કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૩૧. મા!: Difference between revisions
(Created page with "{{Heading|૩૧. મા!}}<br> <poem> કણસલાં હવા સાથે રમતાં હોય છે અને મા, હું તને યાદ કરું છું... હું હજુ પણ માનું છું કે સૂર્યનાં પહેલાં કિરણો ઘઉંના કૂંણા કૂંણા દાણામાં સમાઈ જાય છે: પછી એ પાકે છે ત્યારે એટલા...") |
(No difference)
|
Revision as of 02:47, 10 November 2022
કણસલાં
હવા સાથે રમતાં હોય છે
અને મા,
હું તને યાદ કરું છું...
હું હજુ પણ માનું છું કે
સૂર્યનાં પહેલાં કિરણો
ઘઉંના કૂંણા કૂંણા દાણામાં સમાઈ જાય છે:
પછી એ પાકે છે ત્યારે
એટલા માટે જ સોનેરી થાય છે —
ક્યારેક ઘઉં દાણો
હાથમાં આવી જાય છે ત્યારે
હું સૂરજના પહેલા કિરણને
સ્પર્શતો હોઉં એવું લાગે છે
અને મા,
હું તને યાદ કરું છું.
પરોઢિયે
આપણે સીમમાં જતાં
ત્યારે ઠંડીથી ફાટી ગયેલા
મારા પગની ચામડી પર
તારી ભીની ભીની નજર ફરતી
અને મોરની પીંછીને
હું ગાલે ફેરવતો હોઉં એવું લાગતું!
સાંજે અંધારું થતાં પહેલાં
ફરી એક વાર
તારી આંખમાં સંધ્યાનું અજવાળું
પડછાયો પાડતું હોય એવું મને દેખાતું!
તારાં આંસુ તો
તેં અમને ક્યારેય ન દેખાડ્યાં...
પણ આ જો ને!
ધોધમાર વરસાદ પડે છે
અને મા,
હું તને યાદ કરું છું.
મને ખબર નથી પડતી કોણ જાણે કેમ —
અહીં સાંજ પડે છે
ને આપણું ગામ
દીવાની જેમ
મારા મનમાં પ્રગટે છે!
પછી રસોડામાંથી
તું બોલાવતી હોય એવું લાગે છે...
અને મા,
હું તને યાદ કરું છું!
૧૯૭૦
(અંતરનું એકાંત, પૃ. ૧૩૩-૧૩૪)