શાહજહાં/પહેલો પ્રવેશ4: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પહેલો પ્રવેશ|'''અંક પાંચમો'''}} સ્થળ : દિલ્હીનો દરબાર. સમય : રાત્રિ. [મયૂરાસન પર ઔરંગજેબ : સામે મીર જુમલા, શાયસ્તખાં, જશવંતસિંહ, જયસિંહ, દિલેરખાં વગેરે.] ઔરંગજેબ : અમારા કોલ મુજબ અ...")
(No difference)

Revision as of 08:02, 18 October 2022

પહેલો પ્રવેશ

અંક પાંચમો


સ્થળ : દિલ્હીનો દરબાર. સમય : રાત્રિ. [મયૂરાસન પર ઔરંગજેબ : સામે મીર જુમલા, શાયસ્તખાં, જશવંતસિંહ, જયસિંહ, દિલેરખાં વગેરે.] ઔરંગજેબ : અમારા કોલ મુજબ અમે મહારાજને ગુર્જર દેશ બક્ષીએ છીએ. જશવંત : બદલામાં હું પાદશાહ સલામતને રાજીખુશીથી મારી ફોજની મદદ દેવા આવ્યો છું. ઔરંગજેબ : મહારાજ જશવંતસિંહ! ઔરંગજેબ કોઈનો બે વાર વિશ્વાસ કરતો નથી. તેમ છતાં મહારાજ જયસિંહના માનને ખાતર અમે મારવાડ-નરેશને પાદશાહની વફાદાર પ્રજા બનવાની એક બીજી તક દેશું. જયસિંહ : જહાંપનાહનો અહેસાન. જશવંત : જહાંપનાહ! હું પણ સમજી શક્યો છું કે છલથી અગર બલથી, હવે જ્યારે જહાંપનાહે તખ્ત કબ્જે જ કરી લીધું છે અને શાંતિ સ્થાપી દીધી છે, ત્યારે પછી કોઈ પણ પ્રકારે એ શાંતિનો ભંગ કરવો એ પાપ છે. ઔરંગજેબ : આ વાત મહારાજને મુખેથી સાંભળીને અમે ખુશ થયા છીએ. તો પછી લાગે છે કે હવે મહારાજને અમારા મિત્રવર્ગમાંના એક તરીકે ગણી શકીએ, કેમ? જશવંત : બેશક. ઔરંગજેબ : બહુ સારું, મહારાજ. કેમ વજીર સાહેબ! સુલતાન સૂજા અત્યારે આરાકાનના રાજાને આશરે છે કે? મીર જુમલા : તાબેદાર એને આરાકાનની સરહદ સુધી તગડી આવ્યો છે. ઔરંગજેબ : વજીર સાહેબ, અમે આપના બાહુબળની તારીફ કરીએ છીએ. સેનાપતિ! કુમાર મહમ્મદને ગ્વાલિયરના કિલ્લામાં કેદ કરી આવ્યા છો કે? શાયસ્ત : હા, ખુદાવંદ. ઔરંગજેબ : અરે બિચારો બેટો! પણ જહરત ભલે જાણે કે અમારી પાસે તો અદલ નીતિ છે; પુત્ર કે મિત્રનો ભેદ નથી. જયસિંહ : સાચું છે, જહાંપનાહ. ઔરંગજેબ : હીનભાગી દારાના મૃત્યુએ અમારા તમામ વિજયને ઝાંખપ લગાડી છે. પરંતુ અમારા ધર્મની રક્ષાને માટે તો અમારા ભાઈ-બેટાને પણ નિસાર કરવા જોઈએ; બીજો ઇલાજ નથી. મુરાદભાઈ ગ્વાલિયરના કિલ્લામાં કુશળ છે કે, સેનાપતિ? શાયસ્ત : હા, ખુદાવંદ. ઔરંગજેબ : નાદાન ભઈલો! પોતાની જ કસૂરથી સામ્રાજ્ય ગુમાવ્યું! અને હું મક્કાની હજનું મહાસુખ હારી બેઠો! — જેવી ખુદાની મરજી. દિલેરખાં! કુમાર સુલેમાનને તમે કેવી રીતે કેદ કર્યો? દિલેર : જહાંપનાહ! શ્રીનગરના રાજા પૃથ્વીસિંહે કુમારને ફોજ સાથે આશરો આપવાની ના પાડી તેથી કુમારે અમારો ત્યાગ કરવાનું કબૂલી લીધું. ત્યાર પછી મને જહાંપનાહનો પત્ર મળતાં રાજાની સાથે મળીને હું જહાંપનાહના ફરમાન મુજબ બોલ્યો કે ‘કુમાર સમ્રાટ ઔરંગજેબના ભત્રીજા છે, સમ્રાટ એને દીકરા બરોબર ચાહે છે, એટલે એને સમ્રાટના હાથમાં સોંપવામાં ક્ષાત્રધર્મનો કંઈ જ ભંગ નહિ થાય.’ શ્રીનગરના રાજાએ પ્રથમ તો કુમારને મારા હાથમાં સોંપવાનું કબૂલ ન રાખ્યું, પણ બીજે જ દિવસે એણે કુમારને રાજ્યમાંથી રવાના કર્યા. કારણ કાંઈ સમજાયું નથી. ઔરંગજેબ : કમનસીબ કુમાર! પછી? દિલેર : કુમાર ટિબેટ તરફ જતા હતા. પણ રસ્તો ન સૂઝવાથી આખી રાત ભમી ભમી સવારે પાછા શ્રીનગરની સરહદ પર જ આવી ઊભા રહ્યા. પછી મેં ફોજ સાથે જઈ એને કેદ પકડ્યા. આમાં મારો કાંઈ અપરાધ હોય તો ખુદા મને રહમ બક્ષે! હું કાંઈ અમુક કોઈ માણસનો નોકર નથી. હું તો છું પાદશાહનો સેનાપતિ. પાદશાહનો હુકમ ઉઠાવવાને જ હું તો હરદમ બંધાયેલ છું. ઔરંગજેબ : એને આંહીં તેડી લાવો, ખાં સાહેબ! દિલેર : જેવી આજ્ઞા. [જાય છે.] ઔરંગજેબ : જીહનઅલીખાંને સું નગરજનોએ મારી નાખ્યા, મહારાજ? જયસિંહ : હા ખુદાવંદ, સાંભળ્યું તો છે કે ખુદ જીહનઅલીની જ વસ્તીએ એને મારી નાખ્યા. ઔરંગજેબ : એ પાપીને ખુદાએ યોગ્ય જ સજા કરી છે. આ આવે કુમાર. [સુલેમાનને લઈ દિલેરખાં આવે છે.] ઔરંગજેબ : કુમાર સુલેમાન! — કેમ કુમાર! નીચું માથું ઢાળીને કેમ ઊભો? સુલેમાન : સમ્રાટ — [બોલતો બોલતો થંભી જાય છે.] ઔરંગજેબ : બોલ. શું કહેતો હતો? બોલ, બેટા, કશો ડર ન રાખ. તારા પિતાને મોતની જરૂર જ હતી. નહિ તો— સુલેમાન : જહાંપનાહ, આપનો ખુલાસો મારે નથી જોઈતો. ને વળી દિગ્વિજયી ઔરંગજેબને તો આજે કોઈની જ પાસે ખુલાસા કરવાની જરૂર જ નથી રહી, કેમ કે એનો ઇન્સાફ કરવા જ કોણ બેસવાનું છે? ને મારો પણ સુખેથી વધ કરો. જહાંપનાહની છૂરીને પૂરેપૂરી ધાર છે. હવે વળી એને ઝેર પાવાનું શું પ્રયોજન છે? ઔરંગજેબ : સુલેમાન! અમે તારો વધ નથી કરવાના. પરંતુ — સુલેમાન : એ ‘પરંતુ’નો અર્થ હું જાણું છું, સમ્રાટ! મોતના કરતાંય મારી કંઈક વધુ ભયંકર દશા તમારે કરવી છે, એમ ને! સમ્રાટના દિલમાં જો એક જ નિર્દય કૃત્ય કરવાનો મનસૂબો થાય, ત્યારે તો એથી વધીને બીજો કશો ડર શત્રુને નથી હોતો. પણ જ્યારે સમ્રાટના દિલમાં બે ઘાતકી ઇરાદા ઊપડે છે, ત્યારે તો પછી એ બન્નેમાંથી ઔરંગજેબ વધુ ઘાતકી વાતને પસંદ કરે છે, તે હું જાણું છું. એની પ્રતિહિંસા કરતાં એની દયા વધુ ભયંકર હોય છે. માટે ફરમાવો સમ્રાટ — પરંતુ — ઔરંગજેબ : ઉશ્કેરાય છે શા માટે, બેટા? સુલેમાન : ના, હવે શા માટે ઉશ્કેરાઉં? ઓહ — ઇન્સાન આવી મીઠી વાતો કરી શકે, અને છતાં આવડો મોટો પાપાત્મા હોઈ શકે! ઔરંગજેબ : સુલેમાન, તને અમે દુઃખ દેવા નથી ચાહતા. તારી જે કાંઈ ઇચ્છા હોય તે કહી દે. અમે રહમ કરશું. સુલેમાન : મારી એ જ ઇચ્છા છે કે જહાંપનાહ મને જેટલો બને તેટલો રિબાવે. મારા પિતાના હત્યારા પાસેથી મારે કરુણાની એક કણી પણ નથી જોઈતી. અય શહેનશાહ! વિચારો તો ખરા, કે તમે શું કરી બેઠા છો? સગા ભાઈને — એક જ માતાના પેટને, એક જ પિતાનાં પ્યારભીનાં નયનો નીચે ઊછરેલાને, નસોમાં એક જ ખૂન ધારનારને — જેના જેટલું જગતમાં બીજું કોઈ પોતાનું ન મળે એવા ભાઈને — તમે હણી નાખ્યો! જે બચપણમાં સાથે ખેલનારો ને યૌવનમાં સાથે ભણનારો હતો; જેના સામે કોઈ કરડી નજર કરે તો તે નજર પોતાની જ છાતીમાં વજ્ર સમી ખટકવી જોઈએ! જેના આડા ઘાવ ઝીલવા માટે પોતાની છાતી પાથરવી ઘટે એની — એવા ભાઈની આપે હત્યા કરી! અને એ ભાઈ પણ કેવો આપે માગ્યું હોત તો આ સામ્રાજ્યને પણ જે ચપટી મિટ્ટી બરાબર ગણી ફગાવી દઈ શકત; આપનું જેણે કાંઈ પણ બૂરું કર્યું નહોતું; જેનો એકમાત્ર અપરાધ એ જ કે પોતે બધાને પ્રિય હતો — એવા ભાઈની આપે હત્યા કરી! મૃત્યુ પછી જ્યારે એને મળશો, ત્યારે એના મોં સામે મીટ શી રીતે માંડી શકશો? — ખૂની! પિશાચ! શયતાન! તારી રહમ! તારી રહમને હું લાત મારું છું. ઔરંગજેબ : તો ભલે, એમ થાઓ. તો હું તારા પ્રાણદંડની જ સજા ફરમાવું છું. લઈ જાઓ. [નીચે ઊતરીને] અલ્લાનું નામ લઈ લે, સુલેમાન. [છોકરાને વેશે જહરતઉન્નિસા દોડતી આવે છે.] જહરત : અલ્લાનું નામ લે, ઔરંગજેબ. [ઔરંગજેબની સામે તમંચો તાકે છે.] સુલેમાન : આ કોણ? જહરતઉન્નિસા!!! [સુલેમાન એનો હાથ પકડે છે.] જહરત : છોડી દે — છોડી દે! તું કોણ છે? એ પાપાત્માનો હું જાન લઈશ, છોડી દે મને!! સુલેમાન : એ શું, જહરત! શાંત થા. હત્યાનો બદલો હત્યા ન હોય, બહેન. પુણ્યની પ્રતિષ્ઠા પાપથી ન થાય. મારું ચાલત તો સામી છાતીએ લડીને હું એનું સર વાઢત. પરંતુ હત્યા, ખૂન, ઘોર પાપ! જહરત : બાયલાઓ બધા! પિતાના કુલાંગાર બેટા! હટી જા દૂર! મને મારા પિતાના ખૂનનો બદલો લેવા દે! છોડી દે! ઢોંગી, લૂંટારા, હત્યારા — [મૂર્છા ખાઈને પડે છે.] ઔરંગજેબ : વાહ રે તારી દિલાવરી, જવાન! — જા, તારો વધ અમે નથી કરવાના. શાયસ્તખાં, એને ગ્વાલિયરના કિલ્લામાં લઈ જાઓ અને દારાની દીકરીને મારા પિતાની પાસે આગ્રાના મહેલમાં લઈ જાઓ.