યાત્રા/હું શોધતો’તો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હું શોધતો’તો|}} <poem> હું શોધતો’તો યુગપત્ સહસ્થિતિ તે બીજની બંકિમ તેજરેખની ને પૂર્ણિમાની મૃદુ પૂર્ણ કાંતિની. પ્રકાશનાં વિશ્વ પરે ય વિશ્વ આ વસ્યાં છતાં આ કવિચિત્ત-કલ્પના સાકા...")
(No difference)

Revision as of 04:48, 22 November 2022

હું શોધતો’તો

હું શોધતો’તો યુગપત્ સહસ્થિતિ
તે બીજની બંકિમ તેજરેખની
ને પૂર્ણિમાની મૃદુ પૂર્ણ કાંતિની.

પ્રકાશનાં વિશ્વ પરે ય વિશ્વ આ
વસ્યાં છતાં આ કવિચિત્ત-કલ્પના
સાકાર થાવી, નિરમ્યું અશક્ય?

          ત્યહીં એક જોયું મેં
મનુષ્યનું કે મુખ, સ્વપ્ન મારું જ્યાં
મેં સિદ્ધ દીઠુંઃ
હતી તહીં પૂર્ણ શશીની પૂર્ણતા,
ને નેત્રમાં બંકિમ તેજરેખા,
ખીલી ઊઠ્યું પદ્મ શું ચિત્ત માહરું.

ને વ્યોમથી કે મૃદુ હાસ્ય મેં સુણ્યું :
‘મનુષ્યને આપું છું નિત્ય, જે, હું
ઘણું ઘણું ઇપ્સિતથી ય એના.
પૂણેન્દુ ને બીજની રમ્ય બંકિમા,
અને ત્યહીં માનવચિત્તપદ્મની
પ્રફુલ્લ કે રૂપત્રયી તણી જો,
ત્વદર્થ યોજું યુગપત્ સહસ્થિતિ.

મદર્થ તું શું રચશે?’ વિનોદમાં
વિરામતી વાચ લહું. સ્વરો એ
પિછાનવા ઉન્નત નેત્ર જ્યાં કરું,
દીપ્તાર્ક શી તો ય શશી શી શીતલ,

કો જ્યોતિનો ગુંબજ ઘેરતો મને
ગુંજી રહ્યો કો મધુમત્ત રાગિણી.

ને માહરી વૈખરી વાસનાની
સંકેલતો મૂક ત્યહીં ઢળું હું.
એપ્રિલ, ૧૯૪૬