કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩૨. સૂર્યોપનિષદ: Difference between revisions
(Created page with "{{Heading|૩૨. સૂર્યોપનિષદ}} <poem> સાંજના સૂર્યને પૂછવા ધારેલો સવાલ મેં મધરાતના તારાને પૂછી લીધો અને બ્રહ્માંડનું એક રહસ્ય ખુલ્લું થઈ ગયું. વજનદાર હવાઓ ખેંચાઈ રહી છે પોતપોતાની ધરતી તરફ: શૂન્ય...") |
(No difference)
|
Revision as of 15:51, 12 November 2022
સાંજના સૂર્યને
પૂછવા ધારેલો સવાલ
મેં મધરાતના તારાને પૂછી લીધો
અને
બ્રહ્માંડનું એક રહસ્ય ખુલ્લું થઈ ગયું.
વજનદાર હવાઓ ખેંચાઈ રહી છે
પોતપોતાની ધરતી તરફ:
શૂન્યતાઓના એક પછી એક
ઊખળતા પડની તળે રહેલું શૂન્ય
બધી જ ધરતીઓનું
આકાશ બની બેઠું છે.
થોડે થોડે અંતરે સળગતા સૂર્યો
એને અજવાળી શકતા નથી:
અંધારાની દુનિયામાં
મારા અવાજનાં આંદોલનો
તરતા ડુંગરો બની અટવાઈ ગયાં છે.
પ્રકાશ અને અંધકાર
અલગ રહી જે જવાબ ગૂંથે છે
એ ઉકેલવા
વાલ્મીકિ હતો, ત્યારથી હું મથું છું.
જીવન અને મૃત્યુ એકસાથે ઊભાં રહી
સાવ અજાણી અને અલગ અલગ
ભાષામાં વાતો કરે છે.
બંને જોડે એકીસાથે વાત કરવાનો પ્રયત્ન કરતાં
હું અવાક્ બની જાઉં છું.
મારા એ સ્તબ્ધ મૌનને
કોઈ ઉદાસીનું નામ આપે છે,
કોઈ કહે છે એને ખુલ્લી આત્મહત્યા:
જાતને નિર્મૂળ કર્યા વિના
હું કેમ જીવી શકું
એ સમજાતું નથી...
એ જિજીવિષાને જ સૌ ગૂંચવે છે
મૃત્યુની ઉત્કટ ઝંખના સાથે.
યાતનાનાં તુમુલ મોજાંઓ પર
ડગમગતી નાવમાં
અસ્થિર પગલે ઊભો રહી
ચીસ પાડીને કહું છું
કે
મારે જીવવું છે!
કિનારા પર રહેલાઓ કહે છે
કે મઝધારમાં સમાધિ લેવાનો
આ સભાન આયાસ છે.
જીવન અને મૃત્યુ બંને સાથે બેસી
વાત કરી રહ્યાં છે —
બંનેની ભાષા અલગ
અને તેઓ સાથે વાત કરવાના પ્રયત્નમાં
હું અવાક્...
આસ્ફાલ્ટની સડક પર
નીકળેલા યાતનાઓના સરઘસની
નેતાગીરી મારે લેવી નથી;
માર્ગ પર મળતા ચહેરાઓની
વેદના વાંચવાની મને ફુરસદ નથી.
વંચનાનાં જાળાંઓ વચ્ચે
ધૂંધવાઈ રહેલા સત્યને
સાંત્વન આપવામાં
વીતી જતા સમયને
કેમ ઉગારવો એ સૂઝતું નથી.
સાંજના સૂરજ સાથે
ક્ષિતિજમાં ન ડૂબેલું અસત્ય
હવે નક્ષત્રમંડળોમાં
પોતાનું આસન દૃઢ કરી બેઠું છે;
એને કોઈ ગુરુત્વાકર્ષણ નથી,
કોઈ ધરતી નથી,
કોઈ આકાશ નથી.
સૂરજ ઊગે
ત્યારે તાપ અને ઉજાસને તપાસી લેવા પડશે;
ચન્દ્ર ઊગે
ત્યારે તેની કળા જોઈ લેવી પડશે;
તારાઓ ઊગે
ત્યારે તેનું ગણિત ગણી લેવું પડશે.
નહિતર,
અસત્ય ઊગી જશે
અને
ચન્દ્ર, સૂર્ય ને તારાઓની
ગતિ તરીકે સ્થપાઈ જશે
અને બ્રહ્માંડની અરાજકતાનો
ભરમ છતો થઈ જશે.
મારા એકલવાયાપણાની જાણ એને ન કરતા;
એ મને પ્રેમ કરશે
અને મારી એકલતા ઓર વધી જશે.
એ પૂછશે: ઉદાસ કેમ?
અને હું ગમગીનીમાં ગરક થઈ જઈશ.
એ માથા પર હાથ ફેરવશે
અને હું દેહમાંથી ખસી ગયો હોઉં એવું લાગશે.
એ હોઠ ફફડાવશે
અને પુછાનારા પ્રશ્નથી ભડકી હું છળી ઊઠીશ.
એ કહેશે,
હમણાં કેમ ઉલ્લાસમાં નથી,
અને હું પૂર્વ દિશામાં
સૂર્ય બનીને ઊગી બેસીશ....
તો આ રાતનું શું થશે?
આજે આથમેલા સૂર્યના સોગંદ,
હું કાલે સવારે સૂર્ય બનીને ઊગીશ,
પ્રચંડ જ્વાળા બનીને સળગીશ.
એક વિરાટ શૂન્યમાં
એકલવાયો આગળ વધીશ
પ્રખર મધ્યાહ્નથી રાતીચોળ સાંજ સુધી.
મારી એકલતા આ ક્ષિતિજે ડૂબશે
ત્યારે કોઈક બીજી ક્ષિતિજ પર એ ઊગતી હશે.
૧–૫–’૭૩
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૨૩-૨૨૬)