શાહજહાં/છઠ્ઠો પ્રવેશ3: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છઠ્ઠો પ્રવેશ|'''અંક ચોથો'''}} [ઔરંગજેબ એક કાગળિયો હાથમાં લઈને ટેલે છે.] ઔરંગજેબ : દારાના દેહાંતદંડનો આ ફેંસલો. — આ તો કાજીનો ઇન્સાફ! — એમાં મારો શો અપરાધ! — પણ હું ના, શા માટે — આ તો...") |
(No difference)
|
Revision as of 13:23, 17 October 2022
અંક ચોથો
[ઔરંગજેબ એક કાગળિયો હાથમાં લઈને ટેલે છે.]
ઔરંગજેબ : દારાના દેહાંતદંડનો આ ફેંસલો. — આ તો કાજીનો ઇન્સાફ! — એમાં મારો શો અપરાધ! — પણ હું ના, શા માટે — આ તો ઇન્સાફ છે! ઇન્સાફની આડે હું શા માટે આવું? આ તો ઇન્સાફ —
[દિલદાર દાખલ થાય છે.]
દિલદાર : ઇન્સાફ નહિ, હત્યા!
ઔરંગજેબ : [ચમકીને] કોણ એ! દિલદાર! તું અત્યારે આંહીં?
દિલદાર : હું બરાબર વખતે અને બરાબર સ્થાને જ આવી પહોંચ્યો છું, જહાંપનાહ, જોઈ લો. અને હું આંહીં ન હોત તો પણ આ ખૂન —
ઔરંગજેબ : [ધ્રૂજતે અવાજે] ખૂન! — ના દિલદાર, આ તો કાજીનો ઇન્સાફ છે.
દિલદાર : પાદશાહ, ખુલ્લેખુલ્લું બોલું?
ઔરંગજેબ : બોલ.
દિલદાર : અચાનક આપ કાંપી કાં ઊઠ્યા! આપનો અવાજ જાણે કે કોઈ સૂકા પવનના સૂસવાટાની માફક બહાર શા માટે ધસી આવ્યો, કહું?
ઔરંગજેબ : દિલદાર!
દિલદાર : સાચી એ વાત છે કે — આપ દારાનું મૉત ચાહો છો.
ઔરંગજેબ : હું!
દિલદાર : હા, આપ.
ઔરંગજેબ : પરંતુ આ તો કાજીનો ઇન્સાફ છે.
દિલદાર : ઇન્સાફ! ખુદાવંદ, એ કાજીઓ જે વખતે દારાને મૉતની સજા ફરમાવતા હતા, તે વખતે તેઓ ખુદાના ચહેરા સામે નહોતા જોતા. તે વખતે તેઓ આપ નામદારની હસતા મુખની કલ્પના કરતા હતા; અને સાથોસાથ મનમાં મનમાં પોતાની બીબીઓના નવા દાગીનાની ગણતરી કરતા હતા. ઇન્સાફ! જ્યાં માથા ઉપર માલિકના લાલઘૂમ ડોળા ફાટી રહ્યા હોય ત્યાં વળી ઇન્સાફ! જહાંપનાહ સમજતા હશે કે દુનિયાને ખૂબ થાપ દીધી. પરંતુ દુનિયા તો મનમાં સારી પેઠે સમજી ચૂકી છે, કેવળ ડરની મારી બોલી શકતી નથી. જબરદસ્તીથી ઇન્સાનની જબાન ચૂપ કરી શકો, એની ગરદન ચીપીને મારી નાખી શકો, પણ કાળાનું ધોળું કરી શકાશે નહિ. દુનિયા જાણશે. ભાવિ પણ જાણશે. ભાવિ પણ જાણશે, કે ઇન્સાફનું છલ બતાવીને આપે જ દારાની હત્યા કરી છે — કેવળ આપના સિંહાસનને સહીસલામત બનાવવા ખાતર જ.
ઔરંગજેબ : સાચેસાચ! દિલદાર, તું સાચું કહે છે! તેં આજે દારાને બચાવી લીધો : તે દિવસ તેં મારા બેટા મહમ્મદને પાછો લાવી આપ્યો, ને આજે મારા ભાઈ દારાને બચાવી લીધો. જા, દોડ, શાયસ્તખાંને બોલાવી લાવ.
[દિલદાર જાય છે.]
ઔરંગજેબ : ભલે દારા જીવે. તેને ખાતર જો મારે તખ્ત છોડવું પડશે તો પણ છોડીશ. પણ આવડું મોટું પાપ — નહિ, આ ફેંસલો ફાડી નાખવા દે — [ફાડવા જાય છે.] ના, અત્યારે નહિ. શાયસ્તખાંની નજર સામે આ ફાડીને મારી આટલી મહત્તાનો પ્રભાવ બેસારીશ. — આ આવે શાયસ્તખાં.
[શાયસ્તખાં અને જીહનખાં દાખલ થાય છે.]
ઔરંગજેબ : સેનાપતિ! અદાલતમાં ભાઈ દારાને મૉતની સજા મળી.
જીહનખાં : ત્યારે તો આ કાગળમાં જ સજાનો ફેંસલો લાગે છે! મને આપો, ખુદાવંદ, હું પોતે જ એ કામ પતાવીને હમણાં જ આવું છું. કાફરને મૉતની સજા કરવા માટે મારા હાથ ચટપટી રહ્યા છે. આપો મને —
ઔરંગજેબ : પરંતુ મેં એને માફી બક્ષી છે.
શાયસ્તખાં : એ શું, જહાંપનાહ! આવા દુશ્મનને માફી! — આપના હરીફને!
ઔરંગજેબ : જાણું છું. એટલા ખાતર તો એને માફ કરવામાં મારું ગૌરવ અનુભવું છું.
શાયસ્તખાં : જહાંપનાહ! એ ગૌરવ ખરીદવા જતા તો આપને તખ્ત વેચવું પડશે.
ઔરંગજેબ : ફિકર નહિ. જે બાહુબળથી તખ્ત લીધું છે, તે જ બાહુબળથી હું એનું રક્ષણ કરીશ.
શાયસ્તખાં : તો પછી, જહાંપનાહ, જિંદગીભર એક મહાઆફતને માથા પર ઊંચકીને જ રાજ્ય ચલાવવું પડશે. જાણે છો ને? — તમામ પ્રજા અને લશ્કર દારાની બાજુએ છે. તે દિવસ દારાને ખાતર તેઓ બધાં બચ્ચાંની માફક રડી પડ્યાં હતાં, અને જહાંપનાહને ફિટકાર દેતાં હતાં. જો એ બધાંને એક વાર તક મળશે —
ઔરંગજેબ : શી રીતે?
શાયસ્તખાં : જહાંપનાહ, દારાની આઠેય પહોર ચોકી નહિ કરી શકે. જહાંપનાહ મુસાફરીમાં જશે, ને પાછળથી જો ફોજ કોઈક દિવસ તક જોઈ દારાને છૂટો કરી દેશે તો — પછી જહાંપનાહ — સમજ્યા?
ઔરંગજેબ : સમજ્યો.
શાયસ્તખાં : ઉપરાંત બુઢ્ઢા સુલતાન પણ દારાના પક્ષમાં છે. તેમને તો ફોજના માણસો ગુરુદેવ જેવા માને છે અને પિતા જેટલા ચાહે છે.
ઔરંગજેબ : હં! [ચક્કર દેતો દેતો] તો હું તખ્ત આપી દઈશ.
શાયસ્તખાં : તો પછી આટલી જહેમત. ઠાવી તખ્ત મેળવવાનો સબબ શો હતો? પિતાને પદભ્રષ્ટ, ભાઈને કેદ. — અતિ આગળ ચાલ્યા ગયા છો, જહાંપનાહ! હવે શું પાછા વળશો?
ઔરંગજેબ : પરંતુ —
જીહનખાં : ખુદાવંદ! દારા તો કાફર છે. આપ ઊઠીને કાફરને ક્ષમા કરશો? આ ઇસ્લામ ધર્મની રક્ષા કરવા ખાતર તો આપ તખ્ત પર બેઠા છો એ ન ભૂલતા; ધર્મની છેડ ન કરતા.
ઔરંગજેબ : સાચી વાત, જીહનખાં! હું મારા પોતાની ઉપરના તો તમામ અન્યાય-અત્યાચાર સહન કરી શકું, પણ ઇસ્લામ ધર્મનું અપમાન તો મારાથી સહેવાશે નહિ. મેં શપથ કર્યા છે — હા, દારાનું મૉત જ એની સજા જીહનઅલી, લે આ મૃત્યનો હુકમ! — ઠેરો, સહી કરી દઉં.
[ઔરંગજેબ સહી કરે છે.]
જીહન : લાવો, જહાંપનાહ! આજ રાતે જ દારાનું માથું કાપીને જહાંપનાહની પાસે હાજર કરીશ — બહાર મારો ઘોડો તૈયાર છે.
ઔરંગજેબ : આજ ને આજ?
શાયસ્તખાં : [ઔરંગજેબના હાથમાંથી હુકમ લઈને] આફત તો જેમ વહેલી ટળે તેમ જ સારું.
[જીહનખાંને હુકમ દે છે.]
જીહનખાં : બંદગી, જહાંપનાહ.
ઔરંગજેબ : ઊભો રહે, જોઉં? [હુકમ લઈને વાંચે છે, વળી પાછો આપે છે] ઠીક, જા.
[જીહનખાં ચાલવા જાય છે, ત્યાં ઔરંગજેબ એને ફરી વાર બોલાવે છે.]
ઔરંગજેબ : ના, એ નથી કરવું! જીહનઅલી! એ જીહનઅલી! જીહનઅલી! ચાલ્યો ગયો! — શાયસ્તખાં!
શાયસ્તખાં : ખુદાવંદ.
ઔરંગજેબ : મેં આ શું કર્યું?
શાયસ્તખાં : જહાંપનાહે ડહાપણનું કામ કર્યું છે.
ઔરંગજેબ : પરંતુ —
[ધીરે ધીરે ચાલ્યો જાય છે.]
શાયસ્તખાં : ઔરંગજેબ! ત્યારે તો તારામાં પણ વિચાર છે ખરો!
[જાય છે.]