ગુજરાતી ગઝલસંપદા/ જલન માતરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| જલન માતરી |}} <center> '''1''' </center> <poem> મઝહબની એટલે તો ઈમારત બળી નથી, શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.<br> તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુજે લખી નથી.<br> ત્યાં સ્વર્ગ ના મળે તો...")
 
(No difference)

Latest revision as of 11:08, 8 January 2023


જલન માતરી
1

મઝહબની એટલે તો ઈમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

હિચકારું કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઈ શયતાનની નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

ઊઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે.
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.

2

દુ:ખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.

છે મસ્તીખોર કિંતુ દિલનો છે પથ્થર નહીં આવે,
સરિતાને કદી ઘર આંગણે સાગર નહીં આવે.

ચમનને આંખમાં લઈને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,
તને જોઈ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.

દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર, નહીં આવે.

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઈશ્વર નહીં આવે.