રાણો પ્રતાપ/છઠ્ઠો પ્રવેશ3: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છઠ્ઠો પ્રવેશ|'''અંક ચોથો'''}} સ્થળ : પૃથ્વીરાજના મકાનની ઓસરી. સમય : પ્રાત :કાળ. {{Right|[બિકાનેર, મારવાડ, ગ્વાલિયર અને ચંદેરીના રાજા તથા પૃથ્વીરાજ બેઠા છે.]}} {{Ps |બિકાનેરરાજ : |ચાલો, ખુશર...") |
(No difference)
|
Latest revision as of 06:32, 11 October 2022
છઠ્ઠો પ્રવેશ
અંક ચોથો
સ્થળ : પૃથ્વીરાજના મકાનની ઓસરી. સમય : પ્રાત :કાળ.
[બિકાનેર, મારવાડ, ગ્વાલિયર અને ચંદેરીના રાજા તથા પૃથ્વીરાજ બેઠા છે.]
| બિકાનેરરાજ : | ચાલો, ખુશરોજનો મેળો પણ પતી ગયો. |
| ગ્વાલિયરરાજ : | હા, અને હરવખત બનતી રજપૂત સ્ત્રીઓની અપમાન-લીલા પણ પૂરી થઈ ગઈ. |
| ચંદેરીરાજ : | [બિકાનેરરાજ પ્રતિ] તમે કાંઈક બોલો, ચૂપ કાં બેઠા? શું વિચાર કરો છો? |
| બિકાનેરરાજ : | શું બોલું? |
| ચંદેરીરાજ : | એમની મુખમુદ્રા આજ બદલી ગઈ છે. કાંઈક નવાજૂની થઈ લાગે છે. |
| ગ્વાલિયરરાજ : | લોકો વાત કરે છે કે આ વખત ખુશરોજના મેળામાં એક બનાવ બની ગયો, એ સાચી વાત? |
| બિકાનેરરાજ : | અરે સાંભળોને ગપ્પાં! |
| ગ્વાલિયરરાજ : | ગપ્પાં? ખુશરોજમાંથી પાછાં વળતાં બિકાનેરની ઠકરાણીના અલંકારોના ઝણકાર અમે અમારા મહેલમાં બેઠાં બેઠાં કાનોકાન સાંભળ્યા છે. વાહ! કેવો સુંદર ધ્વનિ! રીણીકી, ઝીણીકી, રિણિણિ! આવા રણકારા દેશી દાગીનામાંથી નથી નીકળતા. દેશી દાગીના તો ઠિનિક, ઠિનિક, ઠિનિનિ બોલે. પણ આ તો રિણિણિ ઝિણિણિ રિણિણિ! મોગલ કારીગરી વિના એ અવાજ ન નીકળે. |
| મારવાડરાજ : | હવે, આ વખતે રાણીસાહેબોના કેવાક સત્કાર થયા? કહો તો ખરા! |
| બિકાનેરરાજ : | સત્કાર તો ઠીક થયો’તો. |
| ગ્વાલિયર : | પણ ઠીક એટલે કેવી રીતે? સંભળાવો તો ખરા! |
| ચંદેરીરાજ : | હા, હા, ચોખ્ખેચોખ્ખું કહી બતાવો ને? |
| બિકાનેરરાજ : | એ તો પોતાના રણવાસમાં જઈને પૂછી આવો, એટલે ખબર પડી જશે! એટલું કહેજો કે સાચું બોલે! સગા દીકરાના શિર પર હાથ રાખીને ધર્મને સાક્ષી રાખીને બોલે! |
[લાલઘૂમ ડોળા ફાડતી જોશીબાઈ આવે છે. વાળ વિખરાયેલા છે ને વસ્ત્રો અસ્તવ્યસ્ત છે. એનો ભયાનક વેશ જોઈને બધાથી ઊભા થઈ જવાય છે.]
| જોશી : | [બન્ને હાથ ઊંચા કરી, સ્પષ્ટ સ્વર] હે રજપૂત રાજાઓ! હે રજપૂત જાતિ! હે ધર્મ! આજ હું જોશીબાઈ, પૃથ્વીરાજની સ્ત્રી, કુળલાજ છોડીને તમારા તમામની સામે મારા કલંકની કથની કહેવા આવી છું. એ વાત મારા હૈયામાં હવે દાબી દબાતી નથી. મારું આખું અંગ સળગી ઊઠ્યું છે. સાંભળો! હુંયે ખુશરોજના મેળામાં ગઈ હતી. ત્યાંથી કેવી દશામાં પાછી વળી છું? ગઈ હતી લાજઆબરૂ લઈને! પાછી આવી એ ખોઈને! અને એ માત્ર મારી એકલીની જ દશા નથી. સ્ત્રી બારમાસી વિષય-લીલામાંથી અરધી રજપૂતાણીઓ લાજઆબરૂ ખોઈ ને, અને અરધી ધર્મ ગુમાવીને પાછી વળી છે. આજ લાચાર બનીને આ કથની મારી જીભે મારે કહેવી પડે છે. હું સાંભળતી હતી કે હિન્દુઓથી બીજું કાંઈ ભલે ન થાય પણ પોતાની સ્ત્રીઓનાં સતીત્વની રક્ષા કરવા તો એ પ્રાણ પણ કાઢી આપે તેવા છે. પણ આજ હું જોઉં છું કે હિન્દુઓ એ છેલ્લી શક્તિ પણ હારી ગયા. શું આજ રજપૂતાનામાં એક પણ મરદ ન રહ્યો? |
| જોધપુરરાજ : | કેમ નહિ? રાણો પ્રતાપ છે ને? |
| જોશી : | ના, હવે એ પણ નથી. એ દેશભરની નીચતા વચ્ચે માથું ઊચું રાખીને રાણો ઊભો હતો. આ કઢીચટ્ટા રજપૂત કુલાંગારોની વચ્ચે એ એકલો જ ગર્વભરી ગરીબીને હૈયા પર ધરી ઊભો હતો. આજ મેં સાંભળ્યું કે એણે પણ અકબર પાસે માથું નમાવ્યું. આજ સુધી દેશની સતીઓ એનું નામ જપ્યા કરતી હતી. હવે એ પ્રતાપ મરી ગયો. હવે તો જ્યારે ધણી પણ પોતાની સ્ત્રીની રક્ષા ન કરી શકે, ત્યારે છેલ્લો ઉપાય એક આ! [કમરમાંથી કટાર કાઢે છે] કદાચ જો આથી હિન્દુઓની આંખો ખૂલે! |
[છાતીમાં કટાર ભોંકીને પડે છે.]
| પૃથ્વી : | જોશી! જોશી! આ શું કર્યું? |
[જોશીની પાસે જાય છે.]
| જોશી : | આઘા રહેજો, ઠાકોર! જાઓ, મારું અપમાન કરનારાના ચરણ ચાટો, એની ભાટાઈ કરો. જ્યારે હું જોઉં છું કે તમે અને ધર્મ જુદા પડ્યા છો, ત્યારે હું ધર્મને જ મારો કરીશ. તમે રક્ષા ન કરી શક્યા, તો અમે સ્ત્રીઓ અમારે હાથે રક્ષા કરી લેશું. |