ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ|}} <poem> ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ. લહરી ઢળકી જતી, વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી, દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી, સ્વૈર પથ એહનો ઝાલ...")
(No difference)

Revision as of 04:56, 2 January 2023


ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ

ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
લહરી ઢળકી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને!

વિરહસંતપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો!

અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો!
ચંદ્રશાળા ભરી ઊછળે,
આંગણામાં ઢળે,
પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,
દૂર સરવરપટે મંદ જળના તરંગો પરે તગતગે.
અધિક ઉજ્જ્વળ કરંતો જ તુજ ભાલને, ગાલને.
સોમ એ હૃદયભર પી ઘડી મ્હાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને!

૨૭-૪-૧૯૫૧
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૭૯)