વેળા વેળાની છાંયડી/૨૦. કામદાર નહીં, કાંગસીવાળો: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦. કામદાર નહીં, કાંગસીવાળો|}} {{Poem2Open}} મોટા, આમ આવી મામૂલી વાતમાં આટલા મૂંઝાઈ શું ગયા છો ? હૈયારી રાખ્ય, હૈયારી… એ તો એમ જ હાલે. સંસાર કોને કહે ! ઘડીક સુખ, ઘડીક દુઃખ, વળી પાછું સુખ પણ આ...") |
(No difference)
|
Revision as of 10:29, 31 October 2022
મોટા, આમ આવી મામૂલી વાતમાં આટલા મૂંઝાઈ શું ગયા છો ? હૈયારી રાખ્ય, હૈયારી… એ તો એમ જ હાલે. સંસાર કોને કહે ! ઘડીક સુખ, ઘડીક દુઃખ, વળી પાછું સુખ પણ આવે. સમજ્યો ને ? છાતી કઠણ રાખતાં આવડવું જોઈએ, મારા ભાઈ !’
દિવસ આખાના કામકાજથી પરવારીને નરોત્તમ રાતે કીલાની ઓરડી પર આવ્યો ત્યારે વાઘણિયેથી મોટા ભાઈએ લખેલો પત્ર એના હાથમાં આવ્યો. પોતાનું વેવિશાળ ફોક થયાની વિગતો વાંચીને નરોત્તમ હતાશ થઈ ગયો ત્યારે કીલાભાઈએ એને હિંમત આપવા માંડી હતી.
‘મોટા, આમ પોચો ગાભા જેવો થઈને શું બેઠો છે ?’ વધારે પરિચય કેળવાયા પછી કીલાએ પોતાના આ નાનેરા સાથીદારને ‘મોટા’ના હુલામણા નામે સંબોધવાનું શરૂ કરેલું.
કીલાભાઈ તરફથી મળેલાં સંખ્યાબંધ સાંત્વનો છતાં નરોત્તમે પોતાનું મૌન ન છોડ્યું ત્યારે કીલાએ પોતાની આદત મુજબ આકરાં વેણ સંભળાવવા માંડ્યાં.
‘એલા તું તે મરદ છો કે બાઈમાલી ? આમ રાંડી રાંડની ઘોડ્યે માથે હાથ દઈને શું બેસી ગયો છો ? બાયડી પરણવી એમાં કઈ મોટી વાત છે ! કાલ સવારે તને કંકુઆળો કરાવી દઈશ…’ કહીને કીલાએ આદત મુજબ પોતાની આત્મશ્લાધા શરૂ કરી: ‘મને ઓળખે છે તું ? હું કોણ ? કીલો કાંગસીવાળો !’
પણ ‘કાંગસીવાળા’નો આ ૫રચો પણ સંતપ્ત નરોત્તમને કશું સાંત્વન ન આપી શક્યો ત્યારે કીલાએ એક બીજો કીમિયો અજમાવવાનું વિચાર્યું.
બીજે દિવસે સવારમાં કીલો હંમેશના નિયમ કરતાં બહુ વહેલો ઊઠ્યો અને ચૂલો પેટાવ્યો ત્યારે નરોત્તમને બહુ નવાઈ લાગી. એણે આટલા વહેલા ઊઠવાનું કારણ પૂછ્યું ત્યારે કીલાએ ટૂંકો જવાબ આપ્યો:
‘આજે આપણે અપાસરે જવું છે.’
‘અપાસરે ?’ નરોત્તમને વધારે નવાઈ લાગી. પોતે આટલા દિવસથી આ ઓરડીમાં રહેતો હતો પણ અપાસરાનું નામ તો કીલાએ કોઈ વાર લીધું જ નહોતું.
‘કેમ ભલા ? ધરમના થાનકમાં જાવામાં તને કાંઈ વાંધો છે ?’ કીલાએ પૂછ્યું.
‘ના રે ના. વાંધો વળી શું હોય ?’
‘તો ઠીક. ધરમનાં બે વેણ કાનમાં પડશે તો કાયાનું કલ્યાણ થાશે.’
‘થાવા દિયો ત્યારે !’ નરોત્તમે લા૫રવાહીથી કહ્યું.
‘અપાસરામાં બાળબ્રહ્મચારી મીઠીબાઈસ્વામી બિરાજે છે… રાજકોટને નસીબે આ ચોમાસે બહુ ગરવાં આરજા આવ્યાં છે. દર્શન કરીએ તો ભવસાગર તરી જાઈએ,’ કીલો આ સાધ્વીજીની પ્રશસ્તિ નરોત્તમ કરતાંય વિશેષ તો પોતાને જ સંભળાવી રહ્યો હતો: ‘રોજ સવારમાં વખાણ બેસે છે… ને કેવળજ્ઞાની જેવાં મીઠીબાઈસ્વામીના મોઢામાંથી જાણે કે અમૃત ઝરે છે. આવી દેવવાણી સાંભળવા ઠેઠ ક્યાંય ક્યાંયથી શ્રાવક-શ્રાવિકા આવે છે.’
આ પ્રશસ્તિમાં નરોત્તમે કશો ૨સ ન બતાવ્યો છતાં કીલાએ તો પોતાનું સંભાષણ ચાલુ જ રાખ્યું:
‘આરજાની ઉંમર હજી નાની છે પણ પરિષહ કેવા આકરા ખમે છે ! સંસાર ત્યાગીને પોતે તો તરી ગયાં ને હવે આપણા જેવા ભારેકરમી જીવને તારી રહ્યાં છે… મીઠીબાઈનો આત્મા જ કોઈ મહાપુણ્યશાળી હશે… નહીંતર, આ ઉંમરે જેને સંસારનાં સુખ ભોગવવાનાં હોય એ આમ પંચમુષ્ટિલોચ કરીને સાધ્વી થઈ જાય ?’
આવી સંબદ્ધ-અસંબદ્ધ સ્વગતોક્તિઓ ઉચ્ચાર્યા કરવાની કીલાની આદતથી નરોત્તમ એટલો ટેવાઈ ગયેલો કે અત્યારે એણે આ સાધ્વીપ્રકરણ વિશેના પ્રલાપમાં ખાસ સક્રિય રસ બતાવ્યો નહીં. કેવળ કુતૂહલથી એ મૂંગો મૂંગો સાંભળી રહ્યો.
‘મોટા, તું ઝટપટ તૈયાર થઈ જા ! — વખાણમાં ટેમસર પૂગી જાવું પડશે… આઠ વાગ્યા પહેલાં તો અપાસરો આખો હકડેઠઠ ભરાઈ જાય છે. મોટા અમલદાર ને રાજરજવાડાં વખાણમાં આવે છે, એટલે તો ઊભવાની જગ્યા નથી જડતી —’
‘સાચે જ ?’ હવે નરોત્તમે જારા રસ બતાવ્યો.
‘અરે ! ચીખલીઆળાના દરબાર હાથિયાવાળા બાપુ પોતે હાજર રહે છે. મીઠીબાઈસ્વામીની અમૃતવાણી તેં હજી સાંભળી નથી ત્યાં સુધી શું કહું તને ! જાણે કે સમોસરણમાં વીરપ્રભુ દેશણા દેતા હોય એવું લાગે ! આ પંચમકાળમાં આવા પુણ્યશાળી આત્માનાં દર્શન કરીએ તોય આપણાં પાતક ધોવાઈ જાય.’
બેય ભાઈબંધો ઓરડીમાંથી નીકળીને ઉપાશ્રયે પહોંચ્યા ત્યાં સુધી રસ્તામાં પણ કીલાની જીભ શાંત નહોતી રહી. મીઠીબાઈસ્વામીના આ પ્રશંસકે પોતાનો વાગ્પ્રવાહ અસ્ખલિત ચાલુ રાખ્યો હતો.
‘બાઈને બાળપણમાં જ ખારા સમદર જેવા સંસારની અસારતા સમજાઈ ગઈ… બાપાના ઘરની સુખચેનની સાહ્યબી છોડીને આવા આકરાં વ્રત અંગીકાર કરી લીધાં… ચોથા આરાના કોઈક હળુકરમી જીવ હશે એટલે આ કળજગમાં કરમ ખપાવવા સંસાર છોડીને હાલી નીકળ્યાં —’
રાજકોટના રાજમાર્ગ ઉપર કીલો મોટે અવાજે આવા પ્રલાપ કરતો જતો હતો તેથી નરોત્તમને જરા ક્ષોભ થયો. હવે એને આ સાધ્વીની વાત સાંભળીને કુતૂહલને બદલે જરા ભીતિ પણ ઊપજી. મનમાં થયું, આ કીલાભાઈ મને ક્યાં લઈ જવા માગે છે ? શા માટે લઈ જાય છે ? સંસારની અસારતા સમજાવી સમજાવીને મને પણ સાધુજીવનની દીક્ષા અપાવવા માગે છે કે શું ?
ઊભી બજારે કીલાને ઘણાંય ઓળખીતાં માણસો સામાં મળતાં હતાં. એ સહુને આ બોલકણો માણસ મોટે અવાજે બોલાવતો: ‘કાં અદા ! મઝામાં છો ને ?’ ‘કેમ છો કાકા ? અટાણમાં કેણી કોર ?’ કીલો કોઈને ‘રામરામ’ તો કોઈને ‘જેસીકરસન' કરતો અને પછી હળવેકથી નરોત્તમના કાનમાં ‘જેશ્રીકૃષ્ણ’નો અપભ્રંશ ઉચ્ચાર ‘જેઠી ખતરણ’ કહીને ઉમેરતો: ‘અમારા ગામના નભા રંગારાની વહુ જેઠી ખતરણને અટાણના પોરમાં યાદ કરવી પડે છે !’ એવી જ રીતે, કોઈ ઓળખીતા મુસલમાનને ‘સલામ આલેકુ’ કહીને પછી નરોત્તમના કાનમાં ‘માર સાલેકુ’ બોલતો અને ખડખડાટ હસી પડતો.
એક પરિચિત પાનવાળાને કીલાએ સંભળાવી: ‘એલા એય, અટાણના પહોરમાં તારું કુબજા જેવું ડાચું મને દેખાડ્યું છે એટલે મારો આજનો આખો દી બગડશે.’
કીલા સાથે મશ્કરીનો વહેવાર ધરાવનાર એક રેંકડીવાળાએ સામેથી કીલાને પણ કટાક્ષમાં પૂછ્યું: ‘એલા, અટાણના પહોરમાં શું વેચવા નીકળ્યો છે !’
‘અટાણે તો હું પંડ્યે જ વેચાવા નીકળ્યો છું, પણ કોઈ ઘરાક જડતું નથી. આ કીલાની સાડા ત્રણ મણની કાયા છે, પણ એનાં સાડા ત્રણ કાવડિયાંય ક્યાંય ઊપજે એમ નથી.’
પૃચ્છકને આવો આખો જવાબ આપીને કીલાએ નરોત્તમને ગંભીરભાવે કહ્યું:
‘આ કૌતક જોયું ને મોટા, કે સંધાય જનાવરનાં નાણાં ઊપજે છે. માત્ર માણસનાં નાણાં નથી ઊપજતાં. મીઠીબાઈસ્વામી વખાણ વાંચતાં વાંચતાં કહે છે, પણ હું તો નજરોનજ૨ જોઉં છું કે માણસ જેટલું સોંઘું જનાવ૨ બીજું કોઈ નથી.’
કીલાએ ઉપજાવેલી આવી આઘાતજનક ફિલસૂફી જીરવવા જેટલી નરોત્તમની તૈયારી નહોતી, તેથી એ તો પોતાના સાથીદાર તરફ ડઘાઈ ગયેલી નજરે જોઈ જ રહ્યો.
કીલાએ પોતાનું કથન સ્પષ્ટ કરવા ઉદાહરણનો આશરો લીધો: ‘તું હજી સમજ્યો નહીં, મોટા ! બકરાં-પાડરડાંના પાંચ-દસ રૂપિયા પણ ઊપજે… હાથી તો જીવતો લાખનો અને મરે તો સવા લાખનો ગણાય… પણ માણસનું તો દોકડા એકનુંય મૂલ ન ઊપજે. મરે કે તરત એની રાખ થઈ જાય…’
અને પછી કીલો આ મૂલ્યશાસ્ત્ર છોડીને એકાએક વૈરાગ્યમાં સરી પડ્યો:
‘મોટા, આપણે મન ગમે એટલી મમત કરીએ, હુંપદ સેવીએ, પણ કાયા તો કાચનો કૂંપો છે… મીઠીબાઈસ્વામી દૃષ્ટાંત આપશે એટલે તને સમજાશે કે આ ચામડે મઢેલાં હાડકાંના માળખાની બહુ મમત કરવી સારી નથી.’
નરોત્તમ ફરી ગભરાયો. કીલાભાઈ મને અબઘડીએ જ ડિલે ભભૂત ચોળાવી દેશે કે શું ?
કીલાની આજની મનોદશા નરોત્તમને રહસ્યભરપૂર લાગતી હતી. વિરક્તિ અને અનાસક્તિની વાતો પાછળનું એનું અંતરવહેણ પારખવું મુશ્કેલ હતું. રસ્તે સામા મળતા પરિચિતોની મશ્કરી કરીને કીલો ઘણી વા૨ ખડખડાટ હસી પડતો હતો ત્યારે પણ એની આંખમાં કોઈક ઘેરો વિષાદ જ ચમકતો હતો. બહારથી આનંદી લાગતા આ માણસના હૃદયમાં કોઈ અંતરતમ ખૂણે ઊંડી વેદના ભરી છે કે શું ? એના મુક્ત હાસ્યની પાછળ કોઈ આંસુની કથા તો લપાયેલી નથી પડી ને ? કે પછી રુદન અને હાસ્ય એના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગયાં છે ?… આટલા લાંબા સહવાસ પછી પણ નરોત્તમને અત્યારે આ સાથીદાર સાવ અજાણ્યો-અપરિચિત લાગવા માંડ્યો.
❋ બંને ભાઈબંધો શક્ય તેટલી ઉતાવળ કરીને ઉપાશ્રયે પહોંચ્યા છતાં જરા મોડા પડ્યા હતા. એટલી વહેલી સવારમાં પણ વ્યાખ્યાનગૃહ શ્રોતાઓ વડે ભરચક્ક થઈ ગયું હતું. પ્રવેશદ્વાર પાસે પગરખાંનો ખાસ્સો ગંજ ખડકાયો હતો એ જોઈને કીલાએ નરોત્તમને કહ્યું:
‘આપણા નસીબમાં ખાસડાં જ લખ્યાં લાગે છે ?’
સાંભળીને સંતપ્ત નરોત્તમે ખિન્ન હાસ્ય વેર્યું તેથી કીલાએ પોતાના કથનને જુદો જ વળાંક આપ્યો:
‘આવાં મોટાં મહાજનનાં પગરખાંય ક્યાંથી !— આવાં પગરખાંની રજને માથે ચડાવીએ તોયે પાવન થઈ જાઈએ, સમજ્યો ને મોટા ?’
અને પછી, ભારોભાર કટાક્ષ ભરેલી આ વ્યંગોક્તિ બદલ ઉઘાડપગે કીલો ઉપાનના ગંજ સામે નજર કરીને ફિલસૂફ સમું હાસ્ય વેરી રહ્યો.
‘આમાં મીઠીબાઈસ્વામી કોણ ?’ નરોત્તમે પૂછ્યું.
‘ઓળખ્યાં નહીં ? જો, પણે આઘે આઘે ઓલ્યાં પાટ ઉપર બેસીને પોથી વાંચે છે એ જ !— વચોવચ બેઠાં એ… અડખેપડખે બીજાં આરજા બેઠાં છે — એટલું કહીને કીલો ફરી પાછો આ સાધ્વીનાં ગુણગાન ગાવા માંડ્યો: ‘બીજાં બધાં આરજા ભલે ગમે એવાં રહ્યાં —
સંસારત્યાગી સાધુને આપણે પગે લાગીએ—પણ મીઠીબાઈની તોલે કોઈ આવે નહીં. જોતો નથી, ધરમનાં વેણ બોલે છે ને મોઢામાંથી ફૂલડાં ઝરે છે, ફૂલડાં !
નરોત્તમે નજ૨ કરી તો ક્યાંય પૃષ્પો તો ન દેખાયાં પણ પીઠ વાળીને બેઠેલા શ્રોતાવૃંદની મોટી મોટી પાઘડીઓ તરવરી રહી.
‘સહુથી મોઢા આગળ, પાટના પાયા પાસે બેઠા એ હાથિયાવાળા દરબાર…’ કીલાએ ઝીણી નજરે અવલોકન કરતાં હાજર રહેલા શ્રોતાઓની ઓળખ આપવા માંડી. ‘એની પડખે બેઠા એ વિક્રમગઢના કારભારી… એની ઓલી પા પીઠડિયાના દીવાન… આણી કોરની હાર્યમાં આંટીઆળી પાઘડી પહેરી છે એ નગરશેઠ મોતીશા… ને આ મોટી પાઘડીઆળું સંધુંય મહાજન—’
નરોત્તમ અહોભાવથી આખા સમુદાયને અવલોકી રહ્યો.
આ અબુધ યુવાનના અહોભાવને જાણે કે આઘાત આપવા જ કીલાએ ઉમેર્યું:
‘આંહીં અપાસરામાં ભલે આ સહુ મોટાભા બગલાની પાંખ જેવી પાઘડીઉં વીંટી વીંટીને બેઠા, પણ હું એકેએક જણને સરોસર ઓળખું છું. જેટલી એની પાઘડી ઊજળી બાસ્તા જેવી છે, એટલા જ એ અંદરખાનેથી મનના મેલા હોય છે… જેટલા એની પાઘડીમાં આંટા, એટલા જ એના પેટમાં ફાંટા… સમજ્યો ને મોટા ?’
આજે કીલાની એક પણ ઉક્તિ નરોત્તમને સમજાય એમ નહોતી. હજી ઘડીક વાર પહેલાં તો આ માણસ મહાજનના પગની રજ વડે પાવન થવાની વાત કરતો હતો અને અત્યારે એમના મનના મેલની વાતે ચડી ગયો ! કીલો ખરેખર ગંભીર ભાવે બોલે છે કે એનું સમગ્ર જીવન અને વ્યવહાર-વર્તન સાંપ્રત સમાજ ઉપર ભયંકર ઉપહાસનું પ્રતીક છે ? નરોત્તમને કશું સમજાયું નહીં.
વ્યાખ્યાન સાંભળવા આવેલ વિશાળ સ્ત્રીસમુદાયના કાન કદાચ સાધ્વીજીની દિશામાં મંડાયા હશે, પણ એની અનેક આંખો તો કીલા ઉપર જ સ્થિર થઈ હતી. એથી કીલો અકળામણ અનુભવી બોલ્યો:
‘આ એક મોટી આફત !’
‘શું ? શું ?’ નરોત્તમે ચોંકી ઊઠીને પૂછ્યું.
‘આ સાડલાવાળીઉં સંધીયુંય મારી સામે જ ડોળા ફાડી ફાડીને જોઈ રહી છે ને ! સહુના હાથ ઉપર મારી જ પહેરાવેલી બંગડિયું છે… જમાનો બદલાણો એમ બાયડિયુંએ બલોયાં ઉતારીને મારા હાથની બંગડિયું પહેરી એટલે સહુ આ કાંગસીવાળાને ઓળખે—’
‘એ તો ઓળખે જ ને !—તમે ઘેર ઘેર ફરીને કાંગસી વેચી હશે !’
‘ઓળખે ભલે પણ અટાણે ધરમના થાનકમાં સાધ્વીજીનાં દર્શન કરવાને બદલે નભાઈયું મારી સામે શું કામને નજરું તાણે છે ?’
‘તમેય પણ સાધુ જેવા જ છો ને !’ નરોત્તમે મજાકમાં કહ્યું.
‘હું તો સાધુ કરતાંય સવાયો છું. પણ હજી લગી સંસારમાં રહું છું ને માથે મૂંડો નથી કરાવ્યો એટલે મને કોઈ ખસૂડિયલ કૂતરુંય પગે લાગવા નથી આવતું ને આવી આરજાને સહુ ધોડી ધોડી સામેથી વંદણા કરવા જાય છે.’
‘તમે તો પોતે મૂંડો કરાવવાને બદલે સામા માણસને મૂંડી નાખો એવા હુશિયાર છો !’ નરોત્તમે હસતાં હસતાં હળવેથી કહ્યું, ‘મને તો બીક લાગે છે કે આ અપાસરામાં ખેંચી લાવીને મારે માથેય મૂંડો કરાવી નાખશો.’
‘ના રે ના !’ કીલાએ પ્રેમથી કહ્યું, ‘તને તો મારે હજી વરાવવો-પરણાવવો છે… તું જોજે તો ખરો, મોટા ! તને એવી તો ધામધૂમથી ઘોડે ચડાવીશ કે દુનિયા આખી જોઈ રહેશે ! મને તેં હજી પૂરો ઓળખ્યો નથી… હું કોણ ? ખબર છે ?—કીલો કાંગસીવાળો !’
❋ ‘કાં કામદાર ! આવી પૂગ્યા છો ને !’ ધોળી મૂછવાળા એક ડોસાએ કીલાને ખભેથી હલબલાવ્યો.
નરોત્તમને નવાઈ લાગી. બેવડી નવાઈ લાગી. એક તો, આ વિલક્ષણ મુખમુદ્રાવાળા ડોસાને જોઈને, અને બીજી, આ કાંગસીવાળા માટે વપરાયેલ ‘કામદાર’ સંબોધન સાંભળીને.
‘બોલો મા, બોલો મા ! કીલાએ કરડાકીથી પેલા વૃદ્ધને કહ્યું, ‘ખબરદાર, મને કામદાર કીધો છે તો ! કાંગસીવાળો કહો, કાંગસીવાળો !’
‘કાંગસી વેચી એટલે કામદાર થોડા મટી જાવાના હતા ?’ ડોસો હજી આછું હસતો હસતો કહી રહ્યો હતો, ‘બાપદાદાની સાત-સાત પેઢીની શાખ એમ સાવ ભુલાઈ જતી હશે, ભલા માણસ ?’
‘ન ભુલાતી હોય તોય મારે ભુલાવી દેવી છે,’ કીલાએ કહ્યું, ‘આ મનખો આખો મને કાંગસીવાળો કહીને જ બોલાવે છે—’
‘પણ હું તો તમને કામદાર જ કહીશ !’ ડોસો બોલ્યો.
‘ભલે કહો, પણ આંહીં અપાસરામાં નહીં. કીલાની ઓરડીએ આવીને કહો તો વાંધો નહીં.’
‘તમારી ઓરડીએ મારે આવવું જ પડશે. કામ પડ્યું છે.’
‘ઓરડી નહીં, કીલાનો આનંદાશ્રમ કહો !’
‘ઠીક લ્યો, આનંદાશ્રમ કહું. તમારા આનંદાશ્રમમાં મારે આવવું પડશે–જરાક મૂંઝવણ થઈ છે, એટલે તમારી સલાહ લેવા… કેવે ટાણે આવું ?’
‘કીલાનો આનંદાશ્રમ, આઠેય પહોર અભંગદ્વાર ઉઘાડો રહે છે,’ કીલાએ આદતના જોરે ખડખડાટ હસીને કહ્યું.
આ મુક્ત હાસ્ય ઉપાશ્રયના ઉદાસીન વાતાવરણમાં ખલેલકર્તા બની રહ્યું. એક વધારે પડતા ભાવિક શ્રાવકે તો કીલા તરફ જોઈને ટકોર પણ કરી;
‘મહાસતીનું વખાણ સાંભળવા આવ્યા છો કે ઠીઠિયાઠોરી કરવા ? જીવને બે ઘડી શાતા રાખીને ધરમનાં વેણ સાંભળો તો આત્માનો ઉદ્ધાર થાશે.’
સાંભળીને કીલો ગમ ખાઈ ગયો. પછી મનમાં ને મનમાં બબડ્યો: ‘અમે તો કેદુના ઊધરી ગયેલા છીએ—ભગવાનને ઘેરેથી જ અમે તો પીળા પાને ઊધરાઈને આવ્યા છીએ… અમે તો આ દુનિયામાં જાંગડ માલ જેવા છીએ… અમારો ભાવ નહીં પુછાય તો પડતર માલની જેમ પાછા મૂળ ધણીને ઘેર પહોંચી જઈશું… ધરમનાં વેણ તો તમે જ ધરાઈ ધરાઈને સાંભળો. અમે તો જનમ ધરીને કાંઈ પાપ જ કર્યાં નથી, પછી ધરમ ક૨વાની અમારે શું જરૂર ? તમે મોટા ધરમના થાંભલા થયા છો તે અમારી મોર સરગાપુરીમાં પૂગજો–અમને વાંધો નથી.’
કીલાનો બબડાટ નરોત્તમ સાંભળી રહ્યો અને મનમાં આ ભાઈબંધ વિશે વધારે ગૂંચ ઊભી થઈ.
મીઠીબાઈસ્વામીનો વાગ્પ્રવાહ અસ્ખલિત વહ્યો જતો હતો… શ્રોતાઓ ભક્તિભાવથી એ વચનામૃતો સાંભળી રહ્યા હતા. બોલકણા સ્વભાવનો કીલો પણ આખરે મૂંગો થઈને કોઈક વિચિત્ર ભાવથી મીઠીબાઈસ્વામીની મુખરેખાઓ અવલોકી રહ્યો હતો.
✽