કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩૨. ભજન કરે તે જીતે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૨. ભજન કરે તે જીતે|}} <poem> વજન કરે તે હારે રે મનવા :::         ભજન કરે તે જીતે. તુલસી-દલથી તોલ કરો તો :::         બને પવન-પરપોટો, અને હિમાલય મૂકો હેમનો :::         તો મેરુથી મોટો : આ ભ...")
(No difference)

Revision as of 06:43, 11 November 2022

૩૨. ભજન કરે તે જીતે


વજન કરે તે હારે રે મનવા
        ભજન કરે તે જીતે.

તુલસી-દલથી તોલ કરો તો
        બને પવન-પરપોટો,
અને હિમાલય મૂકો હેમનો
        તો મેરુથી મોટો :
આ ભારે હળવા હરિવરને
                મૂલવવો શી રીતે! —
       રે મનવા, ભજન કરે તે જીતે.

એક ઘડી તને માંડ મળી છે
                આ જીવતરને ઘાટે,
સાચ-ખોટનાં ખાતાં પાડી
        એમાં તું નહીં ખાટે :
સ્હેલીશ તું સાગરમોજે કે
                પડ્યો રહીશ પછીતે? —
         રે મનવા, ભજન કરે તે જીતે.

આવ, હવે તારા ગજ મૂકી,
        વજન મૂકીને વરવાં,
નવલખ તારા નીચે બેઠો
        ક્યાં ત્રાજવડે તરવા?

ચૌદ ભુવનનો સ્વામી આવે
                ચપટી ધૂળની પ્રીતે —
         રે મનવા, ભજન કરે તે જીતે.

૪-૧૦-’૬૨ (સંજ્ઞા, પૃ. ૧૦૧-૧૦૨)