કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૩. મધરાતે પવન: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૩. મધરાતે પવન|}} <poem> ને પછી મધરાતમાં ઊઠ્યો પવન કાળભૈરવ શો, અહીં નિદ્રા ગહન ચોંકતા પંખી સમી ઊડી ગઈ, આ શું થયું? આભનું જાણે સલામત છાપરું તૂટી પડ્યું! શાંતિથી ભીડેલ સુખની ભોગળો કો...")
(No difference)

Revision as of 11:49, 8 November 2022

૨૩. મધરાતે પવન


ને પછી મધરાતમાં ઊઠ્યો પવન
કાળભૈરવ શો, અહીં નિદ્રા ગહન
ચોંકતા પંખી સમી ઊડી ગઈ, આ શું થયું?
આભનું જાણે સલામત છાપરું તૂટી પડ્યું!
શાંતિથી ભીડેલ સુખની ભોગળો
કોઈ પાગલ ભાંગતો બેચેન ને બેબાકળો.

ઝાડવાં તોતિંગ જૂનાં થરથરે,
ત્રાટકી ચંગીઝની જાણે સવારી આખરે.
પાન પીળાં, રુક્ષ જાળાં ઝાંખરાં, સૂકાં સડેલાં ડાળખાં
ઢગલો થઈ પડતાં પ્રહારે, હાડનાં શું માળખાં?
ધ્રૂજતો અંધાર ઊભો હાથ જોડી,
દાંત ભીંસી પણ પવન ઝીંકી રહ્યો વજ્જર હથોડી.

ને પછી જોયું સવારે,
તો મહા આશ્ચર્ય ભારે!
મોકળી આવે હવા આ મંદ મીઠી,
લ્હેરથી તડકો હવે ખાતી શું લીલી ડાળ દીઠી!
કેટલું ભાંગી પડ્યું? — ને તે છતાં પેલી નવી ડાળી પરે,
તામ્રવરણી કૂંપળો કેરી ધજાઓ ફરફરે!

૨-૩-’૫૮ (સૂરજમુખી, પૃ. ૭૦)