ખારાં ઝરણ/3: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|3|}} <poem> દોસ્ત ! ઓછા, તોય ખાસંખાસ છે, ખૂબ ખુશબોદાર મારા શ્વાસ છે. અંત વેળાની આ એકલતા સઘન, તું કહે છે કે ઘણાં ચોપાસ છે. ખોટકાવી નાંખજો ઘડિયાળ સૌ, રોજની ટકટક, સમયનો ત્રાસ છે. સ્પર્શ...")
(No difference)

Revision as of 10:21, 12 October 2022

3

દોસ્ત ! ઓછા, તોય ખાસંખાસ છે,
ખૂબ ખુશબોદાર મારા શ્વાસ છે.

અંત વેળાની આ એકલતા સઘન,
તું કહે છે કે ઘણાં ચોપાસ છે.

ખોટકાવી નાંખજો ઘડિયાળ સૌ,
રોજની ટકટક, સમયનો ત્રાસ છે.

સ્પર્શતામાં લોહીના ટશિયા ફૂટે,
આ હથેળીમાં ઊગેલું ઘાસ છે.

મોકળું મન રાખ, માડી સરસતી!
આ ચિનુ મોદી તમારો દાસ છે.
૨૨-૧૦-૨૦૦૭


4

શેષમાં ક્યાં કશું ક્યાંય બાકી હતું?
તેજ ઓળંગતું એક પંખી હતું.

છેક ઊંડે હતો ક્યાંય કુક્કુટ ધ્વનિ,
તેજ ખંખેરતું એક પંખી હતું.

ક્યાં ગયું ? ક્યાં ગયું ? ક્યાં ગયું એ પછી ?
તેજ ફંફોસતું એક પંખી હતું.

સૌ દિશ મૂઢ છે, વાયુ નભ જળ, ધરા,
તેજ ફંગોળતું એક પંખી હતું.

સાચવ્યું કેમ સચવાય એ પિંજરે?
તેજ તગતગ થતું એક પંખી હતું.
૫-૩-૨૦૦૭


5

એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ,
જે ક્ષણોનો માત્ર તું માલેક હોવો જોઈએ.

ઢીંક મારીને મને આગળ નીકળતો હોય છે,
એ છિંકોટા મારતો ઉદ્રેક હોવો જોઈએ.

ભાર પીંછાનો વધ્યો જો હોય તો ખંખેરને,
આપણી મિલકતમાં ટહુકો એક હોવો જોઈએ.

માત્ર મારી સારપોથી કૈં જ વળવાનું નથી,
દોસ્ત ! તારો પણ ઈરાદો નેક હોવો જોઈએ.
૨૬-૧૦-૨૦૦૭


6

માંડ થયું છે મન મળવાનું,
આ ટાણું એમ જ ટળવાનું?

આંખ મીંચી દો પરથમ પહેલાં,
સ્વપ્ન પછી આંખે પળવાનું.

રોજ કુહાડા થડ પર પડતા,
બોલ, હવે ક્યારે ઢળવાનું?

કેમ મને મૂંઝવવા ઈચ્છે?
દરિયામાં ક્યાં દૂધ ભળવાનું?

બે આંખે ‘ઈર્શાદે’ છે આંસુ,
ઊને-પાણીએ ઘર બળવાનું?

૧૭-૮-૨૦૦૭


7

આમ તો બરદાસ્તની પણ બહાર છે,
જી, હૃદય પર એવા એવા ભાર છે.

સત્ય છે પણ તું તરત બોલી ન દે,
એ સમજદારીની તીણી ધાર છે.

ખાસ ટાણે માંડ આવે આંસુઓ,
ઓરમાયો, મેઘનો, વહેવાર છે.

વૃક્ષ એ આખુંય ક્યારે વન નથી,
પાંદડાનો એ ફક્ત વિસ્તાર છે.

આપનો ‘ઈર્શાદ’, ખાસ્સો છે ઋણી,
આ બધા ઘા કેવા નકશીદાર છે.

૧૩-૮-૨૦૦૭