કથોપકથન/હારા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દુર્ગ / હારા | સુરેશ જોષી}} {{Poem2Open}} એનું નામ છે હારા. જાપાની ભાષ...")
(No difference)

Revision as of 04:28, 28 June 2021


દુર્ગ / હારા

સુરેશ જોષી

એનું નામ છે હારા. જાપાની ભાષામાં જો માનપૂર્વક કહેવું હોય તો કહેવાય હારાસાન. પણ એ માન પામવા જેટલી ઊંચી એની પદવી નહોતી. એ હતો તો ત્રીજા દરજ્જાનો સામાન્ય સૈનિક પણ એની હાથ નીચેના બ્રિટિશ કેદીઓ પર ભારે અમાનુષી જુલમ ગુજારતો.

એ હારાનું ચિત્ર આંખ આગળથી ભૂંસાતું નથી. કદમાં એટલો તો ઠીંગણો કે વામનજી જ લાગે. પગ ધનુષાકારે વળી ગયેલા. આખું શરીર પહોળું, લગભગ ચોરસ આકારનું. ગરદન એટલી ટૂંકી કે દેખાય જ નહીં, ખભા ઉપર સીધું માથું જ ગોઠવી દીધું છે એમ લાગે. એની ઉપર મધરાતના ભૂરા અન્ધકાર જેવા વાળ જાડા ને બરછટ, ભૂંડના વાળમાં ગોખરુ વળગ્યા હોય તેવા અક્કડ ને ધારદાર, કપાળ નીચું ને છાપરાની જેમ ઢળતું, પણ સૌથી વિશેષ તો યાદ રહી ગઈ છે એની આંખો. એ આંખો જાણે એ શરીરમાં ભૂલી ન પડી હોય!

શરીરના પ્રમાણમાં વધારે પડતી પહોળી ને મોટી એની આંખોમાં કશોક અસાધારણ ચળકાટ હતો. તેજ હતું – ચળકતા અકીકના જેવું. માણસના ઠઠ્ઠાચિત્ર જેવા લાગતા એ શરીરમાં જો આવી આંખો ન હોય તો એની હાંસી ઉડાવવાનું જ મન થાય. એ આંખોમાં આંખ પરોવતાં જ આ કદરૂપા શરીરની પાછળ રહેલા અનોખા વ્યક્તિત્વનો પ્રભાવ અનુભવાય. સર્વસમર્પણ અને નિ:સ્વાર્થતા જ જાણે મૂતિર્મન્ત સામે ન હોય!

આ હારા જાણે મારી આંગળીએ વળગીને ચાલે છે. કેદીઓને તુચ્છકારથી બોલાવતા એના શબ્દો ‘કુરા, કુરા’ જાણે કાને પડે છે. હાથમાંની એની નેતરની સોટી કેદીઓ પર વીંઝાતી જોઉં છું. પરવાળાના ખડકોને સાફ કરીને વિમાનીમથક બનાવવાની મજૂરી કરનારા બ્રિટિશ કેદીઓને, ખાવાનું શોધવા માટે બહાર નીકળ્યાના ગુના બદલ એણે જરાયે ખંચકાયા વિના વધેરી નાખ્યા તે દૃશ્ય આંખ સામે ખડું થાય છે.

આ નિષ્ઠુરતા છતાં હારાને માટે માન ઉત્પન્ન થાય છે. હારા અણુએ અણુએ જાપાની છે. એણે પોતાના આગવા વ્યક્તિત્વનું વિસર્જન કરી દીધું છે. કેટલીયે સદીઓના સંસ્કારનો થર એના પર જામ્યો છે. દિવસનું રાતમાં બદલાવું, ઋતુઓનાં પરિવર્તનો ને બદલાતા રહેતા ગતિના લયની અકળ અસર નીચે જાપાનીઓ જીવે છે. એકાએક એમના લોહીમાં નવા આવેશનો સંચાર થાય છે. લાગણીઓ એના અન્તિમે પહોંચે છે. કેટલીયે સદીઓથી વામણા કદને લીધે અનુભવેલી લઘુતા ફૂંફાડો મારીને છંછેડાઈ ઊઠે છે. ને સૂર્યચન્દ્રનો એમના પર પડતો પ્રભાવ ગજબનો હોય છે. તેમાંય ખાસ તો ચન્દ્રનો પ્રભાવ! આપણાં શહેરોના સંકોચાયેલા ખાંચા-ખાંચાવાળા આકાશમાં ચન્દ્રનો મહિમા દેખાતો જ નથી. પણ એ ચન્દ્રને દક્ષિણ-પૂર્વ એશિયાના જંગલમાં જઈને જુઓ. ક્ષિતિજને પૂર્વ છેડે જ્વાળામુખી પર્વતની પાછળથી એ નીકળે છે. પહેલાં તો પૂજામાં પ્રકટાવેલા દીપના જેવો. તળેટીમાંનું ધુમ્મસ – તજ, લવિંગનાં વૃક્ષોની ઉગ્ર વાસથી ભારે થયેલું ધુમ્મસ, એમાં એનો પ્રકાશ પાણીમાં તરતાં તેલનાં ટીપાંની જેમ તરી રહે છે.

ધૂપદીપના આ વાતાવરણમાં આખી પૃથ્વી વિશાળ આકાશના ઘુમ્મટ નીચે મન્દિર જેવી બની રહે છે. ને પછી ધીમે-ધીમે જંગલની ગીચ ઝાડીમાં ઘૂંટાતા અન્ધકારને – સોનેરી ઝાંયથી મઢી દેતો ચન્દ્ર ફૂલતો જ જાય છે. ને આછી મુલાયમ હવા ઉખેળી નાંખીને પાથરેલા રેશમના તાકાની જેમ આકાશભરમાં પ્રસરી જાય છે. ચન્દ્રના ઉદય સાથે જ સમુદ્ર ચંચલ બને છે. વનસ્પતિમાં નવું આન્દોલન પ્રસરે છે ને માનવીઓની નાડીમાંના લોહીમાં પણ કશાક આદિમ વેગની ભરતી છલકાય છે. આથી જ હારા અજવાળિયાની અગિયારસથી તે અંધારિયાની ચોથ સુધી ભારે જુલમ ગુજારતો. અમાનુષી જુલમ ગુજારવાના એ દિવસો હતા.

જાપાની પ્રજાની જન્મનાળ ભૂતકાળ સાથે વળગેલી જ રહી છે. એ જાણે હજુ સીધી કોઈએ છેદી જ નથી. આપણે મન સૂર્ય પૃથ્વીને તેજથી પોષનાર, ત્યારે જાપાનીઓને મન એ ઝળહળતા અન્ધકારનો દેહ ધારણ કરનાર દેવી – અમા-તેરાસુ, ને ચન્દ્ર તે ઉજ્જ્વળ દેવ.

વળી જાપાનીઓ ગર્ભવાસના નવ મહિના ઉમેરીને માણસની ઉમ્મર ગણે. એમને મરણનું અકળ આકર્ષણ. હારાની જ વાત લો ને. શહેનશાહને માટેની વફાદારી તો ગળથૂથીમાં જ એ પામેલો. લશ્કરમાં જોડાયો તે દિવસે જ મન્દિરમાં જઈને પ્રાણનું સમર્પણ કરી આવ્યો, પછી ખરેખરું મરણ આવવાનું હોય ત્યારે આવે – એનું પછી કશું મહત્ત્વ નહીં; પછી એ તો જાણે એક અન્તિમ ઔપચારિક વિધિ માત્ર!

એ હારા મરણને આપણાથી સાવ જુદી જ દૃષ્ટિએ જુએ એ સમજવું જરૂરી છે.

પણ પ્રજાકીય સંસ્કારના થર નીચે દબાયેલો, આદિમ અન્ધ બળના આવેગથી ધકેલાતો, આ હારા જ્યારે વિશુદ્ધ માનવ્યનું તેજ પ્રગટાવે છે, ત્યારે આપણું માથું એની આગળ ઝૂકે છે. યુગ-યુગના વેરઝેરના વિષાક્ત વાતાવરણમાં શ્વાસ લેનાર, લઘુગ્રન્થિથી પીડાનાર પ્રકૃતિના અન્ધ આવેગે આન્દોલિત થઈને મત્ત બનનાર અરણ્યના જેવો આ હારા એ અન્ધ બળના પ્રચણ્ડ જુવાળમાં રહ્યો રહ્યો સહેજ વાર પ્રવાહની ઉપર આવીને માનવતાની એક તેજરેખા પ્રકટાવી જાય છે તે કેટલા સુખની વાત છે.

બે પ્રસંગો કદી નહીં ભૂલાય. એક પ્રસંગ તે આ! રાત પડી છે. અન્ધકારની ભરતી જંગલ પર રેલાઈ વળી છે. તમરાં બોલવા મંડ્યાં છે. એ જાણે પેલા અન્ધ આદિમ આવેગનો જ પ્રથમ સંચાર! ને હારાનું લોહી સળવળે છે. નિષ્ઠુરતાનો રાખથી ઢંકાયેલો અગ્નિ રાખને ખંખેરીને ધખવા માંડે છે. ઘાતકી કોરિયન ચોકીદારો કેદી લોરેન્સની કોટડી આગળ આવીને બોલે છે: કુરા, કુરા! ઉઝરડાયેલી પીઠને સંભાળીને ઊભા થવામાં લોરેન્સને વાર લાગે છે. એટલે ચોકીદાર બંદૂકના કુંદાથી લોરેન્સને ફરી ખોખરો કરીને બરાડે છે. ‘લાકાસ લાકાસ’ જલદી કર. લોરેન્સને મૃત્યુની શિક્ષા છે. આજ રાતે 27મી ડિસેમ્બરે એને પૂરો કરવાનું નક્કી છે. પણ લોરેન્સને એની ખબર નથી. ઘણી વાર આમ હારા પાસે એને લઈ જઈને રિબાવવામાં આવ્યો છે. લોરેન્સ હારા પાસે જઈને ખડો થાય છે.

વીજળીના દીવાનો આંજી દેતો પ્રકાશ છંછેડાયેલી મધમાખની જેમ લોરેન્સની આંખને ઘેરી વળે છે. કેમોભાઈના કુળ હત્યારાઓ આજુબાજુ છે કે નહીં તેની લોરેન્સ તપાસ કરે છે, પણ કોઈ જણાતું નથી.

હારા રિબાવીને મારવામાં માનતો નથી. એને તો એક જ ઝાટકે ખતમ કરવાનું ફાવે છે. લોરેન્સે હારા સામે જોયું ‘ખૂબ ચઢાવ્યો લાગે છે’, એ મનમાં જ બબડ્યો. હારાના ગાલ પરની પીળી ચામડી પર દારૂના છાકની રતાશ હતી, આંખમાં નશાની ચમક હતી. એકાએક જાણે હસવું ખાળતો હોય તેમ હોઠને વંકાવીને એ બોલ્યો: ‘હોરેન્સુ-સાન, ફાઝેરુ કુરી સુમાસુને તમે જાણો છો?’ પહેલાં તો આ ‘ફાઝેરુ કુરી સુમાસુ’ કોણ તે લોરેન્સને સમજાયું નહીં. આ કારાગારમાં ક્રિસ્ટમસ પણ ભુલાઈ ગઈ હતી. તરત જ એને ભાન થયું ને એણે કહ્યું ‘હા, હું ફાધર ક્રિસ્ટમસને જાણું છું. હારાસાન.’

હારા બંધ દાંત વચ્ચે હવાનો સુસવાટ કરતો એકદમ ઉદ્ગાર કાઢી ઊઠ્યો – હે હુ – તો! ને એના સોને મઢેલા દાંતમાંથી વહી નીકળ્યું હોય તેમ હાસ્ય છલકાઈ ઊઠ્યું. એ બોલ્યો, આજની રાત હું ફાઝેરુ કુરી સુમાસુ છું. ફરી ફરી ત્રણ વાર આની આ વાત એણે ભારે સન્તોષથી કરી. ને પછી ફરીથી પોતાના અટ્ટહાસ્યથી એણે આખો ઓરડો ભરી દીધો, લોરેન્સ પણ વિવેકના ખ્યાલથી એ હાસ્યમાં સામેલ થયો.

એને જોઈને હારાએ કહ્યું: ‘જાઓ નાતાલની ઉજવણી કરો.’ લોરેન્સના માન્યામાં આવે જ નહીં. ત્યાં હારાએ ફરી બૂમ પાડી ‘હોરેન્સુ!’ લોરેન્સને લાગ્યું કે અત્યાર સુધી એ ક્રૂર હાંસી ઉડાવતો હતો, હવે રિબાવવાનું શરૂ કરશે. હારાના વંકાયેલા હોઠ પાછળ સોનેરી દાંત ચળકતા હતા. એ આછું હસતો હસતો લોરેન્સ ભણી તાકી રહ્યો હતો. થોડી વાર એ એમ જ જોતો રહ્યો; પછી એણે કહ્યું. ‘લોરેન્સુ, મેરી કુરી સુમાસુ!’ આ એક પળમાં હારા પેલી આદિમ અન્ધ આવેગની ભરતીની બહાર આવીને ઊભો રહ્યો – દેહાન્ત દણ્ડની શિક્ષાના હોઠે આવેલા આદેશને રોકીને એ બોલ્યો: ‘મેરી કુરી સુમાસુ’ – હારાને માટે એ સહેલું નહોતું. અહીં હારાને મારું માથું નમે છે.

હિરોશિમા અને નાગાસાકી ભસ્મીભૂત થઈ ચૂક્યાં છે. હારા ન્યાયની અદાલતમાં અપરાધીના પિંજરમાં અમાનુષી અત્યાચારના ગુનાનો એકરાર કરીને ઊભો છે. દેહાન્ત દણ્ડની શિક્ષા થવાની છે, તેની એને પાકી ખાતરી છે. દેહાન્ત દણ્ડની શિક્ષા ફરમાવવામાં આવી. હારાનું રૂવાંડું સરખું ફરક્યું નહીં. માત્ર એણે આટલું જ કહ્યું: ‘મારી પ્રજા વતી કરેલા મારા આચરણના અપરાધ હું કબૂલ રાખું છું, ને મરણને માટે તૈયાર છું. મેં માત્ર મારી ફરજ બજાવી.’ ને હાથકડી નાખીને હારાને જ્યારે એની કોટડીમાં લઈ જવામાં આવતો હતો ત્યારે બોક્સંગિની રમતનો વિજેતા જે ગર્વથી હાથ ઊંચા કરીને પોતાના વિજયને અભિનન્દતા પ્રેક્ષકોને જવાબ વાળે તેમ એણે પોતાના હાથ ઊંચા કરીને એક વારના પોતાના હાથ નીચેના કેદી લોરેન્સ સામે સ્મિતપૂર્વક જોયું. એ દૃષ્ટિમાં ઉપાલમ્ભ નહોતો, લાચારી નહોતી – નિયતિનો દૃઢતાથી કરેલો સ્વીકાર માત્ર હતો. હારાની એ છબી ભુંસાતી નથી.

હવે છેલ્લું દૃશ્ય: પોતાની કોટડીમાં મરણની રાહ જોતો હારા કવિતા લખે છે: જ્યારે હું સત્તર વરસનો હતો ત્યારે મેં કુરાશીયામાના દેવદારની આડશે ઊગતા પૂણિર્માના ચન્દ્રના બિમ્બ ઉપર દક્ષિણ તરફ ઊડી જતા જંગલી હંસની છાયા પડેલી જોઈ હતી. કુરાશીયામામાં આજે રાતે જે ચન્દ્ર ઊગ્યો છે તેના ઉપર પાછા ફરતા એ જંગલી હંસનો પડછાયો નથી!

ફાંસીની રાહ જોતા હારાને હવે મરણનો પડછાયો દેખાતો નથી. એની સમક્ષ તો ચન્દ્રનું પૂર્ણ બિમ્બ છે. મરણને તો સત્તર વરસની વયે સ્વીકારેલું, હવે તો માત્ર દેહ છોડવાનો એક છેલ્લો વિધિ જ પતાવવાનો બાકી છે. ત્યાં હારાના મનમાં કોણ જાણે એકાએક શું ઊગી આવે છે તે એ લોરેન્સને મરતાં પહેલાં છેલ્લી વાર મળી જવાનો સંદેશો કહેવડાવે છે. એ એની આખરી ખ્વાહિશ છે. પણ લોરેન્સને સંદેશો મોડો મળે છે. ફાંસી દેવાવાની છે તેની આગલી રાતે એ તરત જ મોટર હાંકી મૂકે છે. કોટડીનાં લોખંડી દ્વાર મધરાતની નિસ્તબ્ધતામાં અવાજ કરતાં ખૂલે છે. હારા બારી આગળ ઊભો ઊભો બહાર વિસ્તરીને પડેલી ચાંદનીને જોતો હોય છે. ચોકીદાર દીવો કરે છે, ને એ પાછું વળીને જુએ છે ને તરત જ લોરેન્સને આવેલો જોતાં એનું અક્કડ શરીર કૃતજ્ઞતાની લાગણીના ભારથી ઝૂકી પડે છે. કેમ જાણે કોઈએ કમરમાં ઓચિંતાનો ફટકો ન માર્યો હોય એમ એનું નીચે ઝૂકેલું કેશહીન મસ્તક સાટીનની જેમ પ્રકાશમાં તગતગી ઊઠ્યું, લોરેન્સે માફી માગતાં કહ્યું, ‘માફ કરજો, મને તમારો સંદેશો બહુ મોડો મળ્યો. તમે તો મારી આશા છોડી જ દીધી હશે, ખરું ને?’

હારાએ કહ્યું: ‘ના, હોરેન્સુ-સાન, તમે નહીં આવો એમ તો મેં માન્યું જ નહોતું. પણ મારો સંદેશો તમને ન પહોંચાડે તેવી દહેશત હતી. મને માફ કરજો, પણ મારા મનમાં કશા ખોટા ખોટા ખ્યાલ સાથે હું મરું તો મારી અવગતિ થાય.’

એ ધીમે ધીમે બોલતો હતો, બહુ ઊંડાણમાંથી પાણીનું ઝરણું વહ્યું આવતું હોય એમ એના શબ્દો ઉચ્ચારાતા હતા.

લોરેન્સે કહ્યું, ‘હારાસાન, માફ કરવાનું એમાં શું છે? મારી આગળ નિખાલસ બનીને વાત કરો. બોલો, હું શી મદદ કરું?’ પોતાના નામ સાથે માનવાચક પ્રત્યય સાંભળતાં એની આંખમાં કૃતજ્ઞતાનો ચમકારો ઝળક્યો. કોઈ નિશાળિયો શિક્ષક આગળ કરગરતો હોય તેમ બોલ્યો; ‘હોરેન્સુ-સાન, તમે તો જાપાની પ્રજાને સમજ્યા છો. હું તમને શિક્ષા કરતો હતો ત્યારેય તમે તો સમજ્યા હતા કે એ શિક્ષા, હું, હારા, નહોતો કરતો, ને એ સમજીને તમે મને કદી તિરસ્કાર્યો નથી. અંગ્રેજ પ્રજાને હું બહુ ન્યાયી માનતો આવ્યો છું. મને મરણની તો બીક છે જ નહીં તે તમે જાણો છો. મારા દેશની જે હાલત થઈ છે તે તમે જાણો છો. મારા દેશની જે હાલત થઈ છે તે જોતાં આવતી કાલે મરણને ભેટીને જ હું સુખી થઈશ. હું, એને માટે તૈયાર છું, માથું મૂંડાવ્યું છે. છેલ્લું સ્નાન કરીને દેહને પવિત્ર કરી લીધો છે. મોં ને ગળું પાણીથી સાફ કરી નાખ્યાં છે ને મારી લાંબી મુસાફરી માટે એક ઘૂંટડો પાણી પી લીધું છે. મારા મસ્તકમાંથી આ દુનિયાને મેં ખાલવી નાખી છે. મારા દેહમાંથી એના ભાનને ધોઈ નાખ્યું છે. મારું મન તો ક્યારનું મરી ચૂક્યું છે, હવે દેહ પડવાને તૈયાર છે. પણ તમે જે કારણે મને દેહાન્તદણ્ડ દીધો છે તે કારણે મારે મરવું ઘટે?

યુદ્ધમાંના બીજા સૈનિકો જે કરે છે તે સિવાયનું મેં શું કર્યું છે? આપણે બધાંએ જ એકબીજાની હત્યા કરી છે. પણ આ તો યુદ્ધ છે. તમે અંગ્રેજ હતા તે માટે મેં તમને પીડ્યા નથી. મારા હાથ નીચે જાપાનીઓ હોત તો યુદ્ધની શિસ્તને ખાતર મેં તેમને પણ આ જ રીતે પીડ્યા હોત. તમારી સાથેનો મારો વર્તાવ તો ઊલટો નરમ હતો. હું કડક ન રહ્યો હોત તો તમે મારી નમ્રતાથી ટેવાઈને ક્યારના ભાંગી પડ્યા હોત. આ ગુનો મેં ન કર્યો એની શિક્ષા તમે મને કરો છો? મારો કયો ગુનો થયો તેની મને ખબર નથી. આ ગુનો તો આપણા બધાનો – વિજેતા, ને પરાજિતોનો – સામુદાયિક ગુનો છે. એ સિવાયનો મેં કયો અપરાધ કર્યો છે? – આટલું મને કહો કે જેથી અંગ્રેજ પ્રજાએ મને અન્યાય કર્યો છે એવા ખોટા ખ્યાલ સાથે હું ન મરું.’

આના જવાબમાં શું કહેવું તે લોરેન્સને સૂઝ્યું નહીં. પોતાની જાત પ્રત્યેની પૂરી પ્રામાણિકતા ને સચ્ચાઈનો ઝબકારો હારાની આંખમાં દેખાતો હતો. લોરેન્સે વિચાર્યું: એણે પોતાની પ્રજાને જે વાજબી લાગ્યું તે કર્યું. તો એ અનિષ્ટને આજે આપણે ગેરવાજબી રીતે સુધારવા બેઠા તેથી શું થવાનું? હારાને થતી આ શિક્ષા બીજા અનેક હારાને આ અપરાધ કરવામાંથી અટકાવવાને માટેના પ્રયત્ન રૂપ જ નહોતી? પણ એ જવાબમાં લોરેન્સને જ શ્રદ્ધા નહીં બેઠી. એણે કહ્યું: ‘હારવામાં એક પ્રકારની જીત રહી છે; ને જીતમાંય હારનું ભાન થાય છે.’

હારાએ આશ્ચર્ય પામીને કહ્યું, ‘એ તો અમારી જાપાની વિચારસરણી છે.’ ને આમ એ પળે વિજેતા ને પરાજિત, જુદા જુદા દેશના વાસી, દુશ્મન ગણાતી બે વ્યક્તિઓ વેરઝેરના વાવંટોળને વટાવીને બે શુદ્ધ માનવ રૂપે અડોઅડ આવીને ઊભી રહી. આ દૃશ્ય કેવું રોમાંચક છે! પણ આ વખતે એ આંખો હસતી નહોતી. આ જગતની ક્ષણિકતાને ઉલ્લંઘી જતો એવો કશોક ચમકાર એમાં હતો. આ સપાટી પરના સંઘર્ષના બુદ્બુદથી ક્યાંય ઊંચે, અન્તરીક્ષની સદા અવિચળ નિસ્તબ્ધતામાં ચમકતી એ સ્થિર દૃષ્ટિ હતી. હારાના અંગનું બેડોળપણું અદૃશ્ય થઈ ગયું. એમાં એક અનોખા સૌન્દર્યનો સંચાર થયો. લોરેન્સ એનાથી ખૂબ પ્રભાવિત થયો. એને પાછા વળીને હારાને ભેટી પડવાની ઊર્મિ થઈ. એ પાછો વળવા ગયો. પણ કશાકે એને રોક્યો. એનો એક અંશ એને હારા તરફ ખેંચવા લાગ્યો. એને હોઠે શબ્દો આવ્યા: આપણે જગતભરમાં વ્યાપેલા અનિષ્ટને કદાચ દૂર ન કરી શકીએ. પણ આપણી વિમળ બનેલી ચેતના પરલોકમાં તમારી દ્વારા ને અહીં મારી દ્વારા એ અનિષ્ટના પ્રસારને ખાળશે. પણ બીજા અંશનો જ વિજય થયો, ને એ આ દ્વિધામાં હતો ત્યાં જ હારાની ઓરડીનું બારણું બંધ થયું. એના સોનેરી દાંતની ચમક અદૃશ્ય થઈ. એના જે અંશે એને હારા પાસે જવા ન દીધો તેનો પડછાયો હારાની ને એની વચ્ચે પથરાયો, ને ત્યાંથી પ્રસરતો આખી દુનિયાને વીંટળાઈ વળ્યો. એ પડછાયાએ રચેલા કારાગારમાં દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ.

આ છે (Van der Post) વાન ડર પોસ્ટની નવલકથા, A Bar of Shadow.

અદ્ભુત સંઘર્ષાત્મક પ્રસંગ, વિનાશના કાટમાળમાંથી પાંગરતું માનવતાનું પુષ્પ.