વેળા વેળાની છાંયડી/૧૩. કીલો કાંગસીવાળો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૩. કીલો કાંગસીવાળો|}} {{Poem2Open}} રાજકોટના રાજમાર્ગ ઉપર નરોત્તમ ટહેલતો હતો. ⁠વાઘણિયેથી નીકળતી વેળા ઓતમચંદે જે કેટલીક શાણી સલાહસૂચના આપેલી એમાંની એક એ હતી કે દૂરની સગાઈના દામોદર...")
(No difference)

Revision as of 10:06, 31 October 2022

૧૩. કીલો કાંગસીવાળો

રાજકોટના રાજમાર્ગ ઉપર નરોત્તમ ટહેલતો હતો.

⁠વાઘણિયેથી નીકળતી વેળા ઓતમચંદે જે કેટલીક શાણી સલાહસૂચના આપેલી એમાંની એક એ હતી કે દૂરની સગાઈના દામોદર માસાનો દાણો દાબી જોવો ખરો, પણ એમને સામે વળગતા જવું નહીં. મોટા ભાઈની આ સુચના નરોત્તમે બરોબર અમલમાં મૂકેલી–કહો કે વધારે પડતી અમલમાં મૂકી દીધેલી. સ્વમાન સાચવવા એણે કોઈ સગાંસ્નેહીને ત્યાં જવાને બદલે શરૂઆતમાં સ્ટેશન નજીકની ધરમશાળામાં જ ધામા નાખેલા.

⁠શહેરના સરિયામ રસ્તા પર ઊભો ઊભો નરોત્તમ પસાર થતી માનવ-વણજારને અવલોકી રહ્યો હતો. એ દિવસોમાં પશ્ચિમની સંસ્કૃતિની પ્રથમ લહેરો આવવા લાગેલી છતાં સોરઠી સંસ્કૃતિની વત હજી સુધી અકબંધ જળવાઈ રહેલી. અલબત્ત, રાજકોટમાં પણ પોલિટિકલ એજન્ટની કોઠી પડી ચૂકી હતી તેથી થોડા ગોરા સાહેબલોક ને થોડા દેશી ‘જાંગલાઓ’ નજરે પડતા ખરા; છતાં એકંદરે આમજનતામાંથી અસલિયતની અસ્મિતા હજી ઓસરી નહોતી. વાઘણિયામાં ભાગ્યે જ જોવા મળતો, કાઠિયાવાડના વિવિધ પ્રદેશોનો પચરંગી પહેરવેશ આ નગરના પહોળા રાજમાર્ગો ઉપર એ આશ્ચર્યમુગ્ધ નજરે અવલોકી રહ્યો.

⁠જુદાં જુદાં રજવાડાંના ભાયાતો ને મૂળ ગરાસદારો, કામદારો ને કારભારીઓ, ખવાસો ને ખાસદારો, વેપારીઓ ને વાણોતરોનું અહીં એકસામટું દર્શન થઈ શકતું હતું. વિવિધરંગી ફેંટા ને ફીંડલ, સાફા ને સરપા. આંટીવાળી પાઘડી અને ચકરી પાઘડી, કસવાળાં કેડિયા ને બાલાબંધી અંગરખાં, ચૂડીદાર ચોળણી ને તસતસતી સુરવાળ, અસલી સૌરાષ્ટ્રના સઘળા વેશ પરિધાનનું જાણે કે આ શહેરમાં પ્રદર્શન ભરાયું હતું.

⁠નરોત્તમને વાઘણિયું યાદ આવતાં મોટા ભાઈ ઉપર પહોંચની પત્ર લખવાનું યાદ આવ્યું. કોઈને પૂછીને એણે પોસ્ટ ઓફિસ શોધ કાઢી. ‘મૂંડિયા છાપ’ કાવડિયું ખિસ્સામાંથી કાઢીને એણે રાજા સોતમ ઍડ્‌વર્ડની છાપવાળું એક પૈસાનું પોસ્ટકાર્ડ ખરીદ કર્યું અને મોટા ભાઈ ઉપર પહોંચનો પત્ર લખી નાખ્યો.

⁠નરોત્તમનો ખ્યાલ એવો હતો કે શક્ય હોય ત્યાં સુધી સગાંસ્નેહીઓનો ઉપકાર માથે ન ચડવા દેવો. તેથી જ તો દામોદરમાસાને ઘેર જવાનું એણે તરત પૂરતું માંડી વાળ્યું. નોકરી કે કામ તલાશ પણ નિરાંતે કરીશ, એવું વિચારીને એ તો તખત શહેરની જીવનલીલા અવલોકવામાં જ ગુલતાન થઈ ગયો.

⁠એક અરધો દિવસ તો નરોત્તમે જુદાં જુદાં રજવાડાંના આલા ઉતારાની ઇમારતો જોવામાં જ ગાળ્યો. આવા ભવ્ય રાજમહાલયો એણે જીવતરમાં કદી જોયા નહોતા. નરોત્તમે રાજકુમાર કૉલેજ જોઈ… જુદી જુદી રિયાસતોના રાજકુંવર જોયા… અને ‘બેટ-બૉલની રમત રમાતી જોઈ ત્યારે તો એના આશ્ચર્યની અવધિ આવી રહી.

⁠આ બધું કુતૂહલ શમ્યા પછી જ નરોત્તમે દામોદરમાસાને જોવાનું વિચાર્યું. એ માટે પણ સીધેસીધો માસાને ઘેર ન ગયો. સરનામું વાંચીને શેરીને નાકે જ ઊભો રહ્યો. માસા દેવદર્શને આવતાંજતાં મળી જ જશે એવી એને શ્રદ્ધા હતી. અને એ આશા ફળી પણ ખરી. વયોવૃદ્ધ માસા આંખ પર હાથની છાજલી મુકીને નાકું વળોટતા હતા ત્યાં જ નરોત્તમે એમને આંતર્યા:

⁠‘કાં, માસા ? ઓળખાણ પડે છે ?’

⁠‘કોણ, ભાઈ ?’ હાથની છાજલી જરા નીચી ઉતારીને માસાએ ઝીણી આંખે નજર કરતાં પૂછ્યું.

⁠‘બસ ! ભૂલી ગયા ?’ નરોત્તમે પૂછ્યું, ‘વાઘણિયાવાળા કોઈ સગા યાદ આવે છે ?’

⁠માસા જરા ચમક્યા. પછી બોલ્યા: ‘કોણ ? ઓતમચંદ કરીને—’

⁠‘હા, હા. ઓતમચંદભાઈ વાઘણિયાવાળા.’

⁠‘સાચા, સાચા. ઓતમચંદ તો લાખનું માણસ. એને કેમ ભુલાય ?’ કહીને માસાએ ઉમેર્યું: ‘પણ હમણાં બિચારા બવ ભીડમાં આવી ગયા, એમ સાંભળ્યું. સાચી વાત ?’

⁠‘હા, માસા,’ નરોત્તમે કહ્યું. ‘જરાક ધક્કો લાગી ગયો—’

⁠‘એમ જ હાલે એ તો. વેપારમાં તો આવે ને જાય,’ માસાએ વેદાંતીની ઢબે ફિલસુફી ડહોળી. ‘એનો હરખ પણ નહીં ને અફસોસ પણ નહીં.’

⁠‘માસાના ખંધા ચહેરા સામે તાકીને નરોત્તમ મૂંગો મૂંગો ઊભો રહ્યો એટલે થોડી વારે માસા જ ઓચર્યા:

⁠‘ઠીક, લે ભાઈ, મારે દરસનમાં મોડું થાશે તો ઝાંખી નહીં થાય.’

⁠અને નરોત્તમ કશુંક કશુંક બોલે-કારવે એ પહેલાં તો માસાએ ચલતી પકડી.

⁠અને નરોત્તમના મનમાં મનમાં જે રહ્યોસહ્યો ભ્રમ હતો એ પણ ભાંગી ગયો. સીધો એ પોસ્ટ ઓફિસ તરફ ઊપડ્યો. આ વખતે એણે એક પૈસાવાળું પોસ્ટકાર્ડ લેવાને બદલે બે પૈસાવાળું પરબીડિયું જ ખરીદ કર્યું અને લાંબી લેખણે વિગતવાર પત્ર લખી નાખ્યો:

⁠વડીલ મોટા ભાઈની સેવામાં,

⁠⁠અહીં આવ્યા પછી પહોંચનું પતું લખેલું એ મળ્યું હશે. આજે દામોદર માસાને ઘેર ગયો હતો. મને જોઈને માસા તથા માસી તો અરધાં અરધાં થઈ ગયાં. તમારાં તથા ભાભીનાં ખેમકુશળ પૂછ્યાં. હું માસાને ઘેર ઊતરવાને બદલે બહાર ઊતર્યો એથી એમને બહુ ખોટું લાગ્યું. મને કહ્યું કે, અમારું ઘર એ ઓતમચંદનું જ ઘર ગણજે, જરાય જુદાઈ જાણીશ મા. મેં કહ્યું કે ભલે તમારે ઘેરે પણ વખતોવખત આવતો રહીશ. મારે લાયક કાંઈ કામધંધો ગોતી આપવાનું માસાએ કહ્યું છે. માટે એ વિશે ફિકર કરશો નહીં. મારું પાકું સરનામું હવે પછીના કાગળમાં લખીશ.

⁠બટુક માટે નાનકડી ઘોડાગાડીની તપાસ રમકડાંવાળાની દુકાન કરું છું. મળશે એટલે કોઈ સથવારે મોકલી આપીશ. બટુક મને વારે ઘડીએ યાદ આવ્યા કરે છે. એનું મન રાજી થાય એવી મજાની ઘોડાગાડી મોકલીશ.

⁠મારાં ભાભીને મારાં પગેલાગણ કહેશો. એનું મન કોચવીને હું અહીં આવ્યો છું પણ મને અહીં કોઈ વાતની મૂંઝવણ નથી એમ કહેજો. એમની આશિષે અહીં બધી વાતની સરખાઈ આવી જશે ને થોડાં વરસમાં આપણે સહુ તરી જઈશું.

⁠હમણાં તો કામધંધાની તપાસમાં ફરું છું, એટલે મારો કાગળ વહેલોમોડો થાય તો ફિકર કરશો નહીં.

લિખિતંગ, નરોત્તમનાં પગેલાગણ


⁠હવે નરોત્તમને શહેરના રંગરાગ જોવામાં રસ ન રહ્યો. શહેરના રાજમાર્ગો કે શેરીઓમાં રખડવાને બદલે એ રેલવે સ્ટેશને જ લટાર મારવા લાગ્યો. આવતી-જતી ટેઇન જોઈને એ આહ્‌લાદ અનુભવતો. લાંબા પ્લૅટફૉર્મના એક છેડાથી બીજા છેડા સુધી નિરુદ્દેશ આંટા મારવામાં અને આનંદ આવતો. સામાન જોખવાનો કાંટો, સિગ્નલનો હાથલો વગેરે યાંત્રિક કરામતો નરોત્તમને અદ્ભુત લાગતી હતી. અને એથીય વધારે રસભરપૂર તો હતી પ્લૅટફૉર્મ પરની નાનીસરખી દુનિયા.

⁠આ દુનિયામાં વસાહતીઓની સંખ્યા તો બહુ નાની હતી. પણ એમાંના એકેએક પાત્રને પોતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ હતું. સ્ટેશનમાસ્તરથી માંડીને સાંધાવાળો અને સાકરિયા દૂધપેંડા વેચનારથી માંડીને પાણીની પરબ પર બેસનાર ડોસી સુધીનાં પાત્રો પાસે પોતપોતાની જીવનકલા હતી. દિવસ-રાત પ્લૅટફૉર્મ પર પડી રહીને ગાંજોચરસ ફૂંક્યા કરનાર દાવલશા ફકીર, દેખીતો પાગલ છતાં ડહાપણના ભંડાર સમો ભગલો ગાંડો, ગણવેશ પર બિલ્લા લગાવીને મજૂરી કરનાર પૉર્ટરો, આ સ્ટેશનની દુનિયાનાં નમૂનેદાર પાત્રો હતા. તેમાં શિરમોર સમું પાત્ર હતું કીલા કાંગસીવાળાનું.

⁠આ કીલા કાંગસીવાળાનું અનોખું વ્યક્તિત્વ નરોત્તમ પર કામણ કરી ગયું.

⁠કીલાનું મૂળ નામ તો હતું કીલાચંદ કામદાર. પણ આવડું મોટું ને માનવાચક નામ તો હવે ખુદ કીલાને પણ યાદ નહી રહ્યું હોય. ગામ આખામાં એ ‘કીલા કાંગસીવાળા’ તરીકે જ જાણીતો હતો. ‘કાંગસીવાળા’ના વ્યવસાયસૂચક ઇલકાબની પાછળ પણ સમાજશાસ્ત્રીઓ માટે રસનો વિષય થઈ પડે એવો એક રસિક ઇતિહાસ પડ્યો હતો:

⁠કહેવાતું કે કીલો નાનપણમાં સોનાને ઘૂઘરે ૨મેલો. એક વેળા દોમદોમ સાહ્યબીમાં ઊછરેલા આ માણસે દરિદ્રતા પણ ઝિદાદિલીથી જીરવી જાણી હતી. સ્વમાનભેર રોટલો રળવા માગતો કીલો કિસમ કિસમના વ્યવસાયો કરી ચૂક્યો હતો. દિવાળીના દિવસોમાં એ ફટાકડાની ફેરી કરે, કેરીની મોસમમાં કેરીની વખાર નાખે અને આડે દિવસે શેરીએ શેરીએ ફરીને કાચની બંગડી પણ વેચે. પેટગુજારા માટે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં કીલો નાનમ ન સમજતો.

⁠કીલાને સાંપડેલું ‘કાંગસીવાળા’નું બિરુદ તો બીજી જ એક પ્રવૃત્તિનું પરિણામ હતું. એ યુગમાં કાઠિયાવાડમાં કેશગુંફન માટે ખડબચડા ખંપારાનો જ ઉપયોગ થતો. પુરુષવર્ગને તો બહુ વાળ ઓળવાપણું હતું જ નહીં–કોઈ કોઈ નવાં છોકરડાં નાનકડી બાબરી રાખતાં શીખ્યાં હતાં એટલું જ. સ્ત્રીવર્ગના કેશસંમાર્જન માટે વાઘરણો ઘેર ઘેર ફરીને ટાઢા રોટલાના બદલામાં હાથબનાવટના ખંપારા ને ખરસટ કાંસકા વેચી જતી. કોમલાંગીઓ માટેની કલામય કાંગસીઓ મુંબઈ જેવાં મોટાં શહેરો સિવાય બીજે મળતી નહીં. કીલાએ પહેલવહેલી મુંબઈગરા મહેમાનો પાસે આ નાજુક કાંગસીઓ જોયેલી અને ત્યારથી જ એની વ્યવહારદક્ષ અને વ્યાપારદક્ષ બુદ્ધિને સમજાઈ ચૂકેલું કે કાંગસીના વેપારમાં કસ છે. એણે ઉછીઉધાર કરીને થોડીક મૂડીનો જોગ કર્યો ને મુંબઈના એક ઓળખીતા વેપારી મારફત કાંગસીની પહેલવહેલી આયાત કરી. પરિણામે રાજકોટમાં ને કાઠિયાવાડભરમાં કાંગસીનો પહેલવહેલો પ્રચાર કરવાનું માન કીલો ખાટી ગયો.

⁠સ્વાશ્રયી કીલાએ પોતાના જીવનસંગ્રામ માટે અર્વાચીન કિસાન-મજદૂર સંઘોને શોભે એવું સૂત્ર યોજી કાઢેલું: ‘હુન્નર હાથ એને હરકત શી ?’ તરેહ તરેહના હુન્નરો ઉપર આ માણસ હાથ અજમાવી ચૂક્યો હતો અને પરિણામે જીવન ગુજારવામાં એને કશી હરકત આવી નહોતી. એવી જ રીતે, નવો નવો કાંગસીનો હુન્નર હાથ આવતાં કીલાને પોતાની પ્રતિભા બતાવી આપવા માટે મોકળું મેદાન મળી રહ્યું: ‘લ્યો કોઈ વિલાયતી કાંગસી…’ કરીને કીલાએ શહેરની શેરીએ શેરીએ સાદ દેવા માંડ્યો. કુનેહબાજ કીલાની જીભ પણ એવી મીઠી કે ગૃહિણીઓના ગ્રાહકવર્ગમાં એ ઘડીકમાં ઘરોબો કેળવી લેતો. આંખની પણ ઓળખાણ વિના એ કોઈને કાકીમા કહીને બોલાવે. કોઈ સાથે માસી-ભાણેજનું સગપણ શોધી કાઢે. ઘરનાં છોકરાં જેમને ફઈબા કહીને બોલાવતાં હોય એમને કીલો પણ સગાં ફઈબા ગણીને જ સંબોધે. ‘કાં ભાભુ, કાંગસી આપું કે ?’ ક૨તોકને કીલો મોઢું ભરાઈ જાય એવા માનવાચક સંબોધનો સાથે હાજર થાય. પછી, પોતાને વેપારની બહુ પડી નથી, એવું સૂચવવા એ પોતે સાધ્ય કરેલી બૈરક બોલીમાં અલકમલકના ગપાટા હાંકીને ઘરનાં માણસો સાથે સાહજિકતાથી ઘરોબો કેળવી લ્યે. વચ્ચે સિફતપૂર્વક પોતાના માલની પ્રશસ્તિ ઘુસાડી દિયે: ‘આ ઓલી વાઘરણ વેચી જાય છે એવા ભાલા જેવા ખંપારા નથી, હોં ભાભુ ! આ તો અસ્સલ વિલાયતનો નંબરી માલ છે, નંબરી.’ પછી, આ વાતોડિયા માણસના વાણીપ્રવાહમાં ભીંજાયેલાં ભાભુની દેન નહીં કે એની પાસેથી કાંગસી ખરીદ કર્યા વિના રહી શકે.

⁠સમય જતાં કાંગસીના ધંધામાં પણ હરીફો ઊભા થતાં આ વેપારમાંથી કસ ચાલ્યો ગયો અને પરિણામે કીલો બીજા ‘હુન્નર’ તરફ વળ્યો. આ દરમિયાન કાઠિયાવાડમાં રેલવેના નવા નવા ફાંટા નંખાતા જતા હતા અને લોકો પણ પગપાળા કે ગાડામાર્ગે જવાને બદલે ઇંજિનવાળી ગાડીમાં પ્રવાસ કરતાં થયેલાં તેથી રાજકોટ જંક્શનનું વેપારી દૃષ્ટિએ મહત્ત્વ વધતું જતું હતું. સમયપારખુ કીલાએ અગમબુદ્ધિ વાપરીને જંક્શન ઉ૫૨ રમકડાંની ફેરી કરવા માંડી. પણ ‘કાંગસીવાળા’ તરીકેનું એનું જૂનું બિરુદ તો કાયમ જ રહેલું અને લોકોમાં—ખાસ કરીને સ્ત્રીવર્ગમાં — કીલાની લોકપ્રિયતા પણ અકબંધ રહેલી. રાજકોટ શહેરમાં તો કીલો એક જાહેર વ્યક્તિ તરીકે જાણીતો હતો જ, પણ રેલવે જંક્શન ૫૨ રમકડાંની રેંકડી ફેરવવા માંડી ત્યારથી એ ગામ-પરગામના પ્રવાસીઓમાં પણ લોકપ્રિય થઈ પડ્યો.

⁠કીલાની રમકડાંની રેંકડી નરોત્તમ ઉ૫૨ કામણ કરી ગઈ. આ રેંકડીમાં મહુવાના સંઘાડિયાઓએ ઉતારેલાં રંગબેરંગી રમકડાં હતાં:

મોર ને ચકલી, ઘંટી ને ઘૂઘરા, હાથી ને સિંહ. એક જુઓ ને બીજું ભૂલો એવાં રૂપકડાં આ રમકડાં હતાં. નરોત્તમ તો મુગ્ધ ભાવે એ રંગમેળા તરફ તાકી જ રહેતો. એમાં પચરંગી પોપટલાકડી હતી. અને એક ટચૂકડી ઘોડાગાડી જોઈને તો નરોત્તમ રાજી રાજી થઈ ગયો. તરત એને બટુક યાદ આવી ગયો. આ ઘોડાગાડી વાઘણિયે મોકલી આપું તો બટુક રીઝી જાય.

⁠એક દિવસ સ્ટેશન પર શાંતિ હતી ને કીલો પીપળાને છાંયડે રેંકડી ઊભી રાખીને આકડાનાં પાનની બીડીઓ વાળતો હતો ત્યારે નરોત્તમે જરા સંકોચ સાથે રેંકડી નજીક જઈને ઘોડાગાડી ઉપાડી. કારીગરે આ રમકડું આબેહૂબ ઘોડાગાડી જેવું જ બનાવેલું.

⁠ઘોડાગાડીના રૂપરંગ ને ઘાટ અવલોકી રહ્યા પછી નરોત્તમે એની કિંમત પૂછવાનું વિચાર્યું, પણ પૂછતાં સંકોચ અનુભવી રહ્યો.

⁠બીડીની ભૂંગળી વાળીને માથે રાતો દોરો વીંટતો કીલો આ ગ્રાહકને કાતર નજરે અવલોકી રહ્યો.

⁠નરોત્તમે અચકાતાં પૂછ્યું: ‘આ ઘોડાગાડીનું શું બેસશે ?’

⁠‘સાવ સસ્તી છે; લઈ જાવ…’

⁠‘સસ્તી તોય કેટલામાં ?’

⁠‘અરે લઈ જાવ ને તમતમારે, તમને કાંઈ લૂંટી નહીં લઉં,’ કીલાએ કહ્યું.

⁠‘પણ તમે નામ તો પાડો–’ નરોત્તમે ગાડીનો ભાવ જાણવા પૂછ્યું.

⁠‘બજારમાં પૂછશો તો રૂપિયો દોઢ કહેશે. પણ તમારી પાસેથી મારે કમાવું નથી. લઈ જાવ રૂપિયે—’

⁠સાંભળીને નરોત્તમે ખિસ્સામાં હાથ નાખ્યો. ઘડીક વાર વિચારી રહ્યો. પછી હળવેક રહીને, ઘોડાગાડી જ્યાંથી ઉપાડી હતી ત્યાં પાછી ગોઠવી દીધી ને ભારે પગલે પાછો વળવા જતો હતો ત્યાં જ કીલાએ હાક મારી:

⁠‘કાં જુવાન, કેમ પાછો હાલ્યો ?’

⁠નરોત્તમ નિરુત્તર રહ્યો એટલે કીલાએ કહ્યું: ‘લઈ જા, લઈ જા, આવી ગાડી ગામ આખામાં નહીં જડે. અસલ મહુવાનો માલ છે—’

⁠આટલો આગ્રહ છતાં નરોત્તમ પીગળતો ન લાગ્યો, ત્યારે કીલાએ પૂછ્યું: ‘તારે શું આપવું છે ?’

⁠હજી નરોત્તમ મૂંગો જ રહ્યો ત્યારે કીલાએ જરા ઉગ્ર અવાજે પૂછ્યું:

⁠‘લેવી છે કે પછી અમથી ઉડામણી જ કરવી છે ?’

⁠'લેવી છે, લેવી છે.’ નરોત્તમે કહ્યું.

⁠‘આનો ઓછો આપજે, ઉપાડ… મારી રેંકડીમાં જગ્યા થાય.’

⁠પણ નરોત્તમે ગાડી ઉપાડી નહીં ને કીલાની રેંકડીમાં જગ્યા કરી નહીં. શરમાતા શરમાતો એ કશું બોલ્યા વિના ચાલ્યો ગયો.

⁠નરોત્તમને સ્થાને બીજો કોઈ ગ્રાહક હોત તો કીલાએ એના સ્વભાવ પ્રમાણે સંભળાવી દીધી હોત: ‘ગૂંજામાં ફદિયાં લઈને આવ્યો છે કે પછી હાલી જ નીકળ્યો છે ભાતું બાંધ્યા વિના ?’ પણ માણસપા૨ખુ કીલાએ પારખી લીધેલું કે નરોત્તમ કોઈક જુદી જ માટીનો જુવાન છે, તેથી એ કશું બોલ્યો નહીં પણ નરોત્તમની પીઠ પાછળ કુતૂહલભરી નજરે તાકી રહ્યો.

⁠બીજે દિવસે રોંઢા ટાણે કીલો તો એના નિયમ મુજબ ઝાડને છાંયડે રેંકડી ઊભી રાખીને બાજુમાં બેઠો બેઠો બીડીઓ વાળતો હતો, અને દાવલશા ફકીર તથા ભગલા ગાંડા સાથે ગામગપાટા હાંકતો હતો.

⁠રમકડાંમાંથી થતી આવકમાં પૂર્તિ કરવા કીલાએ નવરાશના સમયમાં બીડીઓ વાળવાનો આ ઉદ્યમ શોધી કાઢ્યો હતો. આ ઉદ્યમ પાછળ પણ એનું જીવનસૂત્ર હતું: ‘હુન્નર હાથ એને હરકત શી ?’ અત્યારે પણ એ તૈયાર થયેલી બીડીઓ પાનવાળાને પહોંચાડવા જવા માટે પચીસ પચીસની ઝૂડીઓ વાળી રહ્યો હતો ત્યાં જ ધીમે પગલે નરોત્તમ આવી પહોંચ્યો.

⁠કીલો પોતાનું કામ કરતાં કરતાં ત્રાંસી નજરે નરોત્તમને અવલોકી રહ્યો.

⁠નરોત્તમ રેંકડીમાંની ઘોડાગાડી તરફ તાકી રહ્યો. રમકડું હાથમાં લઈને ફરી વાર ભાવપૂર્વક તપાસી જોવાનું એને મન થયું, પણ એ વખતે એની હિંમત ન ચાલી.

⁠કીલો આ વિચિત્ર લાગતા ગ્રાહક તરફ સમભાવપૂર્વક તાકી રહ્યો.

⁠સારી વાર સુધી નરોત્તમ રેંકડી સામે ઊભો રહ્યો. પછી એક નિઃશ્વાસ મૂકી પાછો ચાલ્યો.

⁠કીલાએ એને હાક મારી: ‘કાં મોટા ! ઓરો આવ્ય, ઓરો.’

⁠અવાજમાં રહેલી ઉષ્મા પારખીને નરોત્તમ પાછો વળ્યો.

⁠કીલાને લાગ્યું કે આ કોઈ ફાલતુ માણસ નથી. દિવસો થયા એ પ્લૅટફૉર્મ પર આંટા માર્યા કરે એમાં કશોક ભેદ છે. અને એ ભેદ જાણવો જ જોઈએ, એમ વિચારીને એણે નરોત્તમને ભાવપૂર્વક પોતાની બાજુમાં બેસાડ્યો.

⁠‘કયું ગામ ? ક્યાં રહેવું ? નાતે કેવા ?’ જેવી ઔપચારિક પૂછગાછથી જ ન અટકતાં કીલો આ આગંતુકના જીવનમાં વધારે ઊંડો ઊતર્યો. જેમ જેમ વધારે પૃચ્છા કરતો ગયો તેમ તેમ હજી વધારે વિગતો જાણવાની એની આતુરતા વધતી ગઈ.

⁠નરોત્તમ પણ સમભાવપૂર્વક પુછાતા પ્રશ્નોના ઉત્તરો નિખાલસતાથી આપતો ગયો.

⁠વાતમાં ને વાતમાં કીલાએ નરોત્તમ સાથે સાત-આઠ પેઢીનું દૂર દૂરનું સગપણ શોધી કાઢ્યું કે આપણે બેય તો એક જ ગોતરિયા છીએ એટલે કુટુંબી ગણાઈએ.

⁠આ સાંભળી નરોત્તમનો રહ્યોસહ્યો સંકોચ પણ દૂર થઈ ગયો અને એણે મોકળે મને પોતાની આપવીતી કહેવા માંડી. હવે તો બંને જણા એવું તો ઐક્ય અનુભવી રહ્યા કે કીલાએ પણ વચ્ચે વચ્ચે પોતાના જીવનની કથની કહેવા માંડી. નરોત્તમની જીવનઘટનાઓ સાથે પોતાના જીવનના પ્રસંગોની સરખામણી કરવા માંડી. નરોત્તમને લાગ્યું કે કીલો પણ મારા જેવો જ સમદુખિયો જીવ છે. પરિણામે, બંને જણા વધારે આત્મીયતા અનુભવી રહ્યા.

⁠કીલો આ ભલાભોળા યુવાનની નિર્વ્યાજ નિખાલસતા પર એટલો તો પ્રસન્ન થઈ ગયો કે પોતાની પ્રસન્નતાના પ્રતીક તરીકે એણે પેલી ટચૂકડી ઘોડાગાડી નરોત્તમને ભેટ આપી દીધી.

⁠નરોત્તમે આવું મોંઘું રમકડું મફત સ્વીકારવામાં જરા આનાકાની કરી ત્યારે કીલાએ કહ્યું: ‘આપણે તો એક જ ગોતરિયા નીકળ્યા એટલે હવે કુટુંબી કહેવાઈએ. બટુક જેમ તારો ભત્રીજો થાય, એમ હવે મારોય ભત્રીજો જ ગણાય. એને આપવાના રમકડાનાં ફદિયાં મારાથી ન લેવાય.’

⁠પછી તો આ બંને કુટુંબીઓએ સાંજ સુધી વાતોના સેલારા માર્યા, નરોત્તમે વાત વાતમાં જણાવ્યું કે મારે આ અજાણ્યા ગામમાં રહેવા માટે જગ્યા શોધવાની મુશ્કેલી છે, ત્યારે કીલાએ કહ્યું: ‘ઓય ધાડેના ! અટાણ લગી બોલ્યો શું કામ નહીં ? આ કીલાની ઓરડી અફલાતૂન છે ! આવી જા રહેવા, અટાણથી જ !’

⁠આ આમંત્રણથી નરોત્તમ રાજી થઈ ગયો.

⁠કીલાએ હસતાં હસતાં શરત મૂકી: ‘આપણી ઓરડી ઉપર હથુકાં કરવાં પડશે હોં ! હા, કીલાના વાંઢાવિલાસમાં કોઈ રાંધનારી નથી ને આ અવસ્થાએ હવે કોઈ રોટલા ઘડનારી આવે એમ પણ નથી.’

⁠‘મને રાંધતાં તો નથી આવડતું, પણ તમારી પાસેથી શીખીશ, ને આવડશે એવી મહેનત કરીશ.’ નરોત્તમે કહ્યું.

⁠કીલાએ એ શરત સ્વીકારી અને નરોત્તમ એની ઓરડીએ રહેવા ગયો.

⁠ઓરડીને ચારે ખૂણે ફેલાયેલી ભયંકર અરાજકતા જોઈને નરોત્તમને આરંભમાં તો આઘાત લાગી ગયો. અવિવાહિત માણસના જીવનની અવ્યવસ્થા આ ઓરડીમાં મૂર્તિમંત દેખાતી હતી. એક દિવસ સાફસૂફી કરતાં કરતાં નરોત્તમે રોટલા ઘડી રહેલા કીલાને ટકોર કરી:

⁠‘કીલાભાઈ, રોટલા ઘડનારી લઈ આવો તો કેવું સારું ! આ બધી પંચાત મટી જાય.’

⁠‘ના, ભાઈ, ના, કીલાને એવી પળોજણ પોસાય નહીં. એના કરતાં આ હથુકાં સાત થોકે સારાં. લગન તો લાકડાના લાડુ છે, ભાઈ નરોત્તમ !– ખાઈને પછી પણ પસ્તાવાનું જ હોય તો ન ખાઈને જ પસ્તાવો કરવો શું ખોટો ? તને પણ વીસનહોરી વળગશે પછી ખબર પડશે, ભાઈ નરોત્તમ !’

⁠કીલાની ઓરડીમાં થાળે પડ્યા પછી નરોત્તમે વાઘણિયે મોટાભાઈ ઉપર વિગતવાર કાગળ લખી નાખ્યો અને આ ઓરડીનું પાકું સરનામું પણ લખી જણાવ્યું. કીલા સાથે વાત વાતમાં જ નીકળી પડેલા દૂર દૂરના સગપણની વિગતો જણાવીને મોટા ભાઈને સધિયારો આપ્યો કે કીલાભાઈની દેખરેખ તળે હું સહીસલામત છું.

⁠તુરત કીલાએ વાઘણિયાનો એક સથવારો શોધી કાઢ્યો. લગ્નઅવસ૨નું મોટું હટાણું ક૨વા આવેલા એક પટેલની સાથે નરોત્તમે પેલી ટચૂકડી ઘોડાગાડી મોટા ભાઈ ઉપર મોકલી આપી. સાથે મોઢાનાં ક્ષેમકુશળ પણ કહેવરાવ્યાં.

⁠હવે નરોત્તમ માટે કશોક રોજગાર શોધવાનો પ્રશ્ન ઊભો થયો. કીલાએ એને બાંયધરી આપી: ‘કાંડામાં જોર હોય તો કાવડિયાં તો રસ્તામાં પડ્યાં છે—ઉસરડી લઈએ એટલી જ વાર.’ અને પછી પોતાનું જીવનસૂત્ર ઉચ્ચાર્યું: ‘હુન્નર હાથ એને હરકત શી ?’

⁠પણ મુશ્કેલી એ હતી જિંદગીના તડકાછાંયાથી અજાણ એવા નરોત્તમને કીલા જેટલા હુન્નરો હસ્તગત નહોતા. જીવનની આકરી તાવણીમાં તળાઈ તળાઈને કીલો તો સોયમાં સોંસરવો નીકળી શકે એવો સિફતબાજ થઈ ગયો હતો. નરોત્તમે જિંદગીનો ઝંઝાવાત હજી જોયો નહોતો. પણ કીલાએ એને હિંમત આપી: ‘મારી ભેગો છ મહિના કામ કરીશ તો હુતિયો થઈ જઈશ.’ અને પછી પોતાની આત્મપ્રશસ્તિ ઉમેરી: ‘હું કોણ ? જાણે છે ? — કીલો કાંગસીવાળો — ભલભલા ચમરબંધીનેય ભૂ પાઈ દેનારો—’