ગુજરાતી ગઝલસંપદા/અમૃત ‘ઘાયલ’: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading| અમૃત ‘ઘાયલ’ |}} <center> '''1''' </center> <poem> કેમ ભૂલી ગયા? દટાયો છું; આ ઈમારતનો હું ય પાયો છું.<br> હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું? અડધો પડધો જ ઓળખાયો છું.<br> વિસ્તર્યા વિણ બધેય છાયો છું, હું અજબ રીત...") |
(No difference)
|
Revision as of 02:38, 31 December 2022
કેમ ભૂલી ગયા? દટાયો છું;
આ ઈમારતનો હું ય પાયો છું.
હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું?
અડધો પડધો જ ઓળખાયો છું.
વિસ્તર્યા વિણ બધેય છાયો છું,
હું અજબ રીતથી ઘવાયો છું.
આમ તો એક બિન્દુ છું કિન્તુ,
સપ્તસિન્ધુથી સંકળાયો છું.
સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચન્દ્રની જેમ ચોડવાયો છું!
વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું.
રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું!
એ જ છે પ્રશ્ન : કોણ કોનું છે?
હું ય મારો નથી, પરાયો છું!
સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું!
ઊંચકે કોણ આ પંથ ભૂલ્યાને?
આપ મેળે જ ઊંચકાયો છું.
મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’
શૂન્ય કરતાં તો હું સવાયો છું.
શબ્દની આરપાર જીવ્યો છું,
હું બહુ ધારદાર જીવ્યો છું.
સામે પૂરે ધરાર જીવ્યો છું,
વિષ મહી નિર્વિકાર જીવ્યો છું.
ખૂબ અંદર બહાર જીવ્યો છું,
ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું.
મધ્યમાં જીવવું જ ના ફાવ્યું,
હું સદા બારોબાર જીવ્યો છું.
મંદ ક્યારેય ન થઈ મારી ગતિ,
આમ બસ મારનાર જીવ્યો છું.
આભની જેમ વિસ્તર્યો છું સતત,
અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું.
બાગ તો બાગ સૂર્યની પેઠે,
આગમાં પૂર બહાર જીવ્યો છું.
હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં,
હું ય બહુ ધોધમાર જીવ્યો છું.
આમ ‘ઘાયલ’ છું અદનો શાયર પણ,
સર્વથી શાનદાર જીવ્યો છું.
ગભરુ આંખોમાં કાજળ થઈ, લહેરાઈ જવામાં લિજ્જત છે,
ચર્ચાનો વિષય એ હોય ભલે, ચર્ચાઈ જવામાં લિજ્જત છે!
વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઈ જવામાં લિજ્જત છે,
હર ફૂલ મહીં ખુશ્બો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.
પરવાના પોઢી જાયે છે ચિર મૌનની ચાદર ઓઢીને,
હે દોસ્ત, શમાની ચોખટ પર ઓલાઈ જવામાં લિજ્જત છે.
દુ :ખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું શું? ડબલે પગલે પસ્તાવું શું?
એ જોકે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે.
જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહીં સમજી જ શકે;
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજ્જત છે!
બે વાત કરીને પારેવાં થઈ જાયે છે આડાંઅવળાં,
કૈં આમ પરસ્પર ગૂંથાઈ, વીખરાઈ જવામાં લિજ્જત છે!
સારાનરસાનું ભાન નથી પણ એટલું જાણું છું `ઘાયલ',
જે આવે ગળામાં ઊલટથી એ ગાઈ જવામાં લિજ્જત છે.
કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.
લજ્જા થકી નમેલા પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.
જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તોપણ મને ગમે છે.
હસવું સદાય હસવું, દુ :ખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડ્હાપણ મને ગમે છે.
આવી ગયાં છો, આંસુ, લૂછો નહીં ભલા થઈ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.