વસુધા/બહુરૂપિણી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બહુરૂપિણી|}} <poem> તું તે અજબ વેશધારી, અનન્ત રૂપવાળી, બહુરૂપિણી, છન્દ છન્દ નાચે તું ન્યારી, દેવોની દુલારી, બહુરંગિણી. ::: પાંપણને પલકારે ભરતી ત્રિલોક તું, ::: અંકે મયંક–મઢ્યું વ્યોમ...") |
(No difference)
|
Revision as of 06:23, 10 October 2022
તું તે અજબ વેશધારી, અનન્ત રૂપવાળી, બહુરૂપિણી,
છન્દ છન્દ નાચે તું ન્યારી, દેવોની દુલારી, બહુરંગિણી.
પાંપણને પલકારે ભરતી ત્રિલોક તું,
અંકે મયંક–મઢ્યું વ્યોમ તારે ઝૂકતું,
વૃન્દના વિહાર તારા ત્રિભુવન વિલોકતું,
સાગરની સુન્દરી હલેતી, દરશનિયાં દેતી, બહુરૂપિણી,
કોનાં ઓવારણાં લેતી એ વાત જા કહેતી, બહુરંગિણી.
ઘેરા આકાશપટે છાયા ઘનશ્યામની,
સવિતાનાં તેજ ઝીલી ઝબકંતી ભામિની,
રંગછોળ ફેંકતી આ વ્યોમકેરી સ્વામિની, ૧૦
ઝૂલે દિશાઓને ઝોલે, દિગન્તો ઢંઢોળે, બહુરૂપિણી,
છૂપી પ્રગટ રંગઢોળે, ક્ષિતિજેને ખોળે, બહુરંગિણી.
પૃથ્વીકિનારે ઘડી લાંબી લંબાઈ તું,
ડુંગરની માળ જેવી ઊંચે ખડકાઈ તું,
ઘુમ્મટ પર ઘુમ્મટ શી ગોળગોળ છાઈ તું.
પૂતળી અનંત અંગવાળી, અનંગ તો ય ભાળી, બહુરૂપિણી.
ગાઢું ગંભીર મુખ ઢાળી, રહી શું નિહાળી, બહુરંગિણી.
આછી તરંગમાળ દરિયાની લ્હેરતી,
પાંખો પસારી ઊડે પીંછાં શું વેરતી,
પીંજેલા પિલ સમી આભલાને ઘેરતી, ૨૦
છૂટે અંબોડલે છકેલી, ઓ રૂપકેરી વેલી, બહુરૂપિણી,
આછેરી ઓઢણી સંકેલી, ઊડે રંગ રેલી, બહુરંગિણી.
ભગવાં ભભૂત ધરી ભીખે શું જોગણી,
કુંકુમની આડ તાણી ભાલે સોહામણી,
ગાલે ગુલાબભરી કન્યા કોડામણી,
ઘૂમે તું કોણ ભેખધારી, વેરાગણ સંસારી, બહુરૂપિણી,
રંગની ઘડેલી કુમારી, અરૂપની ચિતારી, બહુરંગિણી.
સન્ધ્યા ઉષાના આ રંગભર્યા કુંડ જો,
હાથે આ વાયુઓની પીંછીઓનાં ઝુંડ જો,
લીધા પ્રતીક કાજ પૃથ્વીના ખંડ જો, ૩૦
ખોલ્યો આકાશપટ પ્હોળો, તેં કૂચડો ઝબોળ્યો, બહુરૂપિણી,
રેખાનો રમ્ય રાસ દોર્યો, જીવનરંગ ઢોળ્યો, બહુરંગિણી.
ના રે મનુષ્ય, આ ન પંખીની પાંખડી,
ના રે આ સિંહફાળ, પુષ્પોની પાંખડી,
આવાં જોયાં ને કદી અંગ ક્યાંય આંખડી,
રંગ અને રૂપને રમાડી, આ દુનિયા ઉઠાડી, બહુરૂપિણી,
કહેને સાગરની હો લાડી, કળા ક્યાં સંતાડી, બહુરંગિણી.
પવનની પીંછીએ તું સૃષ્ટિ સરજાવતી,
ઘુમ્મટ આકાશનો બેસે સજાવતી,
બ્રહ્માનાં ચૌદલોક ચિત્રો લજાવતી, ૪૦
ફરતી બ્રહ્માંડ પીંછી તારી, સુરેખ ચિત્રકારી, બહુરૂપિણી,
મૂર્તિ આ કોની ઉતારી, અજબ એ ચિતારી, બહુરંગિણી.
માનવનાં નેણમાં ન વેણમાં સમાતી,
સાતસાત રંગમાં ન ઝાલી ઝલાતી,
કલ્પનાની ડાળ તારા ભારથી દબાતી,
પલટતી વેશ-વર્ણ-કાયા, કલ્યાણતણી જાયા, બહુરૂપિણી,
પાથરતી પ્રાણભરી છાયા, બ્રહ્માની જોગમાયા, બહુરંગિણી.