કથોપકથન/ગઈ કાલની વાર્તા: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગઈ કાલની વાર્તા | સુરેશ જોષી}} {{Poem2Open}} <center>ગઈ કાલની વાર્તા[1]</center>...") |
(No difference)
|
Revision as of 04:45, 28 June 2021
સુરેશ જોષી
સાહિત્યસ્વરૂપોનાં સંકલનો, જુદી જુદી દૃષ્ટિથી, દરેક ભાષામાં થતાં રહે છે. એક રીતે જોઈએ તો આવાં સંકલનો જ, જુદે જુદે સ્તરે થતી રહેતી, સર્જનાત્મક સાહિત્યસ્વરૂપોની પ્રવૃત્તિનો આલોચનાત્મક પરિચય કરાવતાં રહે છે. આપણા સાહિત્યમાં જુદી જુદી દૃષ્ટિએ તૈયાર થતાં, આવાં સંકલનો ઘણાં ઓછાં છે.
જે સંકલનો તૈયાર થાય છે તેની પાછળ કઈ દૃષ્ટિ રહી છે તે તપાસવું જરૂરી છે. મોટા ભાગનાં સંકલનોની મહત્ત્વાકાંક્ષા પાઠ્યપુસ્તક બનવાની હોય છે. પાઠ્યપુસ્તક હોવા છતાં એ સમ્પાદકની આલોચનાત્મક વિવેકદૃષ્ટિને પૂરો અવકાશ આપે એવું બની શકે. પાઠ્યપુસ્તકોમાં શિષ્ટતાનો આગ્રહ રાખવામાં આવે છે. એ ઉપરાંત, નીવડી ચૂકેલા ‘સિદ્ધહસ્ત’ લેખકો એમાં વધારે ખપમાં આવે. આથી નવા પ્રવાહો, નવી શક્યતાઓ કે સૈદ્ધાન્તિક ઊહાપોહ જગાવી શકે એવા ખમીરવાળી રચનાઓનું પ્રતિનિધિત્વ એમાં ગૌણ સ્થાન પામે છે. નીવડી ચૂકેલા લેખકની સર્વસામાન્યસ્વીકૃત ‘જૂની અને જાણીતી’ કૃતિઓનો સંચય કરવો એ સૌથી નિરુપદ્રવી અને ઝાઝા જોખમ વિનાની સંકલનપદ્ધતિ છે. આપણે ત્યાં જે કાંઈ અલ્પસંખ્ય સંકલનો જોવામાં આવે છે તેની પાછળ આવી બિનજોખમી પદ્ધતિ જ પ્રેરક તત્ત્વ રૂપે રહેલી દેખાશે. કેટલીક વાર કોઈ ઉત્સાહી પ્રકાશક, ચલણી સિક્કો બની ચૂકેલા ને વિદ્યાશાળાઓમાં વગ ધરાવનાર કોઈ સાહિત્યકાર પાસે, આવું સંકલન તૈયાર કરાવે છે. આપણી કોઈ સાહિત્યસંસ્થાએ (ને એવી સંસ્થાઓ કેટલી?) કે વિદ્યાપીઠે તે તે સાહિત્યસ્વરૂપની શક્યતાને ક્રમશ: પ્રકટ કરતી જતી કૃતિઓની સંકલના કરી હોય એવું જાણ્યામાં નથી.
ગુજરાતી ટૂંકી વાર્તાના આ સંકલનની જવાબદારી, એક રીતે જોઈએ તો, ઘણી મોટી છે. અન્યભાષાભાષી વાચકોને ગુજરાતી ટૂંકી વાર્તામાં સત્ત્વસમૃદ્ધિનો એ પરિચય કરાવવા ધારે છે. આવા સંકલનના સંપાદકને અન્ય ભાષાઓનાં ટૂંકી વાર્તાના સાહિત્યનો અપરોક્ષ પરિચય હોય તે ઇષ્ટ લેખાય. આ પરિચયથી પ્રાપ્ત થતી તુલનાત્મક દૃષ્ટિ પોતાની ભાષાની કૃતિઓની ગુણવત્તા નક્કી કરવામાં એને લેખે લાગે. બીજી બધી જ ભાષાના ટૂંકી વાર્તાના સાહિત્યનો અપરોક્ષ પરિચય તો હોવો ઘટે. એથી આગળ વધીને એમ પણ કહેવું જોઈએ કે વિશ્વસાહિત્યમાં ટૂંકી વાર્તાના સાહિત્યસ્વરૂપે જે જે શક્યતાઓ પ્રકટ કરી છે તેની અભિજ્ઞતા પણ સમ્પાદકમાં હોવી ઘટે. એ જો ન હોય તો એનું પસંદગીનું ધોરણ સંકુચિત રહેવાનો ભય ઊભો થાય. આવા સંકુચિત ધોરણે થયેલી પસંદગી, સમ્પાદકની પોતાની મર્યાદાનું આરોપણ સંકલન પર કર્યા વિના રહે નહીં, અને એથી, સરવાળે તો, સમ્પાદક પોતાની ભાષાને જ અન્યાય કરી બેસે. આ ક્ષેત્રમાં, ને ખાસ કરીને અન્યભાષાભાષીને પોતાના સાહિત્યનો પરિચય કરાવવાનો હોય ત્યારે, અનધિકારચેષ્ટા મોટું અનિષ્ટ બનીને ઊભું રહે.
આ સંકલનના સમ્પાદકે પોતાના સમ્પાદન પાછળ રહેલી દૃષ્ટિ આ રીતે રજૂ કરી છે: ‘…મેં તો સત્યકથા, લોકસાહિત્ય અને સર્જક કલ્પનાના ઉન્મેષ દ્વારા પ્રગટતી નવરસરુચિરા કલાનિમિર્તિ: આ બધાંનો અધિકારી સહૃદયોને પરિચય થઈ શકે તે દૃષ્ટિએ મને જે સત્ત્વશીલ અને પ્રતિનિધિરૂપ લાગ્યું તે, વિષય અને શૈલી વગેરેની પુનરુક્તિ ન થાય તેનો ખ્યાલ રાખીને, અહીં એકત્રિત કર્યું છે.’ સમ્પાદક અન્યત્ર સૂચવે છે કે ગુજરાતી વાર્તાકળાના વિકાસક્રમનો સમુચિત રીતે પરિચય થાય એ હેતુ એમણે સ્વીકાર્યો નથી. એમણે મુખ્યત: ‘રસદૃષ્ટિ’એ જ વાર્તાઓની પસંદગી કરી છે. અહીં થોડાક મુદ્દાઓ ચર્ચવા જેવા છે. સત્યકથા અને લોકસાહિત્ય એ ટૂંકી વાર્તાની જુદી શ્રેણીઓ છે? જુદી શ્રેણીમાં મૂકવા માટે એમાં કયાં વ્યાવર્તક લક્ષણો સમ્પાદકને અભિપ્રેત છે? જેને આપણે સર્જક-સાહિત્ય (creative literature) કહીએ છીએ તે આખરે તો સર્જક કલ્પનાનો જ ઉન્મેષ હોય છે. સત્યકથામાં જે ‘સત્ય’ છે તે તેની વ્યવહારજગતમાંની પ્રમાણભૂતતાને કારણે આસ્વાદનું આગવું તત્ત્વ પ્રાપ્ત કરતું નથી. એ ‘સત્ય’ પણ આખરે તો એક ઉપાદાન માત્ર છે. એને સર્જક કલ્પનાનો સંસ્પર્શ થાય, એના કીમિયાથી એ ઉપાદાનનું રસસામગ્રીમાં રૂપાન્તર થાય ત્યારે જ એ ‘સાહિત્ય’ બને. જે વ્યવહારજગતનું તથ્ય છે તેમાં પ્રચ્છન્ન રહેલાં નવાં રૂપને સર્જક પોતાની વિશિષ્ટ દૃષ્ટિથી પારખે છે ને પ્રકટ કરે છે. રૂપાન્તરની આ પ્રક્રિયા જો ન થતી હોય તો વર્તમાનપત્રમાં છપાતી ઘટના અને ટૂંકી વાર્તા વચ્ચે ભેદ ક્યાં રહેશે? સમ્પાદક ‘સત્યકથા’માંના ‘સત્ય’ પર ભાર મૂકીને એને જોરે, એની એક જુદા પ્રકારમાં ગણના કરાવવા ઇચ્છે છે એની પાછળ સાહિત્ય માત્રમાં અનિવાર્ય એવી આ રૂપાન્તરની પ્રક્રિયા પરત્વેનું દુર્લક્ષ કામ કરતું દેખાય છે. આનો પુરાવો આ સંકલનમાંની ‘સત્યકથા’ જ પૂરો પાડે છે.
આવો જ પ્રશ્ન ‘લોકસાહિત્ય’ વિશે પૂછવાનો રહે છે: ‘લોકસાહિત્ય’માં એવું કશું તત્ત્વ રહ્યું છે કે જેને કારણે એને જુદો વાર્તાપ્રકાર ગણવા આપણે પ્રેરાઈએ? ‘લોકસાહિત્ય’ આમ તો એક વ્યાપક સંજ્ઞા છે ને તે વાર્તા પૂરતી જ મર્યાદિત નથી. સમ્પાદકને ‘લોકકથા’ અહીં ઉદ્દિષ્ટ હશે એમ માનીએ તોય, એમાં રહેલું કથાબીજ તે તો સર્જકનું ઉપાદાન માત્ર છે. આથી ઉપાદાન ક્યાંથી આવે છે તેને અનુસરીને વાર્તાના પ્રકારો ગણાવવા એના કરતાં એ ઉપાદાનનું સાહિત્યમાં રસાસ્વાદની સામગ્રી રૂપે રૂપાન્તર કેવી રીતે થાય છે એ દૃષ્ટિએ જો પ્રકારોની ગણના કરાવી હોત તો કદાચ વધુ પ્રસ્તુત લેખાત.
પણ સમ્પાદકનું બધું ધ્યાન ‘વિષય’ પર છે. નિશાળિયાવેડામાં સરી પડતા એમના મોટા ભાગના નિબન્ધમાં ક્યાંય એમણે પસંદ કરેલી વાર્તાઓના કળાતત્ત્વની ચર્ચાનો અણસારો નથી. એને બદલે સામાજિક પરિબળો, વિષયોની નવીનતા અને સર્જનકર્મમાં આખરે તો નહિવત્ મહત્ત્વ ધરાવનારી નિરર્થક વીગતોની લાંબીલચક યાદી સમ્પાદકે ખડકી છે. એમાંય કેટલાક વીગતદોષો તો આજનો કોઈ ચકોર વિદ્યાર્થી પકડી પાડે એવા છે. ‘ગુજરાતનો વાર્તાકાર પોતાના કથાવસ્તુને સામાન્ય રીતે સામાજિક અનિષ્ટમાંથી શોધતો હોય છે.’ ખરું જોતાં, આ મુદ્દો વાર્તાકળાની ચર્ચામાં અપ્રસ્તુત છે. એ કથાવસ્તુ ગમે ત્યાંથી શોધે, અન્તે તો એ કથાવસ્તુમાંથી આસ્વાદ્ય એવું ટૂંકી વાર્તાનું સાહિત્યસ્વરૂપ નીપજી આવે છે કે નહિ એ જ વાત મહત્ત્વની છે. સમ્પાદક ‘માંગલ્યમૂલક વસ્તુસંવિધાન’ જેવો એક વિચિત્ર પ્રયોગ ટૂંકી વાર્તાની વિવેચનાની પરિભાષાને પોતાના તરફથી બક્ષે છે. વસ્તુના સંવિધાનને પ્રેરનારું તત્ત્વ તે સર્જકકલ્પના, કળાદૃષ્ટિ. આ ‘માંગલ્ય’ તે શી વસ્તુ છે? ઘણી વાર આ ‘માંગલ્ય’ જ વાર્તાને પ્રાણઘાતક નથી નીવડતું? દુર્ભાગ્યે માંગલ્યને હાથે મરણ પામેલી વાર્તાઓના નમૂના આપણે ત્યાં ઘણા છે.
‘રાષ્ટ્રપિતાની હત્યા, રાજ્યોનું વિલીનીકરણ.’ આપણે આ યાદી વાંચીએ છીએ ત્યારે ઘડીભર માધ્યમિક શાળાના ઇતિહાસના કોઈ પાઠ્યપુસ્તકમાંનો ફકરો વાંચતા હોઈએ એવું આપણને લાગે છે. પણ સમ્પાદક આ ઘટનાઓ અને વાર્તાલેખન વચ્ચેનો સમ્બન્ધ જોડતાં જ્યારે કહે છે: ‘કલ્પના પણ થંભી જાય એવી ઝડપથી બનાવો બનતા ગયા અને સદીઓમાં નહોતું બન્યું એટલું દસેક વર્ષના ગાળામાં બની ગયું. આ બધાંને લીધે ટૂંકી વાર્તાના લેખનકાર્યમાં કેટલેક અંશે ઓટ આવી…’ ત્યારે આપણને અચરજ ઊપજે છે. લેખકે ગણાવેલી સ્થૂલ ઘટનાઓ નહીં, પણ એની પાછળ ક્રિયાશીલ બની રહેલી અનેક સંઘાતકવિઘાતક માનવવૃત્તિઓનાં સ્વરૂપોને સર્જકની ચેતના સદા, અસમ્પ્રજ્ઞાતપણે, અવગત કરવા મથતી હોય છે. કોઈ ઇતિહાસકાર કે સમાજશાસ્ત્રીની ઢબે નહીં પણ સર્જક કળાકારની દૃષ્ટિએ આ બધી સંકુલ વૃત્તિઓનાં રૂપો વાર્તાકાર અનુભૂતિગોચર બનાવે છે. એ મૂલ્યોનાં તૈયાર કોષ્ટકમાં પરિસ્થિતિને ગોઠવીને વાર્તાઓનાં બીબાં ઢાળતો નથી. વાર્તાકારના સર્જકકર્મની જ આપણા સમ્પાદકે ઉપેક્ષા કરી છે. સમ્પાદક ફરિયાદ કરે છે: ‘….આપણી પંચવર્ષીય યોજનાઓ અને પોતાનો કાયાકલ્પ કરી નાખવાનો આપણા દેશનો ભગીરથ પુરુષાર્થ, આથિર્ક, સામાજિક અને સાંસ્કારિક ક્ષેત્રોમાં ઝડપભેર થઈ રહેલી ક્રાન્તિ – આ બધી વસ્તુઓનો પ્રતિરવ ગુજરાતના સાચી સર્જકતાવાળા લેખકના હૃદયમાં જેટલા પ્રમાણમાં ઊઠવો જોઈએ તેટલા પ્રમાણમાં હજી ઊઠવો બાકી છે.’ લેખકોની ચેતનામાં પ્રતિરવ ઊઠે છે તે આવી કોઈ અમુક દેશકાલની વિશિષ્ટ પરિસ્થિતિનો નહીં, પણ વિશ્વસમસ્તમાં ક્રિયાશીલ માનવચેતનાનાં ગૂઢાતિગૂઢ સંચરણોનો. ને પ્રતિરવ, સમ્પાદક જેની જોડે તાળો મેળવીને માપ કાઢી શકે એવી રીતે, સાહિત્યમાં મૂર્ત નયે થતો હોય. ગુજરાતી વાર્તાલેખકો સામેની આ વજૂદ વગરની ફરિયાદ, અન્ય ભાષાભાષીઓની સાક્ષીમાં, કરવાનું કશું કારણ નહોતું. સમ્પાદક એક બીજી ફરિયાદ પણ કરે છે: ‘જીવનનાં સનાતન મૂલ્યોમાંથી આજે તો આખી માનવજાતમાંથી શ્રદ્ધા ઊડી ગઈ હોય એમ લાગે છે. અને ગુજરાતનો લેખક તેમાં અપવાદ નથી.’ આ ફરિયાદ કરીને સમ્પાદક ઉમેરે છે: ‘(આ બધાં) ટૂંકી વાર્તાની ગુણવત્તા પર વિપરીત અસર કર્યા વિના રહેતાં નથી,’ સમ્પાદકને અભીષ્ટ એવાં મૂલ્યોનાં તાવીજ-માદળિયાંને આધારે સર્જક જીવતો નથી. મૂલ્યોને સનાતનતા કોણ અર્પે છે? મૂલ્યો આખરે તો અનુભવની નીપજ છે, ને એ અનુભવો એક સજીવ સક્રિય ઘટના છે. એની આ સજીવતા જ સનાતન છે, માટે જ મૂલ્યો અનુભવોની સજીવતાનો ધબકાર ઝીલીને જ જીવતાં રહે છે. કળા અને સાહિત્યમાં માનવીની ચેતના જે રીતે વ્યાપારશીલ બને છે તેનું આગવું મહત્ત્વ છે. ત્યાં એ તાટસ્થ્યપૂર્ણ તાદાત્મ્યથી, કશા વિધિનિષેધ વિના, અખિલાઈના યાથાર્થ્યને સ્પર્શે છે. આ રીતે એ જે સિદ્ધ કરે છે તેમાંથી જ મૂલ્યબોધની સાચી ભૂમિકા સરજાય છે. સર્જક પોતાના યુગ વિશેની વિશદ નિર્ભ્રાન્ત સંવિત્તિને વિશિષ્ટ આકાર આપે છે. આથી જ તો આપણે સર્જનનું ગૌરવ કરીએ છીએ. આવી સજાગ ક્રિયાશીલ નિત્યોદ્યત વિશદ નિર્ભ્રાન્ત ચેતના હોવી એ જ સૌથી મોટું મૂલ્ય છે. સમ્પાદક આવા કોઈ મૂલ્યને સ્વીકારતા હોય એમ વરતાતું નથી; આથી જ તો કહેવાતાં ‘સનાતન’ મૂલ્યોની કાતરથી એ સર્જનકર્મના ગૌરવને આસાનીથી વેતરી નાખે છે.
સમ્પાદક ‘ગહન દર્શન’ના અભાવ વિશે પણ ફરિયાદ કરે છે. ‘સનાતન મૂલ્યો’ની અંધારી આંખે બાંધવાથી આ દર્શન પ્રાપ્ત થવાનું નથી. એ દર્શનને માટે અનિવાર્ય એવી પેલી સર્જકની અભિજ્ઞતાનો જ જો આ મૂલ્યોને નામે કાંકરો કાઢી નાખતા હોય તો પછી ‘દર્શન’નું પણ નામ ન લઈએ તે જ ઠીક. આજકાલ ઘણા બધા ‘શ્રદ્ધા’નું કૂથણું કૂટે છે. આ ‘શ્રદ્ધા’ તે સહેલી ને સસ્તી ગતાનુગતિકતા તો નથી ને? આપણી જીવનની સમ્મુખ થવાની કાયરતાનો એ છદ્મવેશ તો નથી ને? સર્જક તો વિધાયક છે, અને એના વિધાયક કર્મમાં શ્રદ્ધા હોવી ઘટે. એ વિધાયક કર્મમાં જે વિઘ્નરૂપ બને તે સર્જકને મન અનિષ્ટ – પછી એ સમ્પાદક કહે છે તેવી ‘શ્રદ્ધા’ હોય કે ‘સનાતન મૂલ્ય’ હોય.
સમ્પાદક વાર્તાના બાહ્ય કલેવરના ઘાટને વાર્તાના આન્તરદેહની સૌન્દર્યની પડછે મૂકીને બાહ્ય કલેવરનો રૂપાળો ઘાટ ઘડવાના વલણને અપકારક ગણાવે છે. આવાં આમુખોમાં પોતાનાં વિધાનોને સાધાર બનાવીને મૂકવાની પવિત્ર જવાબદારી ‘સ્થળસંકોચ’ને નામે ટાળવાનું મોટું સુખ રહ્યું હોય છે. આપણે પૂછીએ: આ આન્તરદેહનું સૌન્દર્ય શી રીતે નિષ્પન્ન થાય છે? બાહ્ય કલેવર એટલે શું? શબ્દ, અલંકાર? સાહિત્યસ્વરૂપનું વ્યાવર્તક લક્ષણ જ એ છે કે એમાં બાહ્ય અને આન્તર અભિન્ન બની ગયાં હોય, દેહ વિના દેહીની કલ્પના આપણે કરી શકતા નથી. ખરું જોતાં આપણા વાર્તાલેખકો સામે આપણે ફરિયાદ કરવાની રહેતી હોય તો તે સમ્પાદક જેને ‘બાહ્ય કલેવર’ કહે છે તેની પૂરી માવજત નથી કરી તે બદલ. આપણી મોટા ભાગની નવલિકાઓની ગદ્ય ઇબારત તરફ નજર નાંખો. પદ્યની ઇબારતમાં જે અર્થાનુસારી નમનીયતા કેળવાઈ છે તે ગદ્યની ઇબારતમાં આપણે કેળવી શક્યા છીએ ખરા? આપણું ગદ્ય હજી બરડ છે, વાર્તાને જીવવાનું વાતાવરણ ન બનતાં એ ઘણી વાર એની શબપેટી બની રહે છે. ચેતનાનાં વિવિધ સંચરણ-સ્ફુરણોનો લય હજી એમાં પકડાતો નથી, એના વિન્યાસ અને અન્વય હજી વ્યાકરણની લક્ષ્મણરેખાને ઉલ્લંઘવાનું સાહસ કરી શકતા નથી. એથી ઊલટું, આન્તરદેહના સૌન્દર્યને નામે રેઢિયાળ ભાવનાઓ ને ઊમિર્વેડાનું આપણે જતન કર્યું છે. મૂલ્યોના શુકપાઠના પડઘા પાડતા આપણે થાક્યા નથી. આવી કોઈ પણ ભાવના જ્યાં સુધી સર્જકની સંવિત્તિના દ્રાવણમાં રાસાયણિક સંસ્કાર પામીને વિશિષ્ટ રૂપ ધારણ નહિ કરે ત્યાં સુધી એ કશું સાહિત્યિક મૂલ્ય પામી શકે નહીં, આથી સમ્પાદક જ્યારે ‘સત્ત્વશીલ’ શબ્દ વાપરે છે ત્યારે આપણને વહેમ જાય છે, ને એમણે કરેલું સંકલન એ વહેમને પાકો બનાવે છે. આપણું એ સદ્ભાગ્ય છે કે સમ્પાદકે ટૂંકી વાર્તાની કોઈ વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો નથી. આપણે જેને વાર્તા ગણતા હોઈએ તે શી રીતે વાર્તા બને છે તે ઓળખાવીએ એટલે આપોઆપ વાર્તાને વ્યાખ્યા પણ આપી છૂટીએ. આપણા સમ્પાદકે એવો કશો પરિશ્રમ વેઠ્યો નથી, ને આપ્તવાક્યના પ્રમાણનો આશ્રય લઈને ઉમાશંકર જોશીની વ્યાખ્યા ઉછીની લીધી છે. પણ આ પ્રક્રિયા દરમિયાન અન્ધહસ્તીન્યાયે, સમ્પાદકે એમને બિનજરૂરી (પણ ઉમાશંકરને ને આપણે મન મહત્ત્વની) એવી એક વીગત છોડી દીધી છે. ઉમાશંકરનું વિધાન આ રહ્યું; ‘ટૂંકી વાર્તા છે લેખકની વિશિષ્ટ પરિસ્થિતિએ કથ્ય વૃત્તાન્તની મદદથી લીધેલો કળાઘાટ.’ મુખ્ય કથન નોખું પાડીએ તો તે આટલું ‘ટૂંકી વાર્તા વિશિષ્ટ ભાવપરિસ્થિતિએ લીધેલો કળાઘાટ છે.’ એ કળાઘાટ કથ્ય વૃત્તાન્તની મદદથી એટલે કે narrationથી, dramatizationથી નહીં, લીધેલો કળાઘાટ છે. પણ આપણા સમ્પાદક આ ‘કળાઘાટ’વાળી વાત ઉડાવી જ દે છે. આથી એમની પાસે રહે છે કેવળ ‘વિશિષ્ટ ભાવપરિસ્થિતિ.’ આ વિશિષ્ટ ભાવપરિસ્થિતિ કાંઈ ટૂંકી વાર્તાનું જ આગવું લક્ષણ નથી. એ તો નાટકમાંયે હોય, કથાકાવ્યમાંયે હોય. આથી ‘વિશિષ્ટ ભાવપરિસ્થિતિ’ને આપણે સાધ્ય તરીકે સ્વીકારીએ ને એને વિશિષ્ટ બનાવનાર એના કળાઘાટની જ બાદબાકી કરી નાખીએ એવી વિચિત્ર પરિસ્થિતિ અહીં ઊભી થાય છે! સમ્પાદકની સમજમાં થયેલી આ બાદબાકીને કારણે જ આ સંકલનમાંથી કેટલીક સારી ટૂંકી વાર્તાઓની બાદબાકી થઈ જવા પામી છે, તો સફલીસફલી આદર્શની ને માંગલ્યની વાતો કરતી કળાઘાટ પામ્યા વિનાની કૃતિઓ સમાવેશ પામી છે.
સમ્પાદકને ‘ઇયત્તા’ શબ્દનું વળગણ હોય એવો પણ આપણને વહેમ જાય છે. આ ‘ઇયત્તા’ને જ કારણે એઓ મડિયાને વિચિત્ર પરિસ્થિતિમાં મૂકી દે છે. એઓ કહે છે: ‘ઇયત્તાની દૃષ્ટિએ મડિયાને ‘ધૂમકેતુ’, પન્નાલાલ પટેલ અને મેઘાણીની હરોળમાં મૂકી શકાય.’ ધૂમકેતુ પન્નાલાલ અને મેઘાણીની ઇયત્તા એટલે શું? એની હરોળમાં મડિયાને કેવી રીતે ને શા માટે બેસાડાય? આપણા વિવેચને આવાં નિરર્થક વિધાનોથી સચેત રહેવાની જરૂર છે.
સંપાદક હેમિંગ્વે, ફોકનર, સારોયાન જેવા અમેરિકન લેખકોની વાર્તાકળાની છાયા ગુજરાતી વાર્તામાં ઝિલાવા લાગી એમ કહે છે. આપણો ગુજરાતી ટૂંકી વાર્તાના સાહિત્યનો પરિચય આ વિધાનના સમર્થનમાં કશી માહિતી પૂરી પાડતો નથી. આ વાર્તાકારોની કેટલી વાર્તાના અનુવાદો આપણે ત્યાં થયા? એમની કેટલી વાર્તાઓ આપણે ત્યાં ચર્ચાઈ કે વંચાઈ? લેખક મડિયાને વિશે બીજું વિધાન કરે છે, ‘…સ્થળ અને કાળના અત્યન્ત વિશાળ પટ પર ( મડિયાને) વાર્તાઓનું આલેખન કર્યું.’ આ વિધાનમાં રહેલી અતિશયોક્તિ સ્પષ્ટ છે.
સૌથી વધુ અચરજ પમાડે એવું વિધાન તો આ છે, ‘નવીનોમાંથી કોઈ ‘ધૂમકેતુ’ કે ‘દ્વિરેફ’, ઉમાશંકર કે પન્નાલાલ, સુન્દરમ્ કે ગુલાબદાસ, મડિયા, દલાલ કે પેટલીકર તરતમાં પાકે એવાં ચિહ્નો બહુ દેખાતાં નથી.’ સમ્પાદક જેને દુશ્ચિહ્ન લેખીને સચિન્ત બને છે તેને જ સુચિહ્ન લેખીને આપણે નિશ્ચિન્ત બનીએ છીએ. ધૂમકેતુ, દ્વિરેફાદિની પુનરાવૃત્તિ થતી રહે તે આપણી ટૂંકી વાર્તાના હિતમાં નથી. સંપાદક ભલે આ પૈકીના થોડા લેખકોની સિદ્ધિને ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ માનતા હોય, એનું પુનરાવર્તન કોઈ કાળે ઇષ્ટ નથી.
જુદા જુદા વાર્તાકારો વિશેનાં એમનાં મંતવ્યો પણ એમની વિવેચક તરીકેની સૂઝ વિશે શંકા ઊભી કરે એવાં છે. ગુલાબદાસ એમને સારી પેઠે વિકસતા રહેલા લાગે છે ત્યારે જયંતિ દલાલ, મડિયા માત્ર સક્રિય છે. ‘બકુલેશ’, જિતુભાઈ મહેતા, ભવાનીશંકર વ્યાસ, કેતન મુનશી જેવાઓની વાર્તાઓમાં એમની દૃષ્ટિને કશું દેખાયું નથી.
આવા સમ્પાદનમાં કોને સ્થાન મળ્યું ને કોને ન મળ્યું એને આધારે સર્જક તરીકેના માનાપમાનનું લેખું માંડવાની વૃત્તિ તો બાલિશ જ ગણાય. તેમ છતાં એમ કહેવું પ્રાપ્ત થાય છે કે આ સંકલન તે ગઈ કાલની ગુજરાતી ટૂંકી વાર્તાનું સંકલન લાગે છે. એના પર ભૂતકાળનો પાસ બેઠેલો છે. ટૂંકી વાર્તાના સાહિત્યસ્વરૂપની નવી નવી શક્યતાઓને પ્રકટ કરવાના કેટલાક સન્નિષ્ઠ પ્રયત્નોને સમ્પાદકે બાહ્ય કલેવરનો રૂપાળો ઘાટ ઘડવાનો મોહ કહીને, ભાંડવાનું કાર્પણ્ય બતાવ્યું છે જે એમની રુચિનું દ્યોતક છે. પક્ષપાતગ્રસ્ત રુચિ તો કદાચ કુશાગ્ર બુદ્ધિને પ્રતાપે તર્કસંગત કારણો આપી છૂટે, પણ પક્ષાઘાતગ્રસ્ત રુચિની કા ગતિ:?
ક્ષિતિજ: નવેમ્બર, 1960
1.- ગુજરાતી ટૂંકી વાર્તા, સં. મનસુખલાલ ઝવેરી, પ્રકાશક: સાહિત્ય અકાદેમી વતી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધીરસ્તો, અમદાવાદ. પૃ.20+232, મૂલ્ય: 4 રૂપિયા ↵