સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/ભીમોરાની લડાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ભીમોરાની લડાઈ|}} {{Poem2Open}} “કાઠીભાઈ, તમે અવળો કામો કર્યો. તમે એના બાપ વાજસૂર ખાચરના પાળિયાનું નાક વાઢ્યું! તમને જસદણના બા’રવટિયાને હું શી રીતે સંઘરું?” “આપા નાજા ખાચર! મેં બા’રવટ...")
(No difference)

Revision as of 09:42, 31 October 2022

ભીમોરાની લડાઈ

“કાઠીભાઈ, તમે અવળો કામો કર્યો. તમે એના બાપ વાજસૂર ખાચરના પાળિયાનું નાક વાઢ્યું! તમને જસદણના બા’રવટિયાને હું શી રીતે સંઘરું?” “આપા નાજા ખાચર! મેં બા’રવટું ખેડ્યું તે અધરમનું નહિ. મારે ઘરધણીને ચડવાનું એકનું એક હૈયાસામું ઘોડું ચેલે ખાચરે જોરાવરીથી ઝૂંટવી લીધું. આવો અધરમ મારાથી સહેવાણો નહિ.” “ત્યારે શું કરવું?” “બીજું વળી શું કરવું, બાપ?” ચારણે ચાનક ચડાવી : “તું ઊઠીને આજ આ શરણાગતને નહિ સંઘર્ય, બાપ નાજા? અરે —


બા’રવટિયો આવે બકી, હોય મર વેર હજાર;
(એને) ભીમોરા ભોપાળ, શરણે રાખે સૂરાઉત.

“માથે હજારું વેર લઈ આવનાર બા’રવટિયાને તું ભીમોરાનો ધણી, સૂરગ ખાચરનો બેટડો, શરણું નહિ દે, તો ધરમ ક્યાં ટકશે, બાપ?” “ઠીક ભાઈ, ટાઢાણા! તું મારા પ્રાણ સાટે છો, ભા! તુંને ભીમોરાનો ઓથ છે. મારું મર થાવું હોય તે થાય.” “ધન્ય બાપ! ધન્ય નાજા!” ગઢવીએ ધણીને બિરદાવ્યો :


ધર વંકી, વંકો ધણી, વંકો ભીમોરા વાસ,
નીલો સુરાણી નાજિયો, મટે ન બારે માસ.

[તારી બંકી ધરતી. એવો જ બંકો તું એનો ધણી : એવો જ બંકો તારો ગઢ ભીમોરા : અને સૂરગના પુતર નાજા! તું તો સદાનો લીલોછમ; તારાં દલ સુકાય નહિ.] ચોટીલાથી ત્રણ ગાઉ, થાન સ્ટેશનથી છ ગાઉ, બોટાદ-વીંછિયા રેલવેના સ્ટેશન કાળીસરથી ત્રણ ગાઉ અને જસદણથી દસ-બાર ગાઉ આ ભીમોરાનો ગઢ છે. પાંચાળના વિશાળ ડુંગરાઓની અંદર ગીચ ઝાડીઓની ઘટામાં આ ગઢ નાજા ખાચરે અથવા એના પિતાએ બંધાવેલ હશે. નીચે તળેટીમાં એક પાણીનો કૂવો છે. ડુંગરાને પડખે ‘ભીમની ખોપ’ નામની પુરાતન એક ગુફા આવે છે. એ ગુફામાં, પથ્થરોમાંથી જ કંડારી લીધેલા નાના ઓરડા છે. પ્રથમ ભીમોરાના દરબારો એ ગુફાને પણ પોતાની માલમિલકત રાખવા માટે વાપરતા. હવે ઉજ્જડ છે. એ ગુફા જોઈને અડધો ખેતરવા ઘેરાવો લીધા પછી ભીમોરાના ગઢમાં જવાય છે. ગઢમાં એક બહારનો દરવાજો વટાવીને અંદર જતાં બીજો દરવાજો આવે છે. બીજા દરવાજાની અંદર ડાબી બાજુ રહેવાસ છે. વચ્ચે વિશાળ ચોગાન છે. ત્યાં દરબાર નાજો ખાચર રહેતા હતા. એના હાથમાં ચોવીસ ગામ હતાં. એ ભીમોરાના ધણી નાજાએ જસદણ સામે બહારવટે નીકળેલ ટાઢાણા કાઠીને તે દિવસે આશરો દીધો. જસદણ દરબાર ચેલા ખાચરને આ વાતની ખબર પડી. એણે ભીમોરે સંદેશો મોકલ્યો કે “અમારો ચોર કાઢી દ્યો.” નાજા ખાચરે જવાબ કહેવરાવ્યો કે “ટાઢાણો તો મારો શરણાગત ઠર્યો. હવે એને ન સોંપું, એને મેં અભયવચન દીધું છે.” ચેલો ખાચર એ જવાબ પી ગયો. પોતાના હીંગોળગઢ ઉપરથી ભીમોરાની વંકી ભોમ ઉપર એની રાતી આંખ રમવા મંડી. ભીમોરું દોહ્યલું હતું. ચોટીલાના ખાચરોનું જાડું જૂથ નાજા ખાચરને પડખે ઊભું હતું. ચેલા ખાચરે વિચાર કરીને વડોદરે નજર નાખી. મોટી રકમ નક્કી કરીને બાબારાવની મરાઠી ફોજ પાંચાળ ઉપર ઉતારી. ઓચિંતા ભીમોરા ભણી કૂચ કરી. ડુંગરની તળેટીમાં નેરાની અંદર ચેલા ખાચરનાં રણવાજાં વાગ્યાં. તે સાંભળી નાજા ખાચરે બારીમાંથી નજર કરી. તોપબંદૂકોથી નેરું હલકી હાલ્યું છે. ભીમોરાને વીંટીને ઘેરો પડ્યો છે. “નાજાભાઈ!” માણસોએ કહ્યું : “આ દળકટકની સામે ટકાશે નહિ, માટે નાઠાબારીએથી નીકળી જાયેં.” નાજા ખાચરે ડોકું ધુણાવ્યું : “ના બાપ! જેને જીવ વા’લો હોય એ સુખેથી નીકળી જાવ, મારે તો બે ભવ જીવવું નથી. મારી સાત પેઢીને ગાળ બેસે કે નાજો ચેલાના મોઢા આગળ ભાગ્યો!”