અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/હેમંતની મધરાત: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> એવા બુઝાયા દીપકો જાણે શમ્યા જ શરાબતર કો માનવીના ખ્યાલ, ઘટતાં ઘેન...") |
(No difference)
|
Revision as of 07:09, 28 June 2021
એવા બુઝાયા દીપકો જાણે શમ્યા જ શરાબતર
કો માનવીના ખ્યાલ, ઘટતાં ઘેનની ઘેરી અસર;
રે શ્વાસહીણ યંત્રાલયોના ર્હૈ ગયા ઉચ્છ્વાસ પણ;
જંપી ગયા રુગ્ણાલયે દર્દી તણા નિશ્વાસ-વ્રણ;
બે હૃદયની એવી એવી ગૂઢ કૈં રે વાત શી
ફૂલનું હૈયું લઈ હેમંતની મધરાત શી
જામી ગઈ; પામી ગઈ સૌ આંખડી નિજનાં સ્વપન
જે શોધતાં દિનને વિશે તો સર્વનાં અતિ ખિન્ન મન!
પંથ પર ચાલ્યું જતું કો માનવી જડતું નથી,
ભૂલથી જાગી ગયેલું બાળ પણ રડતું નથી;
ઊંડાણના અનુરાગથી મૃદુ ઓષ્ઠના ચુંબન સમું
અદૃશ્ય શું જન્મી ગયું કોઈ ગહનતમ વન સમું.
શી અરે કૈં ઓપતી સ્રોવર સપાટી શાંત છે
જાણે સકલ બસ સ્પષ્ટ છે; હ્યાં ના કશુંયે ભ્રાંત છે.
શાંતિની શી લીનતામાં મીન સૌ લેટી ગયાં,
સંસારનાં સુખદુઃખ પરસ્પર શું અજબ ભેટી રહ્યાં!
આછી રહી કો વાદળી શું વ્યોમ માંહે, ચંદ લૈ
પોઢી ગઈ; ઉડુની મીંચાઈ આંખડીયે મંદ કૈં,
અંધારને ઓઢી અહો સૌ વૃક્ષ પણ નિસ્તબ્ધ છે;
યોગીજનોના મન સમું જાણે સકલ સંબદ્ધ છે.
પાતળું મલમલ હવાનું મુક્ત પણ ફરકે નહીં,
ને રાત આ ગળતી જતી પણ લાગતું સરકે નહીં.
સંસારની હલચલ બધી શી અંધકારે શાંતરસ,
ટકટક થતી તે ત્યાહરે પણ ચાલતી ઘડિયાળ બસ.