને શો ફાયદો?
શક્ત : વૅરની વસૂલાત.
અકબર : બસ?
શક્ત : બસ!
અકબર : આપને મોગલ-સેના આપીએ તો શું આપ પ્રતાપસિંહને જીતી શકવાના?
શક્ત : મને વિશ્વાસ છે કે જીતી શકીશ. હું પ્રતાપનું સૈન્યબળ જાણું છું, એની યુદ્ધકુશળતા જાણું છું, યુક્તિ-પ્રયુક્તિ જાણું છું. પ્રતાપ યોદ્ધો છે, તો હું પણ યોદ્ધો છું. પ્રતાપ ક્ષત્રિય છે, તો હું પણ ક્ષત્રિય છું. પ્રતાપ રાજપુત્ર છે તો હું પણ રાજપુત્ર છું. પરંતુ એ જયેષ્ઠ છે અને હું ફટાયો છું. એક દિવસે વાતવાતમાં પ્રતાપના પુત્ર અમરસિંહે જ મને કહેલું, કે જ્યેષ્ઠ હોવાથી કાંઈ શ્રેષ્ઠ નથી થવાતું. એ દિવસથી દિલમાં હરદમ એ ચિંતન ચાલતું હતું. આજ એ વાતની ખાતરી થઈ ચૂકી છે.
અકબર : હં!
[એટલું બોલીને ભોંય પર નજર રાખી અકબર પળવાર ટહેલે છે અને દ્વારપાળને બોલાવે છે. દ્વારપાળ આવીને નમે છે.]
અકબર : મહારાજા માનસિંહને સલામ કહો.
દ્વારપાળ : જેવો હુકમ, ખુદાવન્દ!
[દ્વારપાળ જાય છે.]
અકબર : [શક્તસિંહની સામે જોઈને] મેં સાંભળ્યું છે કે આપને માથે રાણા પ્રતાપનો ઉપકાર છે.
શક્ત : શી રીતે ઉપકાર?
અકબર : નહિ? તો કદાચ મેં ખોટું સાંભળ્યું હશે. પ્રતાપસિંહે શું કદી આપના ઉપર ઉપકાર નથી કર્યો?
શક્ત : કર્યો હતો. મારા બાપુ ઉદયસિંહે જ્યારે મારો વધ કરવાની આજ્ઞા દીધેલી ત્યારે.
અકબર : [ચકિત થઈને] કોણે? આપના બાપુએ આપને મારી નાખવાની આજ્ઞા દીધેલી?
શક્ત : ત્યારે સાંભળો, પાદશાહ સલામત! મારા જીવનની કથની કહું. હું જ્યારે પાંચ વરસનો હતો, ત્યારે મારા હાથમાં એક છરો આવી પડ્યો. એની ધારનું પાણી જોવા માટે મેં એને મારા જ હાથમાં બેસાડી દીધો. મારી જન્મકુંડળીમાં લખ્યું છે કે હું મારી જન્મભૂમિને શાપ સમાન થઈ પડીશ. મારા બાપુએ જ્યારે જોયું કે એક છરો લઈને વિના થડક્યે મેં મારા જ હાથમાં ઘોંચી દીધો ત્યારે એને ખાતરી થઈ કે જન્મકુંડળી સાચી. એટલે એણે મને હણવાનો હુકમ દીધો.
અકબર : તાજ્જુબ!
શક્ત : તાજ્જુબ કાં થાઓ, સમ્રાટ? ભીરુ ઉદયસિંહને શું આપ નહોતા ઓળખતા? ચિતોડગઢના ઘેરાને વખતે જો મારા બાપુ ઉદયસિંહ ન નાઠા હોત તો આજ ચિતોડનો ભાગ્યસૂર્ય આમ આથમી ન જાત.
અકબર : અય જવાન! ચિતોડગઢ રજપૂતોના હાથમાંથી મોગલોને હાથ આવ્યો એ એનું સદ્ભાગ્ય નથી શું?
શક્ત : શી રીતે, પાદશાહ?
અકબર : તમે પોતે જ કબૂલ કરશો કે જંગલી રજપૂતોને રાજ ચલાવતાં જ નથી આવડ્યું.
શક્ત : જનાબ! જંગલી કોણ, રજપૂત કે મુસલમાન, તે તો હું નથી જાણતો. તોપણ આજ સુધી કોઈ જાતિએ પોતે પોતાને જંગલી કહી હોય એવું મેં નથી સાંભળ્યું!
[અકબર એ યુવાનની હિંમત જોઈને લગાર થંભી ગયો; પછી વાત પલટાવવાને નિમિત્તે બોલ્યો.]
અકબર : વારુ! પછી શું બન્યું આપના ઇતિહાસમાં?
શક્ત : મારાઓ જ્યારે મને વધસ્થાને લઈ જતા હતા, તે વખતે રસ્તામાં સલુંબરાપતિ ગોવિંદસિંહનો ભેટો થયો. એક વખત મારા ઉપર એની બહુ મમતા હતી, એથી મને પોતાનો વારસ બનાવવાનું વચન આપી રાણાની પાસે જઈને એમણે મારા પ્રાણની ભિક્ષા માગી. મને દત્તક લીધા પછી સલુંબરાપતિને એક પુત્ર જન્મ્યો. તે વખતે મેવાડની ગાદીએ પ્રતાપ હતા. સલુંબરાપતિની વિનવણીથી પ્રતાપ મને પોતાની રાજધાનીમાં લઈ આવ્યા; અને મને પ્રેમથી પાસે રાખ્યો.
અકબર : આપને હાથે મેવાડનું સત્યાનાશ લખાયું છે. એવી વાત જાણ્યા છતાંયે?
શક્ત : હાજી, એ જાણ્યા છતાંયે!
અકબર : ત્યારે આપે કેમ કહ્યું કે પ્રતાપસિંહ આપના ઉપકારક નથી?
શક્ત : ઉપકારક શાનો? મારી ખુદ જન્મભૂમિમાં, મારા પોતાના રાજ્યમાંથી, મારા અધિકારમાંથી મને અન્યાયની રીતે બાતલ કરવામાં આવેલો, તેમાંથી મને પાછો રાજમાં લઈ જવામાં તો પ્રતાપે થોડોક ન્યાય જ કર્યો કહેવાય : એટલા ખાતર શું એ મારો ઉપકારક? હજુ મારા સ્વહક્ક તો મને પાછા મળ્યા જ નથી. કયા અધિકારબળે એ મેવાડને સિંહાસને ચડી બેસે અને હું એનો આજ્ઞાંકિત ચાકર બની રહું? એ અને હું બન્ને એક જ પિતાના પુત્રો : કબૂલ કે એ જ્યેષ્ઠ, હું કનિષ્ઠ : પરંતુ જ્યેષ્ઠ હોય તેથી કાંઈ શ્રેષ્ઠ નથી થવાતું. એક દિવસ અમે તેની પરીક્ષા કરવા ગયેલા. તેમાં અચાનક એક બ્રહ્મહત્યા થઈ; પરીક્ષા અધૂરી રહી. જો એ પરીક્ષા કર્યા પછી પ્રતાપ મને દેશવટો દેત તો મને લગારેય દુઃખ ન થાત. પરંતુ એ પારખું થયા પહેલાં જ મને કાઢી મૂકવામાં એણે અન્યાય કર્યો. એ અન્યાયનું મારે આજે વૅર લેવું છે, પાદશાહ!
અકબર : [જરા હસીને] પ્રતાપ આપના ઉપર ઇતબાર કરે કે નહિ?
શક્ત : હા, કરે.
અકબર : તો પછી આપ એને દગો દઈને શા માટે પકડી ન લ્યો? યુદ્ધની શી જરૂર છે?
શક્ત : માફ કરો, બાદશાહ! મારે હાથે તો એ કામ નહિ બને. પછી સેવક રજા લે છે—
અકબર : સુણો! શા માટે નહિ? શો વાંધો છે? જો વિના રક્તપાતે કામ સાધી શકાય, તો મુફતનું લોહી કાં રેડવું?
શક્ત : સમ્રાટ! આપ તો સુધરેલ મોગલ કોમ કહેવાઓ! એ બધા દાવપેચ આપ લોકોને શોભે. પણ અમે તો જંગલી રજપૂત જાતિ! અમે દોસ્તી કરીએ ત્યારે પણ છાતીએ ચાંપીને આલિંગન દઈએ; અને દુશ્મનાવટ કરીએ ત્યારે પણ સામા ચાલીને છાતીએ ઝાટકો મારીએ. છૂપી છૂરી ચલાવતાં અમને નશી આવડતું. હું નાસ્તિક ખરો, નિરીશ્વરવાદી ખરો અને સમાજદ્રોહી પણ ખરો! પણ તોયે હું રજપૂત બચ્ચો છું. રજપૂતને લાંછન લાગે એવું આચરણ હું કદી ન કરું.
અકબર : પરંતુ માનસિંહ તો — એ — એ બાબતમાં કશો વાંધો નથી રાખતા. ક્ષત્રિયોની અંદર સાચી યુદ્ધ-કુશળતા જાણનારાઓમાં એ એક્કા છે. અડધી જીત તો એ દાવપેચ વડે જ કરી લે છે. સેનાનો દેખાવ એ અનેક વાર કરે, પણ ઉપયોગ ક્વચિત્ જ કરતા હશે,
શક્ત : બરાબર છે! એ એમ ન કરે, તો પછી મોગલ સેનાપતિની ખુરસી પર એ શાના બેસત? હું જ બેસત ને!
અકબર : એ પણ રજપૂત છે.
શક્ત : હા, સાંભળ્યું છે કે એનાં માબાપ રજપૂત હતાં!
[અકબર આ કટાક્ષ સમજતો હતો; પણ ન સમજ્યો હોય તેવો દેખાવ કરીને —]
અકબર : તો પછી?
શક્ત : તો પછી વળી શું, જનાબ! આંબાની કોઈ કોઈ કેરી ઘણીવાર કોઈ કારણસર ઊતરી જાય છે. માનસિંહજીનું પણ, રજપૂત હોવા છતાંયે એવું કાંઈક જ બની ગયું છે! ઉપરાંત વળી...
[શક્તસિંહ અટકી જાય છે.]
અકબર : ઉપરાંત વળી શું?
શક્ત : એ કે, માનસિંહજી તો પાદશાહ સલામતના સાળાશ્રીના પુત્ર થાય ખરા ને! અને હું તો પાદશાહને કાંઈયે ન થાઉં! એમણે તો આપ હજૂરની સાથે એક થાળીમાં બેસીને પુલાવ-કુરમાં ખૂબ ઉડાવ્યાં છે. તો પછી આપ સાહેબોનો થોડોક રંગ તો એમને લાગે જ ને!
અકબર : [જરા થંભી જઈ] બહુ સારું. આપ પધારો. જરા આરામ કરો. હું કાલે ઠીક લાગ્યા મુજબ આજ્ઞા આપીશ.
શક્ત : જેવી આજ્ઞા. [સલામ કરીને જાય છે.]
[શક્તસિંહ જ્યાં સુધી દેખાતો બંધ થયો ત્યાં સુધી અકબર એની સામે તાકી રહ્યો. શક્તસિંહ ગયા પછી એ બોલ્યો.]
અકબર : પ્રતાપસિંહ! તારો ભાઈ મળી ગયો! હવે તો જાણજે કે તું મારી ચપટીમાં આવી ચૂક્યો; અગર આવો લાગ વચ્ચે વચ્ચે મને ન મળતો હોત તો શું આ વિશાળ આર્યાવર્તને કબજે કરવાની મારી તાકાત હતી? જો મહારાજ માનસિંહજીની મદદ મને ન મળી હોત, તો આ મોગલ સલ્તનત કેટલા કદમ માંડી શકત? આ આવે માનસિંહજી.
[માનસિંહ પાદશાહને અદબથી નમન કરે છે.]
અકબર : બંદગી, મહારાજ!
માનસિંહ : બંદગી, જનાબ! પાદશાહ સલામત શું મને બોલાવતા હતા?
અકબર : હા, મહારાજ! પ્રતાપસિંહના ભાઈ શક્તસિંહને આપે જોયા?
અકબર : હા. રસ્તે જતાં જોયો. જ્યાં સુધી મારી સામે ચાલ્યો આવતો હતો, ત્યાં સુધી એ મારી સામે જ તાકી રહ્યો હતો.
અકબર : મને તો એ જવાન ઘણો વિદ્વાન, નીડર અને મર્મભાષી માલૂમ પડ્યો. એને તો આ દુનિયાની અંદર સ્વાર્થ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. છતાં લાગે છે તો સાચું સોનું. જે ઘાટ ઘડવા ધારીએ તે ઘડી શકાય ખરો.
માનસિંહ : એને તે શું લોહીની તરસ લાગી છે?
અકબર : ના, વેરની વાંછના જાગી છે, પ્રેમ અથવા હિંસા એના દિલમાં હજુ દાખલ નથી થયાં લાગતાં. પોતે કરેલા કરજની કોડીએ કોડી ચૂકવી દેવી અને પોતે કરેલી ધીરધારની પાઈએ પાઈ વસૂલ કરી લેવી એ જ એના દિલની ઝંખના છે. ઇમાનને એ નથી માનતો; પણ વંશનું અભિમાન એની નસેનસમાં ભર્યું છે.
માનસિંહ : તો હવે હજૂર શું ફરમાવે છે?
અકબર : પ્રતાપસિંહે મોગલોના એક ભરવાડને ફાંસી દીધી, એ વાત આપે જાણી છે?
માનસિંહ : ના જી.
અકબર : ત્યારે હવે ક્યાં સુધી આ વિફરેલા વાઘને છૂટો રહેવા દેવો છે? એના ઉપર હુમલો કરવાનો આથી વધુ સારો લાગ નથી આવવાનો. આપનો શો મત છે?
માનસિંહ : મારા મનમાં હતું કે શોલાપુરથી પાછા વળતાં રસ્તામાં પ્રતાપસિંહની મુલાકાત લઉં, અને યુક્તિપ્રયુક્તિથી જો એને વશ કરી શકાય ને લોહી રેડવું ન પડે તો સારું. નહિ તો પછી યુદ્ધ તો છે જ ને!
અકબર : ઉત્તમ વાત! આપની સલાહ ડહાપણભરી છે. એમ જ કરીએ. આપ શોલાપુર ક્યારે જવાના છો?
માનસિંહ : પરમ દિવસ સવારે.
અકબર : સારું! મારે જરા વિશેષ અગત્યનું કામ છે, એટલે આપને એકલા છોડીને જાઉં છું.
માનસિંહ : સુખેથી પધારો.
[અકબર જાય છે.]
માનસિંહ : [એકલો] આ વાત માટે જ હું તૈયાર થઈને આવેલો હતો. બહેન રેવાનાં લગ્ન માટે બાપુ વારંવાર તાકીદ કરી રહ્યા છે. મારું તો દિલ છે કે જો પ્રતાપસિંહ માની જાય તો રેવાનાં લગ્ન પ્રતાપના કુમાર અમરુ વેરે કરવાની વાત બાપુ પાસે ઉચ્ચારું. મારા અંબરકુળને મેવાડકુળના પવિત્ર રક્ત વડે વિશુદ્ધ બનાવી લેવાય તો કેવું સારું! અમે તમામ આજ ભ્રષ્ટ બન્યા! કલંકિત બની ગયેલી આ વિશાળ રજપૂત કોમની વચ્ચે, ઓ પ્રતાપ! પવિત્ર પતાકા તો બસ તારી જ ફરકી રહી છે! ધન્ય પ્રતાપ! ધન્ય તારી જનેતાને!
[માનસિંહ જાય છે.]