ગુજરાતી ગઝલસંપદા/ અદમ ટંકારવી: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading| અદમ ટંકારવી |}} <center> '''1''' </center> <poem> સ્મરણ લીલું કપૂરી પાન જેવું હવામાં ચોતરફ લોબાન જેવું<br> ઉડાડી છેક દરિયાપાર લઈ ગઈ હસી એક છોકરી વિમાન જેવું<br> ઉઘાડી આંખ છે ને દૃશ્ય ગાયબ સહજમાં થઈ ગ...") |
(No difference)
|
Latest revision as of 12:18, 8 January 2023
સ્મરણ લીલું કપૂરી પાન જેવું
હવામાં ચોતરફ લોબાન જેવું
ઉડાડી છેક દરિયાપાર લઈ ગઈ
હસી એક છોકરી વિમાન જેવું
ઉઘાડી આંખ છે ને દૃશ્ય ગાયબ
સહજમાં થઈ ગયું છે ધ્યાન જેવું
હશે આ ઘરની બારીનેય આંખો
હશે આ ભીંતને પણ કાન જેવું
ખબરઅંતર પૂછે ખેરાત જાણે
કરે છે સ્મિત તે પણ દાન જેવું
ઊભી પૂંછડીએ જે ભાગી રહ્યું છે
એ લાગે છે કોઈ ઇન્સાન જેવું
હતું જે સ્વપ્નમાં રેશમ ને મલમલ
ને જાગી જોઉં તો કંતાન જેવું
અદમ આ શ્વાસની ખીંટીએ લટકે
અમારું હોવું ખાલી મ્યાન જેવું
યાદોનાં પરફ્યુમ્સ ઊડે છે,
ડનલોપી સપનાં આવે છે.
તારી ગલીના લૅમ્પપોસ્ટ પર,
સાઠ વૉલ્ટનું ફૂલ ખીલે છે.
આજકાલ તો તારા બદલે,
નેઈમપ્લેટ ઉત્તર દઈ દે છે.
પ્રેમપત્ર પૂરો થઈ જાતાં,
ટાઈપરાઈટર આહ ભરે છે.
તારા શહેરની રોનક કેવી,
સઘળી ટ્રેનો ત્યાં થોભે છે.
લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા,
દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા…
શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા,
છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા…
ડહાપણને રામ રામ, અમે ન્યાલ થઈ ગયા,
દીવાનગી સલામ! અમે ન્યાલ થઈ ગયા…
યુગયુગની તરસનો હવે અંત આવશે,
તેઓ ધરે છે જામ, અમે ન્યાલ થઈ ગયા…
છેવટનાં બંધનોથીયે મુક્તિ મળી ગઈ,
ના કોઈ નામઠામ, અમે ન્યાલ થઈ ગયા…
છે ઓર સાદગીમાં હવે ઠાઠ આપણો,
ત્યાગીને સૌ દમામ, અમે ન્યાલ થઈ ગયા…
સોંપી હવે તો દિલની મતા એમને અદમ,
માંગી લીધો વિરામ, અમે ન્યાલ થઈ ગયા…