ગુજરાતી ગઝલસંપદા/ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ |}} <center> '''1''' </center> <poem> ક્યાં ગયા ચકચકતાં બેડાં પાણિયારાં ક્યાં ગયાં? ફ્રીઝવાસીઓ! તરસના એ સહારા ક્યાં ગયા?<br> ગામ આખ્ખું ગર્વ કરતું’તું દિવસમાં સો વખત, ગામના વ...")
 
(No difference)

Latest revision as of 14:31, 8 January 2023


રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
1

ક્યાં ગયા ચકચકતાં બેડાં પાણિયારાં ક્યાં ગયાં?
ફ્રીઝવાસીઓ! તરસના એ સહારા ક્યાં ગયા?

ગામ આખ્ખું ગર્વ કરતું’તું દિવસમાં સો વખત,
ગામના વડલા સમા એ ભાઈચારા ક્યાં ગયા?

વીજળી ન્હોતી ઘરેઘર માણસાઈના દીવા,
કોડિયાં બળતાં હતાં જે એકધારાં ક્યાં ગયા?

કોણ સાચું બેઉ પક્ષે મન હવે મૂંઝાય છે,
માગનારા ક્યાં ગયા, એ આપનારા ક્યાં ગયા?

કોઈ અભ્યાગત કદી મુંઝાય ના ક્યાંયે જરી,
લાગણીથી પોખતાં’તા એ ઊતારા ક્યાં ગયા?

જે રહ્યા એ ઠોકરો ખાતા અને નડતા સતત,
જે ગયા એના વિશે થાતું જનારા ક્યાં ગયા?

છે હવે ‘મિસ્કીન’ ‘ટ્રેક્ટર’ ખૂબ સારું છે મગર,
થાય છે એ વૃદ્ધ ગાડાં વાળનારા ક્યાં ગયા?

2

એક ઊભું આંગણામાં, વૃક્ષ બીજું રોડ પર,
ને વસંતે બેઉને સરખા જ શણગાર્યા હતા.

એકને પાણી નિરંતર એકને વરસાદમાં,
બેઉએ સરખા જ ડાળી-પાન વિસ્તાર્યા હતા.

પાંદડું તોડી શકાતું નહિ કદી પૂછ્યા વગર,
આંગણાના માલિકે કંઈ એ હદે ડાર્યા હતા.

સૌ જનારા – આવનારા રોડ પર માલિક હતા,
હાથ પકડી કોઈએ ના કોઈને વાર્યા હતા.

જેટલા જોતા હતા સરખાવતા’તા બેઉને,
પક્ષ પાડી માણસે માણસને પડકાર્યા હતા.

સાવ અંગત માલિકીનો છાંયડો આંગણ મહીં,
રોડ પરના છાંયડાએ સર્વને કર્યા હતા.

3

ઊભું'તું કોઈ જોતું રાહ પાદરના વળાંકે,
રઝળતો'તો નગરમાં શખ્સ જીવતરના વળાંકે.

કયું બળ છે જગતમાં દોડતા રાખે નિરંતર,
ક્યું ખેંચાણ થકવી જાય છે ઘરના વળાંકે.

ઘણી વાતો અજુગતી આજ લગી બાળકોની,
મને લાગ્યો અચાનક હુંય ઉમ્મરના વળાંકે.

ગયું આખુંય ઘર વિખરાઈ પૈસાદાર થઈને,
કમાલો પણ કરી કેવી મુકદ્દરના વળાંકે.

તરંગાતું રહ્યું તરસ્યું બનીને જળ પળેપળ,
ટહેલવા નીકળ્યું કોઈ સરોવ૨ના વળાંકે.

અને હર શખ્સ ઓચિંતો જ કૈં ઝડપાઈ જાતો,
૨હે સંતાઈને મૃત્યુ બરાબ૨ના વળાંકે.