વસુધા/પ્રદીપની અંગુલિએ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રદીપની અંગુલિએ|}} <poem> ઓળંગી દુર્ગની ભીંતો દુનિયા આવતી ધસી, જતા સત્કારવા એનાં દુર્ગમાં પગલાં હસી. ::: પ્રભાતના પૂર્વ પ્રશાન્ત પ્હોરના ::: તે કૂકડાના રવ આંહિ આવે, ::: તે ભૂંગળો કૈં...") |
(No difference)
|
Revision as of 07:35, 10 October 2022
ઓળંગી દુર્ગની ભીંતો દુનિયા આવતી ધસી,
જતા સત્કારવા એનાં દુર્ગમાં પગલાં હસી.
પ્રભાતના પૂર્વ પ્રશાન્ત પ્હોરના
તે કૂકડાના રવ આંહિ આવે,
તે ભૂંગળો કૈં મિલની ભુંકારતી
ઘેરું અમને પણ હ્યાં જગાવે.
ઉષાતણા એ નવરંગ સાથિયા
નવાનવા નિત્ય નિહાળીએ નભે,
મીઠાં વળી તે સવિતાપિતાનાં
સોને રસ્યાં તેજ અહીં રમાડીએ. ૧૦
તે વાયુની લ્હેર નદી વળોટી
અહીં ધુમાડા લઈ બાષ્પયાનના
આવે, અને તે ઉતરાણકેરા
તૂટ્યા પતંગો પણ ખેંચી લાવે.
સંક્રાન્તિની શીતળતા ય સોંસરી
વીંધી વહે, ગ્રીષ્મની ઉષ્ણતા યે
હંફાવતી દીન કબૂતરોને
છાંયે છુપાવે ખિસકોલીઓને.
પ્રભાત મીઠાં ફૂટતાં અહીં યે,
મધ્યાહ્ન તીખા તપતા વળી ય, ૨૦
બપોરના ને નમતા પર સૌ
ઢળી જતા સૌમ્ય સુરંગી સાંજમાં.
ને રાત્રિમાં વિશ્વ ઢળે ધીરેકથી,
લસી રહે સુસ્મિત શુક્ર કેરું,
ગુંજી ઉઠંતા રવ આરતીના,
અદૃશ્ય ભંગે નિશિપાત્રમાં ઠરે.
એવાં ઘણાં કૂજન-નાદ કોટિશ;
પંખીતણા પિચ્છપ્રસાર શોભિતા,
સંધ્યાઉષાની અલબેલડી છટા,
મીઠી પ્રસાદી જગની શી વિસ્તરે!
ઓળંગી દુર્ગની ભીંતો દુનિયા આવતી ધસી,
અરે, સત્કારવા જાતાં સ્વચ્છતા ત્યાં જતી ખસી.
સ્મરાવી કેદી છો એવું ભીડાતાં ભડ બારણાં,
ખખડે બારણે તાળાં, આઘાં એ જગઆંગણાં!
પ્રકાશની પાંખડી છુક યે સરે,
ગૂંચાય તારા સહુ વૃક્ષવૃન્દમાં,
ને આંધળું ફાનસ ભીંતગોખમાં
ફેંકી રહે કંજુસ તેજ ધૂંધળું.
સૂની બરાકે જગ શૂન્ય સૌ બને,
અસ્વસ્થતાનો દિલડે ડુમે ચડે, ૪૦
આશ્વાસનો સૌ દિલનાં સરી જતાં,
ને રાત્રિ ઑથાર ચડે જ જાગતાં.
આઘેરાં મુક્ત લોકોનાં ખુલ્લાં એ મિષ્ટ આંગણાં,
બંધાયા દીન કેદીનાં ઉરમાં ઉગ્ર રોદણાં!
ત્યાં દુર્ગની દુર્ગમ ભીંત ઠેકી,
ગલકુંચી વૃક્ષ ગણોની ભેદી,
તુરંગના આ સળિયાની સોંસરી
આવે સરી અંગુલિ એક તેજની.
સ્ટેશને થાંભલા બળતી બત્તી એકની
લંબાતી અંગુલિ આવે શાતા એક અનેકની. ૫૦
સદ્ભાવના સજ્જન લોકની શું,
ને સ્નેહકેરી સ્થિર પ્રેમજ્યોત શું,
અમીટ મીટે નિજ ચક્ષુને રસ
તુરંગમાં રેડી રહે અનર્ગલ.
સૂતેલાં સ્વપ્નને તાજી સાંકળ સાંધતી હતી,
ભાંગતાં કંઈ હૈયાની બાંધી દે કેડને કસી.
ભલે ચડે શ્યામ નિશા અઘોર,
અને નિરાશા મચવે જ શોર,
છતાં ગ્રહી અંગુલિ દીપકેરી
નિશા-નિરાશા-વનને વટાવશું. ૬૦