સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/ચોટલાવાળી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચોટલાવાળી}} {{Poem2Open}} વાતને આજ સત્તાવીશ વરસ થઈ ગયાં. સંવત 1955ની સાલમાં મોતી શેઠ નામે રાણપુરનો વાણિયો નાગડકાની વાટે ગોળ લેવા આવેલો. તે દી તેણે આ પ્રમાણે અક્ષરેઅક્ષર વાત કરી : આપા, થો...")
 
(No difference)

Latest revision as of 12:02, 3 November 2022

ચોટલાવાળી

વાતને આજ સત્તાવીશ વરસ થઈ ગયાં. સંવત 1955ની સાલમાં મોતી શેઠ નામે રાણપુરનો વાણિયો નાગડકાની વાટે ગોળ લેવા આવેલો. તે દી તેણે આ પ્રમાણે અક્ષરેઅક્ષર વાત કરી : આપા, થોડા મહિના અગાઉ હું નાગનેશ ઉઘરાણીએ ગયેલો. સાંજ પડ્યે ઉઘરાણીના રૂપિયા વીસ મારા ખિસ્સામાં નાખીને મેં પાછા વળવાનું પરિયાણ કર્યું. ચોરે બેઠેલા ચૂંવાળિયા કોળીઓએ રૂપિયા વીસ મારા ખિસ્સામાં પડતા જોયા. હું બહાર નીકળ્યો. મેં પગ ઉપાડ્યા. મંડ્યો ઝટ ભાગવા. એમાં વાંસેથી હાકલા પડ્યા : “ઊભો રે’! ઊભો રે’!” ભાઈ, મેં પછવાડે જોયું. ચૂંવાળિયાને દેખ્યા. મારા પ્રાણ ઊડી ગયા. હું ભાગ્યો. મારે મોઢે લોટ ઊડતો આવે, શ્વાસનો ગોટો વળતો આવે, પાઘડીના આંટા ગળામાં પડતા આવે, અને બે હાથ કાછડી ઝાલીને હું ભાગતો આવું છું; વાંસેથી “ઊભો રે’! એલા, ઊભો રે’!” એવા દેકારા થાતા આવે. દેકારા સાંભળતાં જ મારા ગૂડા ભાંગી પડ્યા. સામે જોઉં ત્યાં નદીને કાંઠે ઢૂકડું એક વેલડું છૂટેલું. કોઈક આદમી હશે! હું દોડ્યો. પાસે પહોંચું ત્યાં તો બીજું કોઈ નહિ! એક રજપૂતાણી : ભરપૂર જુવાની : એકલી : કૂંપામાંથી ધૂપેલ તેલ કાઢીને માથાની લાંબી લાંબી વેણી ઓળે. ભફ દેતો હું એ જોગમાયાને પગે પડી ગયો. મારા કોઠામાં શ્વાસ સમાતો નહોતો. “એલા, પણ છે શું?” બાઈએ પૂછ્યું “માવડી, મને ચૂંવાળિયા લૂંટે છે, તમનેય હમણે....” મારો સાદ ફાટી ગયો. બાઈના ડિલ માથે સૂંડલો એક સોનું : વેલડામાં લૂગડાં-લત્તાની પેટી. આજુબાજુ ઉજ્જડ વગડો. કાળા માથાનું માનવી ક્યાંય ન દેખાય. આમાં બાઈની શી વલે થાશે? મારો પ્રાણ ફફડી ઊઠ્યો. “કોણ? બાપડા ચૂંવાળિયા લૂંટે છે?” મોં મલકાવીને બાઈએ પૂછ્યું. “માતાજી! આ હાલ્યા આવે!” ચૂંવાળિયા દેખાણા. પંદર લાકડિયાળા જુવાન. આપાઓ! નજરોનજર નીરખ્યું છે. અંબોડો વાળીને રજપૂતાણી ઊભી થઈ. વેલડાના હેઠલા ઝાંતરમાંથી એક કાટેલી તરવાર કાઢી. હાથમાં તરવાર લઈને ઊભી રહી છે. અને ચૂંવાળિયા ઢૂકડા આવ્યા ત્યાં તો એણે ત્રાડ મારી : “હાલ્યા આવો, જેની જણનારીએ સવા શેર સૂંઠ્ય ખાધી હોય ઈ હાલ્યા આવો.” ચૂંવાળિયા થંભી ગયા. સહુ વીલે મોઢે એકમેકની સામે જોવા મંડ્યા. લોચા વળતી જીભે એક જણે જવાબ દીધો : “પણ અમારે તો આ નદીમાં પાણી પીવું છે. વાણિયો તો અમથો અમથો ભેમાં ભાગે છે.” “પી લ્યો પાણી!” રાજેશ્વરીની રીતે બાઈએ આજ્ઞા દીધી. ચૂંવાળિયા પાણી પીને ચાલ્યા ગયા. પાછું વાળીને મીટ માંડવાનીયે કોઈની છાતી ન ચાલી. દેખાતા બંધ થયા એટલે બાઈએ કાટેલી તરવાર પાછી ગાડાના ઝાંતરમાં મેલી દીધી. “બહેન!” મેં કહ્યું : “મારી સાથે રાણપુર હાલો. એક રાત રહીને મારું ઘર પાવન કરો.” “ના, બાપ; મેંથી અવાય નહિ. હું મારે સાસરે જાઉં છું.” ખિસ્સામાંથી આઠ રૂપિયા કાઢીને હું બોલ્યો : “બહેન, આ ગરીબ ભાઈનું કાપડું!” “મારે ખપે નહિ!” એણે ગાડાખેડુને જગાડ્યો. વેલડામાં બેસીને એ ચાલી નીકળી. કચ્છની એ દીકરી, અડવાળ ગામ પરણાવેલી : એટલું જ મને યાદ રહ્યું છે. નામઠામ ભુલાણાં છે. પણ એ ચોટલાવાળીનું મોઢું તો નિરંતર મારી નજરે જ તરે છે.