રાણો પ્રતાપ/છઠ્ઠો પ્રવેશ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છઠ્ઠો પ્રવેશ|'''અંક પહેલો'''}} સ્થળ : આગ્રાની અંદર મોગલ અંત :પુરનો બગીચો. સમય : બપોર. [અકબરની શાહજાદી મહેરઉન્નિસા ઝાડની નીચે એકલી બેઠી માળા ગૂંથતી ગૂંથતી ગાયન ગાય છે.] [રાગ : મૈં તો...") |
(No difference)
|
Revision as of 11:07, 8 October 2022
અંક પહેલો
સ્થળ : આગ્રાની અંદર મોગલ અંત :પુરનો બગીચો. સમય : બપોર.
[અકબરની શાહજાદી મહેરઉન્નિસા ઝાડની નીચે એકલી બેઠી માળા ગૂંથતી ગૂંથતી ગાયન ગાય છે.]
[રાગ : મૈં તો પિયા કે મન માની ન માની]
નિરજન વનમાં પાલવ ઢાળીને
એકલડી ફૂલમાળ હું ગૂથું.
ગૂંથી ગૂંથી મારે કંઠે ધરવા
એકલડી ફૂલમાળ હું ગૂંથું.
ગાન કરું મનમાં ને મનમાં
મનને રાજી કરવા રે,
ખેલ કરું તોયે મનમાં ને મનમાં
મનના તાપ મિટાવવા રે. — નિરજન વનમાં.
મનમાં રોતી ને મનમાં હસતી
મનમાં વરતી પરણતી રે,
મનના ગુણ અવગુણ પર મોહી
મનથી મ્હોબત કરતી રે. નિરજન વનમાં.
[અકબરની ભાણેજ દૌલતઉન્નિસા દોડતી દોડતી આવીને, મહેરને જરા ધક્કા મારે છે.]
દૌલત : ઓ મહેર, જો તો ખરી. ઓ કબૂતરોનું વૃંદ ઊડી જાય? દેખતી નથી, નાદાન?
મહેર : વાહ રે વાહ! કબૂતર ઊડી જાય એમાં અજાયબી શી? એમાં જોવાનું શું? [ગાવા લાગે છે] ‘મનમાં રડતી મનમાં હસતી —’
દૌલત : ત્યારે શું અજાયબ ચીજ વિના દુનિયામાં બીજું કાંઈ જોવા જેવું જ નહિ કે? બોલ તો ખરી, ડાહીલી! અજાયબ ચીજ દુનિયામાં તેં કેટલીક જોઈ નાખી?
મહેર : અજાયબ ચીજ? અજાયબ ચીજ કાંઈ દુનિયામાં ઢૂંઢવા જવી ન પડે!
દૌલત : ગણાવ તો જોઉં? કઈ કઈ અજાયબ ચીજો છે તે હુંયે ખ્યાલમાં રાખી લઉં.
મહેર : [માળા નીચે મૂકીને જરા ઠાવકું મોં રાખીને] સાંભળ, ત્યારે : જો, જાણે પહેલવહેલી તો આ પૃથ્વી જ બડી અજબ ચીજ! કાંઈ કામધંધો નહિ, આરામ નહિ, મતલબ નહિ; તોય સૂર્યની આસપાસ ઘૂમ્યા જ કરે, કોઈ ન જાણે કે શા માટે? ત્યારબાદ આ માનવી પણ કોઈ અજબ જાતનું જનાવર જણાય છે. પહેલાં તો માંસનો લોચો બનીને અવતરે; પછી સંસારનાં મોજાંની અંદર આમ તેમ થપ્પડો ખાધા બાદ એકાએક એક દિવસ કોણ જાણે ક્યાંય ડૂબી મરે; કોઈ એને શોધીને બહાર કાઢી શકે જ નહિ. ત્રીજું, કંજૂસ આદમી દોલત જમાવે, પણ એક દુકાનીયે ખરચે નહિ, એ પણ એક નવી તાજ્જુબી! અમીર આદમી પૈસા ફના કરી, દેવાળિયો બની, ગલીએ ગલીએ ભીખ માગે એય એક અજાયબી! અને આ પુરુષો! બુદ્ધિ શુદ્ધિ બળી હોય, છતાં પણ પરણીને બેડીઓમાં ઝકડાય! ન ખાઈ-પી શકે, ન તો હલીચલી શકે, એય કાંઈ ઓછી અજાયબી કહેવાય?
દૌલત : ત્યારે, બહેન, સ્ત્રીઓ પણ બેવકૂફ બનીને પરણે એ અજાયબી નહિ કે?
મહેર : ના, બહેન! એ તો કુદરતનો જ એવો ક્રમ કર્યો છે, કારણ કે પરણે એટલે એને એના ગુજરાનનો વિચાર કરવો પડે નહિ ખરો ને! ન પરણે તો પેટ શી રીતે ભરે? બેશક, જો હું, ખુદ શહેનશાહની કુંવરી ઊઠીને કોઈ પારકા પુરુષના ચરણ ચાંપવા દોડી જાઉં — શાદી કરું — તો હા, એ તાજ્જુબી કહેવાય ખરી! અત્યારે હું તો બસ લહેર કરું છું — ખાઉં છું, પીઉં છું, છતાં જો શાદી કરું, તો સમજવું, કે મારું ભેજું ચસકી ગયું છે, અને હકીમને બોલાવવો પડે તેમ છે!
દૌલત : ત્યારે તું શાદી ન કરવાનું નક્કી જ કરી બેઠી છે?
મહેર : શાદી ન કરવાનું નક્કી તો કર્યું છે, પણ હું બેઠી નથી!
દૌલત : એનો મર્મ?
મહેર : એનો મર્મ! મર્મ તો એ કે જાણે આ કુંવારી અવસ્થા; એમાં વળી કશું કામ તો કરવાનું નહિ; બસ કેવળ સૂવું, બગાસાં ખાવાં અને આંગળીઓના ટચાકા ફોડ્યા કરવા! દુનિયા જાણે કે કુંવારી! બીજી બાજુ આપણે તો સૂતાં સૂતાં ઉમ્મર ખઈયામની કવિતાઓ વાંચીએ; ચિત્તડાના ચોરનો ચહેરો પાટિયા પર ચીતર્યા કરીએ; કોઈ કોઈ વાર વળી આળસનું બહાનું કાઢીને દુનિયાના રંગઢંગમાં ડોકિયું પણ કરી લઈએ; અને પુરુષજાતની અંદર કોઈ મનમાન્યો મર્દ મળી આવશે કે નહિ, એનો વિચાર પણ કરી લઈએ, સમજી ને!
[મહેર માથું ઢાળીને લગાર હસે છે.]
દૌલત : પણ આમ ઠાલા વિચાર જ કરે છે, કે મનમાન્યો કોઈ મેળવી લીધો છે, એ તો કહે!
મહેર : [ફરી વાર મોં ગંભીર કરી] જો, આવી પૂછપરછ તારાથી ન કરાય, બાપુ! મનમાન્યો મળી ગયો હોય તોયે એ શું બધું તને કહી દેવાનું હોય?
દૌલત : કેમ ન કહેવાય? હું તો તારી બહેન, તારી દિલોજાન દોસ્ત!
મહેર : જો, બહેન દૌલત! તારી એ દોસ્તી મારું માંસ વીંધીને જરા અંદર ઊતરી છે ખરી, પણ હજુ હાડકાંને નથી પહોંચી, હો! અને આ બાબત તો, બાપુ, છાતીની પાંસળીઓની — બલ્કે શરીરમાં એક બીજું શરીર છે ને, તેની — ગણાય એટલે એ વાત તો દિલ ખોલીને તેને ન કહી દેવાય. પણ હવે તું જ્યારે મારો પીછો લઈને લાગી છો, ત્યારે લે મારા ચિત્તના ચોરનો ચહેરો જરા ઇશારે સમજાવી દઉં.
દૌલત : બોલ ત્યારે, જોઉં તો ખરી, તારા ચિત્તના ચોરને પકડી પાડું છું કે નહિ?
મહેર : ત્યારે સાંભળજો હો! જો મારા ચિત્તના ચોરનો ચહેરો કેવો છે, કહું! નાક — હા, નાક છે તો ખરું. કાન — હા. બહુ બારીકીથી તપાસી તો નથી જોયા, પણ કાન હશે તો ખરા! અને એ જ્યારે હસે, ત્યારે મોતી ઝરતાં હોય કે ન ઝરતાં હોય, પણ દાંત તો ચોક્કસ બહાર નીકળી પડે છે; બાકી તો એ ચિત્તચોર જ્યારે ચીસ પાડીને રોવા માંડે છે. જો સાચેસાચ એ રોતો હોય તો — ત્યારે એના મુખારવિંદની શોભા કંઈ વધતી પણ નથી, તેમ એ ગાયન ગાતો હોય એવુંયે કાંઈ ભાસતું નથી. લે, એ ચિત્તચોરની આટલી છબી તો મેં ચીતરી દીધી, બાકીની રેખાઓ તું પૂરી કરી લેજે, હો બહેન!
દૌલત : આહા! આબેહૂબ! સાચું કહું તો, મહેર, જાણે હું તારા ચિત્તચોરને સાક્ષાત્ જોઈ રહી છું.
મહેર : તું જોયા કર, ખુશીથી! પણ જોજે હો બાપુ! એના પર ક્યાંક આશક બની ન જતી! અગર કદાચ આશક બની જા, તોય વાંધો તો નથી જ; કેમકે મારા બાબાને પણ એકસો ઉપરાંત બેગમો છે. તેમ છતાં આશક ન બન તો જરા ઠીક કહેવાય.
[એટલામાં પોતાનો પોશાક ખંખેરતો સલીમ ધીરે ધીરે દાખલ થાય છે.]
સલીમ : અલી, તમે આંહીં છો કે? આંહીં તમે બેય જણીઓ શું કરો છો, મહેર?
મહેર : આ દૌલત જીવ ખાતી હતી કે જગતની અજાયબ ચીજો ગણી બતાવ, એટલે હું અત્યાર સુધી એ ગણાવતી હતી.
સલીમ : ભલા, મને પણ સંભળાવ તો!
મહેર : ફરી પાછું સંભળાવવું પડશે? દૌલત! તું જ ગણી બતાવને! તને મોંએ થઈ ગયું છે. બોલ તો, બોલ તો; અત્યાર સુધી તો મેં તને પોપટની માફક પઢાવી. પણ બળ્યું! એ પઢાવ્યું તે હું જ ભૂલી ગઈ. જો ભાઈ સલીમ! ખરું કહું? મારી કલ્પના શક્તિ તો ભારી તેજ, પણ યાદશક્તિ ખાતે મોટું મીંડું. આ દૌલતને કલ્પનાશક્તિ નહિ પણ યાદશક્તિ અચ્છી છે. હું તો કોઈ એક ખરચાળ સોદાગર જેવી, રોજગાર પણ ખૂબ કરું અને જે કમાઉં તે પાછું ઉડાવી પણ ખૂબ દઉં. દૌલત તો પાકો વાણિયો જોઈ લ્યો. બહોળો વેપાર ભલે ન જમાવી શકે, પણ જેટલું રળે તેટલું સાચવી સારું જાણે. હા, હા, હવે સાંભર્યું; હું તો કહેતી હતી કે કંજૂસ આદમી જિંદગીભર તન તોડીને કમાયા જ કરે, તે બસ ફક્ત પોતાના વારસોને ઉડાવવા દેવાને ખાતર! આ પણ દુનિયાની એક તાજ્જુબી જ છે ને!
દૌલત : એમાં શી તાજ્જુબી? બોલ તો, સલીમ!
મહેર : તાજ્જુબી નહિ? બોલ જોઉં, સલીમ!
સલીમ : પરંતુ તમે ગણાવો છો એથી તો ઔર તાજ્જુબીની એક વાત બની રહી છે.
મહેર : એ વળી શું?
સલીમ : આ અકબર પાદશાહની સાથે રાણા પ્રતાપસિંહનું યુદ્ધ! દુનિયામાં તમામને મહાત કરનાર એક સમ્રાટની સામે એક પામર જમીનદાર બાથ ભીડે : એથી વધુ અજાયબી બીજી કઈ?
દૌલત : દીવાનો થઈ ગયો હશે.
સલીમ : મને પણ એમ જ લાગતું હતું. પણ આ થોડા દિવસોની અંદર એણે મોગલ સેનાને એવી તો બેહાલ બનાવી દીધી છે, કે હવે એને હું દીવાનો શી રીતે કહું! એક સો રજપૂતો પાંચસો મોગલ યોદ્ધાઓની સાથે ભેટે છે અને હરાવે પણ છે.
મહેર : તમે બધા, બસ, એક વાર દસ્તૂર મુજબ યુદ્ધ કરી એને હરાવી દો ને!
સલીમ : હવે આ વખત એમ જ થવાનું છે. માનસિંહજી શોલાપુરથી આવતી વખત રસ્તામાં પ્રતાપસિંહની મુલાકાત લેશે. એનું સૈન્યબળ જોઈ લેશે; જો એને સમજાવી તાબેદારી કબૂલ કરાવી શકે તો ઠીક છે; નહિ તો પછી યુદ્ધ જામવાનું.
મહેર : તું યુદ્ધમાં જઈશ?
સલીમ : હું યુદ્ધમાં નહિ જાઉં, ત્યારે શું લૂલાં-લંગડાંની માફક ઘરમાં પડ્યો રહીશ?
મહેર : તો હુંયે આવીશ.
સલીમ : તું?
મહેર : હાસ્તો; એમાં વળી અજાયબી શી?
દૌલત : તો હુંયે આવીશ.
સલીમ : લ્યો રાખો, રાખો! ઓરતો તે કદી યુદ્ધમાં જતી હશે!
મહેર : કેમ ન જાય? તમે બધા અમારી પાસે આવીને ડંફાસ મારો કે ‘અમે આમ લડ્યા ને તેમ લડ્યા!’ એટલે હવે તો અમે આવીને ખુદ નજરે જોઈશું કે તમે બધા તે શું સાચેસાચ યુદ્ધ કરો છો, કે ઘેર આવી ગપ્પાં જ ચલાવો છો!
સલીમ : અરે ગાંડી! યુદ્ધ ન કરીએ તો હારજીત શી રીતે નક્કી થાય?
મહેર : મને તો લાગે છે કે પ્રથમ તો સામસામાં, બેય લશ્કર તોપો તૈયાર કરી રાખે; પછી એક રૂપિયો લે. એક લશ્કર કહે કે ‘અમારું મહોરું’. બીજું લશ્કર બોલે કે ‘અમારો સિક્કો’. ત્યાર પછી એક જણ એ રૂપિયાને એ અંગૂઠા ઉપર ચક્કર ફેરવી ઊંચે ઉછાળે. પછી જમીન ઉપર જેની ચત્તી બાજુ પડે તે લશ્કરની જીત કહેવાય. બીજું શું?
સલીમ : તો પછી લશ્કર લઈ જવાનું શું કારણ?
મહેર : બીજું શું? હોકારા-પડકારા કરવા માટે? દુનિયાને દેખાડવા માટે? અને તું તો હવે કાગળનો સિપાઈ! તું શું યુદ્ધમાં કરવાનો હતો, મુડદાલ! તારે તે યુદ્ધ કરવાનું હોય? ખરું કે નહિ, દૌલત!
દૌલત : બીજું શું?
મહેર : સલીમ તો હજુ ધાવણો છોકરો છે. એ બિચારો તે યુદ્ધમાં શું કરવાનો હતો!
સલીમ : એમ કે? ત્યારે હવે નજરે જોજો!
મહેર : જોશું, જોશું; ખરું કે, દૌલત!
દૌલત : હાસ્તો, જોયા વિના કાંઈ રહેશું?
સલીમ : ઠીક, જરૂર બતાવી દઈશ. બાબાની પરવાનગી લઈને હું આ વખતે તો તમને અવશ્ય ઉપાડી જવાનો. પછી જોજો હું યુદ્ધ કરું છું કે નહિ?
[સલીમ જાય છે.]
મહેર : હા! હા! હા! દૌલત, સલીમને લગાર ચીડવ્યો એટલે કામ પાકી ગયું! કેટલો એનો ડોળડમાક! જરાક ચાબુક મારીએ એટલે બિલકુલ ભાન ભૂલી જાય!
[દાસી આવે છે; અને ‘પાદશાહ પધારે છે’ એમ ખબર આપે છે,]
મહેર : બાબા આવે છે! અચાનક આંહીં ક્યાંથી?
દૌલત : હું જાઉં છું, બહેન!
મહેર : અરે, જઈશ તે ક્યાં? પાદશાહ આગળ અરજી કરવી પડશે. ઊભી રહે.
દૌલત : ના બાપુ! હું તો જાઉં છું.
મહેર : તું તો ભારી બીકણ! બાયલી! પાદશાહ તે શું સાવઝ-દીપડો છે તને ખાઈ જશે?
દૌલત : ના, હું તો આ ચાલી.
[આકુળવ્યાકુળ બની ચાલી જાય છે.]
મહેર : દૌલત તો પાદશાહથી બહુ ડરે, હું તો એવી કંઈ ડરુંબરું નહિ. ઘરની બહાર ભલે એ પાદશાહ રહ્યા! અહીં ઘરની અંદર એને કોણ માને છે?
[અકબર આવે છે.]
અકબર : મહેર, બેટા, તું આંહીં એકલી બેઠી છે?
મહેર : [પાદશાહને નમન કરીને] જી હા, બાબા, અત્યારે તો એકલી છું. દૌલત આંહીં હતી, પણ આપ પધારો છો એવું સાંભળીને પલાયન કરી ગઈ.
અકબર : શા માટે?
મહેર : કેમ ખબર પડે? પાદશાહથી એના શત્રુઓ ભલેને બીતા હોય! અમે શા માટે ડરીએ?
અકબર : [હસીને] તું મારાથી નથી ડરતી?
મહેર : બિલકુલ નહિ. મને તો દેખાય છે કે આપ પણ માણસ જેવા માણસ છો, પછી ભલેને પાદશાહ હો કે તુર્કીના સુલતાન હો! હું શા માટે ડરતી ભાગું! હા, બેશક, આપની અદબ રાખું ખરી.
અકબર : શા માટે?
મહેર : શા માટે કેમ? અદબ ન રાખું? એક તો મારા બાબા ઠર્યા, અને વળી મારાથી ઉમ્મરમાં મોટા!
અકબર : સાચી વાત, બેટા. જો તમે પણ અમારાથી ડરતાં ભાગશો, તો પછી અમને ચાહશે કોણ? સલીમ આંહીં આવેલ હતોને?
મહેર : હેં બાબા, એ સાચી વાત? રાણા પ્રતાપસિંહની સાથે શું લડાઈ થવાની છે?
અકબર : કદાચ થાય! માનસિંહજી ત્યાં જાય છે. એ પાછા આવે ત્યારે નક્કી થાય.
મહેર : બાબા, સલીમ પણ લડાઈમાં જાશે?
અકબર : અલબત્ત, એણે લડતાં તો શીખવું જ જોઈએ ને! કાયમ કાંઈ માનસિંહજી નહિ જીવે.
મહેર : બાબા, એક અરજ કરું?
અકબર : શું, બેટા?
મહેર : પહેલાં કહો, કે મંજૂર રાખશો?
અકબર : એમાં કહેવાની શી જરૂર? તને મેં કદી નિરાશ કરી છે, બેટા?
મહેર : ખરું, તો પછી હું અને દૌલત આ લડાઈ જોવા જઈએ?
અકબર : અરે! એ તું શું બોલી? ઓરતોથી લડાઈમાં જવાય કદી?
મહેર : કેમ? ઓરતો કાંઈ ઇન્સાન નથી? દિનરાત શું એને બંધબારણે જ પુરાઈ રહેવાનું? એનેય શું કદી શોખ ન થાય, બાબા?
અકબર : આ તે કઈ જાતનો શોખ? એવું તે કદી બની શકે?
મહેર : બરાબર બની શકે. બની શકે તેટલું જ નહિ, પણ એમ બનવાનું જ. બાપ જીદ કરી શકે, અને દીકરીથી જીદ ન થાય, કેમ?
અકબર : મેં ક્યારે જીદ કરી, મહેર?
મહેર : કેમ બાબા, યાદ નથી આવતું? તે દિવસે ચિતોડ જીતીને પાછા આવ્યા, અને મને કહેવા લાગ્યા કે ‘મહેર, હિન્દુ ધર્મની કિતાબમાંથી કોઈ એવી કથા ગોતી કાઢ, કે જેમાં કોઈ ધર્મવીરે ફરેબથી પોતાના શત્રુનો જાન લીધો હોય.’ પછી મેં એકદમ વાલીના ખૂનની વાત કરી, દ્રોણના મૉતની વાત કરી, ત્યારે તો માંડ માંડ આપના કલેજામાં દમ આવ્યો!
અકબર : ભલા, એ વાતને અને આ વાતને શી નિસ્બત?
મહેર : નિસ્બત ન હોય તો કાંઈ નહિ, બાબા, હું તો લડાઈ જોવા જવાની.
અકબર : અરે, એવું તે કાંઈ બને?
મહેર : બને કે નહિ. બને તે જોઈ લેજો.
અકબર : ઠીક ઠીક. અત્યારે તો જા. પછી વિચાર કરશું. પહેલાં લડાઈ તો થાય!
[બન્ને જણાં જુદી જુદી દિશામાં ચાલ્યાં જાય છે.]