વેળા વેળાની છાંયડી/૧૭. આ તો મારા જેઠ !: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૭. આ તો મારા જેઠ !|}} {{Poem2Open}} ‘આ તો મારા જેઠ થાય—સગા જેઠ, ખાટલાની ઈસ ૫૨ બેસીને બેભાન માણસના પગને તળિયે ખરડ કરતાં કરતાં ચંપાએ હીરબાઈને કહ્યું, ‘આ તો વાઘણિયાવાળા ઓતમચંદ શેઠ છે.’ ‘સ...") |
(No difference)
|
Revision as of 10:15, 31 October 2022
‘આ તો મારા જેઠ થાય—સગા જેઠ, ખાટલાની ઈસ ૫૨ બેસીને બેભાન માણસના પગને તળિયે ખરડ કરતાં કરતાં ચંપાએ હીરબાઈને કહ્યું, ‘આ તો વાઘણિયાવાળા ઓતમચંદ શેઠ છે.’
‘સાચોસાચ ?’
‘હા, હું વાઘણિયે ગઈ’તી તંયે નજરોનજર જોયા’તા.’
એભલ વાડામાં ઢોર બાંધવા ગયો પછી ઓતમચંદને ખાટલે શુશ્રૂષા કરી રહેલાં બે સ્ત્રીહૃદય વાતોએ ચડ્યાં હતાં.
ચંપાએ ચાતુરી વાપરીને બીજલ સાથે દૂધનો કળશો ઘરે મોકલાવી દીધેલો અને માતાને સંદેશો પણ કહેવડાવી દીધેલો કે હું થોડી વારમાં આવું છું, જેથી સંતોકબા પુત્રીની ફિકર ન કરે.
‘બિચારા જીવ ખળખળિયાને કાંઠે ક્યાંથી આવી પોગ્યા હશે !’ હીરબાઈએ પૂછ્યું.
‘ભગવાન જાણે !’ ચંપા બોલી, ‘કદાચ ઉઘરાણી-બુઘરાણીને મસે નીકળ્યા હોય—’
‘ને કોઈ ડફેર કે આડોડિયાએ આંતરીને લૂંટી લીધા હોય ! આવો મૂઢ માર તો બીજું કોણ મારે ?’
‘ભગવાન જાણે !’
‘તારી બાને વાવડ કેવરાવવા પડશે ને ?’ હીરબાઈ બોલ્યાં.
‘વાવડ શું, મહેમાનનો ખાટલો જ અમારે ઘરે લઈ જાવો પડશે,’ ચંપાએ કહ્યું, ‘પણ ઈ આંખ ઉઘાડે નહીં ત્યાં લગણ આંહીંથી આઘા ખસતાં મારો જીવ ન હાલે.’
ગરમાગરમ ખરડ ને ગરમ શેકની બેવડી અસરથી ઓતમચંદનાં ઠુંગરાઈ ગયેલાં અંગોમાં ચેતના આવવા લાગી. એણે હાથ સહેજ હલાવ્યો અને પગ સહેજ સંકોર્યો ત્યારે હીરબાઈના ચિંતાગ્રસ્ત ચહેરા પર આશાની સુરખી ફરકી ગઈ. બોલ્યાં: ‘હવે સુવાણ્ય થઈ જાશે.’
અત્યાર સુધી ઓતમચંદના દાંતની દોઢ્ય વળી ગઈ હતી એ ઊઘડી ગઈ ને એણે ઓઠ ૫૨ જીભ ફેરવવા માંડી.
‘જો, દાંતની દોઢ્ય ઊઘડી ગઈ !’ હીરબાઈ આનંદિત થઈને બોલી ઊઠ્યાં: ‘હોઠ ઉપર જીભ ફેરવે છે એટલે ગળું સુકાતું હશે, ગગી ઊભી થઈને પાણી પા !’
ચંપા ખાટલેથી ઊઠીને પાણિયારા તરફ ગઈ એટલે હીરબાઈએ એને સૂચના આપી: ‘ગોળેથી પાણી ભરજે મા, હો !’
‘કાં ભલા ?’ ચંપાને નવાઈ લાગી.
‘આયરના ગોળાનું પાણી પાઈને ઉજળિયાતની દેઈ નો અભડાવાય.’
‘હવે રાખો રાખો !’ ચંપાએ હસતાં હસતાં કહ્યું, ‘ચાંગળું પાણી પેટમાં ગયે એમ દેઈ વટલાઈ જતી હશે !’
‘ના માડી, આપણાથી એવું પાપ નો વો૨ાય. સહુ સહુના ધ૨મ સહુને વાલા હોય,’ કહીને હીરબાઈએ સૂચવ્યું: ‘ઓલી ઊટકેલ ટબૂડી લઈને કોઠીમાંથી અણબોટ્યું પાણી ભરી લે.’
ઓતમચંદે ફરી ઓઠ ૫૨ જીભ ફેરવી.
‘ઝટ ટબૂડી ભરી આવ્ય, ગગી !’ હીરબાઈએ આજ્ઞા કરી.
ઓતમચંદની આંખો તો હજી મીંચાયેલી જ હતી છતાં ચંપાએ શ્વશુર પક્ષના વડીલની સન્મુખ બેસતાં પારાવાર સંકોચ અનુભવ્યો. પણ અનિવાર્ય ફરજ સમજીને એણે અત્યંત ક્ષોભ સાથે જાજરમાન જેઠના મોઢામાં ટોયલીએ ટોયલીએ પાણી ટોવા માંડ્યું.
ગટાક ગટાક અવાજ સાથે ઓતમચંદ ગળે પાણી ઉતારવા લાગ્યો. અને ઘૂંટડે ઘૂંટડે એ પરમ તૃપ્તિ અનુભવવા લાગ્યો.
ટબૂડીમાં પાણી ખાલી થતાં ચંપા થંભી ગઈ. પણ ઓતમચંદે વધારે જલપાનની આશાએ ફરી મોં ઉઘાડ્યું.
‘બીજી ટબૂડી ભરી આવ્ય, ગગી ! હજી ગળે સોસ પડતો લાગે છે,’ હીરબાઈએ કહ્યું. ‘બિચારા જીવ કોણ જાણે ક્યારના તરસ્યા થઈને નદીને કાંઠે પડ્યા હશે !’
ચંપા ફરી ઉશીકા નજીક બેસીને ઓતમચંદના તૃષાર્ત મોઢામાં પાણી ટોવા લાગી. અતિથિનો જાણે કે યુગ યુગનો તરસ્યો કંઠ ઘૂંટડે ઘૂંટડે પરિતોષ અનુભવી રહ્યો. એના નિશ્ચેષ્ટ જેવા જણાતા દેહમાં સ્ફૂર્તિ આવવા લાગી.
થોડી વા૨માં જ ઓતમચંદે આંખ ઉઘાડી.
ચંપાએ ચોંપભેર માથા ૫૨થી ઓઢણીનો છેડો કપાળ પર ખેંચ્યો.
હીરબાઈએ હરખભેર પતિને બૂમ મારી: ‘એ… ઘ૨માં આવો ઝટ !’
એભલ ઓ૨ડામાં દાખલ થયો એટલે હીરબાઈએ કહ્યું: ‘જુઓ, મહેમાને આંખ ઉઘાડી !’
નાનકડો બીજલ પણ ઘ૨માં દોડી આવ્યો ને સહુ આ અતિથિના ખાટલાને ઘેરી વળ્યાં.
ઓતમચંદ આ અપરિચિત વાતાવ૨ણ અને અપરિચિત આદમીઓને અવલોકી રહ્યો.
એભલ આનંદિત ચહેરે ઓતમચંદના માથા નજીક આવીને ઊભો રહ્યો.
ઓતમચંદ થોડી વાર તો એભલના ચહેરા સામે ટગર ટગર જોઈ રહ્યા ને એની ઓળખાણ પાડવા મથી રહ્યા. પણ એભલનો અણસાર પણ જરાય પરિચિત ન લાગ્યો ત્યારે એણે પૂછ્યું: ‘તમે કોણ ?’
‘મને તો ક્યાંથી ઓળખો શેઠ ! મારું નામ એભલ. ખાડું લઈને વાડીમાંથી ગામઢાળો આવતો’તો તંયે તરભેટે ખળખળિયાને કાંઠે આંબલી હેઠાળે તમને ભાળ્યા. નાકે આંગળી મેલી જોઈ તંયે સાર તો બરોબર નો સંભળાણો પણ તાળવે તપાટ હતો એટલે જાણ્યું કે જીવ હજી તાળવે ચોંટ્યો છે. વાડીમાં હમણાં દીપડાની રંજાડ્ય વધી છે ને રોજ રાતે ખળખળિયે પાણી પીવા આવે છે, એટલે તમને રાતવરતના રેઢા તો કેમ મેલાય ?’ એભલે સ્ફોટ કર્યો. પછી ઉમેર્યુ
‘હું તો તમને ઝોળીએ ઘાલીને ઉપાડી આવ્યો — રામને લેખે.’
‘ભલું થાજો તમારું, ભાઈ !’ ઓતમચંદને હવે નદીકાંઠાનો પ્રસંગ યાદ આવી જતાં અહીંના સલામત વાતાવરણમાં પણ એ ભય ને ધ્રુજારી અનુભવી રહ્યા. પણ હવે પોતે ભયમુક્ત છે એ સમજાતાં એણે આ અજાણ્યા માણસનો અહેસાન વ્યક્ત કર્યો:
‘તમે મને જીવતદાન દીધું, ભાઈ !’
‘મેં તો મારાથી બનતું કર્યું, એભલે ઉત્તર આપ્યો, ‘માણહ જેવા માણહને હાથે કરીને દીપડાને મોઢે થોડા હોમાવા દેવાય છે ?’
‘આ કિયું ગામ, ભાઈ ?’ ઓતમચંદે પૂછ્યું, ‘ઈશ્વરિયું તો નથી ને ?’
સાંભળીને એભલે જરા હસતાં હસતાં કહ્યું:
‘ઈશ્વરિયું તો રહી ગયું આથમણી કોર્યે. પણ તમે તો સાવ બેભાન હતા એટલે ક્યાંથી ખબર પડે ? આ તો મેંગણી છે, મેંગણી—’
‘મેંગણી ? ઓતમચંદના પેટમાં ધ્રાસકો પડ્યો.
‘હા, મેંગણી. તમારા વેવાઈનું જ ગામ,’ હી૨બાઈએ કહ્યું.
‘સારું. પણ તમે ક્યાંથી જાણ્યું કે આ વેવાઈનું ગામ છે ?’
‘આ તમારા નાના ભાઈની વહુ ઊભી !— ચંપાએ તમને ઓળખી કાઢ્યા,’ હીરબાઈએ પોતાની બાજુમાં ઊભેલી ચંપા તરફ નિર્દેશ કર્યો.
ચંપાએ વધારે ક્ષોભ અનુભવ્યો. અને ઘૂમટો વધારે ઓરો ખેંચ્યો.
ઓતમચંદે બીજો આઘાત અનુભવ્યો. ક્ષણભર તો એને થયું ક્યાં અહીં ક્યાં આવી ભરાણો ! આ તો ઈશ્વરિયાની ઊલમાંથી નીકળી ચૂલમાં પડવા જેવું થયું.
‘કપૂ૨શેઠને ને અમારે તો ઘર કરતાંય સરસ નાતો,’ એભલ કહેતો હતો.
‘ચંપા તો રોજ અમારે ઘેર દૂધ લેવા આવે.’ હીરબાઈએ ઉત્સાહભેર બોલવા માંડ્યું:
‘તમને ઝોળીમાંથી ખાટલામાં સુવરાવ્યા કે તરત ચંપા તો ઓળખી ગઈ કે આ તો મારા જેઠ થાય ને આનો ખાટલો તો મારે ઘરે જ લઈ જવો પડશે.’
‘ના… ના…’ ઓતમચંદે તરત નકાર સંભળાવી દીધો. અને પછી સાવ મૂંગો થઈ ગયો.
સાંભળીને સહુએ આશ્ચર્ય અનુભવ્યું. પોતાના વેવાઈને ઘેર જવાની આ માણસ શા માટે ના પાડતો હશે ? ચંપા તો મનમાં ને મનમાં તર્ક કરી રહી. અમારે ઘેર આવવામાં એમને શું વાંધો હશે ? કાંઈ માઠું લાગ્યું હશે ?
‘ના… ના…’ એટલા અક્ષરો સાંભળી રહ્યા પછી મહેમાનને મોઢેથી વધારે ખુલાસો સાંભળવાની સહુ અપેક્ષા રાખતાં હતાં પણ ઓતમચંદ તો સાવ મૂંગો જ થઈ ગયો હતો. પોતે જે નાજુક અને નામોશીભરી સ્થિતિમાંથી અહીં આવી પહોંચ્યો હતો એની જાણ વેવાઈ પક્ષને થાય તો આખી વાત ચોળાઈને ચીકણી થાય અને પોતાની આબરૂ ધૂળધાણી થાય એમ સમજીને ઓતમચંદે પૂછ્યું:
‘કપૂરશેઠને ખબર છે ખરી કે મારો ખાટલો તમારા ઘરમાં છે ?’
‘ના, પણ ચંપા અબઘડીએ જઈને વાવડ આપશે.’ હીરબાઈએ કહ્યું, ‘તમે આંખ ઉઘાડો એની જ વાટ જોતી’તી—’
‘તો હવે વાવડ આપવા રે’વા દેજો,’ લાજ કાઢીને ઊભેલી ચંપાને ઉદ્દેશીને ઓતમચંદે કહ્યું:
‘હું જાણે કે મેંગણીમાં આવ્યો જ નથી એમ સમજજો—’
ફરી સહુને નવાઈ લાગી.
‘આમ કાં બોલો, શેઠ ?’ એભલે કહ્યું, ‘કપૂરશેઠને ખબર પડે કે તમે અહીં આવી ગયા ને અમે એને જાણ ન કરી, તો પછી એમ ઠપકામાં આવી પડીએ ને !’
‘એટલે જ કહું છું કે કપૂરશેઠને ખબર જ પડવા દેજો મા,’ ઓતમચંદ બોલ્યો, ‘મારે ઝટ વાઘણિયે પુગવું પડે એમ છે ને કપૂરશેઠને ખબર પડે તો મને અહીં અઠવાડિયા લગી રોકી રાખે. વેવાઈ અવા તો હોંશીલા છે કે મને ઘડીકમાં પાછો નીકળવા જ ન દિયે…’
સહુ સાંભળી રહ્યાં, પણ કોઈને આ ખલાસો ગળે ન ઊતરી શક્યો.
‘લ્યો, આ ચંપા તો જાય છે ઘેર. હીરબાઈ બોલ્યાં, ‘અબઘડી કપૂરશેઠ કેડ્ચે કાછડી ખોસતાં આવી પૂગ્યા સમજો !
‘એને કહો કે ઘેર જઈને મારા નામનો એક અક્ષરેય ન બોલે.’
‘અરે એમ તે હોય શેઠ ! તમે મેંગણીમાં આવ્યા ને ચંપા પોતાનાં માબાપને જાણ ન કરે એવું તે શોભે ક્યાંય ?’
‘જાણ કરશે તો નહીં શોભે,’ ઓતમચંદે કહ્યું, ‘એને સહુથી વહાલાં સગાના સમ દઈને કહો કે ઘરમાં કોઈને આ વાતની જાણ ન કરે—’
‘પણ શેઠ, આમાં તો અમે વાંકગુનામાં આવી પડશું,’ એભલે ભય વ્યક્ત કર્યો, ‘અમારે માથે કપૂરબાપાનું કાયમનું મહેણું રહી જાશે.’
‘મહેણું નહીં રહેવા દઉં,’ ઓતમચંદે કહ્યું, ‘હું વાઘણિયે બરોબર સાજો થઈ જઈશ પછી આંટો આવી જઈશ. પણ હમણાં તો મેં મેંગણીમાં પગ મેલ્યો છે એટલી વાત પણ કોઈને કાને મા, ભલા થઈને.’
‘લાજના ઘૂમટા આડે ચંપા બિચારી કાંઈ બોલતી નથી. પણ મનમાં કોચવાય છે,’ હીરબાઈ બોલ્યાં, ‘આંખમાંથી તો ડળક ડળક આંહુડાં દડવા મંડ્યાં છે.’
‘કોચવાવ મા, બેટા, કોચવાવ મા,’ ઓતમચંદે ખુલાસો કર્યો. ‘હું તો વાઘણિયા દરબારનો વજે જોખવા નીકળ્યો હતો એમાં આડોડિયાએ માર મારીને લૂંટી લીધો… મૂઢ માર તો બહુ લાગ્યો હતો પણ તમ જેવાં સતીનાં પુન્ય આડાં આવ્યાં તે ઊગરી ગયો એટલો પરમેશ્વરનો પાડ સમજો. પણ વાને કાનેય આ વાત ન જાય એનું ધ્યાન રાખજો. મારી આબરૂ વહાલી હોય તો હોઠે તાળું જ મારી દેજો. જાણે કે મેં મેંગણી ગામમાં પગ જ નથી મેલ્યો એમ સમજજો–’
‘શેઠ, ચંપા કિયે છ કે ઈ પાંતીની ફકર કરશો મા, કોઈને કાને વાત નઈ જવા દઉં,’ દૂર ઊભાં ઊભાં હીરબાઈએ ચંપાનો જવાબ કહી સંભળાવ્યો.
‘જીવતી રહે, દીકરી. તારા જેઠની આબરૂ અટાણે તારા હાથમાં છે.’
હીરબાઈ ચંપાના ઘૂમટામાં કાન ધરીને એનું કથન સાંભળતાં જતાં હતાં અને દુભાષિયાની ઢબે એનો સાર ઓતમચંદને સંભળાવતાં જતાં હતાં.
‘કિયે છ કે સાસરિયાંની આબરૂ તમ કરતાંય મને વધારે વા’લી છે…’
‘એનું નામ ખાનદાનનું ફરજંદ.’
‘કિયે છ કે તમારું વેણ નંઈ ઉથાપું… ઘરમાં કોઈને ગંધ પણ નંઈ જાવા દઉં કે મારા જેઠ ગામમાં આવ્યા છે.’
‘વાહ દીકરા ! આનું નામ ડહાપણ !’ ચંપાએ કહેવડાવેલા ઉત્તરો સાંભળીને ઓતમચંદે સંતોષ વ્યક્ત કર્યો.
‘ચંપા પૂછે છે કે જેઠની રજા હોય તો હવે હું જાઉં…’ હીરબાઈએ કહ્યું.
‘જાવ, બેટા, ખુશીથી જાવ,’ ઓતમચંદે આદેશ આપ્યો.
અને મનમાં સમાધાન થયા વિનાની અનેકાનેક શંકાઓ સાથે ચંપા ઘર તરફ ઊપડી.
ઘેર પહોંચતાં સુધીમાં આખે રસ્તે આ શંકાઓ વધારે ઘેરી બનતી રહી. જેઠજી પોતાના આગમન અંગે આટલી બધી ગુપ્તતા શા માટે જાળવવા મથે છે ? આ પ્રશ્ન ચંપાને મૂંઝવતો રહ્યો. શંકિત અને વ્યથિત હૃદયે એણે ડેલીના ઉંબરામાં પગ મૂક્યો ત્યાં જ ઓસરીમાંથી ઉચ્ચારાયેલા શબ્દ એના કાન ૫૨ અથડાયા:
‘ઓતમચંદ જ, બીજું કોઈ નહીં—’
‘ભિખારો ને ભામટો…’
‘ચોરનો સરદાર—’
મનસુખમામાના શહેરી લહેકા ઓળખાતાં ચંપા સમજી ગઈ કે બાપુજી ઈશ્વરિયેથી ‘કંકુના’ કરીને પાછા આવી ગયા છે.
હિંડોળા પર હીંચકી રહેલા કપૂરશેઠ બોલતા હતા:
‘તમે મર ન માનો મનસુખલાલ, પણ મને તો લાગે છે કે ઓતમચંદ શેઠ જેવો અમીર માણસ આવું કરે નહીં.’
ચંપાએ આ બંને ઉક્તિઓ સાંભળી અને ચુપચાપ સીધી રસોડામાં જ દાખલ થઈ ગઈ.
‘ચૂલે આ શું મૂક્યું ?’ ચંપાએ જસીને પૂછ્યું.
‘લાપસીનું આંધણ !’ હરખાતાં હરખાતાં જસી બોલી.
‘સમજી ! બાપુજી આજે બેનબાના ચાંલ્લા ક૨ીને આવ્યા લાગે છે !’
જસીએ હકારમાં ગર્વભર્યું સ્મિત વેર્યું.
‘ઓતમચંદ વળી અમીર શેનો ? હતો તે દી હતો. આજે તો ભૂંડે હાલ થઈ ગયો છે,’ ઓસરીમાંથી મનસુખલાલનો અવાજ સંભળાતો હતો. ‘સોનું દેખીને તો મુનિવર પણ ચળે… તો પછી એના જેવો મુફલિસ માણસ તો રૂપિયાની રેઢી કોથળી બગલમાં જ મારે ને !’
‘કોણ જાણે પણ મારે ગળે આ વાત ઊતરતી નથી,’ કપૂરશેઠ કહેતા હતા.
સંતોકબા પોતાની આદત મુજબ ઉંબરે બેઠાં બેઠાં આ વાતનું રહસ્ય ઉકેલવા મથી રહ્યાં હતાં.
જસી જ્યારે ઝટપટ લાપસી રાંધી નાખવામાં રોકાઈ હતી ત્યારે ચંપા ઉદ્વિગ્ન ચિત્તે આ સંવાદ સાંભળી રહી હતી:
‘પણ તો પછી બાલુએ ખાણિયાની પાળે મૂકેલી કોથળી એટલી વારમાં જાય ક્યાં ?’ મનસુખલાલે હસતાં હસતાં પૂછ્યું: ‘કે પછી કોથળીને પગ આવ્યા ?’
‘ભગવાન જાણે ! ભાઈ, આ વાએ કમાડ ભીડ્યાં જેવું કૌતુક થઈ ગયું. પણ નજરે જોયાજાણ્યા વિના કોઈના ઉપર આળ ન ચડાવાય.’
‘પણ એટલી વારમાં ઓસરીમાં ઓતમચંદ સિવાય બીજું કોઈ આવ્યું જ નહોતું. સીતાજીની જેમ કોથળી સંચોડી ધરતીમાં તો નહીં સમાઈ ગઈ હોય ને !’ મનસુખલાલે ફરી હાસ્ય ફેલાવ્યું.
ચંપા વધારે ચિંતાતુર બનીને સાંભળી રહી.
‘એક વા૨ લાખ થાપીને સવા લાખ ઉથાપનારો ધણી આવી સો-બસેં રૂ૫૨ડીમાં મોઢું બગાડે ખરો ?’ કપૂરશેઠ હજી ઓતમચંદને ગુનેગાર ગણવા તૈયાર નહોતા.
‘પણ તો પછી ઓસરીમાંથી એ ઓચિંતો હાલ્યો ગયો શું કામ ? એના પેટમાં પાપ નહોતું તો કોઈને કીધા વિના જ શું કામ પોબારા ગણી ગયો ?’
‘એ વાત તમારી સાચી.’ કપૂરશેઠે કબૂલ કર્યું, ‘મનેય એટલી વાત જરાક વહેમવાળી લાગે છે ખરી.’
‘હવે સમજ્યા તમે !’ મનસુખભાઈ મોટે અવાજે બોલ્યા, ‘એટલા વહેમ ઉ૫રથી દકુશેઠે વાંસોવાંસ પસાયતાને ધોડાવ્યા ને ખળખળિયાને કાંઠે ઓતમચંદને આંબી લીધો, પણ નદીમાં કોણે જાણે કયે ઠેકાણે કોથળી દાટી દીધી હશે. !’
હવે ચંપાને, હીરબાઈને ઘેર સાંભળેલી વાતનો તંત પકડાતો લાગ્યો.
જસીએ હસતાં હસતાં ચંપાને કહ્યું: ‘તારા જેઠની વાત થાય છે !’
‘સમજી !’ એટલું જ કહીને ચંપા મૂંગી થઈ ગઈ અને મજૂસ પરથી વાસણો ઉતારવા લાગી.
બહારથી મનસુખભાઈનો અવાજ સંભળાતો હતો:
‘એટલે તો હું કહું છું કે હવે ઓતમચંદની જૂની અમીરાતનો મોહ મનમાંથી કાઢી નાખો ને ચંપા સારુ કોઈ લાયક ઠેકાણું ગોતો.’
રસોડામાંથી ખડિંગ કરતોકને અવાજ બહાર ગયો.
‘એ… શું થયું ?’ સંતોકબાએ સાદ પાડીને પૂછ્યું.
‘કાંઈ નહીં, કાંઈ નહીં,’ જસીએ જવાબ આપ્યો, ‘એ તો બેનના હાથમાંથી થાળી પડી.’
‘જરીક ધ્યાન રાખીને કામ કરતાં હો તો !’ સંતોકબાએ ટિપ્પણ રજૂ કર્યું. ‘કાંસાની થાળીમાં તડ પડતાં શું વાર લાગે ? ને કાંસું તો આજકાલ સોના કરતાંય મોંઘું છે—’
માતાએ ઉચ્ચારેલ આ ઠપકાનાં વેણ સાંભળીને જસી રાજી થઈ. એણે ચંપા સામે ‘કાં ! લેતી જા !’ એવો ભાવ સૂચવતી આંખો નચાવી.
ચંપાએ પોતાની આંખો ઢાળી દીધી.
મનસુખભાઈએ જે પ્રશ્ન છેડ્યો હતો એની નાજુકાઈ જોતાં એમણે અવાજ સાવ ધીમો પાડી નાખ્યો. કપૂરશેઠે પણ ગંભીર મુખમુદ્રાએ કાનસૂરિયામાં જ વાતચીત કરવા માંડી તેથી ચંપા પોતાના ભાવિ અંગેની ગુફતેગો સ્પષ્ટ સાંભળી શકી નહીં. પણ એને એટલો ખ્યાલ તો આવી શક્યો કે મનસુખભાઈએ મૂકેલો પ્રસ્તાવ બા-બાપુજીને ગળે ઊતરતો નહોતો તેથી એનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો હતો.
હવે ચંપાને પણ સમજાઈ ચૂક્યું કે ઓતમચંદ પોતાના આગમનની હકીકત ગુપ્ત રાખવાનો આગ્રહ શા માટે સેવતો હતો. વૈવાહિક સંબંધમાં ભંગાણ પડવાનું છે એવો એને વહેમ આવી ગયો હશે ?
ચંપા પોતે જ વહેમના વમળમાં પડી.