યાત્રા/પ્રવાસી પંથોને: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રવાસી પંથોને|}} <poem> પ્રવાસી પંથોનો ઉજડ અટુલ એકલ જતો, ઉદાસી થાકેલો, કદમ અડવાતે અટત તે; ન તેને પંથે કો ઉપવન હતું, કો ન સુરભિ. નિશા આવી, આવી પણ ન હજી કે મંજિલ અને મુંગો, આંખ મીંચી, શિ...") |
(No difference)
|
Revision as of 07:47, 22 November 2022
પ્રવાસી પંથોનો ઉજડ અટુલ એકલ જતો,
ઉદાસી થાકેલો, કદમ અડવાતે અટત તે;
ન તેને પંથે કો ઉપવન હતું, કો ન સુરભિ.
નિશા આવી, આવી પણ ન હજી કે મંજિલ અને
મુંગો, આંખ મીંચી, શિથિલ તનુને તે ઘસડતો
જતો’તો, ત્યાં તો તે અદશ પથપ્રાંતે મઘમઘી
ઉઠી કે ઉન્માદી મધુર નિશિગન્ધાની સુરભિ.
ગયો થંભી, આંખ ઉંચકી નભ સામે નિરખિયું,
અને વન્ય પ્રાણ સમ ઊંચકી નાસા પિઈ રહ્યો
સુગંધી ઉન્માદી:
ગગન કશું કાળું હતું તદા,
નિશા શી અંધારી, તન પર કશે થાક! પગલાં
વધ્યાં ના આગે. તે મખમલ સમા શ્યામ નભની
નિચે બેઠો હેઠો, અદૃશ સુરભિ પાન કરતો,–
અહા, વિશ્વે બીજી નહિ જ નિશિગન્દા શી સુરભિ.
અને રાત્રિ વાધીઃ તગતગી રહ્યાં તારક કુલો,
અને આવ્યાં આવ્યાં ચડી ચડી પુરો તે સુરભિનાં,
ડુબે છે તેમાં તે પથિક કયમ આશ્ચર્ય ગણવું?
યથા પોઢે પહેલે ભ્રમર, યમ તે મૂર્છિત ઢળ્યો,
નિશા રાણીએ યે મઘમઘ મૂકી વહેતી સુરભિ.
હતી એ મૂર્છાની તમસભર નિદ્રા? પથિકની
મટી સૌ ઝંખાઓ, ચરમ વિસરી મંજિલ અને
ગણ્યાં સૌ સાફલ્ય સકલ ત્યહીં યાત્રા નિજ તણાં?
અરે એ તે કિન્તુ ક્યમ બની શકે? વિશ્વજનની
પ્રવાસી પ્રાણીના પથ વિચરતી તારક ધ્રુવા,
રહેવા દે કયાંથી સહુ સમય રાત્રિ જગતમાં?
ગઈ રાત્રિ, જાગ્યાં ખગકુલ, ઉષા ઉજજવલ લસી,
અને પંથી જાગ્યો, અકળવિકળો, મૂઢ ઢુંઢતો
ગયેલી રાત્રિને, જગતથી ગયેલી સુરભિને.
દૃગો ચાળી ચાળી જગત ભણી ભાળ્યું, અનુભવ્યું
પ્રતાપી ભાનુનું કિરણ કટુ સત્યો પ્રગટતું, –
હતી સાચ્ચે રાત્રિ, સુરભિ પણ સાચ્ચે હતી હતી,
અરે કિન્તુ બંને કયમ ટકી શકે આ દિવસમાં?
અને તેણે પાછા કદમ ઉંચક્યા લંબ પથ પે,
ઉદાસી, થાકેલા? વિકળ, અડવાતા? નહિ, નહિ.
જુલાઈ, ૧૯૪૦