સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/લાગી આવતું હોય તો —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} સ્ત્રી-સૌંદર્ય-હરીફાઈ થઈ, તો એક નેતાએ ઉચ્ચાર્યું : આપણી સ...")
 
(No difference)

Latest revision as of 06:37, 26 May 2021

          સ્ત્રી-સૌંદર્ય-હરીફાઈ થઈ, તો એક નેતાએ ઉચ્ચાર્યું : આપણી સંસ્કૃતિમાં તો ચારિત્રયની સુંદરતા એ જ સુંદરતા લેખાય છે. ચારિત્રયની સુંદરતાનો મહિમા કરવો, એ શું આપણી જ સંસ્કૃતિનો ઇજારો છે? આખી દુનિયા એક સમાજ જેવી થતી આવે છે. એટલે સ્ત્રીસૌંદર્ય-હરીફાઈ જેવી વસ્તુઓ પણ અહીં આવવાની. આપણી સ્ત્રીઓનું શું થશે? — એ આપણને થાય. પણ આપણે જો કાંઈ સ્ત્રીઓના હિતમાં બોલવું જ હોય, તો પહેલાં તો બીજું કાંઈક કહેવું વધુ યોગ્ય ગણાય. આપણી ખેતી-સંસ્કૃતિ. સ્ત્રીઓ ઢોરમજૂરી કરે. ક્યારેય પણ આમ તોર પર સ્ત્રીઓએ સમાનતા ભોગવી હોય, સ્ત્રીસન્માનની ભાવના સચવાઈ હોય, એ માનવું મુશ્કેલ જેવું છે. આજે પણ પ્રામાણિક માણસોએ પૂછવા જેવું છે કે સ્ત્રીઓની આટલી બધી સેવાઓ લેવાનો આપણને હક છે? તો, પહેલાં સ્ત્રી-સમાનતા અને સ્ત્રી— સન્માન માટે, સ્ત્રીઓનું શોષણ ન થાય તેને માટે બોલવું ઘટિત છે. અને ચારિત્રયની સુંદરતા અંગપ્રત્યાંગનાં હલનચલન, પહેરવેશ વગેરે દ્વારા પણ પ્રગટ થવાની નહીં શું? શ્રી (ગ્રેઈસ) એ વિશેષ કરીને સ્ત્રીનું લક્ષણ છે. આપણું અત્યારનું જીવન નઃશ્રીક (કશી શોભા-ભલીવાર વગરનું) થઈ ગયું છે, તેનું આપણને ભાન છે? આ શ્રી પૈસાની ઉડાઉગીરીમાંથી જ પ્રગટ થઈ શકે, એ આપણો વહેમ છે. અને આપણી ચારિત્રયપ્રીતિ વેશ્યાઓની નફરત કરીને પ્રગટ કરવાની આપણી રીત બરોબર છે? વેશ્યાના અધઃપતનમાં સમગ્ર સમાજની જવાબદારી અને શરમ નથી? આપણા સ્ત્રીસમાજ માટે આપણને બહુ લાગી આવતું હોય, તો પહેલાં આ વાતો પર ભાર મૂકીએ — પછી જ ચારિત્રયની સુંદરતા અને આપણી સંસ્કૃતિનું નામ લઈએ, એ વધુ સારું નહીં?