ગુજરાતી ગઝલસંપદા/અકબરઅલી જસદણવાલા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| અકબરઅલી જસદણવાલા |}} <poem> મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું, પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.<br> સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું, જીવનને હું વલોવી આત્મસં...") |
(No difference)
|
Revision as of 02:42, 31 December 2022
અકબરઅલી જસદણવાલા
મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.
સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું,
નયન નિર્મળ કરીને રૂપનાં દર્શન કરી લઉં છું.
નિરંતર શ્વાસ પર જીવનનું અવલંબન નથી હોતું,
બહુધા હું હૃદયમાં એક આંદોલન કરી લઉં છું.
અમે પાગલ અમારે ભેદ શો ચેતન-અચેતનમાં,
પ્રતિમા હો કે હો પડછાયો હું આલિંગન કરી લઉં છું.
સમય ક્યારે વિસામો ખાય છે ‘અકબર’ના જીવનમાં?
વિસર્જન થાય છે નિત, નિત નવું સર્જન કરી લઉં છું.