સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/સાંઈ નેહડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સાંઈ નેહડી|}} {{Poem2Open}} મધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા, જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી વળ્યાં હતાં. ઊંચે આભ ભાંગે તેવા કડાકા-ભડાકા, અને નીચે મહાસાગરે માઝા મેલી...")
(No difference)

Revision as of 12:57, 2 November 2022

સાંઈ નેહડી


મધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા, જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી વળ્યાં હતાં. ઊંચે આભ ભાંગે તેવા કડાકા-ભડાકા, અને નીચે મહાસાગરે માઝા મેલી હોય તેવું જળબંબાકાર : વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાનાં નેસડાં જ અનામત હતાં. અંધારે આશાના ઝાંખા દીવા ઘડીઘડી એ નેસમાંથી ટમટમતા હતા. સમજદાર ઘોડો એ દીવાને એંધાણે એંધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે. પોતાના ગળે બાઝેલો અસવાર જરીકે જોખમાઈ ન જાય તેવી રીતે ઠેરવી-ઠેરવીને ઘોડો ડાબલા માંડે છે. વીજળીને ઝબકારે નેસડાં વરતાય છે. ચડતો, ચડતો, ચડતો ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભો રહ્યો. ઊભીને એણે દૂબળા ગળાની હાવળ દીધી. સુસવાટ દેતા પવનમાં ઘોર અંધારે ઝૂંપડીનું કમાડ ઊઘડ્યું. અંદરથી એક કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી, પૂછ્યું : “કોણ?” જવાબમાં ઘોડાએ ઝીણી હાવળ કરી. કોઈ અસવારનો બોલાશ ન આવ્યો. નેસડાની રહેનારી નિર્ભય હતી. ઢૂંકડી આવી. ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો. ઘોડાએ જીભેથી એ માયાળુ હાથ ચાટી લીધો. “માથે કોણ છે, મારા બાપ?” કહીને બાઈએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો. લાગ્યું કે અસવાર છે. અસવાર ટાઢોહીમ થઈને ઢળી પડ્યો છે અને ઘોડાની ડોકે અસવારના બે હાથની મડાગાંઠ વળી છે. વીજળીનો ઝબકારો થયો તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો. ‘જે હોય ઈ! નિરાધાર છે. આંગણે આવ્યો છે. જગદંબા લાજ રાખશે.’ એટલું કહી બાઈએ અસવારને ઘોડા ઉપરથી ખેંચી લીધો. તેડીને ઘરમાં લઈ ગઈ, ખાટલે સુવાડ્યો, ઘોડાને ઓશરીમાં બાંધી લીધો. આદમી જીવે છે કે નહિ? બાઈએ એના હૈયા પર હાથ મૂકી જોયો; ઊંડા ઊંડા ધબકારા ચાલતા લાગ્યા. સ્ત્રીના અંતરમાં આશાનો તણખો ઝગ્યો. ઝટઝટ સગડી ચેતાવી. અડાયાં છાણાં અને ડુંગરાઉ લાકડાંનો દેવતા થયો. ગોટા ધગાવી ધગાવીને સ્ત્રી એ ટાઢાબોળ શરીરને શેકવા લાગી પડી. ઘરમાં બીજું કોઈ નહોતું. શેક્યું, શેક્યું, પહોર સુધી શેક્યું, પણ શરીરમાં સળવળાટ થતો નથી. બેભાન પુરુષને ભાન વળતું નથી, છતાં જીવ તો છે. ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે. ‘શું કરું? મારે આંગણે છતે જીવે આ નર આવ્યો, તે શું બેઠો નહિ થાય? હું ચારણ્ય : મારે શંકર અને શેષનાગ સમાં કુળનાં પખાં : અને આ હત્યા શું મારે માથે ચડશે?’ સ્ત્રીનો જીવ મૂંઝાવા માંડ્યો. ઉપાય જડતો નથી. માનવી જેવા માનવીનું ખોળિયું પોતાની સામે મરવા પડ્યું છે. ઓચિંતો એના અંતરમાં અજવાસ પડ્યો. પહાડોની રહેનારીને પહાડી વિદ્યાનું ઓસાણ ચડ્યું. ઘડીક તો થડકીને થંભી ગઈ. ‘ફકર નહિ! દીવો તો નથી, પણ ઈશ્વર પંડે તો અંધારેય ભાળે છે ને! ફકર નહિ. આ મળમૂતરની ભરેલી કૂડી કાયા બીજે ક્યાં કામ લાગશે? અને આ તો મડું છે, મારું પેટ છે, ફકર નહિ.’ જુવાન ચારણીએ પોતાનું શરીર એ ઠરેલા ખોળિયાની પડખે લાંબું કર્યું. કામળીની સોડ તાણી લીધી, પોતાની હૂંફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી. ધીરે-ધીરે-ધીરે ધબકારા વધ્યા. અંગ ઊનાં થવા લાગ્યાં, શરીર સળવળ્યું અને સ્ત્રીએ

ઊભી થઈ લૂગડાં સંભાળ્યાં. ટોયલી ભરીભરીને એ પુરુષના મોંમાં દૂધ ટોયું. પ્રભાતે પુરુષ બેઠો થયો. ચકળવકળ ચારેય બાજુ જોવા માંડ્યો. એણે પૂછ્યું : “હું ક્યાં છું? તમે કોણ છો, બોન?” “તું તારી ધરમની બોનને ઘેર છો, બાપ! બીશ મા.” બાઈએ બધી વાત કહી. આદમી ઊઠીને એના પગમાં પડી ગયો. બાઈએ પૂછ્યું : “તું કોણ છો, ભા?” “બોન, હું એભલ વાળો.” “એભલ વાળો? તળાજું? તું દેવરાજા એભલ!” “હા, બોન. એ પંડે જ. હું દેવ તો નથી, પણ માનવીના પગની રજ છું.” “તારી આ દશા, બાપ એભલ?” “હા, આઈ, સાત વરસે હું આજ મે’ વાળી શક્યો!” “શું બન્યું’તું, ભાઈ!” “તળાજા માથે સાત દુકાળ પડ્યા, આઈ! મારી વસ્તી ધા દેતી હતી. આભમાં ઘટાટોપ વાદળ, પણ ફોરુંય ન પડે. તપાસ કરતાં કરતાં ખબર પડી કે આખી ભોમ સળગી રહી છે : તેમાં એક કાળિયાર લીલાડું ચરે છે. કાળિયાર હાલે ત્યાં લીલાં તરણાંની કેડી ઊગતી આવે છે ને એનાં શિંગડાંમાંથી પાણીની અખંડ ધાર થાતી આવે છે. આ કૌતુક શું? પૂછતાં પૂછતાં વાવડ મળ્યા કે એક વાણિયાએ પોતાની જારની ખાણો ખપાવવા સાટુ શ્રાવકના કોઈક જતિ પાસે દોરો કરાવી કાળિયારની શિંગડીમાં ડગળી પાડી તેમાં દોરો ભરી, ડગળી બંધ કરી, બારે મેઘ બાંધ્યા છે. એ દોરો નીકળે ત્યારે જ મે’ વરસે. સાંભળીને હું ચડ્યો, બોન! જંગલમાં કાળિયારનો કેડો લીધો. આઘે આઘે નીકળી પડ્યો. ડુંગરામાં કાળિયારને પાડીને શિંગડું ખોલાવ્યું, ત્યાં તો મેઘ તૂટી પડ્યો. હું રસ્તો ભૂલ્યો, થીજી ગયો. પછી શું થયું તેની ખબર નથી રહી.” “વાહ રે, મારા વીરા! વારણાં તારાં! વધન્યાં બાપનાં! અમર કાયા તપજો વીર એભલની!” “તારું નામ, બોન?” “સાંઈ નેહડી. મારો ચારણ કાળ વરતવા માળવે ઊતર્યો છે, બાપ! સાત વરસ વિજોગનાં વીત્યાં; હવે તો ભેંસુ હાંકીને વયો આવતો હશે. લાખેણો ચારણ છે, હો! તારી વાત સાંભળીને એને ભારી હરખ થાશે, મારા વીરા!” “બોન! આજે તો શું આપું? કાંઈ જ નથી. પણ વીરપહલી લેવા કોક દી તળાજે આવજે!” “ખમ્મા તુંને, વીર! આવીશ.” આરામ થયે એભલ વાળો ત્યાંથી ઘોડે ચડીને ચાલી નીકળ્યો.  સાત વર્ષે વરસાદ થયો છે, ડુંગરા લીલુડા બની ગયા છે. નદીનેરાં જાય છે ખળખળ્યાં. એવે ટાણે ચારણો ઢોર લઈને પરદેશથી પાછા વળ્યા. પોતાના વહાલા ધણીને ઉમળકાભરી સાંઈ નેહડીએ એભલ વાળાની વાત કહી સંભળાવી. ગામતરેથી આવતાં તુરત જ સ્ત્રીને આ પારકા માણસની વાતો ઉપર ઊભરા ઠલવતી દેખી ચારણને ઠીક ન લાગ્યું. એમાં વળી એને કાને પાડોશીએ ફૂંકી દીધું કે ‘કોઈ પારકા મરદને તારી અસ્ત્રીએ સાત દી સુધી ઘરની અંદર ઠાંસેલો!’ ચારણના અંતરમાં વહેમનું વિષ રેડાઈ ગયું. પોતાની કંકુવરણી ચારણી ઉપર એ ટાણેકટાણે ખિજાવા મંડ્યો; છતાં ચારણી તો ચૂપ રહીને જ બધાં વેણ સાંભળ્યે જતી. એને પણ વાતની સાન તો આવી ગઈ છે. એક દિવસ ચારણ ગાય દોવે છે. ચારણીના હાથમાં વાછડું છે. અચાનક વાછડું ચારણીના હાથમાંથી વછૂટી ગાયના આઉમાં પહોંચ્યું. ચારણ ખિજાયો. એની બધા દિવસની રીસ એ સમે બહાર આવી. ચારણીને એણે આંખો કાઢીને પૂછ્યું : “તારા હેતુને કોને સંભારી રહી છો?” હાથમાં શેલાયું (નોંજણું) હતું, તે લઈને એણે સાંઈના શરીર પર કારમો પ્રહાર કર્યો. ચારણીના વાંસામાં ફટાકો બોલ્યો. એનું મોં લાલચોળ બન્યું. થોડી વાર એ અબોલ ઊભી રહી, પણ પછી એનાથી સહેવાયું નહિ. દૂધના બોઘરામાંથી અંજળિ ભરીને આથમતા સૂરજ સંમુખ બોલી : “હે સૂરજ! આજ સુધી તો ખમી ખાધું, પણ હવે બસ! હદ થઈ. જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો, ડાડા!” એમ કહીને એણે ચારણ ઉપર અંજળિ છાંટી. છાંટતાં તો સમ! સમ! સમ! કોઈ અંગારા છંટાણા હોય તેમ ચારણને રોમે રોમે આગ લાગી અને ભંભોલા ઊઠ્યા. ભંભોલા ફૂટીને પરુ ટપકવા લાગ્યું. ચારણ બેસી ગયો. નેહડીનાં નેણાં નીતરવા લાગ્યાં. થોડા દિવસમાં તો ચારણનું શરીર સડી ગયું, લોહી શોષાઈ ગયું. આંસુ સારતી સારતી નેહડી એ ગંધાતા શરીરની ચાકરી કરે છે. આખરે એક દિવસ એક કંડિયામાં રૂનો પોલ કરી, અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી, કંડિયો માથા પર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી ચાલતી તળાજે પહોંચી. રાજા એભલને ખબર કહેવરાવ્યા. રાજાએ બહેનને ઓળખી, આદરસત્કારમાં ઓછપ ન રાખી; પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હશે? કંડિયો કેમ એક ઘડી પણ રેઢો મૂકતી નથી? છાનીમાની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી હશે? ઓરડાની અંદર એ ઝીણી ઝીણી વાતો કોની સાથે કરતી હશે? એવી અનેક શંકાઓ રાજાને પડી. એકાંતે જઈને એણે બહેનના મનની વાત પૂછી. બહેને કંડિયો ખોલીને એ ગંધાતા અને ગેગી ગયેલા ચારણનું શરીર બતાવ્યું. એભલના મોંમાંથી નિ:શ્વાસ નીકળી ગયો. “બોન! બાપ! આ દશા?” “હા બાપ! મારાં કરમ!” ચારણીએ બધી વાત કહી સંભળાવી. “હવે કાંઈ ઉપાય?” “તેટલા માટે જ તારી પાસે આવી છું.” “ફરમાવો.” “બની શકશે?” “કરો પારખું!” “ઉપાય એક જ, ભાઈ! બત્રીસલક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નવરાવું તો જ મારો ચારણ બેઠો થશે.” “વાહ વાહ! કોણ છે બત્રીસલક્ષણો? હાજર કરું.” “એક તો તું, ને બીજો તારો દીકરો અણો.” “વાહ વાહ, બોન! ભાગ્ય મારાં કે મારું રુધિર આપીને હું તારો ચૂડો અખંડ રાખીશ.” ત્યાં તો કુંવર અણાને ખબર પડી. એણે આવીને કહ્યું : “બાપુ, એ પુણ્ય તો મને જ લેવા દ્યો.” બાપે પોતાને સગે હાથે જ તરવાર ચલાવી. પેટના એકના એક પુત્રનું માથું વધેર્યું. ચારણીનો સ્વામી એ લોહીમાં સ્નાન કરીને સાજો થયો, એભલે પ્રાણ સાટે પ્રાણ આપીને કરજ ચૂકવ્યાં. આજ પણ સાંઈ નેહડીનો ટીંબો તળાજાથી થોડે આઘે ચારણોના બાબરિયાત ગામ પાસે ખડો છે. અને પિતાપુત્ર એભલ-અણો નીચેના દુહામાં અમર બન્યા છે : સરઠાં! કરો વિચાર, બે વાળામાં કયો વડો? સરનો સોંપણહાર, કે વાઢણહાર વખાણીએ? [હે સોરઠના માનવી, વિચાર તો કરો. આ એભલ વાળો અને અણો વાળો — બેમાંથી કોણ ચડે? કોનાં વખાણ કરીએ? પોતાનું શિર સોંપનાર બેટાનાં, કે સગા દીકરાનું માથું સ્વહસ્તે વાઢી આપનાર બાપનાં?]