ગુજરાતી ગઝલસંપદા/ હરજીવન દાફડા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| હરજીવન દાફડા |}} <center> '''1''' </center> <poem> ઊભા હતા કોઈ અતલમાં હું અને મારી ગઝલ, ઘૂંટાઈને આવ્યા ખરલમાં હું અને મારી ગઝલ.<br> ટૂંકાણમાં અંત:કરણની વાત કહેવાનું થયું, બસ, ત્યારથી આવ્યા અમલમાં હુ...")
 
(No difference)

Latest revision as of 14:17, 8 January 2023


હરજીવન દાફડા
1

ઊભા હતા કોઈ અતલમાં હું અને મારી ગઝલ,
ઘૂંટાઈને આવ્યા ખરલમાં હું અને મારી ગઝલ.

ટૂંકાણમાં અંત:કરણની વાત કહેવાનું થયું,
બસ, ત્યારથી આવ્યા અમલમાં હું અને મારી ગઝલ.

પડતર પડેલા શબ્દોની ખેતી કરે કોઈ કલમ,
લહેરાઈએ ત્યારે ફસલમાં હું અને મારી ગઝલ.

શણગારવાની વિદ્વત્તા બાજુ ઉપર મૂકો જરા,
છીએ મનોહર દરઅસલમાં હું અને મારી ગઝલ.

કોઈ વિલક્ષણ પળ સમે પ્રગટી જવાની આશમાં,
શોધી રહ્યા વાહક સકલમાં હું અને મારી ગઝલ.

2

કોઈને આમ સમજાયો, કોઈને તેમ સમજાયો,
અઢી અક્ષર હતા તોયે ન પૂરો પ્રેમ સમજાયો.

જીવનનો દાખલો કોનો હશે સાચો, ખબર ક્યાં છે?
ગણી નાખ્યો હતો સૌએ સ્વયંને જેમ સમજાયો.

સદીઓથી ખીલા ફરતે હજી ચક્કર લગાવો છો,
ભલા માણસ ગતિનો અર્થ તમને એમ સમજાયો?

તમે આનંદને જોતા રહ્યા અવસાદની આંખે,
અમંગળ પત્ર વાંચ્યો મેં તો કુશળક્ષેમ સમજાયો.

યુગોની યાતનામાંથી નીકળતાં વાર ના લાગી,
એ ખડકી ખોલવાનો ભેદ અમને કેમ સમજાયો!